વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧૧/૧૫ પાન ૨૬-૩૦
  • ઈશ્વરના રાજ્યનાં ૧૦૦ વર્ષની ઝલક!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના રાજ્યનાં ૧૦૦ વર્ષની ઝલક!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રચારમાં ઉપયોગી સાધનો
  • પ્રચારમાં ઉપયોગી રીતો
  • પ્રચારમાં ઉપયોગી તાલીમ
  • શું મારું પોતાનું ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૦
  • શું તમે JW.ORG કોન્ટેક્ટ કાર્ડનો સારો ઉપયોગ કરો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • ખુશખબર જણાવવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—નવા પ્રકાશકોને તાલીમ આપીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧૧/૧૫ પાન ૨૬-૩૦
નાના ફોનોગ્રાફ લઈને યહોવાના સાક્ષીઓનું એક ગ્રૂપ પ્રચારમાં જવા તૈયારી કરે છે

ઈશ્વરના રાજ્યનાં ૧૦૦ વર્ષની ઝલક!

“શાંતિદાતા પરમેશ્વર તમને તેની ઇચ્છાનો અમલ કરી શકો એ રીતે બધી બાબતમાં સજ્જ કરો.”—હિબ્રૂ ૧૩:૨૦, ૨૧, સંપૂર્ણ.

ગીતો: ૬ (43), ૨૦ (162)

છેલ્લાં ૧૦૦ વર્ષો દરમિયાન ખુશખબર ફેલાવવા, . . .

  • કયાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

  • કઈ રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

  • કઈ તાલીમ આપવામાં આવી છે?

૧. રાજ્યનો સંદેશો જણાવવો ઈસુ માટે કેટલો મહત્ત્વનો હતો? સમજાવો.

ઈશ્વરના રાજ્ય વિશે વાત કરવાનું ઈસુને ખૂબ જ ગમતું હતું. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે બીજા કોઈ પણ વિષય કરતાં, ઈશ્વરના રાજ્ય વિશે સૌથી વધુ વાત કરી. બાઇબલના અહેવાલો બતાવે છે કે ઈસુએ પોતાના સેવાકાર્ય દરમિયાન ૧૦૦થી વધુ વાર રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો. ખરેખર, ઈશ્વરનું રાજ્ય ઈસુ માટે સૌથી મહત્ત્વનું હતું.—માથ્થી ૧૨:૩૪ વાંચો.

૨. માથ્થી ૨૮:૧૯, ૨૦માં આપેલી આજ્ઞા કેટલા લોકોએ સાંભળી હોય શકે? એવું શાના પરથી કહી શકાય?

૨ ઈસુ સજીવન થયા એના થોડા જ વખતમાં, તે ૫૦૦થી વધારે લોકોના એક સમૂહને મળ્યા, જેઓમાં તેમના શિષ્યો બનવાની યોગ્યતા હતી. (૧ કોરીં. ૧૫:૬) કદાચ આ એ સમય હતો, જ્યારે ઈસુએ “સર્વ દેશનાઓને” ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું હતું.a એ કામ કંઈ સહેલું ન હતું! ઈસુએ તેઓને જણાવ્યું કે એ કામ “જગતના અંત સુધી” ચાલશે. આપણે આજે ખુશખબર ફેલાવીએ છીએ ત્યારે, ઈસુએ કહેલી એ ભવિષ્યવાણીનો ભાગ બનીએ છીએ.—માથ. ૨૮:૧૯, ૨૦.

૩. કઈ ત્રણ બાબતોએ ખુશખબર ફેલાવવામાં આપણને મદદ કરી છે?

૩ પ્રચાર કરવાની આજ્ઞા આપ્યા પછી ઈસુએ કહ્યું હતું: “હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) આમ, ઈસુએ વચન આપ્યું હતું કે તે પ્રચારકાર્યમાં માર્ગદર્શન આપશે અને દુનિયાના ખૂણે ખૂણે ખુશખબર ફેલાવવામાં મદદ કરશે. યહોવા પણ આપણી સાથે છે. પ્રચાર કામમાં મદદ કરવા તેમણે આપણને “બધી બાબતમાં” સજ્જ કર્યા છે. (હિબ્રૂ ૧૩:૨૦, ૨૧, સંપૂર્ણ) આ લેખમાં આપણે એમાંની ત્રણ બાબતો વિશે શીખીશું: (૧) પ્રચાર માટેનાં સાધનો, (૨) પ્રચારની અલગ અલગ રીતો અને (૩) પ્રચાર માટેની તાલીમ. આપણે પાછલાં ૧૦૦ વર્ષો દરમિયાન જે સાધનોનો ઉપયોગ કર્યો છે, એમાંનાં અમુક વિશે ચાલો ચર્ચા કરીએ.

પ્રચારમાં ઉપયોગી સાધનો

૪. પ્રચારકાર્યમાં આપણે શા માટે અલગ અલગ સાધનો વાપર્યાં છે?

૪ ઈસુએ ‘રાજ્યના વચનʼને બીજ સાથે સરખાવ્યું, જેને અલગ અલગ પ્રકારની જમીનમાં રોપવામાં આવે છે. (માથ. ૧૩:૧૮, ૧૯) એક માળી બીજ રોપતા પહેલાં જમીનને તૈયાર કરશે. એ માટે તે અલગ અલગ સાધનો વાપરશે. એવી જ રીતે, સત્યનું બીજ લોકોના દિલમાં રોપવા, આપણા રાજા ઈસુએ અલગ અલગ સાધનો આપ્યાં છે. જોકે, એમાંનાં કેટલાંક સાધનો અમુક જ સમય માટે વપરાશમાં હતાં. જ્યારે કે બીજાં સાધનો હજીયે વપરાશમાં છે. પણ એક વાત ચોક્કસ છે કે એ બધાં સાધનોએ, ખુશખબર ફેલાવવાની આપણી આવડતમાં સુધારો કરવા ઘણી મદદ કરી છે.

૫. ટેસ્ટીમની કાર્ડ શું હતું? અને એ કઈ રીતે વાપરવામાં આવતું?

૫ વર્ષ ૧૯૩૩માં પ્રચારકોએ ખુશખબર ફેલાવવા ટેસ્ટીમની કાર્ડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકો માટે પ્રચાર કામની શરૂઆત કરવાનું એ એક મહત્ત્વનું સાધન બન્યું. એ એક નાનું કાર્ડ હતું, જેમાં સરળ અને ઓછા શબ્દોમાં બાઇબલનો સંદેશો છાપેલો હતો. અમુક વાર નવા સંદેશા માટે નવું કાર્ડ છાપવામાં આવતું. ભાઈ ઍર્લેનમાયર દસ વર્ષના હતા ત્યારે, તેમણે પહેલી વાર ટેસ્ટીમની કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તે જણાવે છે, ‘એ સમયે આમ કહીને રજૂઆત કરવામાં આવતી, “શું તમે આ કાર્ડ વાંચશો?” ઘરમાલિક કાર્ડ વાંચી લે એ પછી, અમે તેમને સાહિત્ય આપતા અને પછી આગળ વધતા.’

૬. ટેસ્ટીમની કાર્ડ કઈ રીતે ખૂબ ઉપયોગી સાબિત થયું?

૬ ટેસ્ટીમની કાર્ડથી પ્રચારકોને અલગ અલગ રીતે મદદ મળી. દાખલા તરીકે, અમુક પ્રચારકો સ્વભાવે શરમાળ હતા. તેઓ પ્રચારમાં ઘણું કરવા ચાહતા, પરંતુ તેઓને ખબર ન પડતી કે પ્રચારમાં શું બોલવું. અમુક પ્રચારકોમાં ખુશખબર જણાવવાની હિંમત ઘણી હતી. પણ તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે થોડીક જ મિનિટોમાં ઘરમાલિકને બધું જ જણાવવાની કોશિશ કરતા. જોકે, એમ કરવું ઘણી વાર સમજદારીભર્યું ન હતું. પરંતુ, ટેસ્ટીમની કાર્ડની મદદથી બધા પ્રચારકો માટે બાઇબલનો સંદેશો સાફ અને સરળ રીતે આપવાનું સહેલું બન્યું.

૭. ટેસ્ટીમની કાર્ડ વાપરવામાં કયા પડકારો હતા?

૭ જોકે, ટેસ્ટીમની કાર્ડ વાપરવાના અમુક પડકારો તો હતા. બહેન ગ્રેસ ઈસ્ટેપ જણાવે છે: ‘અમુક વાર ઘણા લોકો અમને પૂછતા, “એમાં શું લખેલું છે? સીધેસીધું એ જ કહી દોને?”’ અમુક લોકો કાર્ડ પરનું લખાણ વાંચી શકતા નહિ. જ્યારે કે અમુક લોકો કાર્ડ લઈને તરત ઘરનો દરવાજો બંધ કરી દેતા. અમુક એવા પણ હતા જેઓને આપણો સંદેશો ગમતો નહિ. એટલે તેઓ કાર્ડ ફાડી નાખતાં. એ બધા પડકારો છતાં, ટેસ્ટીમની કાર્ડ વાપરીને પ્રચારકોએ ઘણા લોકોને ખુશખબર જણાવી અને પોતાને રાજ્ય પ્રચારકો તરીકે ઓળખાવી શક્યા.

૮. ફોનોગ્રાફનો ઉપયોગ કઈ રીતે થતો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૮ ૧૯૩૦ના દાયકામાં પ્રચારકાર્યમાં નાનાં ફોનોગ્રાફ વપરાવાં લાગ્યાં. એ પણ એક મદદરૂપ સાધન સાબિત થયું. અમુક સાક્ષીઓએ એને “હારુન” નામ આપ્યું હતું, કારણ કે એ સાધન તેઓના વતી બોલતું. (નિર્ગમન ૪:૧૪-૧૬ વાંચો.) જો ઘરમાલિક આપણા સંદેશામાં રસ બતાવે, તો તેમને ફોનોગ્રાફ પર બાઇબલ આધારિત એક ટૂંકું પ્રવચન સંભળાવવામાં આવતું. ત્યાર બાદ, તેમને સાહિત્ય આપવામાં આવતું. અમુક વાર, પ્રવચન સાંભળવા કુટુંબોનાં કુટુંબો ભેગાં થઈ જતાં! વર્ષ ૧૯૩૪માં આપણું સંગઠન સાક્ષીકાર્યને ધ્યાનમાં રાખીને નાનાં ફોનોગ્રાફ બનાવવાં લાગ્યું. સમય જતાં, ફોનોગ્રાફ પર વગાડી શકાય એવાં ૯૨ જુદાં જુદાં પ્રવચનો રેકોર્ડ કરવામાં આવ્યાં.

૯. ફોનોગ્રાફ કેટલું અસરકારક સાબિત થયું?

૯ હિલેરી ગૉસ્લિન નામના એક પુરુષે ફોનોગ્રાફ પર આપણું એક પ્રવચન સાંભળ્યું. ત્યારે એ પ્રવચન પોતાના પડોશીઓને સંભળાવવાં, તેમણે એક અઠવાડિયા માટે ફોનોગ્રાફ માંગ્યું. પરિણામે, તેમની સાથે બીજા કેટલાક લોકોએ પણ સત્યમાં રસ લીધો અને પછી બાપ્તિસ્મા પામ્યા. ભાઈ ગૉસ્લિનની બે દીકરીઓ સમય જતાં ગિલયડ સ્કૂલમાં ગઈ અને મિશનરી કામમાં જોડાઈ. ટેસ્ટીમની કાર્ડની જેમ ફોનોગ્રાફ પણ ઘણાં ભાઈ-બહેનો માટે પ્રચારકાર્યની શરૂઆત કરવાનું એક મહત્ત્વનું સાધન બન્યું. થોડાં વર્ષો પછી, આપણા રાજાએ પ્રચારકોને તાલીમ આપવા દેવશાહી સેવા શાળાની ગોઠવણ કરી, જેથી પ્રચારકો અસરકારક શિક્ષકો બની શકે.

પ્રચારમાં ઉપયોગી રીતો

૧૦, ૧૧. સમાચારપત્રો અને રેડિયોનો ઉપયોગ કરીને કઈ રીતે ખુશખબર ફેલાવવામાં આવી? શા માટે એ રીતો ખૂબ જ અસરકારક હતી?

૧૦ રાજા ઈસુના માર્ગદર્શન નીચે, ઈશ્વરના લોકોએ જુદી જુદી રીતો વાપરીને શક્ય હોય એટલા લોકો સુધી સંદેશો પહોંચાડ્યો. શરૂઆતમાં પ્રચારકોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી એ રીતો ઘણી મહત્ત્વની હતી. (માથ્થી ૯:૩૭ વાંચો.) દાખલા તરીકે, ઘણાં વર્ષો પહેલાં સમાચારપત્રોની મદદથી ખુશખબર ફેલાવવામાં આવતી. દર અઠવાડિયે, ભાઈ રસેલ એક ન્યૂઝ એજન્સીને એક પ્રવચન મોકલી આપતા. પછી, એ એજન્સી એ પ્રવચન કૅનેડા, યુરોપ અને અમેરિકાનાં સમાચારપત્રોને મોકલી આપતી. વર્ષ ૧૯૧૩ સુધીમાં ભાઈ રસેલનાં પ્રવચનો ૨,૦૦૦ સમાચારપત્રોમાં છપાયાં. એ પ્રવચનો લગભગ દોઢ કરોડ વાચકો સુધી પહોંચ્યાં હતાં.

૧૧ ખુશખબર ફેલાવવાના કામમાં રેડિયોનો પણ ઘણો ઉપયોગ થયો. એપ્રિલ ૧૬, ૧૯૨૨માં ભાઈ રધરફર્ડે પહેલી વાર રેડિયો પર પોતાનું પ્રવચન આપ્યું હતું. એને લગભગ ૫૦ હજાર લોકોએ સાંભળ્યું હતું. થોડા જ સમયમાં, સંગઠને WBBR નામનું પોતાનું રેડિયો સ્ટેશન શરૂ કર્યું. એના પર ફેબ્રુઆરી ૨૪, ૧૯૨૪માં આપણો પહેલો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. ડિસેમ્બર ૧, ૧૯૨૪ના ધ વૉચ ટાવરમાં આમ જણાવવામાં આવ્યું: ‘અમારું માનવું છે કે બાઇબલનું સત્ય લોકો સુધી પહોંચાડવા, અત્યાર સુધી આપણે જે કોઈ રીતોનો ઉપયોગ કર્યો છે, એમાંથી રેડિયો સૌથી સસ્તો અને અસરકારક રહ્યો છે.’ સમાચારપત્રોની જેમ રેડિયોથી પણ એવા વિસ્તારોમાં સંદેશો ફેલાવવા મદદ મળી, જ્યાં ઓછાં પ્રકાશકો હતા.

સાહિત્ય પ્રદર્શન માટેની ટ્રૉલી પાસે યહોવાના સાક્ષીઓ ઊભા છે અને જાહેરના પ્રચારમાં ભાગ લે છે

રાજ્યના ઘણા પ્રચારકોને જાહેરમાં પ્રચાર કરવો અને બીજાઓને આપણી વેબસાઇટ વિશે જણાવવું ગમે છે (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૨. (ક) જાહેરમાં પ્રચાર કરવાની કઈ રીત તમને સૌથી વધારે ગમે છે? (ખ) જાહેરમાં પ્રચાર કરવાનો ડર લાગતો હોય તો ક્યાંથી મદદ મળી શકે?

૧૨ જાહેરમાં પ્રચાર કરવો પણ એક અસરકારક રીત સાબિત થઈ છે. આજે એ રીતનો ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બસસ્ટૉપ, રેલવે સ્ટેશન, પાર્કિંગ, મોટા રસ્તાઓ અને બજારોમાં મળતા લોકોને ખુશખબર જણાવવામાં આવે છે. શું તમને જાહેરમાં પ્રચાર કરવાનો ડર લાગે છે? જો એમ હોય તો મદદ માટે યહોવાને પ્રાર્થના કરો. ભાઈ મેનરા, જે એક પ્રવાસી નિરીક્ષક છે તે શું જણાવે છે એનો વિચાર કરો: ‘ખુશખબર ફેલાવવાની દરેક નવી રીતને અમે યહોવાની સેવા કરવાનો એક નવો અવસર ગણતા. એટલું જ નહિ, યહોવાને અમારી વફાદારી સાબિત કરવાની તક ગણતા. એ રીત અમારા વિશ્વાસની પરખ કરવાનો એક મોકો છે એમ સમજતા. અમે હંમેશાં એ સાબિત કરવા આતુર રહેતા કે યહોવા જે રીતે ઉપાસના ચાહે છે એ રીતે ઉપાસના કરવા અમે તૈયાર છીએ.’ જ્યારે આપણે પોતાના ડર પર જીત મેળવીને પ્રચાર કરવાની નવી નવી રીતો અપનાવીએ છીએ, ત્યારે યહોવામાં આપણો ભરોસો વધે છે અને આપણે સારા પ્રચારકો બનીએ છીએ.—૨ કોરીંથી ૧૨:૯, ૧૦ વાંચો.

૧૩. સેવાકાર્યમાં આપણી વેબસાઇટ શા માટે ખૂબ અસરકારક છે? આપણી વેબસાઇટના ઉપયોગ વિશે તમારો અનુભવ કેવો રહ્યો છે?

૧૩ ઘણા પ્રચારકોને આપણી વેબસાઇટ jw.org વિશે બીજાઓને જણાવવું ખૂબ ગમે છે. એ વેબસાઇટ પર ૭૦૦થી વધુ ભાષામાં સાહિત્ય પ્રાપ્ય છે. લોકો આપણી વેબસાઇટ પર એ સાહિત્ય વાંચી શકે છે તેમજ એને ડાઉનલોડ કરી શકે છે. દરરોજ ૧૬ લાખથી વધુ લોકો આપણી વેબસાઇટ પર જાય છે. અગાઉ છૂટાછવાયેલા વિસ્તારોમાં ખુશખબર ફેલાવવા રેડિયોનો ઉપયોગ થતો. એવી જ રીતે, આજે આપણી વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રચારમાં ઉપયોગી તાલીમ

૧૪. પ્રચારકોને કઈ તાલીમની જરૂર હતી? કઈ શાળાએ તેઓને સારા શિક્ષક બનવા મદદ કરી છે?

૧૪ સંદેશો ફેલાવવા જે સાધનો અને રીતો વાપરવામાં આવ્યાં એ ખૂબ અસરકારક હતાં. જોકે, એ સમયના પ્રકાશકોને સારા પ્રચારકો બનવા તાલીમની જરૂર હતી. દાખલા તરીકે, અમુક વાર ઘરમાલિક ફોનોગ્રાફ પર સાંભળેલા પ્રવચન સાથે સહમત થતા નહિ. બીજી બાજુ, અમુકને એમાં રસ પડતો અને વધુ જાણવાની ઇચ્છા બતાવતા. પ્રકાશકોએ એ શીખવાની જરૂર હતી કે જો કોઈ વાતચીત અટકાવવાનો પ્રયત્ન કરે, તો એને કઈ રીતે હાથ ધરી શકાય અને સારી રીતે શીખવી શકાય. યહોવાની શક્તિની મદદથી ભાઈ નોર જોઈ શક્યા કે પ્રચારમાં પ્રકાશકો કુશળતાથી બોલી શકે માટે તેઓને તાલીમની જરૂર છે. તેથી, વર્ષ ૧૯૪૩થી મંડળોમાં દેવશાહી સેવા શાળાની શરૂઆત કરવામાં આવી. એ શાળાએ બધા પ્રકાશકોને સારા શિક્ષક બનવા મદદ કરી છે.

૧૫. (ક) દેવશાહી સેવા શાળામાં પ્રવચન આપવાનો અમુકને કેવો અનુભવ થયો છે? (ખ) ગીતશાસ્ત્ર ૩૨:૮માં આપેલું વચન તમારા કિસ્સામાં કઈ રીતે યહોવાએ પૂરું કર્યું છે?

૧૫ ઘણા ભાઈઓ એવા હતા, જેઓને જાહેરમાં બોલવાનો કોઈ અનુભવ ન હતો. ભાઈ રામુને તેમનું પહેલું પ્રવચન બરાબર યાદ છે, જે તેમણે ૧૯૪૪માં આપ્યું હતું. તેમનું પ્રવચન બાઇબલના પાત્ર દોએગ પર હતું. એ વિશે તે જણાવે છે: ‘મારાં હાથ-પગ ધ્રૂજવાં લાગ્યાં અને મારું જડબું કાંપવા લાગ્યું. મંચ પરથી પ્રવચન આપવાનો એ મારો પહેલો અનુભવ હતો. પણ મેં હાર માની નહિ.’ ખરું કે શાળામાં પ્રવચન આપવું સહેલું ન હતું. છતાં, બાળકો પણ એમાં ભાગ લેતાં. ભાઈ મેનરાને એક નાના છોકરાનું પહેલું પ્રવચન યાદ છે. એ વિશે તે જણાવે છે: ‘એ છોકરો એટલો બધો ડરી ગયો હતો કે બોલવાનું શરૂ કરતા જ ડૂસકાં ભરવાં લાગ્યો. પરંતુ, પ્રવચન પૂરું કરવા તે એટલો મક્કમ હતો કે ડૂસકાં ભરતાં ભરતાંય તેણે એ પૂરું કર્યું.’ કદાચ તમારો સ્વભાવ શરમાળ છે અથવા તમને લાગે છે કે “મારાથી નહિ થઈ શકે.” એના લીધે, તમે સભાઓમાં જવાબ નથી આપતા કે ભાગ નથી લેતા. જો એમ હોય તો, યહોવા તમને એવો ડર દૂર કરવા મદદ કરશે. દેવશાહી સેવા શાળાની શરૂઆતના વિદ્યાર્થીઓને યહોવાએ મદદ આપી હતી તેમ, યહોવા તમને પણ મદદ આપશે.—ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો.

૧૬. (ક) ગિલયડ સ્કૂલનો ધ્યેય શો રહ્યો છે? (ખ) વર્ષ ૨૦૧૧થી ગિલયડ સ્કૂલમાં કોને આમંત્રણ આપવામાં આવે છે?

૧૬ યહોવાના સંગઠને તાલીમ આપવા ગિલયડ સ્કૂલની જોગવાઈ પણ કરી. એ શાળાના ધ્યેયોમાંનો એક ધ્યેય, મિશનરી અને બીજા વિદ્યાર્થીઓના દિલમાં ખુશખબર ફેલાવવાનો જોશ પેદા કરવાનો હતો. ગિલયડ સ્કૂલની શરૂઆત વર્ષ ૧૯૪૩માં થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી ૮,૫૦૦ વિદ્યાર્થીઓને તાલીમ મળી છે અને તેઓને ૧૭૦ દેશોમાં સેવા માટે મોકલવામાં આવ્યા છે. જોકે, વર્ષ ૨૦૧૧થી એ શાળામાં ફક્ત એવા પ્રવાસી નિરીક્ષક, ખાસ પાયોનિયર, બેથેલ સેવકો અને મિશનરીઓને આમંત્રણ આપવામાં આવે છે, જેઓ અત્યાર સુધી ગિલયડ સ્કૂલમાં ગયા નથી.

૧૭. ગિલયડ સ્કૂલની તાલીમ કેટલી અસરકારક રહી છે?

૧૭ ગિલયડ સ્કૂલની તાલીમ કેટલી અસરકારક રહી છે? જાપાન દેશનો વિચાર કરો. ઑગસ્ટ ૧૯૪૯માં એ દેશમાં દસથી પણ ઓછા પ્રકાશકો હતા. એ વર્ષના અંત સુધીમાં ત્યાં ૧૩ મિશનરીઓ મોકલવામાં આવ્યા, જેઓએ સ્થાનિક ભાઈ-બહેનો સાથે પ્રચાર શરૂ કર્યો. આજે, એ દેશમાં ૨ લાખ ૧૬ હજાર પ્રકાશકો છે, જેમાંથી લગભગ અડધા ભાગના પાયોનિયર છે!

૧૮. તાલીમ આપવા બીજી કઈ શાળાઓની ગોઠવણ કરવામાં આવી છે?

૧૮ ભાઈ-બહેનોને તાલીમ આપવા બીજી કેટલીક શાળાઓની પણ ગોઠવણ કરવામાં આવી છે. જેમ કે, રાજ્ય સેવા શાળા, પાયોનિયર સ્કૂલ, રાજ્ય પ્રચારકો માટે શાળા, સરકીટ નિરીક્ષકો અને તેઓની પત્નીઓ માટે શાળા, શાખા સમિતિના ભાઈઓ અને તેઓની પત્નીઓ માટે શાળા. એ શાળાઓમાંથી જે ભાઈ-બહેનોએ તાલીમ લીધી છે, તેઓની શ્રદ્ધા મજબૂત થઈ છે. એમાં કોઈ શંકા નથી કે ઈસુ આજે પણ પોતાના ઘણા શિષ્યોને તાલીમ આપી રહ્યા છે.

૧૯. ભાઈ રસેલે પ્રચારકામ વિશે શું કહ્યું હતું અને એ કઈ રીતે સાચું પડ્યું છે?

૧૯ ઈશ્વરના રાજ્યને સ્થપાયે આજે ૧૦૦થી વધુ વર્ષો વીતી ચૂક્યાં છે. એ સમયથી, રાજા ઈસુ પ્રચાર કામને માર્ગદર્શન આપતા આવ્યા છે. વર્ષ ૧૯૧૬માં પોતાના મૃત્યુના થોડા સમય પહેલાં ભાઈ રસેલ જોઈ શક્યા કે રાજ્યની ખુશખબર ધરતીને ખૂણે ખૂણે ફેલાશે. તેમણે કહ્યું હતું: ‘પ્રચાર કામ ઘણી ઝડપથી આગળ વધી રહ્યું છે અને એ હજી પણ આગળ વધશે, કારણ કે “રાજ્યની સુવાર્તા” આખી દુનિયામાં ફેલાવવામાં આવશે.’ (ફેઈથ ઓન ધ માર્ચ, પાન ૬૯, એ. એચ. મેક્મીલન) આજે એ પ્રમાણે જ થઈ રહ્યું છે! યહોવાએ આપણને બધી બાબતમાં સજ્જ કર્યાં છે, જેથી આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરી શકીએ. એ માટે આપણે શાંતિદાતા ઈશ્વર યહોવાના કેટલા આભારી છીએ!

a લાગે છે કે ઈસુ જે સમૂહને મળ્યા હતા, એમાંથી મોટા ભાગના લોકો પછીથી ખ્રિસ્તીઓ બન્યા હતા. એવું શાના પરથી કહી શકાય? કેમ કે, પ્રેરિત પાઊલે એ લોકોનો ઉલ્લેખ ‘પાંચસો ભાઈઓ’ તરીકે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ‘તેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાએક ઊંઘી ગયા છે.’ એ શબ્દો પરથી જોઈ શકાય કે પાઊલ અને બીજા શિષ્યો એ પાંચસો લોકોમાંના ઘણાને ઓળખતા હતા, જેઓએ ઈસુ પાસેથી પ્રચાર કરવાની આજ્ઞા સાંભળી હતી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો