અભ્યાસ માટે સૂચન
ચિત્રોમાંથી શીખો
આપણાં સાહિત્યમાં ઘણાં ચિત્રો હોય છે. એનાથી આપણને મહત્ત્વના મુદ્દા શીખવા મળે છે. ચિત્રોમાંથી શીખવા તમે શું કરી શકો?
લેખ વાંચતા પહેલાં એમાં આપેલાં ચિત્રો જુઓ. ચિત્રો જોઈને કદાચ તમારી જિજ્ઞાસા વધે અને તમને લેખ વાંચવાનું મન થાય. એ તો એના જેવું છે કે જાણે એક સ્વાદિષ્ટ વાનગી જોઈને તમને એ ખાવાની તાલાવેલી થાય. એટલે પોતાને પૂછો: ‘ચિત્રોમાં મને શું દેખાય છે?’—આમો. ૭:૭, ૮.
લેખ વાંચો તેમ વિચારો કે કેમ એ ચિત્ર પસંદ કરવામાં આવ્યું છે. ચિત્રની નીચે આપેલી માહિતી વાંચો. જો ચિત્રની સમજ આપેલી હોય તો એ પણ વાંચો. વિચારો કે ચિત્ર કઈ રીતે ફકરા કે લેખ સાથે જોડાયેલું છે અને તમે કઈ રીતે એમાંથી શીખેલી વાત લાગુ પાડી શકો.
મુખ્ય મુદ્દા યાદ કરવા, લેખ વાંચ્યા પછી ફરીથી ચિત્રો જુઓ. પછી આંખો બંધ કરો અને વિચારો કે લેખમાં કયાં ચિત્રો છે અને એમાંથી શું શીખવા મળે છે.
અજમાવી જુઓ: આ અંકમાં આપેલાં ચિત્રો પર ફરીથી નજર કરો અને જુઓ કે તમને શીખેલી વાતો યાદ છે કે નહિ.