યુવાનો પૂછે છે
નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?
તમે પોતાને કેવી વ્યક્તિ ગણો છો?
હું એવું જ વિચારું છું કે મારી સાથે સારું બનશે
“હું નિરાશ રહેવાને બદલે ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું અને દરેક દિવસ ખુશી ખુશી વિતાવું છું.”—વેલરી.
હું એવું જ વિચારું છું કે મારી સાથે ખરાબ થશે
“જ્યારે મારી સાથે કંઈક સારું બને છે ત્યારે મારા માનવામાં જ નથી આવતું.”—રીબેકા.
હું ના તો વધારે આશા રાખું છું, ના તો આશા છોડી દઉં છું
“જો હું એવું જ વિચારીશ કે મારી સાથે બધું સારું બનશે, તો કંઈ ખોટું થશે ત્યારે હું નિરાશ થઈ જઈશ. બીજી બાજુ, જો હું એવું વિચારીશ કે મારી સાથે બસ ખોટું જ થશે, તો હું દુઃખી જ રહીશ. એટલે ના તો હું વધારે પડતી આશા રાખું છું કે ના તો આશા છોડી દઉં છું. આવા વિચારો રાખવાથી હું હકીકતનો સામનો કરી શકું છું.”—આના.
એ કેમ મહત્વનું છે?
બાઇબલમાં લખ્યું છે, “ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.” (નીતિવચનો ૧૫:૧૫) એવા લોકો ખુશ રહે છે અને ઘણા મિત્રો બનાવી શકે છે, જેઓ પોતાની અને બીજાઓ પાસેથી સારી આશા રાખે છે અને એવું નથી વિચારતા કે તેઓ સાથે ખરાબ જ થશે. પણ જેઓ હંમેશાં નિરાશ રહે છે અને સારું નથી વિચારતા, તેઓથી લોકો દૂર ભાગે છે.
તમે હંમેશાં સારું વિચારતા હો તોપણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જેમ કે,
ચારે બાજુ યુદ્ધ, આતંકવાદ અને ગુનાઓના સમાચારો સાંભળવા મળે.
કુટુંબને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
પોતાની નબળાઈઓ અને ખોટી ઇચ્છાઓ પર કાબૂ રાખવા સખત મહેનત કરવી પડે.
કોઈ મિત્ર આપણું દિલ દુભાવે.
મુશ્કેલીઓને નજરઅંદાજ ન કરીએ કે એ વિશે વધારે વિચારીને નિરાશ ન થઈએ. સારા વિચારો રાખીએ. આમ, આપણા મનમાં નિરાશ કરી દે એવા વિચારો નહિ આવે અને મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીશું.
આપણે જીવનમાં આવનાર તોફાનોનો સામનો એ ભરોસા સાથે કરી શકીએ છીએ કે એ તોફાનો થોડા સમય માટે જ છે
તમે શું કરી શકો?
ભૂલો વિશે યોગ્ય વલણ રાખો.
બાઇબલમાં લખ્યું છે, “આખી પૃથ્વી પર એવો એકેય નેક માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.” (સભાશિક્ષક ૭:૨૦) માટીના માણસો હોવાને લીધે તમારામાં ખામીઓ હશે, ભૂલો પણ થતી હશે. એનો અર્થ એ નથી કે તમે કંઈ કામના નથી.
યોગ્ય વિચાર રાખો: પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે એવું ક્યારેય નહિ બને કે તમારાથી કોઈ ભૂલ જ નહિ થાય. ૨૩ વર્ષનો કેલબ કહે છે, “હું મારી ભૂલો વિશે વધારે વિચારવાને બદલે એમાંથી શીખવાનો અને પોતાનામાં સુધારો કરવાનો પ્રયત્ન કરું છું.”
પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો.
બાઇબલમાં લખ્યું છે, “આપણે ઘમંડી બનીએ નહિ, હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ અને એકબીજાની અદેખાઈ કરીએ નહિ.” (ગલાતીઓ ૫:૨૬) જ્યારે તમે સોશિયલ મીડિયા પર એવી પાર્ટીઓના ફોટા જુઓ જેમાં તમને બોલાવવામાં નથી આવ્યા, ત્યારે તમને કદાચ દુઃખ થાય, ગુસ્સો આવે. તમે કદાચ વિચારો, તમારા દોસ્તો તમને પસંદ નથી કરતા.
યોગ્ય વિચાર રાખો: એ સમજવાનો પ્રયત્ન કરો કે તમને દરેક પાર્ટીમાં બોલાવવામાં આવે એ જરૂરી નથી. યાદ રાખો, તમે જે ફોટા સોશિયલ મીડિયા પર જુઓ છો, એનાથી કંઈ બધી માહિતી નથી મળતી. ૧૬ વર્ષની એલેક્સિસ કહે છે, “લોકો સોશિયલ મીડિયા પર એવા જ ફોટા મૂકે છે જેમાં ખુશ દેખાતા હોય. પણ રોજિંદા કામોના ફોટા નથી મૂકતા જેમાં તેઓ ખુશ ના હોય.”
શાંતિ જાળવનાર બનો, ખાસ કરીને કુટુંબમાં.
બાઇબલમાં લખ્યું છે, “જો શક્ય હોય તો હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો.” (રોમનો ૧૨:૧૮) બીજાઓ તમારી સાથે કેવો વ્યવહાર કરશે એ તમારા હાથમાં નથી. પણ તમે તેઓની સાથે કેવું વર્તન કરશો, એ તમારા હાથમાં છે. તમે કુટુંબમાં શાંતિ જાળવી શકો છો.
યોગ્ય વિચાર રાખો: તમારા લીધે કુટુંબમાં મુશ્કેલી ઊભી ન થાય એનું ધ્યાન રાખો. જેમ તમે મિત્રો સાથે પ્રેમ અને શાંતિથી રહો છો, તેમ કુટુંબમાં પણ રહો. ૧૫ વર્ષની મેલિંડા કહે છે, “આપણે બધા ભૂલો કરીએ છીએ અને ક્યારેક આપણાં વાણી-વર્તનથી બીજાઓને ઠેસ પહોંચે. પણ એ આપણા ઉપર છે કે આપણે તેઓની ભૂલો માફ કરીશું કે તેઓ સાથે ઝઘડો કરીશું.”
કદર બતાવો.
બાઇબલમાં લખ્યું છે, “બતાવી આપો કે તમે કેટલા આભારી છો.” (કોલોસીઓ ૩:૧૫) જો તમે કદર બતાવનાર હશો તો સારી વાતો પર ધ્યાન આપશો. એવી વાતો પર ધ્યાન નહિ આપો, જે તમને ન ગમતી હોય.
યોગ્ય વિચાર રાખો: મુશ્કેલીઓને નજરઅંદાજ ન કરો પણ જીવનની સારી વાતો પર ધ્યાન આપો. રીબેકા નામની યુવાન છોકરી કહે છે, “હું દરરોજ મારા જીવનની એક સારી વાત ડાયરીમાં લખી લઉં છું. એનાથી મુશ્કેલીઓમાં પણ સારી વાતો પર ધ્યાન રાખવા મદદ મળે છે.”
સમજી-વિચારીને દોસ્ત બનાવો.
બાઇબલમાં લખ્યું છે, “ખરાબ સંગત સારી આદતોને બગાડે છે.” (૧ કોરીંથીઓ ૧૫:૩૩) જો એવા લોકો સાથે સમય વિતાવશો, જેઓ બીજાઓ વિશે ખરાબ બોલે, ખામીઓ કાઢે કે નિંદા કરે, તો તમે પણ તેઓના જેવા બની જશો.
યોગ્ય વિચાર રાખો: તમારા મિત્રો મોટી મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ કદાચ નિરાશ થઈ જાય. એવા સમયે તમારાથી બનતી બધી મદદ કરો. તેઓને નિરાશ જોઈને તમે નિરાશામાં ડૂબી ન જશો. ૨૪ વર્ષની મિશેલ કહે છે, “આપણે એવા લોકો સાથે જ દોસ્તી ન કરીએ, જેઓ એવું વિચારે છે કે બધું ખરાબ જ થશે.”
આ વિશે વધારે જાણો
બાઇબલમાં લખ્યું છે, ‘સંકટના સમયો સહન કરવા અઘરા હશે.’ (૨ તિમોથી ૩:૧) આજે આપણે એવા જ સમયમાં જીવીએ છીએ. એવામાં જો તમને યોગ્ય વિચારો રાખવા અઘરું લાગતું હોય, તો આ લેખથી મદદ મળશે: “શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?”