ખેતરો કાપણીને માટે તૈયાર છે
૧. કયું અગત્યનું કામ આજે થઈ રહ્યું છે?
૧ સમરૂની સ્ત્રી સાથે વાત કર્યા પછી, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ, કે તેઓ કાપણીને માટે પાકી ચૂક્યાં છે.’ (યોહા. ૪:૩૫, ૩૬) આ કાપણીનું કાર્ય લોકોને ઈશ્વરના માર્ગમાં લાવવાનું કાર્ય છે, જે આજે થઈ રહ્યું છે. આ કામ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શરૂ થયું અને તે જોઈ શકતા હતા કે આ કામ આખી દુનિયામાં થશે. આજે, ઈસુ સ્વર્ગમાં હોવાં છતાં કાપણીમાં જોડાયેલા છે. (માથ. ૨૮:૧૯, ૨૦) આપણે કઈ રીતે કહી શકીએ કે આ કાર્ય દુષ્ટ દુનિયાનો અંત આવે એ પહેલા વધતું ને વધતું જશે?
૨. શું બતાવે છે કે આજે પ્રચાર કાર્યમાં ઝડપી વધારો થઈ રહ્યો છે?
૨ આખી દુનિયામાં કાપણીનું કાર્ય: ૨૦૦૯ના સેવાવર્ષમાં દુનિયાના પ્રકાશકોમાં ૩.૨ ટકાનો વધારો થયો છે. જ્યાં ખુલ્લેઆમ પ્રચાર નથી કરી શકતા એવી જગ્યાઓમાં પણ ૧૪ ટકા જેટલો વધારો થયો છે. ૭૬ લાખ, ૧૯ હજાર જેટલી બાઇબલ સ્ટડી ચલાવવામાં આવી છે. જે આપણા કુલ પ્રકાશકોની સંખ્યા કરતા પણ વધારે છે. ગયા વર્ષે ચલાવવામાં આવેલી સ્ટડી કરતાં લગભગ પાંચ લાખ વધારે! જેમ-જેમ પ્રચાર કાર્ય આગળ ને આગળ વધતું જાય છે, તેમ-તેમ પાયોનિયરોની માંગ વધતી જાય છે. ઘણા દેશોમાં બીજી ભાષા બોલનારા લોકો સત્ય શીખી રહ્યા છે. આ બધા પરથી જોઈ શકાય છે કે કાપણીના અંતિમ સમયમાં યહોવાહ કેટલી તેજી લાવી રહ્યાં છે. (યશા. ૬૦:૨૨) શું તમે ‘ખેતરોમાં’ એટલે કે તમારા પ્રચાર વિસ્તારમાં ઉત્સાહથી પ્રચાર કરવા તૈયાર છો?
૩. પોતાના પ્રચાર વિસ્તારમાં કાપણી કરવા વિષે અમુક ભાઈ-બહેનોને કેવું લાગે છે?
૩ તમારા વિસ્તારમાં કાપણી: અમુક કહેશે કે “મારા પ્રચાર વિસ્તારમાં તો કોઈને રસ જ નથી.” ખરું કે કેટલીક જગ્યાએ લોકો આપણું સાંભળતા નથી કે પહેલાંની જેમ રસ બતાવતા નથી. અમુક ભાઈ-બહેનોનું માનવું છે કે જેટલાં લોકો સત્યમાં રસ ધરાવતા હતાં, એવા બધાને અમે સંદેશો જણાવી દીધો છે. એટલે હવે અમારા વિસ્તારમાં કંઈ કરવાની જરૂર નથી. શું ખરેખર એવું છે?
૪. આપણા પ્રચાર વિસ્તાર માટે કેવું વલણ રાખવું જોઈએ? શા માટે?
૪ કાપણીમાં શરૂઆતથી અંત સુધી ઘણાં બધાં કાર્યો કરવા પડે છે. એ કાર્ય કેટલું મહત્ત્વનું છે એ સમજવા જરા ઈસુએ કહેલા આ શબ્દો તરફ ધ્યાન આપો: ‘ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.’ (માથ. ૯:૩૭, ૩૮) યહોવાહ ફસલના ધણી છે. તેમને ખબર છે કે ક્યાં અને ક્યારે લોકો સત્ય સ્વીકારશે. (યોહા. ૬:૪૪; ૧ કોરીં. ૩:૬-૮) તો આપણે શું કરવું જોઈએ? બાઇબલ એનો જવાબ આપે છે: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ.” (સભા. ૧૧:૪-૬) એટલે કે કાપણીના આ અંતિમ તબક્કામાં આપણે પ્રચાર કરવામાં પાછા ન પડીએ.
૫. પ્રચારમાં લોકો બહુ રસ ન બતાવે તો પણ શા માટે આપણે ઉત્સાહથી પ્રચાર કરતા રહેવું જોઈએ?
૫ કાપણી કરતા રહો: શું તમારા વિસ્તારમાં વારંવાર પ્રચાર કરવામાં આવ્યો છે? શું લોકો રસ બતાવતા નથી? તોપણ પ્રચારમાં ઉત્સાહ જાળવી રાખવો જોઈએ. (૨ તીમો. ૪:૨) દુનિયામાં થતી ઊથલ-પાથલને લીધે લોકોના મન બદલાઈ રહ્યા છે. લોકો હવે પોતાના ભવિષ્ય વિષે વધારે વિચારે છે. જેમ-જેમ યુવાનો મોટા થાય છે તેમ-તેમ તેઓ શાંતિ અને સલામતી શોધે છે. જો આપણે ઉત્સાહથી પ્રચાર કરીશું તો લોકો આપણો સંદેશો સાંભળવા તૈયાર થઈ શકે. બની શકે કે જેઓએ ગયા વર્ષે સાંભળ્યું ન હતું તેઓ કદાચ હવે સાંભળે. જેઓ જાણીજોઈને સંદેશો સાંભળતા નથી, તેઓ માટે આ ચેતવણી છે. જોકે ઘણા એવા લોકો છે જેઓને બાઇબલનો સંદેશો ગમતો નથી એટલે આપણો વિરોધ કરે છે. એવા લોકો રહેતા હોય એવી જગ્યામાં પ્રચાર કરતી વખતે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ.—હઝકી. ૨:૪, ૫; ૩:૧૯.
૬. ઘર-ઘરના પ્રચારમાં બહુ ફળ ના મળે તો ઉત્સાહ જાળવી રાખવા શું કરવું જોઈએ?
૬ જો ઘર-ઘરના પ્રચારમાં બહુ ફળ ના મળે તો ઉત્સાહ જાળવી રાખવા શું કરવું જોઈએ? એ માટે કદાચ આપણે પ્રચારની બીજી રીતો વાપરી શકીએ. જેમ કે દુકાનો, ઑફિસોમાં અથવા ટેલિફોન પર લોકો સાથે વાત કરી શકીએ. અથવા આપણી રજૂઆતમાં ફેરફાર કરીને વાત કરી શકીએ. પ્રચારમાં જવાનો સમય બદલી શકીએ. કદાચ આપણે સાંજે અથવા એવા સમયે પ્રચારમાં જઈએ જ્યારે વધારે લોકો ઘરે હોય. નવી ભાષા શીખીએ જેથી વધારે લોકો સુધી સંદેશો પહોંચાડી શકીએ. રેગ્યુલર પાયોનિયરીંગ કરી શકીએ. શક્ય હોય તો એવી જગ્યાએ જઈએ જ્યાં પ્રકાશકો ઓછા હોય. જો આપણે કાપણીના કાર્ય માટે ઈસુ જેવું મન રાખીશું તો એ કામ કરવા બનતું બધું જ કરીશું. નમ્ર લોકોને શોધવા આપણે સમજી-વિચારીને પ્રચાર કરીશું.—પ્રે.કૃ. ૧૩:૪૮.
૭. ક્યાં સુધી આપણે પ્રચાર કાર્ય ચાલુ રાખવાનું છે?
૭ પાકને ભેગો કરવા માટે મજૂરો પાસે ઓછો સમય હોય છે. એટલે જ્યાં સુધી કામ પતે નહિ ત્યાં સુધી તેઓ આરામ કરવાનું કે ધીરા પડવાનું વિચારતા નથી. એવી જ રીતે આપણી પાસે બહુ ઓછો સમય રહેલો છે. આપણે પણ પ્રચારકાર્યમાં ધીરા પડવાનું વિચારવું ના જોઈએ. ક્યાં સુધી આપણે આ કાર્ય ચાલુ રાખવાનું છે? “જગતના અંત” સુધી. (માથ. ૨૪:૧૪; ૨૮:૨૦) ઈસુની જેમ આપણે પણ સોંપેલું પ્રચાર કામ પૂરું કરવાનું છે. (યોહા. ૪:૩૪; ૧૭:૪) તેથી, ચાલો પૂરા ઉત્સાહથી અને ખુશીથી લોકોને સંદેશો જણાવતા રહીએ. (માથ. ૨૪:૧૩) ભૂલશો નહિ, હજી કાપણીનું કામ ઘણું બાકી છે!
[પાન ૨ પર ચિત્રનું મથાળું]
કાપણીમાં શરૂઆતથી અંત સુધી ઘણાં બધાં કાર્યો કરવા પડે છે