વાચકો તરફથી પ્રશ્નો
ગીતશાસ્ત્ર ૧૨:૭નું એ રીતે ભાષાંતર કરી શકાય છે, જેથી એ “દુખિયારા” લોકોને રજૂ કરી શકે. એવું શાના આધારે કહી શકાય?
ગીતશાસ્ત્ર ૧૨:૧-૪માં લખ્યું છે કે “દુનિયામાંથી વિશ્વાસુ લોકો ખતમ થઈ ગયા છે.” પછી ગીતશાસ્ત્ર ૧૨:૫-૭માં તેમણે કહ્યું:
“યહોવા કહે છે: ‘દુખિયારા પર થતો જુલમ જોઈને,
નિરાધારના નિસાસા સાંભળીને,
હું પગલાં ભરવા ઊભો થઈશ.
નફરત કરનારાઓથી હું તેઓને બચાવીશ.’
યહોવાની વાણી શુદ્ધ છે.
એ વાણી માટીની ભઠ્ઠીમાં સાત વાર શુદ્ધ થયેલી ચાંદી જેવી છે.
હે યહોવા, તમે તેઓનું રક્ષણ કરશો.
તમે એ દરેકને આ પેઢીથી કાયમ માટે સલામત રાખશો.”
કલમ ૫માં જણાવ્યું છે કે ઈશ્વર ‘દુખિયારાઓને’ બચાવશે.
કલમ ૬ જણાવે છે કે “યહોવાની વાણી શુદ્ધ છે.” એ “શુદ્ધ થયેલી ચાંદી જેવી છે.” યહોવાના બધા સેવકો એ શબ્દો સાથે સહમત છે.—ગીત. ૧૮:૩૦; ૧૧૯:૧૪૦.
કલમ ૬ “યહોવાની વાણી” વિશે વાત કરે છે. એટલે અમુક લોકોને લાગી શકે કે કલમ ૭ ઈશ્વરની વાણીને રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે ઘણા લોકો બાઇબલનો નાશ કરવા અને એના પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા. છતાં એ ટકી રહ્યું, કારણ કે ઈશ્વરે એનું રક્ષણ કર્યું છે.—યશા. ૪૦:૮; ૧ પિત. ૧:૨૫.
જોકે યહોવા કલમ ૫માં જણાવેલા લોકોનું પણ રક્ષણ કરે છે. તેમણે ‘દુખિયારાઓને’ અને જેઓ પર “જુલમ” ગુજારવામાં આવે છે, તેઓને બચાવ્યા છે અને તેઓની મદદ કરી છે. ભાવિમાં પણ તે એમ કરતા રહેશે.—અયૂ. ૩૬:૧૫; ગીત. ૬:૪; ૩૧:૧, ૨; ૫૪:૭; ૧૪૫:૨૦.
તો પછી કલમ ૭માં શાના વિશે વાત થાય છે? તેમની વાણી કે લોકો વિશે?
આ કલમો પર ઊંડો વિચાર કરવાથી ખ્યાલ આવે છે કે કલમ ૭ લોકો વિશે વાત કરે છે.
ગીતશાસ્ત્ર અધ્યાય ૧૨ની શરૂઆતમાં દાઉદે સમજાવ્યું કે લોકો ખૂબ બેવફા અને બેઇમાન બન્યા હતા અને તેઓના લીધે તેમણે અને બીજાઓએ સહેવું પડ્યું હતું. પછી જોવા મળે છે કે જેઓ ખરાબ વાતો કરે છે, તેઓ વિરુદ્ધ યહોવા પગલાં ભરશે. આ ગીત ભરોસો અપાવે છે કે યહોવા ચોક્કસ પોતાના લોકો વતી પગલાં ભરશે, કારણ કે તેમની વાણી શુદ્ધ છે.
એટલે કલમ ૭માં “તેઓનું” લોકોને રજૂ કરે છે, જેઓ દુષ્ટોના શિકાર બન્યા છે.
તો પછી કેમ અમુક લોકો આ કલમને અલગ રીતે સમજે છે? કેમ કે હિબ્રૂ શાસ્ત્રવચનોની અમુક ભરોસાપાત્ર નકલોમાં “તેઓનું” શબ્દ લોકોને અને ઈશ્વરની વાણીને રજૂ કરી શકે છે. પણ ગ્રીક સેપ્ટુઆજીંટમાં આવું લખ્યું છે: “તમે અમારું રક્ષણ કરશો” અને “તમે અમને . . . સલામત રાખશો.” એ એવા વફાદાર લોકોને બતાવે છે, જેઓ દુખિયારા છે અને જેઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે. તેઓને “આ પેઢીથી” એટલે કે દુષ્ટ કામો કરતા માણસોથી સલામત રાખવામાં આવશે. (ગીત. ૧૨:૭, ૮) હિબ્રૂ શાસ્ત્રવચનોના એક અરામિક ભાષાંતરમાં આ કલમ આ રીતે લખાઈ છે: “હે પ્રભુ, તમે નેક લોકોનું રક્ષણ કરશો, તમે તેઓને આ દુષ્ટ પેઢીથી કાયમ માટે સલામત રાખશો.” આનાથી પણ સાબિત થાય છે કે ગીતશાસ્ત્ર ૧૨:૭ કલમ ઈશ્વરની વાણીને રજૂ કરતી નથી.
એ કારણને લીધે આ કલમ આશા આપે છે કે ઈશ્વર “વિશ્વાસુ લોકો” માટે પગલાં ભરશે.