યહોવાના માર્ગદર્શનનો પૂરો ઉપયોગ કરીએ
૧ આપણે સારી રીતે જાણીએ છીએ કે આજે કુટુંબોને તોડી પાડવા શેતાન સખત પ્રયત્ન કરી રહ્યો છે. આપણને ઘણું દુઃખ થાય છે જ્યારે બાળકો અશ્લીલ કામો, દારૂ અને ડ્રગ્સની લત, કે પછી એવા ખરાબ કામોમાં ફસાઈ જાય! ઘણાએ પોતાના બાળકોને જગતના વલણ અને લાલચોમાં ફસાઈને યહોવાથી દૂર થતા જોયાં છે. (નીતિ. ૧૦:૧; ૧૭:૨૧) જ્યારે કે ઘણા યુવાનોએ પોતાનું જીવન શુદ્ધ રાખ્યું છે અને યહોવાની ભક્તિમાં મચ્યા રહ્યાં છે. તેઓના આવા વલણથી માબાપને આનંદ અને ઈશ્વરને માન-મહિમા મળ્યાં છે. (૩ યોહા. ૩, ૪) શા માટે આ યુવાનો પોતાનું જીવન શુદ્ધ રાખી શક્યા? કેમ કે તેઓએ અને માબાપે ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાગુ પાડ્યું છે.
૨ માબાપની જવાબદારીઓ: કુટુંબના શિર તરીકે પિતાની મોટી જવાબદારી છે. તેમણે સમજવું જોઈએ કે યહોવા તેમની પાસેથી કઈ બાબતો ઇચ્છે છે. તેમ જ, માર્ગદર્શન માટે યહોવા પર આધાર રાખવો પડશે. જો શિર, કુટુંબને બાઇબલ સિદ્ધાંતો શીખવવા માગતા હોય, તો સૌથી પહેલા તેમણે એ સારી રીતે જાણવાની જરૂર છે. ફક્ત જાણવું જ પૂરતું નથી, એને લાગુ પાડવાથી જ કુટુંબને લાભ થશે. એક પ્રેમાળ પિતાએ પ્રાર્થના, અભ્યાસ અને યહોવાની ભક્તિમાં દૃઢ કરતી દરેક બાબતોમાં આગેવાની લેવી જોઈએ. (૧ તીમો. ૫:૮) જો શિર ઇચ્છે કે પત્ની અને બાળકો તેમને માન આપે, તો તેમણે યહોવા અને તેમના સંગઠનને ખુશી ખુશી આધીન રહેવું જોઈએ. (૧ યોહા. ૫:૩) જો યહોવાને અનુસરીને પિતા હંમેશાં કુટુંબ પ્રત્યે હુંફ અને પ્રેમ બતાવશે, તો માન મેળવી શકશે. એનાથી કુટુંબના સભ્યોને તેમનું અનુકરણ કરવાનું ઉત્તેજન મળશે. આ રીતે યહોવાને માન અને મહિમા મળશે.
૩ કુટુંબ તરીકેની ભક્તિ: યાદ રાખીએ કે કુટુંબમાં દરેક બાળકની શીખવાની ક્ષમતા એકસરખી હોતી નથી. અભ્યાસ દરમિયાન બાળકો સાથે ફક્ત સવાલ-જવાબ કરવાને બદલે તેઓના દિલમાં સત્યના મૂળ ઊંડા ઉતરે એવી રીતે શીખવીએ. માતા જ્યારે શિરને સહકાર આપે છે, ત્યારે તે આધીનતા બતાવે છે અને બાળકો માટે સારો દાખલો બેસાડે છે.—એફે. ૫:૨૧-૨૪.
૪ બાળકો: તમારા માબાપ પર શેતાન હુમલો કરે છે તેમ તમારા પર ય કરશે. તમે કેવી રીતે એનો સામનો કરી શકો? યહોવા અને તમારા માબાપને આધીન રહીને. યાદ રાખો કે તમારા માબાપની શ્રદ્ધાને આધારે તમે નવી દુનિયામાં જઈ શકવાના નથી. બીજા શબ્દોમાં, તમારે સત્યને સ્વીકારવું પડશે. ખરું કે, માબાપ વર્ષોથી તમારું ભરણ-પોષણ કરતા આવ્યાં છે. પણ જેમ તમે મોટા થતા જાઓ છો, તેમ ઈશ્વરની ભક્તિમાં વધારે જવાબદારી ઉપાડો એવી આશા રાખવામાં આવે છે. યહોવા ઇચ્છે છે કે તમે જે સારું છે એ કરો. (સભા. ૧૧:૯) જો તમે જાણતા હો કે યહોવાએ બતાવેલો માર્ગ જ સાચો છે, તો એ પર ચાલતાં રહેવાની પસંદગી તમારી છે.
૫ તમે મોટા થતા જાવ છો તેમ તેમ સારા સંસ્કાર જાળવી રાખવા મુશ્કેલ બને છે. આજે દુનિયાભરમાં ખરાબ વલણ ફેલાયેલું છે, જેનો સામનો તમારે રોજ કરવો પડે છે. એટલે પોતાનું “રક્ષણ” કરવા જે સારું છે એને વળગી રહો અને જે ખરાબ છે એને નફરત કરો. (ગીત. ૫૨:૩; ૯૭:૧૦) જેઓ યહોવાને પ્રેમ કરે છે તેઓની જ સંગત રાખો. યહોવાની ભક્તિમાં દૃઢ કરે એવું વાંચો અને સારું મનોરંજન પસંદ કરો. (ફિલિ. ૪:૮) જો લાલચ આવે, તો ‘અક્કલહીન યુવાનʼની દશાને ભૂલશો નહિ. (નીતિ. ૭:૬-૨૭) તમારા વિચારો અને કામો યહોવાના માર્ગદર્શન પ્રમાણે હશે તો, તેમની છાયામાં તમે સલામત રહેશો.
૬ માબાપ હોય કે બાળકો, બધાએ જ આસપાસ રહેલાં જોખમોથી સાવધ રહેવાની જરૂર છે. યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું તો, શેતાન સામેની લડતમાં જીતી શકીશું. આમ, યહોવાને સદા મહિમા આપતાં રહેવાનો લહાવો માણીશું.