વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 સપ્ટેમ્બર પાન ૨૬-૩૦
  • ‘જ્યાં રોપાયાં ત્યાં ખીલી ઊઠવા’ યહોવાએ મદદ કરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘જ્યાં રોપાયાં ત્યાં ખીલી ઊઠવા’ યહોવાએ મદદ કરી
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સરખી માહિતી
  • ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવાહ મારો આશરો અને બળ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • નવી સોંપણીમાં પોતાને ઢાળીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 સપ્ટેમ્બર પાન ૨૬-૩૦
ગામડાઓમાં સેવા આપતી વખતે મેટ્‌સ અને આન-કાતરેન પોતાની ગાડી નજીક ઊભાં છે.

જીવન સફર

‘જ્યાં રોપાયાં ત્યાં ખીલી ઊઠવા’ યહોવાએ મદદ કરી

મેટ્‌સ અને આન-કાતરેન કાસહોમના જણાવ્યા પ્રમાણે

“જ્યાં તમને રોપવામાં આવે ત્યાં ખીલી ઊઠો” એ સલાહ થોડી અજુગતી લાગે. પણ સ્વીડનના એક યુગલ મેટ્‌સ અને આન-કાતરેનને ઘણી વાર અને ઘણી જગ્યાએ રોપવામાં આવ્યાં. ચાલો જોઈએ કે શું થયું અને કઈ રીતે એ સલાહથી તેઓને મદદ મળી.

૧૯૭૯માં ભાઈ મેટ્‌સ અને બહેન આન-કાતરેન ગિલયડ શાળા ગયાં. વર્ષો દરમિયાન તેઓ ઘણી જગ્યાએ ‘રોપાયાં,’ એટલે કે તેઓએ અલગ અલગ જગ્યાએ સેવા આપી. જેમ કે, ઈરાન, મોરિશિયસ, મ્યાનમાર, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને ઝાઈર. જ્યારે તેઓને અલગ અલગ જગ્યાએ “રોપવામાં” આવ્યાં, “ઉખેડી નાખવામાં” આવ્યાં અને “ફરીથી રોપવામાં” આવ્યાં, ત્યારે ગિલયડ શાળાના શિક્ષક જેક રેડફર્ડે આપેલી સલાહથી તેઓને ઘણી મદદ મળી. ચાલો તેઓનો અનુભવ તેઓનાં મોઢે સાંભળીએ.

શું તમે જણાવશો કે તમે યહોવાના સાક્ષી કઈ રીતે બન્યા?

મેટ્‌સ: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મારા પપ્પા પોલૅન્ડમાં રહેતા હતા. તેમણે જોયું કે કૅથલિક ચર્ચમાં નર્યો ઢોંગ જ છે. તોપણ તે ઘણી વાર કહેતા, “ક્યાંક ને ક્યાંક તો સત્ય હશે જ.” આગળ જતાં હું જોઈ શક્યો કે પપ્પા સાચું કહેતા હતા. હું ઘણાં જૂનાં પુસ્તકો ખરીદતો હતો. એમાં મને એક ભૂરું પુસ્તક મળી આવ્યું, સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે. એ વિષય ઊડીને આંખે વળગે એવો હતો. એ જ રાતે મેં આખું પુસ્તક વાંચી નાખ્યું. સવાર સુધીમાં તો મને પૂરી ખાતરી થઈ ગઈ કે આ જ સત્ય છે.

એપ્રિલ ૧૯૭૨થી હું સાક્ષીઓનાં બીજાં ઘણાં પુસ્તકો વાંચવા લાગ્યો. એમાંથી મને બાઇબલને લગતા ઘણા સવાલોના જવાબ મળ્યા. મને લાગ્યું કે હું ઈસુના ઉદાહરણમાં જણાવેલા વેપારી જેવો છું. તેણે મૂલ્યવાન મોતી ખરીદવા પોતાનું બધું વેચી દીધું. મેં પણ એવું જ કર્યું. સત્યનું “મોતી” મળ્યા પછી, મેં ડૉક્ટર બનવા યુનિવર્સિટી જવાનું સપનું પડતું મૂક્યું. (માથ. ૧૩:૪૫, ૪૬) પછી મેં ૧૦ ડિસેમ્બર, ૧૯૭૨માં બાપ્તિસ્મા લીધું.

એના એક વર્ષમાં મારાં મમ્મી-પપ્પા અને નાના ભાઈએ પણ બાપ્તિસ્મા લીધું. જુલાઈ ૧૯૭૩માં મેં પૂરા સમયની સેવા શરૂ કરી. અમારા મંડળમાં આન-કાતરેન નામની એક નિયમિત પાયોનિયર બહેન હતી. તે ખૂબ સુંદર હતી અને યહોવાને અનહદ પ્રેમ કરતી હતી. અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં અને ૧૯૭૫માં લગ્‍ન કર્યું. એ પછીનાં ચાર વર્ષ અમે સ્વીડનમાં આવેલા સ્ટ્રોમસન્ડ શહેરમાં રહ્યાં. એ શહેર ખૂબ જ સુંદર હતું. ત્યાં ઘણા લોકો બાઇબલમાંથી શીખવા તૈયાર હતા.

આન-કાતરેન: મારા પપ્પા સ્ટૉકહોમની એક યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે યહોવા વિશે શીખ્યા. એ વખતે હું ફક્ત ત્રણ મહિનાની જ હતી. તોપણ તે મને સભાઓમાં અને પ્રચારમાં લઈ જતા. મમ્મીને એ જરાય ન ગમતું. તેમણે સાક્ષીઓને જૂઠા સાબિત કરવાની લાખ કોશિશ કરી, પણ તે એમ કરી ન શક્યાં. એટલે સમય જતાં તેમણે બાપ્તિસ્મા લીધું. મેં ૧૩ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું અને ૧૬ વર્ષની ઉંમરે નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. સ્વીડનમાં આવેલા ઉમાઓ નામના શહેરમાં પ્રચારકોની વધારે જરૂર હતી. હું ત્યાં સેવા આપતી હતી ત્યારે મને ખાસ પાયોનિયર બનાવવામાં આવી.

લગ્‍ન પછી અમે ઘણા લોકોને યહોવા વિશે શીખવા મદદ કરી, એ વાતની અમને બહુ ખુશી છે. અમે જેઓને મદદ કરી તેઓમાં મિવોર નામની પંદરેક વર્ષની છોકરી પણ હતી. યહોવા માટે વધારે કરવા તેણે રમતગમતમાં પોતાની કારકિર્દી પાછળ છોડી દીધી. પછી તે મારી નાની બહેન સાથે પાયોનિયરીંગ કરવા લાગી. ૧૯૮૪માં તેઓ ગિલયડ ગયાં અને આજે ઇક્વેડોરમાં મિશનરી તરીકે સેવા આપી રહ્યાં છે.

“જ્યાં તમને રોપવામાં આવે ત્યાં ખીલી ઊઠો,” એ સલાહ તમે મિશનરી સેવામાં કઈ રીતે લાગુ પાડી?

મેટ્‌સ: અમને ઘણી વાર અલગ અલગ જગ્યાએ “રોપવામાં” આવ્યાં, એટલે કે ઘણી વાર અમને નવી સોંપણી મળી. પણ ઈસુને અનુસરવાથી ફેરફારો કરવા મદદ મળી. ખાસ કરીને તેમની જેમ નમ્ર બનવાથી. (કોલો. ૨:૬, ૭) દાખલા તરીકે, અમે એવી આશા રાખતાં ન હતાં કે ભાઈ-બહેનો અમારા માટે પોતાની રીતભાતમાં ફેરફાર કરે. એના બદલે અમે તેઓની રીતભાત પાછળનાં કારણો સમજવાની કોશિશ કરતા. અમે તેઓનાં વિચારો અને સંસ્કૃતિ સમજવા માંગતાં હતાં. ઈસુને પગલે ચાલવાથી અમારા માટે ફેરફારો કરવા સહેલું બની ગયું. અમે અમારી સોંપણીમાં ખુશ રહી શક્યાં. અમને લાગતું હતું કે અમે “ઝરણાં પાસે રોપાયેલા ઝાડ” જેવાં છીએ.—ગીત. ૧:૨, ૩.

મેટ્‌સ અને આન-કાતરેન પોતાનો સામાન અને ખાવાની અમુક વસ્તુઓ ઊંચકીને ઊભાં છે.

અલગ અલગ જગ્યાએ મંડળોની મુલાકાત લેવી, એ અમારા જીવનનો ભાગ હતો

આન-કાતરેન: દરેક નવી સોંપણીમાં અમે નવી જગ્યાએ રોપાયેલા ઝાડ જેવાં હતાં, જેને ઊગવા માટે કુમળા તાપની જરૂર હોય છે. યહોવા હંમેશાં અમારા માટે “સૂર્ય” જેવા હતા. (ગીત. ૮૪:૧૧) તેમણે વહાલાં ભાઈ-બહેનો દ્વારા અમને પ્રેમ અને હૂંફ આપ્યાં. તહેરાનનાં ભાઈ-બહેનોનો જ દાખલો લો. તેઓ દિલ ખોલીને મહેમાનગતિ બતાવતાં અને ખૂબ ઉદાર હતાં. એ જોઈને બાઇબલ સમયમાં બતાવવામાં આવતી મહેમાનગતિ યાદ આવી જતી. અમે ઈરાનમાં ખુશ હતાં, પણ જુલાઈ ૧૯૮૦માં સરકારે આપણા કામ પર પ્રતિબંધ લગાવી દીધો. અમને કહેવામાં આવ્યું કે અમારે ૪૮ કલાકમાં દેશ છોડીને જવું પડશે. અમને આફ્રિકાના ઝાઈરમાં સોંપણી મળી, જે આજે કૉંગો (કિન્શાસા) તરીકે ઓળખાય છે.

ઝાઈરના ગામડામાં એક સાદુ મકાન.

૧૯૮૨, ઝાઈરની અમુક મધુર પળો

જ્યારે ખબર પડી કે અમારે આફ્રિકા જવાનું છે, ત્યારે મને બહુ રડું આવ્યું. કેમ કે આફ્રિકામાં સાપ અને બીમારીઓ વિશે મેં જે સાંભળ્યું હતું એના લીધે મને બહુ ડર લાગ્યો. અમારા નજીકના બે દોસ્તોએ આફ્રિકામાં ઘણાં વર્ષો સેવા આપી હતી. તેઓએ અમને કહ્યું: “ડરશો નહિ! તમે હજુ આફ્રિકા ગયા નથી. તમે જાઓ તો ખરા. તમને બહુ ગમશે.” તેઓની વાત સાચી પડી! ત્યાંનાં ભાઈ-બહેનો ખૂબ પ્રેમાળ છે. તમને ખબર છે, છ વર્ષ પછી પ્રતિબંધના લીધે ઝાઈર છોડવાનો વારો આવ્યો ત્યારે હું મનમાં ને મનમાં હસી. કેમ કે હવે હું પ્રાર્થનામાં યહોવાને કહી રહી હતી, “અમને આફ્રિકામાં રહેવા દો ને!”

યહોવાની સેવામાં તમને કેવા આશીર્વાદો મળ્યા છે?

આન-કાતરેન તેઓની ગાડીની બહાર એવી ખુરશી પર બેઠી છે, જેને વાળીને બંધ કરી શકાય.

૧૯૮૮, ટાન્ઝાનિયામાં અમારું નાનકડું “ઘર”

મેટ્‌સ: સોંપણીના લીધે અમે અલગ અલગ દેશના મિશનરીઓ સાથે દોસ્તી કરી શક્યાં. અમુક સોંપણીઓમાં અમારા બંને પાસે આશરે ૨૦-૨૦ બાઇબલ અભ્યાસો હતા. એનાથી સાચે જ અમારી ખુશી સમાતી ન હતી. આફ્રિકાનાં ભાઈ-બહેનોએ બતાવેલાં પ્રેમ અને મહેમાનગતિને હું ક્યારેય નહિ ભૂલું. ટાન્ઝાનિયાનાં મંડળોની મુલાકાત વખતે અમે અમારી ગાડી સાથે લઈ જતાં અને રાતે એ નાનકડા “ઘર”માં જ સૂઈ જતાં. અમે ગાડીને ભાઈ-બહેનોનાં ઘર પાસે મૂકી રાખતાં. એ વખતે તેઓ “પોતાની શક્તિ કરતાં વધારે” મહેમાનગતિ બતાવતાં. (૨ કોરીં. ૮:૩) અમારા માટે બીજો એક સમય પણ ખાસ હતો. દિવસના અંતે હું અને આન-કાતરેન સાથે બેસતાં અને દિવસમાં જે બન્યું હોય એ વિશે વાત કરતા. યહોવાના સાથ માટે તેમનો આભાર પણ માનતાં.

આન-કાતરેન: હું મારી વાત કરું તો, મને અલગ અલગ દેશનાં ભાઈ-બહેનોને ઓળખવાની અને તેઓ સાથે સમય વિતાવવાની બહુ મજા આવી. અમે નવી ભાષા શીખ્યાં. જેમ કે ફારસી, ફ્રેન્ચ, લુગાન્ડા અને સ્વાહિલી. અમે અલગ અલગ દેશની રીતભાત પણ શીખ્યાં. અમે નવાં ભાઈ-બહેનોને તાલીમ આપી, પાકા દોસ્ત બનાવ્યાં અને તેઓ સાથે ખભેખભા મિલાવીને યહોવાની ભક્તિ કરી.—સફા. ૩:૯.

અમે એ પણ જોયું કે યહોવાએ કેટલી સુંદર સૃષ્ટિ બનાવી છે. હંમેશાં અમને કંઈક ને કંઈક નવું જોવા મળતું. દરેક નવી સોંપણીમાં એવું લાગ્યું કે જાણે યહોવા અમને એક રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છે. તેમની સાથે રહીને અમે જે શીખી શક્યાં, એ તો કદી પોતાની રીતે શીખી શક્યાં ન હોત.

ચિત્ર: ૧. મેટ્‌સ અને આન-કાતરેન એક સ્ત્રી અને તેનાં બાળકોને પ્રચાર કરી રહ્યાં છે. ૨. આન-કાતરેન માસાઈ સમાજની સ્ત્રીને સાક્ષી આપી રહી છે.

ટાન્ઝાનિયાના અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરતી વખતે

તમે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો અને એ સહન કરવા તમને શાનાથી મદદ મળી?

મેટ્‌સ: વર્ષો દરમિયાન અમને બંનેને અલગ અલગ બીમારીઓ થઈ, મેલેરિયા પણ થયો. આન-કાતરેને પણ તાત્કાલિક અમુક ઓપરેશન કરાવવાં પડ્યાં. અમને અમારાં વૃદ્ધ માબાપની પણ ઘણી ચિંતા રહેતી. અમે અમારાં સગાં ભાઈ-બહેનોનાં ખૂબ આભારી છીએ, કેમ કે તેઓએ મમ્મી-પપ્પાની સારી સંભાળ રાખી અને એ પણ ધીરજ, ખુશી અને પ્રેમથી. (૧ તિમો. ૫:૪) દૂર રહીને પણ અમે મમ્મી-પપ્પાને મદદ કરવાની પૂરી કોશિશ કરતા. તોપણ અમુક વાર અમારું દિલ કચવાતું. અમને થતું, કાશ અમે વધારે કરી શકતાં.

આન-કાતરેન: ૧૯૮૩માં અમે ઝાઈરમાં સેવા આપી રહ્યાં હતાં ત્યારે, મને કૉલેરા થઈ ગયો. મારી હાલત બહુ જ ખરાબ હતી. ડૉક્ટરે મેટ્‌સને કહ્યું, “તમે તમારી પત્નીને આજે જ દેશની બહાર લઈ જાઓ.” બીજા દિવસે અમે એક પ્લેનમાં બેસીને સ્વીડન ગયાં. એ પ્લેન ફક્ત સામાન લઈ જવા માટે હતું, પણ અમારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો.

મેટ્‌સ: અમને લાગ્યું કે હવે અમે મિશનરી સેવા નહિ કરી શકીએ. એટલે અમારી આંખો સુકાતી જ ન હતી. ડૉક્ટરે કહ્યું હતું કે આન-કાતરેનની બીમારી નહિ મટે. પણ ખુશીની વાત છે કે તે સાજી થઈ ગઈ. જલદી જ અમે ઝાઈર પાછાં આવ્યાં. આ વખતે અમને સ્વાહિલી ભાષાના મંડળમાં મોકલવામાં આવ્યાં, જે લુબુમ્બાશી શહેરમાં આવેલું હતું.

આન-કાતરેન: લુબુમ્બાશીમાં હતાં ત્યારે મેં ગર્ભમાંના અમારા બાળકને ગુમાવ્યું. અમે માબાપ બનવાનું વિચાર્યું ન હતું. પણ બાળક ગુમાવવાનો એ કારમો ઘા સહન કરવો મારા માટે ખૂબ અઘરું હતું. એ દુઃખની ઘડીઓમાં યહોવાએ અમને એવી ભેટ આપી, જેના વિશે અમે વિચાર્યું પણ ન હતું. અમે પહેલાં કરતાં પણ વધારે બાઇબલ અભ્યાસો શરૂ કર્યા. એક વર્ષની અંદર મંડળના પ્રકાશકોની સંખ્યા ૩૫થી છેક ૭૦ થઈ ગઈ અને સભામાં આવનાર લોકોની સંખ્યા ૪૦થી છેક ૨૨૦ પહોંચી ગઈ. અમે પ્રચારકામમાં ખૂબ વ્યસ્ત રહેતાં હતાં. યહોવાએ અમારા પ્રયત્નો પર આશીર્વાદ આપ્યો. એનાથી મને ખૂબ દિલાસો મળ્યો. અમે આજે પણ અમારા બાળકને યાદ કરીએ છીએ અને એના વિશે વાત કરીએ છીએ. અમે નવી દુનિયાની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે યહોવા અમારા ઘાને પૂરી રીતે ભરી દેશે.

મેટ્‌સ: પછીથી આન-કાતરેનને બહુ થાક લાગવા લાગ્યો. તે કમજોર થઈ ગઈ. મને આંતરડાનું કેન્સર થયું અને મોટા ઑપરેશનની જરૂર પડી. પણ આજે મને ઘણું સારું છે અને આન-કાતરેન પણ યહોવાની સેવામાં બનતું બધું કરે છે.

અમને ખ્યાલ આવ્યો કે ફક્ત અમે જ કસોટીઓનો સામનો કરી રહ્યાં ન હતાં. ૧૯૯૪માં રુવાન્ડામાં થયેલા કત્લેઆમ પછી, અમે ઘણા દોસ્તોને શરણાર્થી છાવણીમાં મળવા ગયાં. તેઓની શ્રદ્ધા અને હિંમત જોઈને ખૂબ હિંમત મળી. અરે, એટલા અઘરા સંજોગોમાં પણ તેઓ મહેમાનગતિ બતાવવામાં પાછી પાની કરતા ન હતા. તેઓના દાખલામાંથી શીખવા મળ્યું કે યહોવા પાસે એટલી શક્તિ છે કે તે પોતાના લોકોને કોઈ પણ સંજોગોમાં નિભાવી રાખી શકે છે.—ગીત. ૫૫:૨૨.

આન-કાતરેન: ૨૦૦૭માં અમે યુગાન્ડામાં શાખા કચેરીના સમર્પણ માટે ગયાં હતાં. એ વખતે એવું કંઈક બન્યું જેનાથી અમે હચમચી ગયાં. કાર્યક્રમ પછી અમે પચીસેક લોકો નાઇરોબી જઈ રહ્યાં હતાં. અમારી સાથે મિશનરીઓ અને બેથેલનાં ભાઈ-બહેનો હતાં. કેન્યાની સરહદે પહોંચીએ એ પહેલાં સામેથી એક ટ્રક અમારી બસ સાથે જોરથી અથડાઈ. અમારી બસના ડ્રાઇવર અને પાંચ દોસ્તો ત્યાં ને ત્યાં જ મરણ પામ્યા. એક બહેનને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પણ પછીથી તેમનું પણ મરણ થયું. અમારી આંખો એ દોસ્તોને ફરીથી જોવા સાચે જ તરસી રહી છે.—અયૂ. ૧૪:૧૩-૧૫.

સમય જતાં, શરીર પરના ઘા તો રુઝાઈ ગયા, પણ મનના ઘા રુઝાયા ન હતા. અમારા બંને માટે અને અમારા અમુક દોસ્તો માટે એ અકસ્માતની કડવી યાદોના વમળમાંથી બહાર આવવું ખૂબ અઘરું હતું. એના લીધે હું ક્યારેક રાતે ઝબકીને જાગી જતી અને છાતીમાં એવો દુખાવો ઊપડતો જાણે હાર્ટઍટેક આવ્યો હોય. હું બહુ ડરી જતી. પણ યહોવાને પ્રાર્થના કરવાથી અને અમુક મનગમતી કલમો પર મનન કરવાથી મન શાંત કરવા મદદ મળતી. એ સંજોગોનો સામનો કરવા ડૉક્ટરોની મદદ લેવાથી પણ ફાયદો થયો. હવે એ બનાવની કડવી યાદો એટલી સતાવતી નથી. અમે યહોવાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા જેવા સંજોગોનો સામનો કરતા લોકોને દિલાસો આપવા તે અમને મદદ કરે.

યહોવાએ તમને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી?

મેટ્‌સ: સ્વાહિલી ભાષામાં એક કહેવત છે: “તુમેબેબ્વા કામા માયાયી માબીચી” જેનો અર્થ થાય, “અમને કાચાં ઈંડાંની જેમ ઊંચકીને લઈ જવામાં આવ્યાં.” કાચાં ઈંડાં તૂટી ન જાય એટલે એને સાચવીને લઈ જઈએ છીએ. એ જ રીતે, યહોવાએ દરેક સોંપણીમાં અમને સાચવી રાખ્યાં, પ્રેમથી ટેકો આપ્યો. હંમેશાં અમારી બધી જરૂરિયાતો પૂરી થઈ છે. અમુક વાર તો જરૂરિયાત કરતાં વધારે મળ્યું છે. નિયામક જૂથના ભાઈઓ અમારી લાગણી સમજ્યા અને તેઓએ અમારી કાળજી રાખી. એ ભાઈઓ દ્વારા પણ અમે યહોવાનો પ્રેમ અને સાથ અનુભવ્યો છે.

આન-કાતરેન: હું યહોવાની પ્રેમાળ કાળજીનો એક અનુભવ જણાવવા માંગું છું. એક દિવસે સ્વીડનથી ફોન આવ્યો. અમને ખબર પડી કે મારા પપ્પા બહુ બીમાર છે અને આઈસીયુમાં છે. મેટ્‌સને મેલેરિયા થયો હતો અને હજુ તે પૂરી રીતે સાજા થયા ન હતા. અમારી પાસે પ્લેનની ટિકિટ ખરીદવાના પણ પૈસા ન હતા, એટલે અમે વિચાર્યું કે ગાડી વેચી દઈશું. એવામાં બે ફોન આવ્યા. એક ફોન એક યુગલ તરફથી હતો. તેઓ અમારા સંજોગો સારી રીતે જાણતાં હતાં અને તેઓ એક જણની ટિકિટ માટે પૈસા આપવા માંગતાં હતાં. બીજો ફોન એક વૃદ્ધ બહેન તરફથી હતો, જે અમને પૈસા આપવા માંગતાં હતાં. તેમણે એક ડબ્બામાં પૈસા ભેગા કર્યા હતા અને એના પર લખ્યું હતું: “જરૂર હોય તેના માટે.” થોડી જ મિનિટોમાં યહોવાએ બધી ગોઠવણ કરી દીધી.—હિબ્રૂ. ૧૩:૬.

૫૦ વર્ષથી તમે યહોવાની સેવા કરી રહ્યાં છો. આટલાં વર્ષોમાં તમને શું શીખવા મળ્યું?

મેટ્‌સ અને આન-કાતરેન સાથે ઊભાં છે અને તેઓ ખુશ છે.

મ્યાનમારની નવી સોંપણીમાં

આન-કાતરેન: હું શીખી કે ‘શાંત રહીએ’ છીએ અને યહોવા પર ‘ભરોસો રાખીએ’ છીએ ત્યારે, બળવાન થઈએ છીએ અને તે આપણા વતી લડે છે. (યશા. ૩૦:૧૫; ૨ કાળ. ૨૦:૧૫, ૧૭) દરેક સોંપણીમાં અમે અમારાથી બનતું બધું જ કર્યું. એના લીધે જે આશીર્વાદ મળ્યા, એ બીજું કંઈ પણ કરવાથી મળ્યા ન હોત.

મેટ્‌સ: હું એક મહત્ત્વનો બોધપાઠ શીખ્યો છું: દરેક સંજોગોમાં યહોવા પર આધાર રાખું અને જોઉં કે તે કઈ રીતે મારા માટે પગલાં ભરશે. (ગીત. ૩૭:૫) યહોવાએ કદી મને નિરાશ કર્યો નથી. તેમણે હંમેશાં મારી મદદ કરી છે. આજે અમે મ્યાનમાર બેથેલમાં સેવા આપીએ છીએ અને યહોવા હજીયે અમને મદદ કરી રહ્યા છે.

અમે આખું જીવન યહોવાનો અતૂટ પ્રેમ અનુભવ્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે જે યુવાનો યહોવાની ભક્તિમાં વધારે કરવા માંગે છે, તેઓ યહોવાનો એ પ્રેમ અનુભવે. અમને ખાતરી છે કે જો તેઓ પોતાની સોંપણીમાં યહોવાનો હાથ પકડીને ચાલશે, તો તેઓને જ્યાં પણ રોપવામાં આવશે ત્યાં તેઓ ખીલી ઊઠશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો