યુદ્ધની ભયાનક અસરો
યુદ્ધ અને લડાઈઓનો સામનો કરનાર લોકો એનો કારમો ઘા મિટાવી શકતા નથી. સૈનિકો અને યુદ્ધનો સામનો કરનારા લોકો જાણે છે કે યુદ્ધ કેટલું ભયાનક હોય છે.
સૈનિકો
“યુદ્ધમાં તમે સતત લોકોને મરતા કે ઘાયલ થતા જુઓ છો. તમે ક્યારેય સલામતી અનુભવતા નથી.”—ગેરી, બ્રિટન.
“મારા ચહેરા અને પીઠ પર ગોળીઓ વાગી હતી. મેં મારી નજર સામે બાળકોને, વૃદ્ધોને અને બીજા ઘણા લોકોને મરતા જોયા. તમે એટલા લોકોને રિબાતા જુઓ છો, મરતા જુઓ છો કે તમે પથ્થર-દિલ બની જાઓ છો.”—વીલ્મર, કોલંબિયા.
“તમારી સામે કોઈને ગોળી મારવામાં આવે ત્યારે, એ દૃશ્ય તમારી નજર સામેથી ખસતું નથી. દર્દથી પીડાતી એ વ્યક્તિનું દુઃખ તમારા મનમાંથી ભૂંસાતું નથી. એ વ્યક્તિનો ચહેરો વારંવાર તમારી નજર સામે આવે છે.”—ઝાફીરા, યુનાઈટેડ સ્ટેટ્સ.
યુદ્ધનો સામનો કરનારા લોકો
“મને લાગતું, મને ક્યારેય ખુશી નહિ મળે. મને ડર લાગતો કે હું મરી જઈશ. એના કરતાં પણ વધારે મને એનો ડર લાગતો કે કુટુંબના સભ્યો અને દોસ્તોને મરણમાં હંમેશ માટે ગુમાવી દઈશ.”—ઓલેક્સાન્ડ્રા, યુક્રેઇન.
“રાતે બે વાગ્યાથી લઈને બીજા દિવસની રાતના અગિયાર વાગ્યા સુધી ખોરાક લેવા અમારે લાઈનમાં ઊભા રહેવું પડતું. એ વખતે અમને બહુ બીક લાગતી, કેમ કે લડાઈના લીધે અમને ગમે ત્યારે ગોળી વાગી શકતી હતી.”—દલેર, તાજિકિસ્તાન.
“યુદ્ધમાં મેં મારા માબાપને ગુમાવી દીધા. હું અનાથ થઈ ગઈ હતી. હવે મારા આંસુ લૂછનાર અને મારી સંભાળ રાખનાર કોઈ ન હતું.”—મેરી, રુવાન્ડા.
ખરું કે, આ લોકોએ યુદ્ધના લીધે ઘણું સહેવું પડ્યું છે. પણ તેઓને મનની શાંતિ મળી છે. એટલું જ નહિ, તેઓને પૂરી ખાતરી છે કે જલદી જ બધાં યુદ્ધ અને લડાઈઓનો કાયમી અંત આવશે. એવું કઈ રીતે થશે? ચોકીબુરજના આ અંકમાં આપણે બાઇબલમાંથી એનો જવાબ જોઈશું.