માર્ચ ૩૦–એપ્રિલ ૫, ૨૦૨૬
ગીત ૧૫૩ આપણને ખુશી થાય છે
દિલને સ્પર્શી જાય એ રીતે બાઇબલની વાતો જણાવીએ
“યહોવા, સત્યના ઈશ્વર.”—ગીત. ૩૧:૫.
આપણે શું શીખીશું?
આપણે કઈ રીતે સાચી માહિતી જણાવી શકીએ? વ્યક્તિને મદદ મળે એ રીતે બાઇબલની વાતો શીખવવા શું કરી શકીએ?
૧. યહોવાના કુટુંબનો ભાગ બનવા શું કરવું જરૂરી છે?
આપણે પહેલી વાર કોઈ યહોવાના સાક્ષીને મળીએ ત્યારે પૂછીએ છીએ, “તમે યહોવાના સાક્ષી કઈ રીતે બન્યા?” અમુક કહેશે, “અમને મમ્મી-પપ્પાએ શીખવ્યું.” બીજા અમુક કહેશે, “અમે હમણાં હમણાં જ યહોવા વિશે શીખ્યા છીએ.” આપણે એવું કેમ કહીએ છીએ? બાઇબલની વાતો સાંભળીને આપણે સમજી ગયા કે બાઇબલમાં જ સાચું માર્ગદર્શન છે. એ વાતો આપણાં દિલને સ્પર્શી ગઈ. આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગતા હતા. એટલે પોતાનાં વાણી-વર્તનમાં ફેરફાર કર્યો અને એ પ્રમાણે જીવવા લાગ્યા. જેમ કે, આપણે દરેક બાબતમાં સાચું બોલવા લાગ્યા અને એકેએક કામ પ્રમાણિક રીતે અથવા ઈમાનદારીથી કરવા લાગ્યા.—ગીત. ૧૫:૧-૩.
૨. (ક) ઈસુ વિશે લોકો શું જાણતા હતા? (ખ) ઈસુના શિક્ષણની લોકો પર કેવી અસર થવાની હતી?
૨ ઈસુએ પોતાના જીવનથી બતાવી આપ્યું કે તે હંમેશાં ઈમાનદાર હતા. ભલે લોકોને ગમે કે ન ગમે, તે હંમેશાં સાચું બોલતા. અરે, એ વાત તેમના દુશ્મનોએ પણ સ્વીકારી. (માથ. ૨૨:૧૬) તેમણે શિષ્યોને જણાવ્યું કે તેમના શિક્ષણની લોકો પર કેવી અસર થશે. ઈસુએ કહ્યું: “હું ભાગલા પાડવા આવ્યો છું. દીકરો તેના પિતા વિરુદ્ધ, દીકરી તેની મા વિરુદ્ધ, વહુ તેની સાસુ વિરુદ્ધ થશે.” (માથ. ૧૦:૩૫) ઈસુ અને તેમના શિષ્યોના સંદેશાનો લોકો વિરોધ કરે એવું તે ચાહતા ન હતા. પણ તે જાણતા હતા કે એવું થવાનું છે. (માથ. ૨૩:૩૭) તેમને ખબર હતી કે તેમના સંદેશાથી લોકોમાં ભાગલા પડી જશે, અમુકને એ ગમશે તો અમુકને એ નહિ ગમે.—૨ થેસ્સા. ૨:૯-૧૧.
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ ઈસુની જેમ આપણે પણ ઈમાનદાર રહેવાની કોશિશ કરીએ છીએ. લોકોને ગમે કે ન ગમે, આપણે હંમેશાં સાચું બોલીએ છીએ. આપણે પ્રચાર કરતા રહીએ છીએ અને શીખવતા રહીએ છીએ, પછી ભલે અમુક લોકોને આપણો સંદેશો ન ગમે. પણ શું બાઇબલની વાતો ક્યારે અને કઈ રીતે જણાવીશું, એના પર ધ્યાન નહિ આપીએ તો ચાલશે? ના, એવું નથી. આ લેખમાં સૌથી પહેલા આ સવાલનો જવાબ મેળવીશું: આપણે સાચી વાતો ક્યાંથી જાણી શકીએ? પછી આ સવાલોની ચર્ચા કરીશું: આપણે સાચી માહિતી કેમ જણાવીએ છીએ? બાઇબલની વાતો ક્યારે અને કઈ રીતે જણાવવી જોઈએ? એ સવાલોના જવાબ જાણવાથી સમજી વિચારીને અને યોગ્ય સમયે બાઇબલની વાતો જણાવી શકીશું. આમ, લોકોના દિલને સ્પર્શી જાય એ રીતે શીખવી શકીશું.
આપણે સાચી વાતો ક્યાંથી જાણી શકીએ?
૪. કેમ કહી શકીએ કે યહોવા સત્યના ઈશ્વર છે?
૪ યહોવા “સત્યના ઈશ્વર” છે. (ગીત. ૩૧:૫) એવું કેમ કહી શકીએ? તે હંમેશાં સાચું બોલે છે. તે ખરા-ખોટા વિશે જે કંઈ કહે છે, એ હંમેશાં સાચું હોય છે. (ગીત. ૧૯:૯; ૧૧૯:૧૪૨, ૧૫૧) તે ભાવિ વિશે જે કંઈ કહે છે, એ કાયમ સાચું પડે છે. (યશા. ૫૫:૧૦, ૧૧) તે પોતાનું એકેએક વચન પાળે છે. (ગણ. ૨૩:૧૯) અરે, યહોવા માટે જૂઠું બોલવું અશક્ય છે!—હિબ્રૂ. ૬:૧૮.
૫. ‘સત્યના ઈશ્વરને’ શોધવા કેમ અઘરું નથી? સમજાવો. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭)
૫ કદાચ અમુક લોકો કહેશે કે “સત્યના ઈશ્વર” યહોવાને શોધવા, એટલે કે તેમને ઓળખવા ખૂબ જ અઘરું છે. પણ એવું જરાય નથી. તેમણે બનાવેલી સૃષ્ટિથી સાબિત થાય છે કે તે સાચે જ છે. (રોમ. ૧:૨૦) એક વખત પ્રેરિત પાઉલ એથેન્સમાં ગ્રીક વિદ્વાનો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈશ્વર “આપણામાંના કોઈથી દૂર નથી” અને તે પોતે ચાહે છે કે આપણે ‘તેમને શોધીએ.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭ વાંચો.) હકીકતમાં, જે નમ્ર લોકોને ઈશ્વર વિશે સાચી વાતો જાણવી છે, તેઓને યહોવા પોતાની પાસે દોરી લાવે છે.—યોહા. ૬:૪૪.
૬. (ક) બાઇબલમાં કઈ હકીકત જણાવી છે? (ખ) તમે એ જાણો છો માટે કેમ આભારી છો?
૬ યહોવાને ઓળખવાની એક રીત છે કે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ. બાઇબલના લેખકોએ એમાં પોતાના વિચારો નહિ, પણ પવિત્ર શક્તિની મદદથી ઈશ્વરના વિચારો લખ્યા છે. (૨ પિત. ૧:૨૦, ૨૧) એટલે બાઇબલમાં જે લખ્યું છે એ સો એ સો ટકા સાચું છે અને એના પર પૂરો ભરોસો કરી શકીએ છીએ. દાખલા તરીકે, બાઇબલમાં લખ્યું છે કે આખા બ્રહ્માંડની અને પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ. (ઉત. ૧:૧, ૨૬) એ પણ લખ્યું છે કે આપણે કેમ પાપ કરી બેસીએ છીએ અને કેમ આપણા પર દુઃખ અને મરણ આવે છે. (રોમ. ૫:૧૨; ૬:૨૩) બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા પોતાના દીકરા દ્વારા એ બધી તકલીફોને કાયમ માટે દૂર કરી દેશે, જે ‘જૂઠાના બાપ’ શેતાનને લીધે આપણા પર આવે છે. (યોહા. ૮:૪૪; રોમ. ૧૬:૨૦) બાઇબલમાં વચન આપ્યું છે કે ઈસુ દુષ્ટોનો ખાતમો બોલાવી દેશે, ગુજરી ગયેલાઓને જીવતા કરશે, પૃથ્વીને પાછી બાગ જેવી સુંદર બનાવી દેશે અને આપણને બધાને પાપ વગરનું જીવન મેળવવા મદદ કરશે. (યોહા. ૧૧:૨૫, ૨૬; ૧ યોહા. ૩:૮) બાઇબલમાં જણાવેલી એ બધી હકીકત પર આપણે પૂરો ભરોસો કરી શકીએ છીએ. યહોવાએ આપણને એ સાચી વાતો શીખવી છે અને બીજાઓને એ જણાવવાની તક આપી છે. એ કેટલો મોટો લહાવો કહેવાય!—માથ. ૨૮:૧૯, ૨૦.
આપણે સાચી માહિતી કેમ જણાવીએ છીએ?
૭-૮. સાચી માહિતી જણાવવા પાછળ ઇરાદો સારો હોય એ કેમ મહત્ત્વનું છે? એક દાખલો આપો. (માર્ક ૩:૧૧, ૧૨) (ચિત્રો પણ જુઓ.)
૭ શરૂઆતમાં જોઈ ગયા તેમ, યહોવાના કુટુંબનો ભાગ બનવા આપણે ઈમાનદાર રહેવું જોઈએ અને સાચું બોલવું જોઈએ. જોકે, યહોવાની કૃપા મેળવવા એનાથી પણ કંઈક વધારે કરવાની જરૂર છે. આપણે કેમ સાચું બોલીએ છીએ એ યહોવા માટે ખૂબ મહત્ત્વનું છે, એટલે એ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. યાદ કરો કે ઈસુના સેવાકાર્ય દરમિયાન શું બન્યું હતું. (માર્ક ૩:૧૧, ૧૨ વાંચો.) ઈસુ ગાલીલ સરોવર પાસે પ્રચાર કરતા હતા ત્યારે લોકોનું એક મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. તેઓમાંથી અમુક લોકો દુષ્ટ દૂતોની પકડમાં હતા. તેઓએ તેમના પગ આગળ પડીને કહ્યું, “તું ઈશ્વરનો દીકરો છે.” એ દુષ્ટ દૂતોએ કેમ ઈસુ વિશે સાચી માહિતી આપી? તેઓ કદાચ લોકોનો ભરોસો જીતવા માંગતા હતા અને પછી લોકોને ધીરે ધીરે યહોવાથી દૂર લઈ જવા માંગતા હતા. એ દુષ્ટ દૂતોએ શરૂઆતમાં સાચું તો કહ્યું, પણ એમાં તેઓનો સ્વાર્થ છુપાયેલો હતો. તેઓનો ઇરાદો ખોટો હતો. શું તેઓ ઈસુને છેતરી શક્યા અથવા તેમને ખુશ કરી શક્યા? જરાય નહિ! અરે, ઈસુએ તો એવો હુકમ કર્યો કે તેઓ તેમના વિશે પ્રચાર ન કરે.
૮ આ બનાવમાંથી શું શીખવા મળે છે? સાચી માહિતી જણાવવા પાછળ આપણો શું ઇરાદો છે એના પર યહોવા ધ્યાન આપે છે. એટલે ખૂબ મહત્ત્વનું છે કે આપણે યહોવા માટેના પ્રેમને લીધે લોકોને તેમના વિશે જણાવીએ. એટલું જ નહિ, જો લોકો એ માટે આપણા વખાણ કરે, તો મહિમા પોતે લેવાને બદલે, બધો મહિમા યહોવાને આપીએ.—માથ. ૫:૧૬; પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૨-૧૫ સરખાવો.
તમે બાઇબલની વાતો શીખવો છો ત્યારે લોકોનું ધ્યાન કોના તરફ ખેંચાય છે? (ફકરા ૭-૮ જુઓ)
૯. આપણે શું કરવાનું ટાળવું જોઈએ અને કેમ?
૯ હવે ચાલો બીજા એક સંજોગ પર ધ્યાન આપીએ, જેમાં પોતે મહિમા લેવાનું ટાળવું જોઈએ. ધારો કે એક જવાબદાર ભાઈ આપણને એવી માહિતી જણાવે છે, જે ખાનગી રાખવાની છે. પણ આપણે એ બીજાઓને જણાવી દઈએ છીએ. જો પછીથી તેઓને ખબર પડે કે આપણી વાત સાચી હતી તો તેઓ શું વિચારશે? તેઓને કદાચ લાગશે કે આપણે બહુ મહત્ત્વના છીએ અને આપણને ઘણી બધી ખાનગી માહિતી ખબર છે. પછી કદાચ તેઓ આપણી વાહ વાહ કરવા લાગે. પણ શું ઈશ્વર આપણાથી ખુશ થશે? ના! (નીતિ. ૧૧:૧૩) કેમ કે સૌથી પહેલા તો આપણી પાસે એ ખાનગી માહિતી જણાવવાનો હક ન હતો. બીજું, આપણો ઇરાદો ખોટો હતો.
આપણે બાઇબલની વાતો કઈ રીતે જણાવી શકીએ?
૧૦. “સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો” બોલવાનો શું અર્થ થાય? (કોલોસીઓ ૪:૬)
૧૦ કોલોસીઓ ૪:૬ વાંચો. પ્રેરિત પાઉલે કોલોસેમાં રહેતા ખ્રિસ્તીઓને યાદ અપાવ્યું કે તેઓએ હંમેશાં “સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો” બોલવા જોઈએ. એનો અર્થ થાય કે વ્યક્તિને મદદ મળે એ રીતે વાત કરવી જોઈએ. એટલું જ નહિ, આપણા શબ્દોમાં પ્રેમ દેખાઈ આવવો જોઈએ અને આપણી વાત વ્યક્તિના દિલને સ્પર્શી જાય એવી હોવી જોઈએ.
૧૧-૧૨. આપણે જે રીતે બાઇબલનો ઉપયોગ કરીએ છીએ એના પર ધ્યાન આપવું કેમ જરૂરી છે? દાખલો આપીને સમજાવો. (ચિત્રો પણ જુઓ.)
૧૧ બીજાઓને બાઇબલની વાતો શીખવતી વખતે આપણે એ સલાહ પાળવી જોઈએ. બાઇબલની વાતોને ધારદાર તલવાર સાથે સરખાવવામાં આવી છે. એનાથી વ્યક્તિ અંદરથી અને બહારથી વીંધાઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, એનાથી વ્યક્તિના દિલના વિચારો અને ઇરાદાઓ પારખી શકાય છે. (હિબ્રૂ. ૪:૧૨) પણ જો આપણે બાઇબલનો યોગ્ય રીતે ઉપયોગ નહિ કરીએ, તો સામેવાળી વ્યક્તિને ખોટું લાગી શકે છે અને વગર કામની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
૧૨ આની કલ્પના કરો: આપણે પ્રચારમાં એક માણસને મળીએ છીએ. તે નિયમિત રીતે મૂર્તિઓ આગળ પ્રાર્થના કરે છે. તેને પોતાના કુટુંબ સાથે નાતાલ અને ઈસ્ટર ઊજવવાં ગમે છે. બાઇબલનો ઉપયોગ કરીને આપણે તેને બતાવી શકીએ છીએ કે નિર્જીવ મૂર્તિઓ આગળ પ્રાર્થના કરવી નકામું છે. એ પણ સાબિત કરી શકીએ છીએ કે બાઇબલ પ્રમાણે નાતાલ અને ઈસ્ટર ઊજવવાં ખોટું છે. (યશા. ૪૪:૧૪-૨૦; ૨ કોરીં. ૬:૧૪-૧૭) જો પહેલી જ મુલાકાતમાં તેની સાથે આ રીતે વાત કરીશું, તો શું એ બરાબર કહેવાશે? ખરું કે, આપણે તેને સાચેસાચી માહિતી જણાવી રહ્યા છીએ, પણ એ તો બાઇબલનો સારો ઉપયોગ કર્યો નહિ કહેવાય.
બાઇબલની વાતો સારી રીતે શીખવવા શું કરી શકો? (ફકરા ૧૧-૧૨ જુઓ)a
૧૩. પાઉલે બીજી કઈ સલાહ આપી અને એ પ્રમાણે કરવા આપણે શું કરી શકીએ?
૧૩ પાઉલે એવી પણ સલાહ આપી કે જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એ રીતે બોલવું જોઈએ. તે એવું કહેવા માંગતા ન હતા કે આપણે ગોળગોળ વાતો કરવી જોઈએ અથવા સત્યને છુપાવવું જોઈએ. એના બદલે તે કહી રહ્યા હતા કે આપણે એ રીતે બાઇબલની વાતો જણાવવી જોઈએ જેથી સામેવાળી વ્યક્તિને એ સાંભળવી ગમે. (અયૂ. ૧૨:૧૧) પણ એમ કરવું અઘરું લાગી શકે. દાખલા તરીકે, આપણે કોઈના માટે જમવાનું બનાવીએ ત્યારે પોતાના સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરીએ છીએ અને ધારી લઈએ છીએ કે તેમને એ ગમશે. એવી જ રીતે, આપણને લાગી શકે કે આપણે જે રીતે બોલીએ છીએ એ બધાને ગમશે. પણ એવું જરૂરી નથી. જેમ કે, અમુક સમાજના લોકો કોઈ પણ સંકોચ વગર પોતાના વિચારો સીધેસીધા જણાવે છે, પછી ભલેને સામેવાળી વ્યક્તિ ઉંમરમાં મોટી હોય. પણ બીજા સમાજમાં જો કોઈની સાથે એ રીતે વાત કરવામાં આવે, તો તેઓને લાગી શકે કે તેઓનું અપમાન થઈ રહ્યું છે. પાઉલે કહ્યું કે “દરેકને કઈ રીતે જવાબ આપવો” એ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે આપણને ગમે છે એ રીતે કે સમાજના લોકો બોલે છે એ રીતે નહિ, પણ સામેવાળી વ્યક્તિને ગમે એ રીતે બોલવું જોઈએ.
આપણે બાઇબલની વાતો ક્યારે જણાવવી જોઈએ?
૧૪. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શું તેમણે શિષ્યોને બધી જ વાતો શીખવી દીધી? સમજાવો.
૧૪ ઈસુએ હંમેશાં પોતાના શિષ્યો સાથે માયાળુ રીતે વાત કરી. તેમણે પ્રેમથી તેઓને ઘણી વાતો શીખવી. (માર્ક ૬:૩૪) પણ તેઓએ હજુ ઘણું શીખવાનું બાકી હતું. ઈસુએ એ બધું જ એકસાથે શીખવવાની કોશિશ ન કરી. તે તેઓની મર્યાદા જાણતા હતા. તે સમજતા હતા કે અમુક વાતો શીખવવાનો આ યોગ્ય સમય નથી. તેમણે તો એવું પણ કહ્યું કે તેઓ હમણાં એને સમજી શકે એમ નથી. (યોહા. ૧૬:૧૨) એમાંથી આપણને શું શીખવા મળે છે?
૧૫. શું આપણે બધું જ એકસાથે બાઇબલ વિદ્યાર્થીઓને જણાવવું જોઈએ? સમજવો. (નીતિવચનો ૨૫:૧૧) (ચિત્ર પણ જુઓ.)
૧૫ ઈસુના દાખલામાંથી શીખવા મળે છે કે આપણે જે જાણીએ છીએ એ બધું જ એકસાથે જણાવી દેવું ન જોઈએ. આપણે કઈ રીતે ઈસુના દાખલાને અનુસરી શકીએ? આપણે લોકોના સંજોગોનો વિચાર કરવો જોઈએ. ફરીથી પેલા માણસને યાદ કરો, જેને પોતાના કુટુંબ સાથે નાતાલ અને ઈસ્ટર ઊજવવાં ગમતાં હતાં. આપણે જાણીએ છીએ કે એ તહેવારોની શરૂઆત જૂઠા ધર્મોથી થઈ હતી અને ઈશ્વર એનાથી જરાય ખુશ થતા નથી. પણ વિચારો કે આપણે એ માણસ સાથે નાતાલનાં એકાદ બે અઠવાડિયાં પહેલાં જ બાઇબલ અભ્યાસ શરૂ કરીએ છીએ. જો તમે એ જ સમયે જણાવશો કે બાઇબલમાં એ તહેવારો વિશે શું જણાવ્યું છે અને એવી આશા રાખશો કે તે તરત નાતાલ ઊજવવાનું બંધ કરી દે, તો શું એ યોગ્ય કહેવાશે? ના. એમ કરીશું તો દેખાઈ આવશે કે આપણે માયાળુ રીતે વર્તતા નથી. ખરું કે અમુક બાઇબલ વિદ્યાર્થીઓ શીખેલી વાતો તરત લાગુ પાડે છે, જ્યારે કે બીજા અમુકને પોતાનાં વિચારો અને કામોમાં ફેરફાર કરતા સમય લાગે છે. જો આપણે જરૂરી વાતો યોગ્ય સમયે, એટલે કે વિદ્યાર્થી સમજી શકે એવા સમયે જણાવીશું, તો તેને પ્રગતિ કરવા મદદ કરી શકીશું.—નીતિવચનો ૨૫:૧૧ વાંચો.
બાઇબલની વાતો ક્યારે શીખવવી અને એકસાથે કેટલી માહિતી આપવી એ માટે ઈસુના દાખલા પર ધ્યાન આપો (ફકરો ૧૫ જુઓ)
૧૬. આપણે કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીઓને ‘સત્યના માર્ગે ચાલતા રહેવા’ મદદ કરી શકીએ?
૧૬ બીજાઓને યહોવા વિશે શીખવીને આપણને અનેરી ખુશી મળે છે. એવી ખુશી બહુ ઓછી બાબતોથી મળે છે. આપણે લોકોને ‘સત્યના માર્ગે ચાલતા રહેવા’ મદદ કરી શકીએ છીએ. કઈ રીતે? સારો દાખલો બેસાડીએ. (૩ યોહા. ૩, ૪) પોતાના જીવનથી બતાવી આપીએ કે આપણને બાઇબલનાં વચનો પર પૂરો ભરોસો છે. હંમેશાં સારા ઇરાદાથી સાચું બોલીએ. સાંભળનારને ગમે એવા માયાળુ શબ્દો બોલીએ, જેથી આપણી વાત તેમના દિલને સ્પર્શી જાય. યોગ્ય સમયે અને પ્રેમથી બીજાઓને બાઇબલની વાતો શીખવીએ. જો કોઈ વખાણ કરે તો બધો મહિમા યહોવાને આપીએ. એમ કરીશું તો બતાવી આપીશું કે આપણે સત્યના ઈશ્વર યહોવાની ભક્તિ કરીએ છીએ.
ગીત ૧૫૦ દિલ રેડી દઈએ
a ચિત્રની સમજ: પહેલા ચિત્રમાં એક ભાઈ જુએ છે કે ઘરમાલિકના ઘરમાં ક્રિસમસ ટ્રી છે. તે પેલા માણસને એક લેખમાંથી બતાવે છે કે નાતાલની શરૂઆત કઈ રીતે થઈ. બીજા ચિત્રમાં એ ભાઈ ઘરમાલિકને એક લેખમાંથી સારા પિતા બનવા માટેનાં સૂચનો બતાવે છે. તમને શું લાગે છે, એ બંને રીતમાંથી કઈ રીત વધારે સારી છે?