ગવર્નિંગ બૉડી તરફથી પત્ર
વહાલા ભાઈ-બહેનો:
વિશ્વના રાજા અને એકલા ખરા ઈશ્વરનું નામ યહોવાહ છે. એ નામ અમર છે. બીજું કોઈ નામ એટલું મહાન અને પવિત્ર નથી અને કદી થશે પણ નહિ. આપણને ‘યહોવાહના સાક્ષીઓ’ નામથી ઓળખાવાનો ખાસ લહાવો મળ્યો છે. ખુદ યહોવાહે પોતાના ભક્તોને એ નામ આપ્યું છે. ૧૯૩૧થી આપણે એ ખાસ નામથી ઓળખાઈએ છીએ. (યશા. ૪૩:૧૦) એટલે ગર્વથી સર્વને જણાવીએ છીએ કે આપણે ‘યહોવાહના સાક્ષીઓ’ છીએ.
પરંતુ શેતાન, લોકોના મનમાંથી ઈશ્વરનું નામ યહોવાહ ભૂંસી નાખવા તનતોડ મહેનત કરે છે. દુનિયાની સરકારો તેના કબજામાં હોવાથી તે યહોવાહને નકારે છે. મહાન બાબેલોન તરીકે ઓળખાતા જૂઠા ધર્મો તેમના નામને નફરત કરે છે. તેઓએ ઘણા બાઇબલ અનુવાદમાંથી યહોવાહ નામ કાઢી નાખ્યું છે. જ્યારે કે ઈસુએ એ નામને મોટું મનાવ્યું છે. તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે પ્રાર્થનામાં પણ એ નામને ખૂબ જ મહત્ત્વ આપ્યું. શિષ્યોને પ્રાર્થના શીખવતા કહ્યું: ‘તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’ (માથ. ૬:૯) એક પ્રસંગે ઈસુએ પ્રાર્થનામાં કહ્યું: ‘જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે.’ (યોહા. ૧૭:૬) આપણે પણ ઈસુને અનુસરીને ઉત્સાહથી આખી દુનિયામાં યહોવાહનું નામ જાહેર કરવા ચાહીએ છીએ.
૨૦૦૯નું વચન હતું: ‘સર્વ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ.’ (પ્રે.કૃ. ૨૦:૨૪) એ વચન આપણને પ્રચાર કામમાં બનતું બધું કરવાનું ઉત્તેજન આપતું હતું. કોઈ શંકા વિના કહી શકીએ કે ગયા સેવા વર્ષ દરમિયાન, યહોવાહે એ કામ પર ખૂબ આશીર્વાદો વરસાવ્યા છે. આખી દુનિયામાં સંદેશો જણાવીને આપણે યહોવાહના મહાન નામને રોશન કર્યું છે. એ સેવા વર્ષમાં ૭૩,૧૩,૧૭૩ ભાઈ-બહેનોએ પ્રચારમાં ભાગ લીધો હતો. જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હતી! આ ભાઈ-બહેનો એવા નમ્ર લોકોને પણ બાઇબલમાંથી શીખવી રહ્યા છે જેઓને જીવનની મુશ્કેલીઓમાંથી રાહત જોઈએ છે. ઈસુએ આપેલા બલિદાનને યાદ કરવા ૧,૮૧,૬૮,૩૨૩ લોકો આવ્યા હતા. એ બતાવે છે કે દુનિયાનો અંત આવે એ પહેલાં, કદાચ બીજા લાખો લોકો પણ આપણી સાથે યહોવાહની ભક્તિ કરશે.
યહોવાહ આ યુગને ચાલવા દે ત્યાં સુધી આપણે જોશથી તેમના રાજ્ય વિષેની ખુશખબરી ફેલાવતા રહીશું. સર્વ લોકોને સંદેશો મળે એ માટે આપણે અલગ-અલગ રીતો અપનાવતા રહીશું. (માથ. ૨૪:૧૪; માર્ક ૧૩:૧૦) ચાલો આપણે યહોવાહનું નામ અને તેમના મકસદ વિષે જાહેર કરતા રહીએ. પછી ભલે આપણે તેઓને ઘરે-ઘરે કે રસ્તા પર મળીએ, પત્ર કે ટેલીફોન દ્વારા સંદેશો જણાવીએ, કે પછી રોજિંદા જીવનના કામો કરતી વખતે તક ઝડપીને વાત કરીએ.
યહોવાહ બહુ જ જલદીથી તેમના નામ પરનું કલંક દૂર કરશે. (હઝકી. ૩૬:૨૩) એમાં કોઈ શંકા નથી. એવો સમય પાસે છે, જેમાં યહોવાહના નામને બદનામ કરનારા હંમેશાં માટે ચૂપ થઈ જશે. જેઓ યહોવાહની ભક્તિ કરી રહ્યા છે, તેમનું નામ જાહેર કરીને તેમના પક્ષે છે, તેઓ માટે આ ખુશીનો દિવસ હશે!
૨૦૦૯ દરમિયાન “જાગતા રહો!” ઇન્ટરનેશનલ અને ડિસ્ટ્રીક્ટ સંમેલનો યોજાયા હતા. એ સંમેલનોમાં જોવા મળ્યું કે યહોવાહ તેમના ભક્તોની ખૂબ સંભાળ રાખે છે. યહોવાહના ભક્તોના ઇતિહાસમાં એ સંમેલનો એક મહત્ત્વનો બનાવ હતો. એ સંમેલનોમાંથી ઉત્તેજન આપવામાં આવ્યું કે યહોવાહનો મહાન દિવસ નજીક છે એટલે આપણે સાવધ રહેવાની જરૂર છે.—માર્ક ૧૩:૩૭; ૧ થેસ્સા. ૫:૧, ૨, ૪.
ખરેખર, યહોવાહે આપણા પર ખૂબ જ કૃપા બતાવી છે. તે આપણા હૃદયને આનંદથી ભરી દે છે. તે આપણને સલામત રાખે છે ને સત્યના પાણીની પાસે દોરી જાય છે.—ગીત. ૨૩:૧, ૨; ૧૦૦:૨, ૫.
ચાલો આપણે આવનાર દિવસોમાં પણ યહોવાહની ભક્તિ તન-મનથી કરતા રહીએ. આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ જરૂર આશીર્વાદ વરસાવતા રહેશે!
દુનિયા ફરતેના સર્વ ભાઈ-બહેનોને અમે દિલથી ચાહીએ છીએ,
તમારા ભાઈઓ,
યહોવાહના સાક્ષીઓની ગવર્નિંગ બૉડી