વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૨૬ પાન ૬૬-પાન ૬૭ ફકરો ૭
  • “તારાં પાપ માફ થયાં છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તારાં પાપ માફ થયાં છે”
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • “તારાં પાપ માફ થયાં છે”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
    ચોકીબુરજ: સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૨૬ પાન ૬૬-પાન ૬૭ ફકરો ૭
લકવો થયેલા માણસને છાપરું ખોલીને નીચે ઈસુ પાસે ઉતારવામાં આવે છે

પ્રકરણ ૨૬

“તારાં પાપ માફ થયાં છે”

માથ્થી ૯:૧-૮ માર્ક ૨:૧-૧૨ લુક ૫:૧૭-૨૬

  • લકવો થયેલા માણસનાં પાપ ઈસુ માફ કરે છે અને તેને સાજો કરે છે

ઈસુ વિશે હવે ચારે બાજુના લોકોએ સાંભળ્યું હતું. ઈસુનું સાંભળવા અને તેમના ચમત્કારો જોવા ઘણા લોકો દૂર દૂરથી મુસાફરી કરીને આવતા હતા. પણ, થોડા દિવસ પછી તે પોતાના સેવાકાર્યની મુખ્ય જગ્યા, કાપરનાહુમ પાછા આવ્યા. તેમના આવવાના સમાચાર ગાલીલ સરોવર કિનારે આવેલા એ શહેરના વિસ્તારમાં બધી બાજુ ઝડપથી પ્રસરી ગયા. એના લીધે, ઘણા લોકો તે જ્યાં હતા એ ઘરે આવ્યા. અમુક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો હતા, જેઓ છેક ગાલીલ, યહુદિયા અને યરૂશાલેમમાંથી આવ્યા હતા.

“એટલા બધા લોકો ભેગા થયા કે આખું ઘર ભરાઈ ગયું; એટલે સુધી કે બારણામાં પેસવાની પણ જગ્યા ન હતી અને ઈસુ તેઓને ઉપદેશ આપવા લાગ્યા.” (માર્ક ૨:૨) હવે, એક જોરદાર બનાવ બનવાનો હતો. આ બનાવ એ જાણવા મદદ કરશે કે મનુષ્યોની તકલીફોનું મૂળ કારણ દૂર કરવાની ઈસુ પાસે શક્તિ છે; એ શક્તિ દ્વારા તે ચાહે એ દરેકને સાજા કરી શકે છે.

લોકોથી ખીચોખીચ ભરેલા ઘરમાં ઈસુ શીખવતા હતા ત્યારે, ચાર માણસો લકવો થયેલા એક માણસને લઈ આવ્યા. તેઓ ચાહતા હતા કે ઈસુ તેઓના મિત્રને સાજો કરે. પણ, ઘણા લોકો હોવાને લીધે “તેઓ તેને છેક ઈસુ પાસે લઈ જઈ શક્યા નહિ.” (માર્ક ૨:૪) જરા વિચારો, તેઓ કેટલા નિરાશ થયા હશે! પરંતુ, તેઓ ઘરના સપાટ ધાબા પર ચઢી ગયા અને છાપરું ખોલ્યું. પછી તેઓએ લકવો થયેલા માણસને પથારી સાથે નીચે ઘરમાં ઉતાર્યો.

આવી ખલેલથી શું ઈસુ ગુસ્સે થયા? ના, જરાય નહિ. તેઓની શ્રદ્ધા જોઈને ઈસુ ઘણા ખુશ થયા અને લકવો થયેલા માણસને તેમણે કહ્યું, “તારાં પાપ માફ થયાં છે.” (માથ્થી ૯:૨) શું ઈસુ ખરેખર પાપ માફ કરી શકે? શાસ્ત્રીઓ અને ફરોશીઓએ મનોમન વિચાર્યું કે, “આ માણસ આવી રીતે કેમ વાત કરે છે? તે ઈશ્વરની નિંદા કરે છે. ઈશ્વર સિવાય બીજું કોણ પાપ માફ કરી શકે?”—માર્ક ૨:૭.

તેઓના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “તમારા હૃદયોમાં તમે આવું કેમ વિચારો છો? લકવો થયેલા માણસને શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે,’ કે પછી આમ કહેવું, ‘ઊઠ અને તારી પથારી ઉઠાવીને ચાલ’?” (માર્ક ૨:૮, ૯) સમય જતાં ઈસુ જે બલિદાન આપવાના હતા, એના આધારે એ માણસનાં પાપ તે માફ કરી શકતા હતા.

ઈસુને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર હતો. ટોળાને અને ટીકાકારોને એ બતાવવા, ઈસુએ લકવો થયેલા માણસ તરફ ફરીને આજ્ઞા કરી: “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.” તે માણસ ઊભો થયો અને તરત જ પોતાની પથારી ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. લોકો દંગ રહી ગયા! ઈશ્વરને મહિમા આપતા તેઓએ કહ્યું: “અમે આવું ક્યારેય જોયું નથી!”—માર્ક ૨:૧૧, ૧૨.

એ નોંધવા જેવું છે કે ઈસુએ બીમારીને પાપની સાથે જોડી. એટલે, પાપોની માફીને તંદુરસ્તી સાથે જોડી શકાય. બાઇબલ શીખવે છે કે પ્રથમ પિતા, આદમે પાપ કર્યું, જેના લીધે બધાને વારસામાં પાપ મળ્યું. પાપને લીધે, આપણે બધા જ બીમારીઓ અને મરણ ભોગવીએ છીએ. પણ, ઈશ્વરના રાજ્યમાં ઈસુ એ બધાનાં પાપ માફ કરશે, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમને ભજે છે. પછી, હંમેશ માટે બીમારીઓનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે.—રોમનો ૫:૧૨, ૧૮, ૧૯.

  • ઈસુએ કાપરનાહુમમાં લકવો થયેલા માણસને કેમ સાજો કર્યો?

  • ઈસુ પાસે એ માણસ કેવી રીતે આવ્યો?

  • આ બનાવ પરથી આપણે પાપ અને બીમારી વચ્ચેના સંબંધ વિશે શું શીખી શકીએ? એ આપણને કઈ આશા આપે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો