વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પ્રકરણ ૬ પાન ૫૭-૬૫
  • ગુજરી ગયેલા લોકો ક્યાં છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગુજરી ગયેલા લોકો ક્યાં છે?
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • સરખી માહિતી
  • મરણ પછી શું થાય છે?
  • ઈસુએ મરણ વિશે શું શીખવ્યું હતું?
  • માણસ કેમ મરે છે?
  • મરણ વિશે સચ્ચાઈ, દિલને દિલાસો આપે છે
  • સવાલ ૨: મરણ પછી મારું શું થશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પ્રકરણ ૬ પાન ૫૭-૬૫

છ

ગુજરી ગયેલા લોકો ક્યાં છે?

  • મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

  • માણસ કેમ મરે છે?

  • મોતની સચ્ચાઈ કઈ રીતે દિલને દિલાસો આપે છે?

૧-૩. મરણ વિશે કેવા સવાલ થાય છે? કેવા જુદા જુદા જવાબ જાણવા મળે છે?

આ સવાલો હજારો વર્ષોથી લોકોને મૂંઝવે છે. તમે ગમે ત્યાં રહો, ગમે એવા સંજોગોમાં રહો, એના જવાબ ખૂબ મહત્ત્વના છે!

૨ આપણે પાંચમા પ્રકરણમાં જોયું કે આપણને પાપ અને મોતના પંજામાંથી છોડાવવા ઈસુએ કુરબાની આપી. એના લીધે, યહોવા આપણને અમર જીવનનું વરદાન આપવા તૈયાર છે. આપણે શીખ્યા કે એવો સમય આવશે જ્યારે ‘કોઈનું મરણ નહિ થાય.’ (પ્રકટીકરણ ૨૧:૪) ખરું કે હમણાં તો જે જન્મે છે, એ મરે જ છે. હજારો વર્ષ પહેલાં, રાજા સુલેમાને આમ કહ્યું હતું: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે.” (સભાશિક્ષક ૯:૫) તોપણ આપણામાંથી મોટા ભાગે કોને મરવું ગમે? એટલે જ આપણને આ સવાલ થાય, કે મરણ પછી શું થાય છે?

૩ કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે, આપણને દિલ પર ઘા લાગે છે. મનમાં ઘણા સવાલો ઊઠે છે: ‘તેનું શું થયું હશે? શું તેને ક્યાંક સજા કરવામાં આવે છે? તે મને જોઈ શકે છે? હું તેના માટે શું કરું? તે મને ફરી મળશે?’ બધા જુદા જુદા જવાબ આપે છે. કોઈ કહેશે કે સારા લોકો સ્વર્ગમાં જાય ને ખરાબ લોકો નરકમાં. પાપ કર્યા હશે તો, કર્યા ભોગવશે. પુણ્ય કર્યા હશે તો સારો જનમ લેશે કાં તો મોક્ષ પામશે. બીજાઓ માને છે કે વ્યક્તિમાં અમર આત્મા હોય છે, જે મરણ વખતે પૂર્વજોના આત્માઓ સાથે મળી જાય છે.

૪. મોટા ભાગના ધર્મો મરણ વિશે શું શીખવે છે?

૪ મોટા ભાગના ધર્મો એ જ શીખવે છે કે શરીર મરે છે, પણ આત્મા અમર છે. મરણ પછી પણ એ જીવે છે, સાંભળે છે, વિચારે છે. અરે, જોઈ પણ શકે છે! શું એ ખરું છે? ના. આપણે મરણ પામીએ ત્યારે, આપણું મગજ બંધ પડી જાય છે. મગજ વગર આપણને કંઈ યાદ ન રહી શકે. ન તો બોલી શકીએ, સાંભળી શકીએ, વિચારી શકીએ, જોઈ શકીએ. ન કોઈ લાગણી અનુભવી શકીએ. મરણ પછી કંઈ જ બચતું નથી.

મરણ પછી શું થાય છે?

૫, ૬. બાઇબલ ગુજરી ગયેલા વિશે શું શીખવે છે?

૫ આપણા સરજનહાર યહોવા જાણે છે કે માણસ મરી જાય ત્યારે તેનું શું થાય છે. તેમણે આપણા માટે બાઇબલમાં જવાબ લખાવી લીધો છે. બાઇબલ શીખવે છે કે આપણામાં આત્મા જેવું કંઈ જ હોતું નથી.a મરણ પછી માણસ બિલકુલ ખતમ થઈ જાય છે. તે ન તો સાંભળી શકે, જોઈ શકે, બોલી શકે, કે વિચારી શકે. એ બતાવે છે કે આપણામાં આત્મા જેવું કંઈ જ નથી.

બૂઝાઈ ગયેલી મીણબત્તી

બૂઝાઈ ગયેલી જ્યોત બીજે ક્યાંક જઈને બળતી નથી

૬ રાજા સુલેમાને લખ્યું કે જીવતાઓ જાણે છે કે પોતે એક દિવસ મરવાના છે. “પણ મૂએલા કંઈ જાણતા નથી.” ગુજરી ગયેલાં સગાં-વહાલાં કોઈના પર પ્રેમ વરસાવી શકતા નથી. વેરભાવ રાખી શકતા નથી. માણસ માટીમાં મળી જાય પછી, ત્યાં “કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.” (સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦) ગીતશાસ્ત્ર ૧૪૬:૪ પણ કહે છે: “શ્વાસ બંધ થતાં માનવી માટીમાં મળી જાય છે, અને તે જ દિવસે તેની યોજનાઓનો અંત આવે છે.” મરણ પછી કંઈ એટલે કંઈ જ જીવતું રહેતું નથી. જીવન એક સળગતી જ્યોત જેવું છે. જ્યોત બૂઝાઈ જાય ત્યારે, એ બીજે ક્યાંક જઈને બળતી નથી. એ બસ ખતમ થઈ જાય છે. એવી જ રીતે, મરણ વખતે આપણી જીવન જ્યોત બસ બૂઝાઈ જાય છે.

ઈસુએ મરણ વિશે શું શીખવ્યું હતું?

૭. ઈસુએ મરણ વિશે શું શીખવ્યું?

૭ ઈસુએ પણ જણાવ્યું કે મરણ પછી માણસનું શું થાય છે. તેમનો જિગરી દોસ્ત લાજરસ ગુજરી ગયો ત્યારે, તેમણે શિષ્યોને કહ્યું: “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે.” શિષ્યોને લાગ્યું કે લાજરસ બીમાર છે, આરામ કરતો હશે. એટલે ઈસુએ ચોખવટ કરી કે “લાજરસ મરી ગયો છે.” (યોહાન ૧૧:૧૧-૧૪) ઈસુએ એમ ન કહ્યું કે લાજરસ સ્વર્ગમાં છે; નરકમાં છે; બીજો જન્મ લીધો છે; સ્વર્ગદૂતો સાથે છે કે ગુજરી ગયેલા બાપ-દાદાઓ પાસે છે. ના, તેમણે કહ્યું કે તે ઊંઘી ગયો છે. બાઇબલ બીજી ઘણી જગ્યાએ મોતને ઊંઘ સાથે સરખાવે છે. દાખલા તરીકે, સ્તેફન નામના ઈશ્વરભક્તને પથ્થરથી મારી નાખવામાં આવ્યો. બાઇબલ જણાવે છે કે તે ‘ઊંઘી ગયો.’ (પ્રેરિતોનાં કૃત્યો ૭:૬૦) ઈશ્વરભક્ત પાઉલે પણ તેમના જમાનામાં ગુજરી ગયેલા અમુક શિષ્યો વિશે લખ્યું કે તેઓ ‘ઊંઘી ગયા છે.’—૧ કરિંથી ૧૫:૬.

પતિ-પત્ની બગીચામાં બેઠા છે, તેઓ ફૂલ જોઈ રહ્યા છે

યહોવાએ મનુષ્યોને યુગોના યુગો ધરતી પર સુખી રહેવાનું વરદાન આપ્યું હતું

૮. શું બતાવે છે કે યહોવાએ માણસને હંમેશ માટે જીવવા બનાવ્યો હતો?

૮ તો પછી શું યહોવાએ માણસને ફક્ત સિત્તેર-એંસી વર્ષ જીવવા જ બનાવ્યો હતો? ના. આપણે શીખી ગયા કે યહોવાએ પહેલો માણસ, આદમ અને તેની પત્ની હવાને બનાવ્યા. સુંદર ધરતી પર તેઓને યુગોના યુગો જીવવાનું વરદાન આપ્યું. યહોવાની કૃપાનો હાથ તેઓ પર હતો. બસ, સુખ-શાંતિનું જીવન હતું. શું કોઈ માવતર પોતાના પેટના જણ્યાને દુઃખી કરશે? શું કદી એવું વિચારશે કે ભલે બીમાર થતા, ભલે મરતા, મારે શું? ના! કોઈ માવતર સપનામાં પણ એવું ન વિચારે. તો પછી ઈશ્વરને તો એવો વિચાર પણ ક્યાંથી આવે! તેમણે તો માણસને કાયમ જીવવાનું વરદાન આપ્યું હતું. માણસના મનમાં એ ઝંખના મૂકી છે. (સભાશિક્ષક ૩:૧૧) તો પછી ચાલો આપણે જોઈએ કે માણસ કેમ મરે છે? શું આપણે કદીયે હંમેશ માટે જીવી શકીશું?

માણસ કેમ મરે છે?

૯. યહોવાએ આદમને કઈ આજ્ઞા આપી? એ પાળવી કેમ મુશ્કેલ ન હતી?

૯ પહેલા તો આપણે એ જાણવું પડશે કે યહોવાએ આદમ અને હવાને બનાવ્યા, એ પછી શું થયું. બાઇબલ જણાવે છે કે યહોવાએ “ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યાં.” (ઉત્પત્તિ ૨:૯) યહોવાએ આદમને આ આજ્ઞા આપી: ‘બાગમાંના દરેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, પણ ભલા-ભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું ચોક્કસ મરશે જ.’ (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) શું એ આજ્ઞા પાળવી મુશ્કેલ હતી? ના. જરાય નહિ. એદન બાગમાં એક જ વૃક્ષ ન હતું. હજારો વૃક્ષ હતાં. તેઓ પેટ ભરીને એનાં ફળ ખાઈ શકતાં હતાં. ફક્ત એક જ વૃક્ષનું ફળ ન ખાવાની યહોવાએ તેઓને આજ્ઞા આપી હતી જેથી, તે તેઓનો પ્રેમ જોઈ શકે. એ પાળીને તેઓ બતાવી શકતા હતા કે તેઓ યહોવાની દિલથી કદર કરે છે, તેમની છાયામાં રહેવા માંગે છે.

૧૦, ૧૧. (ક) આદમ અને હવાએ કેવી રીતે યહોવાની આજ્ઞા તોડી? (ખ) આદમ અને હવાએ જે કર્યું એ કેમ મહાપાપ હતું?

૧૦ પણ અફસોસ! આદમ અને હવાએ યહોવાની એ આજ્ઞા પાળી નહિ. એક સાપ દ્વારા શેતાને હવાને પૂછ્યું: “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?” હવાએ કહ્યું, “બાગમાંના દરેક વૃક્ષનું ફળ ખાવાની અમને છૂટ છે, પરંતુ ઈશ્વરે અમને કહ્યું છે, ‘બાગની મધ્યે આવેલા વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ કે તેને અડકવું નહિ, નહિ તો તમે મરી જશો.’”—ઉત્પત્તિ ૩:૧-૩.

૧૧ શેતાને ચાલાકીથી હવાને છેતરવા કહ્યું, ‘તમે નહિ જ મરશો. ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ફળ ખાશો, તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે અને તમે ઈશ્વરના જેવાં બનશો અને ભલું-ભૂંડું જાણનારા બનશો.’ (ઉત્પત્તિ ૩:૪, ૫) શેતાન લુચ્ચો હતો. હવાના મનમાં આમ ખોટું ઠસાવતો હતો, ‘અરે, ખાને! એ ફળ ખાવાથી તને જ ફાયદો થશે. તું તારા મનની માલિક. તું જાતે નક્કી કરી શકીશ કે તારા માટે શું સારું ને શું ખરાબ.’ અરે, બીજા શબ્દોમાં શેતાન કહેવા માગતો હતો કે ‘યહોવા જૂઠું બોલે છે! ફળ ખાવાથી તું નહિ મરે.’ હવા શેતાનની ચાલમાં ફસાઈ ગઈ. તેણે ફળ ખાધું. તેના પતિને આપ્યું. તેણે પણ ખાધું. તેઓએ જે કર્યું, એનું તેઓને પૂરેપૂરું ભાન હતું. તેઓએ જાણીજોઈને ફળ ખાધું અને યહોવાની આજ્ઞા તોડવાનું મહાપાપ કર્યું. તેઓએ પોતાના જીવનદાતાથી મોં ફેરવી લીધું. નાતો કાપી નાખ્યો. તેઓએ યહોવાનું ઘોર અપમાન કર્યું!

૧૨. ઉદાહરણ આપીને સમજાવો કે આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી ત્યારે તેમને કેવું લાગ્યું હશે.

૧૨ જરા વિચારો, તમે તમારાં બાળકોને સારા સંસ્કાર આપી, લાડ-પ્યારથી મોટાં કરો. પણ તેઓ તમારું માને નહિ. વાત-વાતમાં તમારું અપમાન કરે. તમારા માટે જરાય પ્રેમ નહિ હોય તો તમને કેવું લાગશે? તો પછી કલ્પના કરો કે આદમ અને હવાને તો ખુદ ઈશ્વરે સુખી રહેવા બનાવ્યા હતા. તેઓએ જાણીજોઈને યહોવાની આજ્ઞા તોડી ત્યારે, તેમના દિલને કેટલું દુઃખ પહોંચ્યું હશે!

આદમને બનાવ્યો ત્યારે, તે માટીમાંથી આવે છે

યહોવાએ આદમને માટીમાંથી બનાવ્યો હતો. મરણ પછી તે પાછો માટીમાં મળી ગયો

૧૩. યહોવાએ આદમને મરણ વિશે શું કહ્યું હતું? એનો અર્થ શું થાય?

૧૩ યહોવાએ પહેલેથી જ આદમને કહ્યું હતું કે તે આજ્ઞા તોડશે તો, તેની જીવન-દોરી કપાઈ જશે. આદમ અને હવાએ જાણીજોઈને આજ્ઞા તોડી. એટલે જેમ કોઈ કપાયેલી ડાળી સૂકાઈ જાય, તેમ તેઓ ધીમે ધીમે ઘરડા થયા અને મરણ પામ્યા. પણ તેઓ સ્વર્ગમાં, નરકમાં કે બીજે ક્યાંય ગયા ન હતા. આદમે પાપ કર્યું ત્યારે યહોવાએ તેને કહ્યું કે “જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) ઈશ્વરે આદમને માટીમાંથી બનાવ્યો હતો. (ઉત્પત્તિ ૨:૭) એ પહેલાં આદમ હતો જ નહિ. એટલે યહોવાએ આદમને કહ્યું કે જેમ તેને માટીમાંથી બનાવ્યો હતો, તેમ તે પાછો માટીમાં ભળી જશે. પછી તેનું કોઈ નામનિશાન રહેશે નહિ.

૧૪. માણસ કેમ મરે છે?

૧૪ જો આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી ન હોત, તો તેઓ આજે પણ જીવતા હોત! પણ તેઓએ જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. મોતને સામે ચાલીને બોલાવ્યું. અફસોસની વાત છે કે તેઓ એ પાપ અને મોતનો વારસો આપણને પણ આપી ગયા. એટલે જ આપણે બધાય મરણ પામીએ છીએ. (રોમન ૫:૧૨) જેમ માબાપ પાસેથી બાળકને વારસામાં કોઈ ખતરનાક રોગ મળે છે, તેમ આપણને આદમ અને હવા પાસેથી વારસામાં મોત મળ્યું છે. મોત એક શાપ છે. એનાથી કોઈ બચી શકતું નથી. એ આપણો જાની દુશ્મન છે! (૧ કરિંથી ૧૫:૨૬) પણ આપણને એમાંથી છોડાવવા માટે યહોવાએ ઈસુને મોકલ્યા. જો યહોવા એમ ન કરત, તો આપણું શું થાત!

મરણ વિશે સચ્ચાઈ, દિલને દિલાસો આપે છે

૧૫. ગુજરી ગયેલા વિશે સત્ય જાણીને આપણા મનને કેમ શાંતિ મળે છે?

૧૫ બાઇબલમાંથી મરણ વિશેની સચ્ચાઈ જાણીને, આપણને મનની શાંતિ મળે છે. આપણાં ગુજરી ગયેલાં સગાં-વહાલાં ક્યાંય દુઃખી થતાં નથી. એવો ડર નથી કે તેઓ આપણને હેરાન કરશે. તેઓને મદદ કરવા આમ-તેમ ફાંફાં મારતા નથી. એવી ખોટી આશા પણ રાખતા નથી કે તેઓ આપણને મદદ કરશે. બાઇબલમાંથી આપણે શીખ્યા કે માણસ એક વખત ગુજરી જાય, પછી કંઈ કરી શકતો નથી. તોપણ, ઘણા ગુરુઓ કે બ્રાહ્મણો કહેશે, કે ‘ગુજરી ગયેલાં સગાં-વહાલાંને મદદ કરવા આટલું દાન કરો. આ વિધિ કરાવો. પેલી વિધિ કરાવો.’ જોજો, છેતરાશો નહિ!

૧૬. આજે મોટા ભાગના ધર્મો શું શીખવે છે? તેઓનું શિક્ષણ કોની પાસેથી આવે છે?

૧૬ ગુજરી ગયેલાઓ વિશે બાઇબલ ઈશ્વરના વિચારો શીખવે છે. પણ ઘણા ધર્મો બાઇબલથી જુદું જ શીખવે છે. કેમ એવું? કારણ કે તેઓનું શિક્ષણ શેતાન પાસેથી આવે છે. અનેક ધર્મોમાં તે ખોટી માન્યતાઓ શીખવે છે. જેમ કે આપણામાં આત્મા છે. એ એક પછી બીજા ખોળિયામાં જન્મ લે છે, કે પછી બીજે ક્યાંક જીવે છે. જૂઠી માન્યતાઓ ને રીત-રિવાજોની ભેળસેળ કરીને શેતાને ચાલાકીથી લોકોને આડે રસ્તે ચઢાવી દીધા છે. શેતાન લોકોને યહોવાથી દૂર લઈ જાય છે. કેવી રીતે?

૧૭. નરકની માન્યતા કઈ રીતે યહોવાને બદનામ કરે છે?

૧૭ આજે ઘણા ધર્મો શીખવે છે કે જેવા જેના કર્મ, કર્યા ભોગવે. પાપીઓ નરકમાં જશે; સદા રિબાયા કરશે. પણ આવું શિક્ષણ ઈશ્વરને બદનામ કરે છે! ઈશ્વર તો પ્રેમના સાગર છે. તે કદીયે કોઈને રિબાવી ન શકે. (૧ યોહાન ૪:૮) કલ્પના કરો: એક પિતા પોતાના તોફાની બાળકને શિક્ષા કરવા તેનો હાથ આગ પર રાખી દઝાડે છે. તમને કેવું લાગશે? તમને એ માણસ જુલમી લાગશે. તેના માટે કોઈ માન નહિ રહે. શેતાન આપણને યહોવા વિશે એવું જ શીખવે છે. તે કહે છે કે યહોવા લોકોને કાયમ માટે નરકમાં રિબાવે છે. શેતાન બીજી કઈ ખોટી માન્યતાઓ શીખવે છે?

૧૮. લોકો કયાં જૂઠાં શિક્ષણને લીધે ગુજરી ગયેલાની પૂજા કરે છે?

૧૮ શેતાન અમુક ધર્મોમાં એ પણ શીખવે છે કે મરણ પછી વ્યક્તિનો આત્મા ભટકે છે. ‘એના આત્માને શાંતિ મળે એ માટે શ્રાદ્ધ કરો, દાન આપો. નહિતર એ તમને હેરાન કરશે.’ આવી માન્યતામાં ફસાઈને લાખો લોકો ગુજરી ગયેલાની પૂજા કરે છે. પરંતુ શેતાને ફેલાવેલા આ જૂઠથી તમે છેતરાશો નહિ. બાઇબલ શીખવે છે કે આપણામાં આત્મા જેવું કંઈ જ નથી. વ્યક્તિ ગુજરી ગયા પછી ધૂળમાં મળી જાય છે. આપણે બીજા કોઈનું નહિ, ફક્ત યહોવાનું જ કહેવું માનીએ. તેમની જ ભક્તિ કરીએ. તે જ આપણા ઈશ્વર છે, માલિક છે.—પ્રકટીકરણ ૪:૧૧.

૧૯. મરણ વિશે સત્ય શીખીને આપણે કઈ તમન્‍ના રાખી શકીએ છીએ?

૧૯ મરણ વિશે બાઇબલમાંથી સત્ય જાણીને, તમે અનેક ખોટી માન્યતાથી આઝાદ થશો. ખોટા રીત-રિવાજ, વિધિઓના ચક્કરમાંથી છૂટશો. શેતાનથી છેતરાશો નહિ. પણ જો ગુજરી ગયા પછી વ્યક્તિ મરણની ઊંઘમાં હોય, તો શું તેના માટે સુંદર ધરતી પર યુગોના યુગો જીવવાની તમન્‍ના નકામી છે? ના, એ નકામી નથી.

૨૦. સાતમા પ્રકરણમાં આપણને કયા સવાલનો જવાબ મળશે?

૨૦ હજારો વર્ષો પહેલાં, ઈશ્વરભક્ત અયૂબે પૂછ્યું હતું: “શું મરેલો માણસ સજીવન થાય?” (અયૂબ ૧૪:૧૪) જેઓ મરણની ઊંઘમાં છે તેઓ જીવતા થશે? સાતમું પ્રકરણ આ સવાલનો જવાબ આપે છે. એના વિશે બાઇબલના શિક્ષણથી તમારા દિલને ઠંડક વળશે.

a ‘આત્મા’ વિશે વધારે માહિતી માટે પાન ૨૦૯-૨૧૧ જુઓ.

બાઇબલ આમ શીખવે છે

  • ગુજરી ગયેલા કંઈ સાંભળતા નથી, જોતા નથી કે વિચારતા નથી.—સભાશિક્ષક ૯:૫.

  • ગુજરી ગયેલાઓ જાણે ઊંઘી ગયા છે. નરકમાં રિબાતા નથી કે બીજી કોઈ જગ્યાએ નથી.—યોહાન ૧૧:૧૧.

  • આદમે સર્વને વારસામાં પાપ આપ્યું હોવાથી, આજે પણ માણસ મરે છે.—રોમન ૫:૧૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો