૩ | જેઓએ તમારા જેવું અનુભવ્યું, તેઓ પાસેથી શીખો
પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે . . . એવાં ઘણાં વફાદાર સ્ત્રી-પુરુષો થઈ ગયાં જેઓને ‘આપણા જેવી જ’ લાગણીઓ હતી.—યાકૂબ ૫:૧૭.
એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?
બાઇબલમાં એવા ઘણા લોકો વિશે જણાવ્યું છે જેઓએ અલગ અલગ લાગણીઓનો અનુભવ કર્યો હતો. તેઓ વિશે વાંચતી વખતે આપણને કદાચ એવી કોઈ વ્યક્તિ વિશે જાણવા મળે જેણે આપણા જેવું જ અનુભવ્યું હતું.
આપણે શું કરી શકીએ?
આપણે દરેક ચાહીએ છીએ કે બીજાઓ આપણને સમજે, ખાસ કરીને જ્યારે માનસિક બીમારી સામે લડી રહ્યા હોઈએ. પણ જ્યારે બીજાઓ આપણને ન સમજે, ત્યારે એકલું એકલું લાગી શકે. એટલે જ્યારે બાઇબલમાંથી એવા લોકો વિશે વાંચીએ છીએ જેઓના વિચારો અને લાગણીઓ આપણાં જેવાં જ હતાં, ત્યારે આપણને ઘણો દિલાસો મળે છે. એનાથી ખબર પડે છે કે આ લડાઈમાં આપણે એકલા નથી, બીજાઓએ પણ એવાં જ ડર અને ચિંતાઓનો સામનો કર્યો છે.
બાઇબલના ઘણા અહેવાલોથી જોવા મળે છે કે અમુકે પોતાને લાચાર ગણ્યા હતા. શું તમને ક્યારેય લાગ્યું છે કે ‘બસ, હવે વધારે નહિ થાય’? મૂસા, એલિયા અને દાઉદને પણ એવું જ લાગ્યું હતું.—ગણના ૧૧:૧૪; ૧ રાજાઓ ૧૯:૪; ગીતશાસ્ત્ર ૫૫:૪.
બાઇબલમાં હાન્ના નામની સ્ત્રી વિશે જણાવ્યું છે. તેને કોઈ બાળક ન હતું એટલે તે “બહુ દુઃખી” રહેતી હતી. એટલું ઓછું હોય તેમ, એ વાતને લઈને તેના પતિની બીજી પત્ની પનિન્ના તેને મહેણાં-ટોણાં માર્યાં કરતી.—૧ શમુએલ ૧:૬, ૧૦.
બાઇબલમાં અયૂબ નામના માણસ વિશે જણાવ્યું છે. તેમણે પણ આપણા જેવી જ લાગણીઓનો અનુભવ કર્યો હતો. તેમને યહોવા પર પૂરી શ્રદ્ધા હતી. તોપણ જ્યારે તેમના પર એક પછી એક મુશ્કેલીઓ આવી પડી, ત્યારે તે અંદરથી ભાંગી પડ્યા. એકવાર તે એટલા દુઃખી થઈ ગયા કે તેમણે કહ્યું, “હું મારા જીવનથી કંટાળી ગયો છું; મારે હવે જીવવું જ નથી.”—અયૂબ ૭:૧૬.
એવા સંજોગોમાં પણ તેઓએ નિરાશ કરતા વિચારો અને લાગણીઓ પર કાબૂ મેળવ્યો. જ્યારે તેઓ વિશે બાઇબલમાંથી વાંચીએ છીએ, ત્યારે આપણને પણ એવી લાગણીઓ પર કાબૂ મેળવવા હિંમત મળે છે.