વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 જુલાઈ પાન ૮-૧૩
  • શું તમે સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખરા-ખોટા વચ્ચેનો ફરક પારખવા કયા ગુણો જરૂરી છે?
  • સત્યને કઈ રીતે વળગી રહી શકીએ?
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • દિલને સ્પર્શી જાય એ રીતે બાઇબલની વાતો જણાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 જુલાઈ પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૨૮

ગીત ૪૩ જાગતા રહીએ

શું તમે સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખો છો?

“દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો.”—એફે. ૬:૧૪.

આપણે શું શીખીશું?

યહોવાએ આપણને જે સત્ય શીખવ્યું છે તેમજ શેતાન અને આપણા વિરોધીઓ જે જૂઠાણું ફેલાવે છે, એ વચ્ચેનો ફરક પારખતા કઈ રીતે શીખી શકીએ?

૧. બાઇબલમાં આપેલા સત્ય વિશે તમને કેવું લાગે છે?

યહોવાના લોકોને બાઇબલનું સત્ય બહુ જ વહાલું છે. એ આપણી શ્રદ્ધાનો પાયો છે. (રોમ. ૧૦:૧૭) આપણને ખાતરી થઈ છે કે યહોવાએ ખ્રિસ્તી મંડળની સ્થાપના કરી છે, “જે સત્યનો સ્તંભ અને આધાર છે.” (૧ તિમો. ૩:૧૫) ‘જેઓ આપણામાં આગેવાની લે છે,’ તેઓને આપણે ખુશી ખુશી આધીન રહીએ છીએ. (હિબ્રૂ. ૧૩:૧૭) તેઓ આપણને બાઇબલની સાચી વાતો શીખવે છે અને ઈશ્વરની ઇચ્છાના સુમેળમાં હોય એવું માર્ગદર્શન આપે છે.

૨. યાકૂબ ૫:૧૯માં જણાવ્યું છે તેમ, બાઇબલની સાચી વાતો શીખ્યા પછી પણ આપણી સાથે શું થઈ શકે?

૨ આપણે સ્વીકારીએ છીએ કે બાઇબલની વાતો સાચી છે. એ પણ સ્વીકારીએ છીએ કે આપણને ઈશ્વરના સંગઠન તરફથી મળતા માર્ગદર્શનની જરૂર છે. તોપણ સત્યના માર્ગથી ભટકી જઈ શકીએ છીએ. (યાકૂબ ૫:૧૯ વાંચો.) શેતાન ચાહે છે કે આપણે બાઇબલની વાતો પર અથવા સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પર ભરોસો મૂકવાનું છોડી દઈએ.—એફે. ૪:૧૪.

૩. આપણે કેમ સત્યને વળગી રહેવું જોઈએ? (એફેસીઓ ૬:૧૩, ૧૪)

૩ એફેસીઓ ૬:૧૩, ૧૪ વાંચો. બહુ જલદી શેતાન એવી જૂઠી વાતો ફેલાવશે, જેથી બધાં રાષ્ટ્રો યહોવાની વિરુદ્ધ થઈ જશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪) આપણે એ પણ જાણીએ છીએ કે યહોવાના લોકોને ગેરમાર્ગે દોરવા શેતાન પહેલાં કરતાં પણ વધારે જોર લગાવશે. (પ્રકટી. ૧૨:૯) એટલે એ બહુ જરૂરી છે કે આપણે ખરા-ખોટા વચ્ચેનો ફરક પારખતા શીખીએ અને સત્યને વળગી રહીએ. (રોમ. ૬:૧૭; ૧ પિત. ૧:૨૨) એમ કરીશું તો જ મોટી વિપત્તિમાંથી બચી શકીશું.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૪ આ લેખમાં આપણે બે ગુણો પર ચર્ચા કરીશું. એ ગુણો કેળવવાથી બાઇબલનું સત્ય પારખવા અને ઈશ્વરના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન સ્વીકારવા મદદ મળશે. પછી ત્રણ સૂચનો પર ચર્ચા કરીશું, જેથી સત્યને દૃઢતાથી વળગી રહી શકીએ.

ખરા-ખોટા વચ્ચેનો ફરક પારખવા કયા ગુણો જરૂરી છે?

૫. યહોવા માટેનો ડર કઈ રીતે સત્ય પારખવા મદદ કરે છે?

૫ યહોવાનો ડર. યહોવાનો ડર રાખવાનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે આપણે યહોવાને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તેમને દુઃખ થાય એવું કંઈ કરવા નથી માંગતા. આપણે ખરા-ખોટા વચ્ચેનો તેમજ સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખવાનું શીખવા આતુર છીએ, જેથી યહોવાની કૃપા મેળવી શકીએ. (નીતિ. ૨:૩-૬; હિબ્રૂ. ૫:૧૪) આપણા પર માણસોનો ડર કદી પણ એટલો હાવી ન થવો જોઈએ કે યહોવા માટેનો પ્રેમ ઓછો થઈ જાય. જો એમ થવા દઈશું તો માણસો ખુશ થશે અને જે બાબતોથી માણસો ખુશ થાય છે, એનાથી મોટા ભાગે યહોવા ખુશ નથી થતા.

૬. માણસોના ડરના લીધે દસ જાસૂસોએ શું કર્યું?

૬ યહોવાથી વધારે માણસોનો ડર રાખીશું તો, આપણે સત્યના માર્ગથી દૂર જતા રહીશું. ધ્યાન આપો કે ૧૨ ઇઝરાયેલી જાસૂસો સાથે શું બન્યું હતું. તેઓ વચનના દેશમાં જાસૂસી કરવા ગયા હતા. તેઓમાંથી દસ જાસૂસો કનાનીઓથી એટલા ડરી ગયા કે તેઓનો યહોવા માટેનો પ્રેમ ફિક્કો પડી ગયો. તેઓએ સાથી ઇઝરાયેલીઓને કહ્યું: “આપણે એ લોકો પર ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે.” (ગણ. ૧૩:૨૭-૩૧) મનુષ્યની નજરે જોઈએ તો, કનાનીઓ ખરેખર ઇઝરાયેલીઓ કરતાં વધારે શક્તિશાળી હતા. પણ લોકો એ વાત ભૂલી ગયા હતા કે યહોવા ઇઝરાયેલીઓના પક્ષમાં છે, એટલે કનાનીઓ તેઓને હરાવી શકતા નથી. એ દસ જાસૂસોએ યાદ કરવું જોઈતું હતું કે થોડા જ સમય પહેલાં યહોવાએ ઇઝરાયેલીઓ માટે કેટકેટલું કર્યું હતું. એમ કરવાથી તેઓ સમજી શક્યા હોત કે સર્વશક્તિમાન ઈશ્વરની સામે કનાનીઓની કોઈ જ વિસાત નથી. તેઓથી સાવ વિરુદ્ધ યહોશુઆ અને કાલેબ યહોવાનો ડર રાખતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. એટલે તેઓએ ઇઝરાયેલીઓને કહ્યું: ‘જો યહોવા આપણાથી ખુશ હશે, તો તે ચોક્કસ આપણને એ દેશમાં લઈ જશે.’—ગણ. ૧૪:૬-૯.

૭. આપણે યહોવા માટેનો ડર કેવી રીતે વધારી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૭ યહોવા માટેનો ડર વધારવા જરૂરી છે કે દરેક નિર્ણય લેતા પહેલાં વિચારીએ કે યહોવા શાનાથી ખુશ થશે. (ગીત. ૧૬:૮) બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે પોતાને પૂછો: ‘જો હું આ સંજોગમાં હોત, તો મેં શું કર્યું હોત?’ દાખલા તરીકે, કલ્પના કરો કે દસ જાસૂસો ખોટી માહિતી આપી રહ્યા છે ત્યારે, તમે ત્યાં જ છો. તેઓ કહી રહ્યા છે કે તેઓ કનાનીઓ પર જીત નહિ મેળવી શકે. હવે તમે શું કરશો? શું તમે તેઓની વાત સાચી માની લેશો અને માણસોનો ડર રાખશો? કે પછી યહોવાનો ડર રાખશો અને તેમને ગમે છે એ જ કરશો? દુઃખની વાત છે કે ઇઝરાયેલીઓની એ આખી પેઢીએ યહોશુઆ અને કાલેબની વાત માની નહિ, જેઓ સાચું કહી રહ્યા હતા. પરિણામે, તેઓએ વચનના દેશમાં જવાનો મોકો ગુમાવી દીધો.—ગણ. ૧૪:૧૦, ૨૨, ૨૩.

યહોશુઆ અને કાલેબ ઇઝરાયેલીઓને કાલાવાલા કરી રહ્યા છે. ઇઝરાયેલીઓ બહુ ગુસ્સામાં છે અને એ બંનેને પથ્થરે મારવાની તૈયારીમાં છે. પાછળ વાદળનો સ્તંભ છે.

તમે કોની વાત માની હોત? (ફકરો ૭ જુઓ)


૮. આપણે કયો ગુણ કેળવતા રહેવું જોઈએ અને શા માટે?

૮ નમ્ર રહીએ. યહોવા નમ્ર લોકોને જ પોતાનું સત્ય જણાવે છે. (માથ. ૧૧:૨૫) નમ્ર હોવાને લીધે જ આપણે બીજાઓની મદદ સ્વીકારી અને બાઇબલનું સત્ય શીખ્યા. (પ્રે.કા. ૮:૩૦, ૩૧) પણ જો ધ્યાન નહિ રાખીએ, તો આપણામાં ઘમંડ આવી શકે છે. ઘમંડી વ્યક્તિ એવું વિચારવા લાગે કે તેના વિચારો બાઇબલના સિદ્ધાંતો અને સંગઠનના માર્ગદર્શન જેટલા જ મહત્ત્વના છે. એટલે તેને લાગી શકે કે સિદ્ધાંતો પ્રમાણે જીવવું કે નહિ એનો નિર્ણય પોતે લઈ શકે છે.

૯. નમ્ર બની રહેવા શું કરી શકીએ?

૯ નમ્ર બની રહેવા યાદ રાખીએ કે યહોવા કેટલા મહાન છે અને તેમની સામે આપણે કેટલા નજીવા છીએ. (ગીત. ૮:૩, ૪) આપણે યહોવાને પ્રાર્થના પણ કરી શકીએ, જેથી નમ્ર રહીએ અને શીખવા તૈયાર રહીએ. યહોવા આપણને મદદ કરશે, જેથી આપણે પોતાના વિચારો કરતાં તેમના વિચારોને વધારે મહત્ત્વ આપીએ. એમ કરવા તે બાઇબલનો અને સંગઠનનો ઉપયોગ કરે છે. બાઇબલ વાંચો ત્યારે વિચારો કે યહોવા કઈ રીતે નમ્ર લોકોને પ્રેમ કરે છે અને ઘમંડી તેમજ અભિમાની લોકોને નફરત કરે છે. હવે ધારો કે તમને એવી જવાબદારી મળે છે, જેના લીધે તમને અધિકાર મળે છે અથવા તમે લોકોની નજરમાં આવો છો. એવા સમયે પણ નમ્ર બની રહેવું ખૂબ જરૂરી છે.

સત્યને કઈ રીતે વળગી રહી શકીએ?

૧૦. યહોવા કોના દ્વારા પોતાના લોકોને સલાહ-સૂચન અને માર્ગદર્શન આપતા આવ્યા છે?

૧૦ યહોવાના સંગઠનથી મળતા માર્ગદર્શન પર હંમેશાં ભરોસો રાખીએ. પ્રાચીન સમયમાં મૂસા અને પછી યહોશુઆ દ્વારા યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપતા હતા. (યહો. ૧:૧૬, ૧૭) જ્યારે ઇઝરાયેલીઓ સમજ્યા કે એ માર્ગદર્શન કોઈ મનુષ્ય નહિ, પણ યહોવા તરફથી છે, ત્યારે તેઓને ઘણા આશીર્વાદો મળ્યા. સદીઓ પછી ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ. એ વખતે યહોવા ૧૨ પ્રેરિતો દ્વારા ખ્રિસ્તી મંડળને માર્ગદર્શન આપતા હતા. (પ્રે.કા. ૮:૧૪, ૧૫) સમય જતાં, માર્ગદર્શન આપવા યરૂશાલેમના બીજા વડીલોનો પણ ઉમેરો કરાયો. એ વિશ્વાસુ પુરુષો જે સલાહ-સૂચનો આપતા, એ પાળવાથી “મંડળો શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.” (પ્રે.કા. ૧૬:૪, ૫) આજના સમયમાં યહોવા તરફથી મળતું માર્ગદર્શન પાળીએ છીએ ત્યારે તે આપણને આશીર્વાદ આપે છે. પણ આનો વિચાર કરો: આગેવાની લેવા યહોવાએ કોને પસંદ કર્યા છે એ પારખવાનું ચૂકી જઈશું, તો યહોવાને કેવું લાગશે? એનો જવાબ મેળવવા ચાલો વિચાર કરીએ કે વચનના દેશમાં જતા પહેલાં ઇઝરાયેલીઓ સાથે શું બન્યું હતું.

૧૧. જ્યારે ઇઝરાયેલના અમુક લોકોએ મૂસાની આગેવાની પર સવાલ ઉઠાવ્યો, ત્યારે શું બન્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૧ વચનના દેશ સુધીની મુસાફરી દરમિયાન, અમુક મોટા અને જાણીતા લોકોએ મૂસા સામે અને યહોવાએ તેમને જે જવાબદારી સોંપી હતી એની સામે સવાલ ઉઠાવ્યો. તેઓએ કહ્યું: “[ફક્ત મૂસા જ નહિ] આખું મંડળ, હા, બધા લોકો પવિત્ર છે અને યહોવા તેઓની મધ્યે છે.” (ગણ. ૧૬:૧-૩) એ વાત સાચી હતી કે મંડળના “બધા લોકો” યહોવા માટે પવિત્ર હતા, પણ આગેવાની લેવા યહોવાએ મૂસાને પસંદ કર્યા હતા. (ગણ. ૧૬:૨૮) એટલે જ્યારે તેઓએ મૂસાની નિંદા કરી, ત્યારે જાણે તેઓએ યહોવાની નિંદા કરી. વધારે માન-મોભો મેળવવાની લ્હાયમાં તેઓ યહોવા પર ધ્યાન આપવાનું ચૂકી ગયા. એ કારણે યહોવાએ એ બંડખોર લોકોને અને તેઓને સાથ આપતા હજારો ઇઝરાયેલીઓને મોતને ઘાટ ઉતાર્યા. (ગણ. ૧૬:૩૦-૩૫, ૪૧, ૪૯) આપણે પણ ખાતરી રાખી શકીએ કે જેઓ યહોવાના સંગઠનથી મળતા માર્ગદર્શનને નથી પાળતા, તેઓથી તે ખુશ નથી થતા.

મૂસા અને હારુન એક ખડક આગળ ઊભા છે. ઇઝરાયેલીઓ ગુસ્સામાં બૂમો પાડી રહ્યા છે અને મુઠ્ઠી હલાવી રહ્યા છે.

તમે કોને સાથ આપ્યો હોત? (ફકરો ૧૧ જુઓ)


૧૨. આપણે કેમ યહોવાના સંગઠન પર પૂરો ભરોસો રાખી શકીએ?

૧૨ આપણે યહોવાના સંગઠન પર ભરોસો રાખી શકીએ છીએ. જ્યારે આગેવાની લેતા ભાઈઓને આપણા શિક્ષણમાં અથવા રાજ્યના કામની રીતમાં કોઈ ફેરબદલ કરવાની જરૂર લાગે, ત્યારે તેઓ એમ કરવામાં પાછી પાની નથી કરતા. (નીતિ. ૪:૧૮) કારણ કે તેઓ માટે યહોવાને ખુશ કરવા સૌથી મહત્ત્વનું છે. એ ઉપરાંત, તેઓ ધ્યાન રાખે છે કે તેઓના નિર્ણયો બાઇબલને આધારે હોય. કારણ કે યહોવાના બધા લોકો માટે બાઇબલ ખરા શિક્ષણનું ધોરણ છે.

૧૩. ‘ખરા શિક્ષણનું ધોરણ’ શું છે અને આપણે શું કરવું જોઈએ?

૧૩ ‘ખરા શિક્ષણના ધોરણને વળગી રહીએ.’ (૨ તિમો. ૧:૧૩, ફૂટનોટ) ‘ખરા શિક્ષણનું ધોરણ’ ઈસુએ શીખવેલી વાતોને અને બાઇબલમાં આપેલા બધા શિક્ષણને રજૂ કરે છે. (યોહા. ૧૭:૧૭) આપણી શ્રદ્ધાનો આધાર એ શિક્ષણ છે. યહોવાના સંગઠને આપણને શીખવ્યું છે કે આંખ બંધ કરીને બધું માની ન લઈએ. પણ જે માનીએ છીએ એ ખરા શિક્ષણના ધોરણને આધારે છે કે નહિ એ પારખીએ. જ્યાં સુધી એ શિક્ષણ પ્રમાણે ચાલતા રહીશું, ત્યાં સુધી યહોવા આશીર્વાદ આપતા રહેશે.

૧૪. કઈ રીતે અમુક ખ્રિસ્તીઓ “ખરા શિક્ષણના ધોરણને” વળગી રહેવાનું ચૂકી ગયા?

૧૪ જો આપણે “ખરા શિક્ષણના ધોરણને” વળગી નહિ રહીએ, તો શું થઈ શકે છે? ધ્યાન આપો કે પહેલી સદીમાં શું થયું હતું. એ સમયે અમુક ખ્રિસ્તીઓ એવી અફવા ફેલાવવા લાગ્યા કે યહોવાનો દિવસ આવી ગયો છે. એવું લાગે છે કે તેઓને એક પત્ર મળ્યો હતો, જેમાં એ વાત લખેલી હતી. લોકોને લાગ્યું કે એ પત્ર પાઉલ તરફથી હતો. તેઓએ હકીકત જાણવાની કોશિશ ન કરી, પણ એ અફવા માની લીધી. એટલું જ નહિ, તેઓએ બીજાઓને પણ એ જણાવી. તેઓએ યાદ રાખવાનું હતું કે પાઉલ તેઓની સાથે હતા ત્યારે શું શીખવ્યું હતું. જો એમ કર્યું હોત, તો છેતરાયા ન હોત. (૨ થેસ્સા. ૨:૧-૫) પાઉલે તેઓને સલાહ આપી કે તેઓ દરેક વાત આંખો મીંચીને માની ન લે. ભાવિમાં આવું ફરી ન બને એ માટે થેસ્સાલોનિકીઓને લખેલા બીજા પત્રના અંતમાં પાઉલે જણાવ્યું: “હું પાઉલ મારા હાથે તમને સલામ લખું છું, જે મારા દરેક પત્રમાં હોય છે. હું આ રીતે જ પત્ર લખું છું.”—૨ થેસ્સા. ૩:૧૭.

૧૫. જૂઠાણાંથી છેતરાઈ ન જઈએ એ માટે આપણે શું કરવું જોઈએ? એક દાખલો આપો. (ચિત્રો પણ જુઓ.)

૧૫ પાઉલે થેસ્સાલોનિકીઓને જે લખ્યું એનાથી શું શીખી શકીએ? જ્યારે એવી કોઈ વાત સાંભળવા મળે જે બાઇબલના શિક્ષણ સાથે મેળ ખાતી ન હોય, કે પછી કોઈ અફવા સાંભળવા મળે, ત્યારે સમજશક્તિ વાપરવી જોઈએ. ધ્યાન આપો કે અગાઉના સોવિયેત યુનિયનમાં આપણા ભાઈઓ સાથે શું બન્યું હતું. એકવાર સરકારના લોકોએ આપણા ભાઈઓને એક પત્ર મોકલ્યો. એવું લાગતું હતું કે એ પત્ર જાણે જગત મુખ્યમથકેથી આવ્યો હોય. એ પત્રમાં અમુક ભાઈઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ એક જુદું સંગઠન બનાવે. એ પત્ર આમ તો સાચો લાગતો હતો, પણ વફાદાર ભાઈઓ છેતરાયા નહિ. તેઓ સમજી ગયા કે એમાં લખેલી વાતો બાઇબલના શિક્ષણની સુમેળમાં નથી. આજે પણ દુશ્મનો અમુક વાર ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા દ્વારા આપણને મૂંઝવણમાં મૂકવાનો કે આપણી વચ્ચે ભાગલા પાડવાનો પ્રયત્ન કરે છે. એમ થાય ત્યારે આપણે ‘સમજશક્તિ તરત ગુમાવવી ન જોઈએ.’ એને બદલે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જે વાંચ્યું કે સાંભળ્યું એ બાઇબલ પ્રમાણે યોગ્ય છે કે નહિ. એમ કરીશું તો છેતરાઈશું નહિ.—૨ થેસ્સા. ૨:૨, ફૂટનોટ; ૧ યોહા. ૪:૧.

ચિત્રો: ૧. વર્ષો પહેલાંનું ચિત્ર છે. અમુક ભાઈઓ એક ઘરમાં ભેગા મળ્યા છે. એક ભાઈ બીજા ભાઈઓને એક પત્ર બતાવે છે, જેના પર “વૉચ ટાવર” લખ્યું છે. ૨. આજના સમયનું ચિત્ર છે. અમુક ભાઈ-બહેનો ભેગાં મળ્યાં છે અને ખાઈ-પી રહ્યાં છે. એક ભાઈ બીજાં ભાઈ-બહેનોને ઇન્ટરનેટ પર એક વીડિયો બતાવે છે, જે યહોવાના સાક્ષીઓ વિશે છે.

શું તમે જૂઠી વાતોથી છેતરાઈ જશો? (ફકરો ૧૫ જુઓ)a


૧૬. જ્યારે કોઈ સત્યથી દૂર જતું રહે છે, ત્યારે રોમનો ૧૬:૧૭, ૧૮ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?

૧૬ યહોવાના વફાદાર સેવકો સાથે મળીને તેમની ભક્તિ કરીએ. યહોવા ઇચ્છે છે કે આપણે એક થઈને તેમની ભક્તિ કરીએ. જ્યાં સુધી સત્યને વળગી રહીશું, ત્યાં સુધી આપણી એકતા જળવાઈ રહેશે. પણ જે લોકો સત્યને વળગી નથી રહેતા, તેઓ જૂઠી વાતો ફેલાવે છે અને મંડળમાં ભાગલા પાડે છે. યહોવા ચાહે છે કે આપણે એવા લોકોથી ‘દૂર રહીએ.’ જો એમ નહિ કરીએ, તો કદાચ આપણે પણ ખોટી વાતોને સાચી માની લઈશું અને યહોવાને બેવફા બનીશું.—રોમનો ૧૬:૧૭, ૧૮ વાંચો.

૧૭. સત્યને પારખીશું અને એને વળગી રહીશું તો કયો ફાયદો થશે?

૧૭ સત્યને પારખીશું અને એને વળગી રહીશું તો, યહોવાની નજીક રહીશું અને આપણી શ્રદ્ધા મજબૂત રહેશે. (એફે. ૪:૧૫, ૧૬) એનાથી શેતાનનાં જૂઠા શિક્ષણ અને છેતરામણી વાતોથી પોતાનું રક્ષણ કરી શકીશું. તેમ જ, મોટી વિપત્તિ દરમિયાન યહોવાના હાથમાં સલામત રહીશું. તો જે ખરું છે એને તમે પકડી રાખો અને “શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.”—ફિલિ. ૪:૮, ૯.

તમે શું કહેશો?

  • સત્યને પારખવું શા માટે મહત્ત્વનું છે?

  • યહોવા માટેનો ડર અને નમ્રતા કઈ રીતે જે ખરું છે એ પારખવા અને એને વળગી રહેવા મદદ કરે છે?

  • સત્યને વળગી રહેવા શાનાથી મદદ મળશે?

ગીત ૩૨ અડગ રહીએ

a ચિત્રની સમજ: વર્ષો પહેલાંનું એક દૃશ્ય. અગાઉના સોવિયેત યુનિયનમાં સરકારના લોકોએ આપણા ભાઈઓને એક પત્ર મોકલ્યો. એવું લાગતું હતું કે એ પત્ર જાણે જગત મુખ્યમથકેથી આવ્યો હોય. આજે પણ દુશ્મનો અમુક વાર ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા દ્વારા એવી માહિતી ફેલાવે છે, જે યહોવાના સંગઠન વિરુદ્ધ હોય.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો