યુદ્ધ અને લડાઈઓમાં પણ શાંતિ મેળવવી શક્ય છે
ગેરીભાઈ પહેલાં સેનામાં હતા. તે કહે છે: “પહેલાં મને સમજાતું ન હતું કે દુનિયામાં આટલો અન્યાય અને મુશ્કેલીઓ કેમ છે. લોકો આટલા ક્રૂર કેમ છે? પણ બાઇબલનો અભ્યાસ કરવાથી હું જાણી શક્યો છું કે દુનિયામાં આટલી તકલીફો કેમ છે. હવે હું જાણું છું કે યહોવા ઈશ્વર આખી દુનિયાને સલામત બનાવશે. મને હવે મનની શાંતિ મળી છે.”
ગેરીભાઈની જેમ બીજા ઘણા લોકોને બાઇબલમાંથી શીખીને મદદ મળી છે. ચાલો તેઓના અનુભવો જોઈએ.
બાઇબલમાં લખ્યું છે: “હે યહોવા, તમે ભલા છો અને માફ કરવા તૈયાર છો.”—ગીતશાસ્ત્ર ૮૬:૫.
કઈ રીતે મદદ મળી?: “આ કલમથી મને ખાતરી મળે છે કે યહોવા દયાળુ છે. હું જાણું છું કે અગાઉ યુદ્ધમાં ભાગ લીધો ત્યારે મેં જે કર્યું હતું, એ બધા માટે તે મને માફ કરવા તૈયાર છે.”—વીલ્મર, કોલંબિયા.
બાઇબલમાં લખ્યું છે: “હું નવું આકાશ અને નવી પૃથ્વી બનાવું છું. અગાઉના બનાવોની યાદ પણ નહિ આવે, અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.”—યશાયા ૬૫:૧૭.
કઈ રીતે મદદ મળી?: “હું સેનામાં હતી એ વખતના ખરાબ બનાવોને લીધે મને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ડિપ્રેશન નામની બીમારી થઈ છે. એના લીધે ઘણી વાર મને ગભરામણ થાય છે, હું ચિંતામાં ડૂબી જાઉં છું અને રાતે ખરાબ ખરાબ સપનાં આવે છે. પણ યશાયાની આ કલમ મને યાદ અપાવે છે કે યહોવા જલદી જ મારા મનમાંથી બેચેન કરતા વિચારો અને ખરાબ યાદો કાયમ માટે ભૂંસી નાખશે. એ ખરાબ બનાવોથી હું ફરી ક્યારેય પરેશાન નહિ થાઉં. એ સમયની હું આતુરતાથી રાહ જોવું છું.”—ઝાફીરા, યુનાઈટેડ સ્ટેટ્સ.
બાઇબલમાં લખ્યું છે: “તેમના દિવસોમાં નેક માણસ ખીલી ઊઠશે, ચંદ્ર રહેશે ત્યાં સુધી શાંતિ વધતી ને વધતી જશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૭.
કઈ રીતે મદદ મળી?: “હું ઘણી વાર કલમના એ શબ્દોનો વિચાર કરું છું. જલદી જ યુદ્ધ અને એના લીધે થતી ખરાબ અસરોનો અંત આવશે. આપણે સગાં-વહાલાંની સલામતીની ચિંતા નહિ કરવી પડે.”—ઓલેક્સાન્ડ્રા, યુક્રેઇન.
બાઇબલમાં લખ્યું છે: “તમારા ગુજરી ગયેલાઓ જીવશે. . . . ઓ ધૂળમાં રહેનારાઓ, તમે જાગો અને આનંદથી પોકારી ઊઠો!”—યશાયા ૨૬:૧૯.
કઈ રીતે મદદ મળી?: “તુત્સી જાતિના બધા લોકોને મારી નાખવાની કોશિશ કરવામાં આવી ત્યારે, મેં કુટુંબના મોટા ભાગના સભ્યોને મરણમાં ગુમાવ્યા હતા. પણ યશાયાની આ કલમથી મને ખાતરી મળી કે હું તેઓને ફરીથી મળીશ. તેઓ મરણમાંથી જીવતા થશે ત્યારે, તેઓના હસતા ચહેરા જોવા હું આતુર છું.”—મેરી, રુવાન્ડા.
બાઇબલમાં લખ્યું છે: “થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે, . . . નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
કઈ રીતે મદદ મળી?: “ભલે યુદ્ધનો અંત આવ્યો હોય, અન્યાય અને ખરાબ લોકો તો હજુ પણ છે. ગીતશાસ્ત્રની આ કલમોથી મને ઘણી મદદ મળી છે. હું જાણી શક્યો કે યહોવા બધું જ જુએ છે અને મારા સંજોગો સારી રીતે સમજે છે. તેમણે વચન આપ્યું છે કે તે જલદી જ આ મુશ્કેલીઓનો અંત લાવશે અને આપણી યાદોમાંથી પણ એને કાઢી નાખશે.”—દલેર, તાજિકિસ્તાન.
આ મૅગેઝિનમાં આપેલા અનુભવો યહોવાના સાક્ષીઓના છે, જેઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે. બાઇબલમાંથી શીખીને તેઓને મનની શાંતિ મળી છે. તેઓ નાત-જાતના ભેદભાવ અને કોઈ દેશ કે વ્યક્તિ માટે નફરતની લાગણીઓ દૂર કરતા શીખ્યા છે. (એફેસીઓ ૪:૩૧, ૩૨) યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી અને કોઈ પણ રીતે હિંસામાં ભાગ લેતા નથી.—યોહાન ૧૮:૩૬.
યહોવાના સાક્ષીઓ એક પ્રેમાળ કુટુંબની જેમ એકબીજાને મદદ કરે છે. (યોહાન ૧૩:૩૫) દાખલા તરીકે, ઓલેક્સાન્ડ્રા, જેમના વિશે આપણે અગાઉ જોઈ ગયા. તેમણે યુદ્ધના લીધે પોતાની બહેન સાથે બીજા દેશમાં ભાગી જવું પડ્યું. તે કહે છે: “જેવી અમે સરહદ પાર કરી કે તરત, અમે ત્યાંનાં ભાઈ-બહેનોને જોયાં. તેઓ અમારું સ્વાગત કરવા ઊભાં હતાં. તેઓએ અમને શરણાર્થી તરીકે નવા દેશમાં જીવન શરૂ કરવા ઘણી મદદ કરી.”
અમે યહોવાના સાક્ષીઓ, તમને અમારી સભાઓમાં આવવા આમંત્રણ આપીએ છીએ, જેમાં અમે આજે એવી શાંતિ કઈ રીતે મેળવી શકાય અને બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આખી દુનિયામાં શાંતિ કઈ રીતે આવશે, એ વિશે શીખીએ છીએ. તમારી નજીક સભાઓ ક્યાં થાય છે, એ જોવા અથવા યહોવાના સાક્ષીઓ સાથે દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી મફત અભ્યાસની વિનંતી કરવા અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ.