વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૧૦/૧૫ પાન ૧૩-૧૯
  • ચાલો વચનના દેશમાં ફરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચાલો વચનના દેશમાં ફરીએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલના બનાવો સારી રીતે સમજો
  • નકશાથી બીજું શું જાણી શકાય?
  • ઉત્તેજન મેળવવા લાંબી સફર કંઈ નથી!
  • વચનના દેશ વિષે શીખતા રહો
  • “યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોશુઆના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૧૦/૧૫ પાન ૧૩-૧૯

ચાલો વચનના દેશમાં ફરીએ

“આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર.”—ઉત્પત્તિ ૧૩:૧૭.

શું તમને નવી નવી જગ્યાએ ફરવાનું ગમે છે? કદાચ તમે કાર કે સાઇકલ લઈને કોઈ જગ્યાએ ફરવા ગયા હશો. કે પછી તમે ચાલીને નજીકની કોઈ સુંદર જગ્યા જોવા ગયા હશો. એવી જગ્યાઓ જોઈને આપણને કેટલો આનંદ મળે છે. પણ આપણે એ જલદી જ ભૂલી જઈએ છીએ. હવે ઈબ્રાહીમનો વિચાર કરો. યહોવાહે તેમને કહ્યું: “ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.”—ઉત્પત્તિ ૧૩:૧૭.

૨ ચાલો આપણે આના વિષે ઉત્પત્તિ ૧૩મા અધ્યાયમાં વધારે જોઈએ. ઈબ્રાહીમનો પરિવાર થોડા સમય સુધી મિસરમાં રહ્યો. પછી તેઓ બધા ઢોર લઈને ‘નેગેબમાં’ રહેવા ગયા. ત્યાર બાદ, ઈબ્રાહીમ “નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો.” આ નવા દેશમાં ઢોર માટે પૂરતું ખાવા-પીવાનું ન હતું. એટલે ઈબ્રાહીમના ચાકરો અને લોતના ચાકરો ઝઘડવા લાગ્યા. ઈબ્રાહીમે જોયું કે બધા એક જગ્યાએ રહી શકે એમ નથી. તેમણે પોતાના ભત્રીજા લોતને કહ્યું કે, ‘તને ક્યાં જવું છે? હું રાજી-ખુશીથી તને પસંદગી કરવા દઉં છું.’ ‘ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યરદનનો આખો પ્રદેશ’ જોયો. એ ‘દેશ તો યહોવાહની વાડીના જેવો હતો.’ તરત જ લોત ત્યાં ગયો અને સદોમમાં ઘર રાખ્યું. પણ યહોવાહે ઈબ્રાહીમને કહ્યું કે “તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો.” ઈબ્રાહીમ બેથેલ નજીક કોઈ ડુંગર પર હતા, એટલે તે દેશની ચારે બાજુ જોઈ શકતા હતા. પછી યહોવાહ તેમને કહે છે કે, “દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર.” જેથી, ઈબ્રાહીમ એ આખો દેશ સારી રીતે જાણી શકે.

૩ ઈબ્રાહીમને હેબ્રોન પહોંચવાનું હતું. ત્યાં પહોંચતા પહેલાં, તેમણે વચનના દેશની ઘણી જગ્યાઓ જોઈ હશે. તે નેગેબ, બેથેલ, યરદનનો આખો પ્રદેશ, સદોમ અને હેબ્રોનથી સારી રીતે જાણકાર થયા હશે. પણ એ નામો સાંભળીને તમે વિચારતા હશો કે, ‘એ ક્યાં છે? એ કેવી જગ્યા છે?’ બહુ થોડાક જ લોકો એ દેશોમાં ફરવા ગયા હશે. કદાચ આપણે તો બસ બાઇબલમાંથી જ એના વિષે વાંચ્યું હોય શકે. પણ આપણે એ જગ્યાઓ વિષે જાણવાની જરૂર છે. શા માટે?

૪ “બુદ્ધિશાળી માણસ હંમેશાં નવા વિચારો પ્રત્યે ખુલ્લું મન ધરાવે છે. તે તેની શોધમાં જ હોય છે.” (નીતિવચનો ૧૮:૧૫, IBSI) આપણે અનેક વિષય પર અભ્યાસ કરી શકીએ, પણ યહોવાહનું જ્ઞાન સૌથી મહત્ત્વનું છે. ફક્ત બાઇબલમાંથી જ આપણે યહોવાહ વિષે જાણી શકીએ છીએ. (૨ તીમોથી ૩:૧૬) પણ બાઇબલ વાંચવું જ પૂરતું નથી. આપણે એ સારી રીતે સમજવાની જરૂર છે. ખાસ કરીને બાઇબલમાં આપેલી જગ્યાઓ વિષે આપણે વધુ જાણવાની જરૂર છે. દાખલા તરીકે, કદાચ અમુકને ખબર હશે કે મિસર (ઇજિપ્ત) ક્યાં આવેલું છે. પણ ઈબ્રાહીમે કરેલી મુસાફરીમાં, મિસરથી “નેગેબ” કેટલું દૂર હતું? કે પછી નેગેબથી બેથેલ ક્યાં આવ્યું? કે પછી ત્યાંથી હેબ્રોન કેટલું દૂર હતું?

૫ ચાલો આપણે બીજો દાખલો લઈએ. સફાન્યાહના બીજા અધ્યાયમાં તમને લોકોના, શહેરોનાં આ નામો જોવા મળશે: ગાઝા, આશ્કલોન, આશ્દોદ, એક્રોન, સદોમ, નીનવેહ, કનાન, મોઆબ, આમ્મોન અને આશ્શૂર. શું તમે જાણો છો કે એ જગ્યાઓ ક્યાં છે અને એ લોકો ક્યાંથી આવ્યા હતા? એ જાણવું ખૂબ મહત્ત્વનું છે, કેમ કે એમાંથી આપણે અનેક બાઇબલ ભવિષ્યવાણીઓ સારી રીતે સમજીશું.

૬ ઘણા ભાઈ-બહેનો બાઇબલ વિષે શીખતા હોય ત્યારે, એમાં જણાવેલી જગ્યાઓના નકશા તપાસે છે. જેથી તેઓનું જ્ઞાન વધી શકે. નકશા જોવાથી તેઓ સહેલાઈથી એ બનાવ સમજી શકે છે. આપણે પણ આવી રીતે બાઇબલ શીખીએ તો, આપણી શ્રદ્ધા વધશે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે આપણે નકશાની મદદથી બાઇબલ વધારે સમજી શકીએ.—પાન ૧૪ પર બૉક્સ જુઓ.

બાઇબલના બનાવો સારી રીતે સમજો

૭ આપણે ન્યાયાધીશો ૧૬:૨નો દાખલો લઈએ. એમાં પેલેસ્તાઈનની વાત થાય છે. આજકાલ સમાચારોમાં એ ખૂબ ચમકતું હોવાથી, આપણે જાણતા હોઈશું કે એ ભૂમધ્ય સમુદ્ર નજીક આવેલું છે. એ કલમ બતાવે છે કે શામશૂન પેલેસ્તાઈનના ગાઝામાં હતા. [૧૧] ન્યાયાધીશો ૧૬:૩ કહે છે કે, “મધરાત લગી શામશૂન સૂઈ રહ્યો, ને મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાનાં કમાડ તથા બન્‍ને બારસાખો પકડીને ભૂંગળસહિત ખેંચી કાઢ્યા, ને તેમને ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઇ ગયો.”

૮ વિચાર કરો કે ગાઝા શહેરના દરવાજા અને એના થાંભલા કેટલા મોટા અને ભારે હતા! પણ ખેતરમાંથી મૂળાની જેમ, શામશૂને એને ખેંચી કાઢ્યા. પણ શામશૂન એને ઊંચકીને ક્યાં લઈ ગયા? નકશામાં જોવાથી આપણને ખબર પડે છે કે ગાઝા દરિયાકાંઠે છે. [૧૫] પણ હેબ્રોન પૂર્વ બાજુ છે. એટલું જ નહિ, એ દરિયાથી ૯૦૦ મીટરની ઊંચાઈએ છે! આપણે જાણતા નથી કે ‘હેબ્રોનની સામેના પર્વતના શિખર’ ક્યાં છે. પણ એ ગાઝાથી આશરે ૬૦ કિલોમીટર (૩૭ માઈલ) દૂર હોય શકે. એ ફક્ત દૂર જ ન હતું પણ ઉપર ચઢીને જવાનું હતું! એ જાણીને શામશૂન વિષે તમને શું લાગે છે? શું માનવામાં નથી આવતું? તમને થશે કે શામશૂનમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવી? બાઇબલ કહે છે કે “યહોવાહનો આત્મા [એટલે શક્તિ] તેના પર પરાક્રમસહિત આવ્યો.” (ન્યાયાધીશો ૧૪:૬, ૧૯; ૧૫:૧૪) આજે આપણે શામશૂન જેવી હાલતમાં નથી. પણ યહોવાહ બીજી રીતે શક્તિ કે આશીર્વાદ આપે છે. એનાથી આપણે બાઇબલ સારી રીતે સમજી શકીએ, અને આપણી શ્રદ્ધા વધારી શકીએ. (૧ કોરીંથી ૨:૧૦-૧૬; ૧૩:૮; એફેસી ૩:૧૬; કોલોસી ૧:૯, ૧૦) શામશૂનનો દાખલો બતાવે છે કે યહોવાહ પોતાના ભક્તોને પૂરો સાથ આપે છે.

૯ ચાલો હવે ગિદઓનનો અનુભવ જોઈએ. ગિદઓન અને તેમના ૩૦૦ સાથીઓએ ૧,૩૫,૦૦૦ માણસોની ફોજ પર જીત મેળવી. આ ફોજ મિદ્યાનીઓ, અમાલેકીઓ અને બીજા દેશોના લોકોની બનેલી હતી. આ લડાઈ યિઝએલના મેદાન પર થઈ, જે મોરેહ પર્વત પાસે હતું. [૧૮] લડાઈમાં ગિદઓને કઈ રીતે જીત મેળવી? પહેલા તો, તેઓ એક અંધારી રાતે દુશ્મનોની છાવણી નજીક ગયા, પછી રણશિંગડાં વગાડ્યાં. માટલા તોડ્યા, એની અંદર સંતાડેલી મશાલ આમ-તેમ હલાવવા લાગ્યા. પછી તેઓ પોકારી ઊઠ્યા, “યહોવાહની તથા ગિદઓનની તરવારની જે!” આ સાંભળીને દુશ્મનો ગભરાઈ ગયા, ધમાલ મચી ગઈ, ધમાલમાં તેઓ એકબીજાની કતલ કરવા લાગ્યા. (ન્યાયાધીશો ૬:૩૩; ૭:૧-૨૨) શું આ આખો બનાવ ફક્ત એક જ રાતમાં પૂરો થયો હતો? ચાલો આપણે ન્યાયાધીશો ૭ અને ૮માં જોઈએ. એ બતાવે છે કે દુશ્મનો આમ-તેમ બધી બાજુએ નાસી છૂટ્યા. ગિદઓનની ફોજે તેઓનો પીછો પકડ્યો. આ જૂના જમાનાની વાત હોવાથી, અમુક જગ્યાઓ નકશામાં જોવા મળશે નહિ. તેમ છતાં, આપણે નકશામાં અમુક જાણીતી જગ્યાઓ જોઈ શકીએ છીએ. એ આપણને સમજાવે છે કે ગિદઓનની ફોજને ક્યાં ક્યાં જવું પડ્યું.

૧૦ ગિદઓનની ફોજ બેથ-શિટ્ટાહ સુધી, અને પછી આબેલ-મહોલાહ સુધી દુશ્મનોની પાછળ પડી. એ યરદન નદીની નજીક જ હતું. (ન્યાયાધીશો ૭:૨૨-૨૫) પછી શું બન્યું? “ગિદઓન યરદન આગળ આવ્યો, ને તે તથા તેની સાથેના ત્રણસો માણસો પાર ઊતર્યા; તેઓ થાકેલા છતાં શત્રુઓની પાછળ પડેલા હતા.” નદી પાર કરીને ઈસ્રાએલી ફોજે સુક્કોથ સુધી દુશ્મનોનો પીછો કર્યો. ત્યાંથી તેઓ પનૂએલ ગયા, જે યાબ્બોક નજીક હતું અને પછી યોગ્બહાહનો પર્વત ચડવા લાગ્યા. (આ જગ્યા આજે જોર્ડનના અંમાન શહેર નજીક છે.) છેવટે ગિદઓને મિદ્યાનના બે રાજાઓને મારી નાખ્યા. પછી પાછા ઘરે જવા તેમણે છેક ઓફ્રાહ જવાનું હતું, જ્યાંથી લડાઈ શરૂ થઈ હતી! (ન્યાયાધીશો ૮:૪-૧૨, ૨૧-૨૭) આપણે જોયું કે ફક્ત એક રાતમાં જ ગિદઓનને જીત મળી ન હતી. ગિદઓન અને તેમની ફોજે લગભગ ૮૦ કિલોમીટર (૫૦ માઈલ) સુધી લડાઈ કરી! પાઊલે કહ્યું કે ‘ગિદઓન અને બીજાઓ વિષે કહેવા બેસું તો મને પૂરતો વખત નથી. તેઓએ શ્રદ્ધાને બળે જીત મેળવી, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.’ (હિબ્રૂઓ ૧૧:૩૨-૩૪, સંપૂર્ણ બાઇબલ) આપણે ગિદઓન પાસેથી શું શીખીએ છીએ? એ જ કે ગિદઓનની માફક આપણે યહોવાહની ભક્તિ માટે લડતા જ રહીએ, થાકી ન જઈએ.—૨ કોરીંથી ૪:૧, ૧૬; ગલાતી ૬:૯.

નકશાથી બીજું શું જાણી શકાય?

૧૧ નકશો વાપરવાથી બીજો લાભ પણ છે. આપણે નકશામાં જોઈએ કે લોકો કઈ કઈ જગ્યાએ ગયા, ત્યારે ખબર પડશે કે તેઓના દિલમાં શું હતું. ચાલો ઈસ્રાએલી લોકોનો દાખલો લઈએ. તેઓ મિસર છોડીને સિનાય પર્વત પહોંચ્યા. ત્યાંથી તેઓ ઉત્તરે જઈને વચનના દેશ સામે ગયા. જતા જતા, તેઓએ અનેક ગામડાં પસાર કર્યા. છેવટે તેઓ કાદેશ (કાદેશ-બાર્નેઆ) પહોંચ્યા. [૯] પુનર્નિયમ ૧:૨ કહે છે કે એ ૧૧ દિવસની મુસાફરી હતી. ઈસ્રાએલી લોકો લગભગ ૨૭૦ કિલોમીટર (૧૭૦ માઈલ) ચાલ્યા. કાદેશથી મુસાએ ૧૨ જાસૂસોને વચનના દેશમાં મોકલ્યા. (ગણના ૧૦:૧૨, ૩૩; ૧૧:૩૪, ૩૫; ૧૨:૧૬; ૧૩:૧-૩, ૨૫, ૨૬) જાસૂસો નેગેબ, બેર-શેબા અને હેબ્રોનથી છેક વચનના દેશના ઉત્તર ભાગમાં પહોંચ્યા. (ગણના ૧૩:૨૧-૨૪) જ્યારે જાસૂસો પાછા આવ્યા, ત્યારે ઈસ્રાએલી લોકોએ ફક્ત ૧૦ ડરપોક જાસૂસોનો રિપોર્ટ માન્યો. પોતાની એ ભૂલ માટે તેઓએ ૪૦ વર્ષ અરણ્યમાં રખડવું પડ્યું. (ગણના ૧૪:૧-૩૪) એમાંથી આપણે શું શીખીએ છીએ?—પુનર્નિયમ ૧:૧૯-૩૩; ગીતશાસ્ત્ર ૭૮:૨૨, ૩૨-૪૩; યહુદા ૫.

૧૨ ધારો કે ઈસ્રાએલી લોકોએ બીજા બે જાસૂસો, યહોશુઆ અને કાલેબનું માન્યું હોત. યહોવાહ પર શ્રદ્ધા મૂકી હોત. એમ કર્યું હોત તો વચનનો દેશ બહુ દૂર ન હતો. કાદેશથી તેઓ પહેલા ઇસ્હાક અને રિબકાહના ગામ, બેરલાહાય-રોઈ ગયા હોત. એ ફક્ત ૧૬ કિલોમીટરનો (૧૦ માઈલ) રસ્તો હતો. [૭] પછી ત્યાંથી બેર-શેબા ફક્ત ૯૫ કિલોમીટર (૬૦ માઈલ) હતું, જે વચનના દેશનો નીચલો ભાગ હતો. (ઉત્પત્તિ ૨૪:૬૨; ૨૫:૧૧; ૨ શમૂએલ ૩:૧૦) વિચાર કરો, ઈસ્રાએલી લોકોએ મિસર છોડીને સિનાય પર્વત સુધી પહોંચવા ખૂબ લાંબી મુસાફરી કરી હતી. પછી ત્યાંથી ૨૭૦ કિલોમીટર (૧૭૦ માઈલ) ચાલીને કાદેશ પહોંચ્યા. હવે તેઓ વચનના દેશને આંગણે જ ઊભા હતા. પણ અફસોસ! તેઓ એમાં જઈ ન શક્યા. આજે આપણે જાણે કે નવી દુનિયાને આંગણે ઊભા છીએ. પાઊલ આપણને કહે છે કે એમાં જવા “માટે આપણે બને તે બધું જ કરી છૂટીએ. જેમ ઇઝરાયલપુત્રો આજ્ઞાભંગ કરીને નિષ્ફળ ગયા, તેમ આપણા સંબંધમાં ન થાય તે માટે ખાસ કાળજી રાખીએ.”—હિબ્રૂ ૩:૧૬-૪:૧૧, IBSI.

૧૩ હવે ઈસ્રાએલી લોકોની સરખામણીમાં ગિબઓનના લોકોની શ્રદ્ધા જોઈએ. યહોશુઆ ઈસ્રાએલી લોકોને યરદન નદી પાર કરીને વચનના દેશમાં લઈ ગયા. પછી યહોવાહે તેઓને કહ્યું કે કનાની અને ગિબઓની લોકોને દેશમાંથી કાઢી મૂકો. (પુનર્નિયમ ૭:૧-૩) ઈસ્રાએલી લોકોએ કનાનના યેરેખો અને આય શહેરો જીતી લીધા. પછી તેઓ ગિલ્ગાલમાં થોડો સમય રહ્યા. હવે ગિબઓનનો વારો હતો. પણ તેઓને કનાનના લોકોની માફક મરવું ન હતું. તેઓએ ચાલાકી વાપરીને અમુક માણસોને યહોશુઆ સાથે દોસ્તી બાંધવા મોકલ્યા.

૧૪ ગિબઓનના લોકો યહોશુઆને કહે છે કે “તારા દેવ યહોવાહના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ.” (યહોશુઆ ૯:૩-૯) યહોશુઆ તેઓનાં કપડાં અને ખોરાક જોઈને માની લે છે કે તેઓ દૂર દેશથી આવ્યા હશે. પણ હકીકત તો એ હતી કે ગિબઓન, બસ ૩૦ કિલોમીટર (૨૦ માઈલ) દૂર હતું. [૧૯] યહોશુઆ અને ઈસ્રાએલના બીજા સરદારો તેઓની ચાલમાં ફસાઈ ગયા. તેઓએ ગિબઓન અને એની આસપાસના શહેરો સાથે દોસ્તી બાંધી. શું ગિબઓનના લોકોએ ફક્ત બચવા માટે આ ચાલાકી કરી હતી? ના, તેઓ ખરેખર યહોવાહની ભક્તિ કરીને તેમનો આશીર્વાદ ચાહતા હતા. તેઓના દિલ જોઈને યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું: “તેઓને જીવતા રહેવા દો; પણ એ શરતે, કે તેઓ [મંદિર માટે અને] આખી જમાતને સારૂ લાકડાં કાપનારા ને પાણી ભરનારા થાય.” (યહોશુઆ ૯:૧૧-૨૭) ગિબઓનના લોકોએ રાજીખુશીથી એ કામ કર્યું. વર્ષો બાદ, ઈસ્રાએલી લોકો બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે, ગિબઓનના લોકો પણ પાછા યહોવાહના મંદિરમાં સેવા કરવા આવ્યા. તેઓમાંના અમુક નથીનીમ પણ હતા. (એઝરા ૨:૧, ૨, ૪૩-૫૪; ૮:૨૦) આપણે પણ ગિબઓનના લોકોની માફક યહોવાહની ભક્તિ દિલથી કરવી જોઈએ. સાથે સાથે, આપણે તેમની ભક્તિમાં જે કંઈ કરીએ એ રાજીખુશીથી કરીએ.

ઉત્તેજન મેળવવા લાંબી સફર કંઈ નથી!

૧૫ ગ્રીક શાસ્ત્રમાં આપણને ઈસુ અને પ્રેષિત પાઊલના પ્રચાર કામ વિષે ઘણું જાણવા મળે છે. તેઓએ પણ વચનના દેશ અને એની આજુબાજુના દેશોમાં મુસાફરી કરી હતી. (માર્ક ૧:૩૮; ૭:૨૪, ૩૧; ૧૦:૧; લુક ૮:૧; ૧૩:૨૨; ૨ કોરીંથી ૧૧:૨૫, ૨૬) ચાલો આપણે તેઓની મુસાફરી વિષે નકશાની મદદથી વધારે શીખીએ.

૧૬ બીજી મિશનરિ સફરમાં પાઊલ ફિલિપ્પી ગયા, જે આજે ગ્રીસ કહેવાય છે (નકશામાં જાંબુડા રંગની રેખા જુઓ). [૩૩] ત્યાં પાઊલે ખૂબ પ્રચાર કર્યો અને એને લીધે ત્યાં તેમને પકડવામાં આવ્યા. ત્યાંથી છૂટ્યા પછી તે થેસ્સાલોનીકા ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬–૧૭:૧) ત્યાં ખ્રિસ્તીઓ સામે યહુદીઓ ધમાલ મચાવવા લાગ્યા. પાઊલને બચાવવા થેસ્સાલોનીકાના ભાઈઓએ તેમને બેરીઆ જવાની વિનંતી કરી. એ શહેર લગભગ ૬૫ કિલોમીટર (૪૦ માઈલ) દૂર હતું. ત્યાં પણ પાઊલના પ્રચાર કામ પર યહોવાહનો આશીર્વાદ હતો. પણ ફરી યહુદીઓ ધમાલ મચાવવા લાગ્યા. “ત્યારે ભાઈઓએ તરત પાઊલને સમુદ્રકિનારે મોકલી દીધો.” લાંબી સફર કરીને ‘પાઊલ આથેન્સ સુધી પહોંચ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૫-૧૫) બેરીઆના અમુક ખ્રિસ્તીઓ પણ તરત જ આથેન્સ ગયા. તેઓ ૪૦ કિલોમીટર (૨૫ માઈલ) ચાલીને સમુદ્ર કિનારે પહોંચ્યા. ત્યાંથી તેઓએ પોતાના ખર્ચે વહાણથી એજીઅન સમુદ્રમાં (ગ્રીસ અને તુર્કી વચ્ચેના દરિયામાં) મુસાફરી કરી. એ તો ૫૦૦ કિલોમીટરની (૩૦૦ માઈલ) સફર હતી! આ ખ્રિસ્તીઓ ફક્ત થોડાક જ સમય પહેલાં સત્ય શીખ્યા હતા. તોપણ તેઓએ જીવ જોખમમાં મૂકીને આ લાંબી સફર કરી. શા માટે? તેઓ પાઊલને ખૂબ ચાહતા હતા અને તેમની પાસેથી વધુ શીખવું હતું.

૧૭ પાઊલની ત્રીજી મિશનરિ સફરમાં તે મીલેતસ પહોંચ્યા (નકશામાં લીલા રંગની રેખા જુઓ). ત્યાંથી તે એફેસસ મંડળના વડીલોને પોતાની પાસે બોલાવે છે. આ વડીલોને સમાચાર મળે છે ત્યારે, તેઓ કામ છોડીને તરત જ ૫૦ કિલોમીટર (૩૦ માઈલ) ચાલીને પાઊલને મળવા જાય છે. ચાલતા ચાલતા તેઓ કેટલા ખુશ થયા હશે કે તેઓ પાઊલને મળવાના હતા. પાઊલને મળીને તેઓએ ઘણી વાતો કરી. પાઊલની પ્રાર્થના પછી ‘તેઓ સઘળા બહુ રડ્યા, અને પાઊલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. પછી તેઓ તેને વહાણ સુધી વળાવવા ગયા.’ ત્યાંથી પાઊલ યરૂશાલેમ ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૪-૩૮) આ વડીલો પાછા ઘરે ફર્યા ત્યારે તેઓએ એ વિષે કેટલી વાતો કરી હશે. આ રીતે તેઓ ભલે ચાલી ચાલીને થાકી ગયા હશે, પણ પાઊલ પાસેથી કેટલું બધું શિક્ષણ અને ઉત્તેજન મેળવ્યું હશે. તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

વચનના દેશ વિષે શીખતા રહો

૧૮ આ લેખમાંથી આપણે શું શીખ્યા? બાઇબલ સારી રીતે સમજવા આપણે વચનના દેશ (ઈસ્રાએલ) અને એની આસપાસના દેશો વિષે જાણવું જ જોઈએ. એ માટે નકશા ખૂબ જ મદદ કરશે. એની મદદથી આપણે ઈસ્રાએલી લોકો વિષે શું શીખ્યા? એ જ કે ‘દૂધમધની રેલછેલવાળા દેશમાં’ જવા માટે, તેઓ માટે યહોવાહની આજ્ઞા પાળવી ખૂબ જ મહત્ત્વની હતી.—પુનર્નિયમ ૬:૧, ૨; ૨૭:૩.

૧૯ છેવટે ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચ્યા. એ દેશ સ્વર્ગ જેવો હતો. પણ આજના વિષે શું? આપણે નવી દુનિયાને આંગણે ઊભા છીએ. એ આવે ત્યાં સુધી શું? ચાલો આપણે ખ્રિસ્તી મંડળના સ્વર્ગ જેવા વાતાવરણમાં રહીએ. યહોવાહની આજ્ઞાઓ પાળતા રહીએ. ચાલો આપણે યહોવાહની ભક્તિ કરતા રહીએ ને નવી દુનિયાના આશીર્વાદો માટે રાહ જોઈએ!

તમને યાદ છે?

• આપણે શા માટે ઈસ્રાએલ અને એની આસપાસના દેશો વિષે જાણવું જોઈએ?

• આ લેખમાં કઈ વિગતોએ તમને બહુ અસર કરી છે?

• બાઇબલના બનાવોની જગ્યાઓ અને દેશો નકશામાં જોવાથી તમને શું શીખવા મળ્યું છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. યહોવાહે ઈબ્રાહીમને શું કરવાનું કહ્યું?

૨. મિસર છોડીને ઈબ્રાહીમ ક્યાં ક્યાં ગયા?

૩. ઈબ્રાહીમ જે જગ્યાઓએ ગયા, એની કલ્પના કરવી શા માટે મુશ્કેલ હોય શકે?

૪, ૫. (ક) નીતિવચનો ૧૮:૧૫ શું કહે છે? એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) સફાન્યાહનો બીજો અધ્યાય શું બતાવે છે?

૬. બાઇબલ શીખવા શા માટે ભાઈ-બહેનો નકશાની મદદ લે છે? (બૉક્સ જુઓ.)

૭, ૮. (ક) શામશૂને શું કર્યું હતું? (ખ) એ બનાવ સમજવા આપણને શું મદદ કરી શકે? (ગ) શામશૂનનો દાખલો આપણને શું શીખવે છે?

૯, ૧૦. (ક) મિદ્યાનીઓ પર જીત મેળવવા ગિદઓને શું કર્યું? (ખ) આ બનાવ સારી રીતે સમજવા તમને નકશાથી કઈ મદદ મળી છે?

૧૧. ઈસ્રાએલીઓએ કાદેશ પહોંચ્યા પહેલાં કેટલી મુસાફરી કરી? એના પછી કેટલી મુસાફરી કરવી પડી?

૧૨. ઈસ્રાએલી લોકોની શ્રદ્ધા વિષે આપણને શું ખબર પડી? આપણે એમાંથી શું શીખી શકીએ?

૧૩, ૧૪. (ક) ગિબઓનના લોકોએ શું કર્યું હતું? (ખ) ગિબઓનના લોકોના દિલમાં શું હતું અને એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૫. ગ્રીક શાસ્ત્ર સારી રીતે સમજવા માટે આપણે શા માટે નકશા તપાસવા જોઈએ?

૧૬. બેરીઆના અમુક ખ્રિસ્તીઓએ શું કર્યું?

૧૭. એફેસસના વડીલોએ શું કર્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૮. બાઇબલ સારી રીતે સમજવા આપણે શું કરવું જોઈએ?

૧૯. આપણે હમણાં ક્યાં છીએ અને આપણે શાની રાહ જોઈએ છીએ?

[નકશા/પાન ૧૪ પર ચિત્ર]

“સી ધ ગુડ લેન્ડ”

વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૪ના સંમેલનોમાં આપણે કેટલા ખુશ હતા જ્યારે આપણને “સી ધ ગુડ લેન્ડ” પુસ્તિકા મળી. હવે આ પુસ્તિકા લગભગ ૮૦ ભાષામાં મળે છે. એમાં ઈસ્રાએલ અને આજુબાજુના દેશો વિષે અનેક રંગબેરંગી ચિત્રો છે. ખાસ કરીને વચનના દેશ વિષે ઘણા ચિત્રો જોવા મળશે. એ નકશા બતાવે છે કે બાઇબલ ઇતિહાસમાં ત્યાંના દેશમાં કેવા ફેરફારો થયા હતા.

આ લેખના ફકરાઓમાં તમને અમુક ઘાટા છાપેલા આંકડા જોવા મળશે, જેમ કે [૧૫]. એ બતાવે છે કે પુસ્તિકામાં નકશો કયાં પાના પર છે. જો તમારી પાસે આ પુસ્તિકા હોય, તો એમાં જુઓ. આ પુસ્તિકાથી તમે બાઇબલના બનાવોને સારી રીતે સમજી શકશો.

(૧) ઘણા નકશામાં તમને નાના બૉક્સ જોવા મળશે. એ સમજાવે છે કે નકશામાં રેખાઓ કે ચિહ્‍નોનો શું અર્થ થાય છે [૧૮]. (૨) મોટા ભાગના નકશાના નીચલા ભાગમાં એક ટૂંકી રેખા છે. એમાં માઈલ અને કિલોમીટરનું માપ જોવા મળશે (માપનું પ્રમાણ). એનાથી તમે જગ્યાઓ વચ્ચેનું અંતર માપી શકશો [૨૬]. (૩) દરેક નકશા પર એક ચિહ્‍ન છે જે ઉત્તર દિશા બતાવે છે [૧૯]. (૪) અમુક નકશા જુદા રંગોથી દોરેલા હોય છે. એ ઊંચી કે નીચી જમીન બતાવે છે [૧૨]. (૫) નકશાની ધાર પર અક્ષરો અને આંકડા જોવા મળશે. એનાથી તમે સહેલાઈથી કોઈ પણ જગ્યા શોધી શકો છો [૨૩]. (૬) પુસ્તિકામાં છેલ્લે બે પાનની ઇન્ડેક્ષ છે જેમાં બધી જગ્યાઓના નામ ક-ળ સુધી ગોઠવેલા છે [૩૪-૩૫]. નામની બાજુમાં પહેલો આંકડો (ઘાટા અક્ષરમાં) બતાવે છે કે નકશો કયા પાન પર છે. એ આંકડા પછીનો એક અક્ષર ક, ખ, ગ હોય શકે જેમ કે ચ૨. બે ત્રણ વાર આ રીત વાપરશો પછી તમે ટેવાઈ જશો. પછી જોજો કે તમે બાઇબલ કેટલી સારી રીતે સમજી શકો છો.

[ચાર્ટ/પાન ૧૬, ૧૭ પર નકશા]

નકશામાંની જગ્યાઓ

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ક. મહાસાગરનો કિનારો (ભૂમધ્ય સમુદ્ર)

ખ. યરદનની પશ્ચિમનાં મેદાનો

૧. આશેરનું મેદાન

૨. દોરનો કિનારો

૩. શારોનનું મેદાન

૪. પલિસ્તીનું મેદાન

૫. પૂર્વ-પશ્ચિમ વચ્ચેની ખીણ

ક. મગિદ્દોનું મેદાન

ખ. યિઝ્રએલનું મેદાન

ગ. યરદનની પશ્ચિમ બાજુના પહાડો

૧. ગાલીલના ડુંગરો

૨. કાર્મેલના ડુંગરો

૩. સમરૂનના ડુંગરો

૪. શફિલા નામે નીચાણનો પ્રદેશ

૫. યહુદાના ડુંગરો

૬. યહુદાનું રણ

૭. નેગેબ

૮. પારાનનાં રણો

ઘ. અરાબાહ (ચિરાડ પડેલી ખીણો)

૧. હુલા બેસિન

૨. ગાલીલનો સમુદ્ર

૩. યરદનની ખીણ

૪. ખારો સમુદ્ર (મૃત સરોવર)

૫. અરાબાહ (ખારા સમુદ્રની દક્ષિણ બાજુ)

ચ. પહાડો/યરદનની પૂર્વ બાજુનાં સપાટ મેદાનો

૧. બાશાન

૨. ગિલઆદ

૩. આમ્મોન અને મોઆબ

૪. અદોમના પહાડ ઉપરની સપાટ જમીન

છ. લબાનોનના પહાડો

[નકશા]

હેર્મોન પર્વત

મોરેહ

આબેલ-મહોલાહ

સુક્કોથ

યોગ્બહાહ

બેથેલ

ગિલ્ગાલ

ગિબઓન

યરૂશાલેમ

હેબ્રોન

ગાઝાહ

બેર-શેબા

સદોમ?

કાદેશ

[નકશા/પાન ૧૫ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

કનાન

મગિદ્દો

ગિલઆદ

દોથાન

શખેમ

બેથેલ (લૂઝ)

આય

યરૂશાલેમ (શાલેમ)

બેથલેહેમ (એફ્રાથ)

મામરે

હેબ્રોન (માખ્પેલાહ)

ગેરાર

બેર-શેબા

રહોબોથ?

નેગેબ

સદોમ?

[Mountains]

મોરીયાહ

[Bodies of water]

ખારો સમુદ્ર

[Rivers]

યરદન

[ચિત્ર]

ઈબ્રાહીમ આખા દેશમાં ફર્યા

[પાન ૧૮ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ત્રોઆસ

સામોથ્રાકી

નીઆપોલીસ

ફિલિપ્પી

આમ્ફીપોલીસ

થેસ્સાલોનીકા

બેરીઆ

આથેન્સ

કોરીંથ

એફેસસ

મીલેતસ

રોડસ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો