સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
શું આપણને પાપોની માફી મળી શકે છે?
ઈશ્વરની કૃપા મેળવવી અઘરું નથી
બાઇબલમાં જણાવ્યું છે તેમ બધા મનુષ્યો પાપી છે. આપણને પ્રથમ પુરુષ આદમ પાસેથી વારસામાં પાપ મળ્યું છે. એટલે અમુક વાર આપણે ખરાબ કામ કરી બેસીએ છીએ અને પછીથી થાય કે એવું કામ કેમ કર્યું. ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપીને આપણાં પાપો માટે કિંમત ચૂકવી. તેમના બલિદાનના લીધે જ આપણને માફી મળે છે. એ બલિદાન ઈશ્વર તરફથી એક ભેટ છે.—રોમનો ૩:૨૩, ૨૪ વાંચો.
અમુક લોકોએ મોટી મોટી ભૂલો કરી છે અને તેઓને લાગે છે કે ઈશ્વર તેઓને કદી માફ નહિ કરે. પણ બાઇબલનું આ વચન જાણીને દિલાસો મળે છે કે, “ઈશ્વરના દીકરા ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહાન ૧:૭) ભલે આપણે મોટાં મોટાં પાપ કર્યાં હોય, પણ જો સાચા દિલથી પસ્તાવો કરીશું, તો યહોવા આપણને રાજીખુશીથી માફ કરશે.—યશાયા ૧:૧૮ વાંચો.
ઈશ્વરની માફી મેળવવા આપણે શું કરવું જોઈએ?
જો આપણે ચાહતા હોઈએ કે યહોવા ઈશ્વર આપણને માફ કરે, તો જરૂરી છે કે આપણે તેમને ઓળખીએ અને તેમની ઇચ્છા જાણીએ. (યોહાન ૧૭:૩) જો કોઈ વ્યક્તિને પોતાની ભૂલ પર પસ્તાવો હોય અને યહોવાની ઇચ્છા પૂરી કરવા બનતી કોશિશ કરતી હોય, તો યહોવા તેને માફ કરવા તૈયાર છે.—પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯ વાંચો.
ઈશ્વરની કૃપા મેળવવી અઘરું નથી. યહોવા આપણી નબળાઈઓ જાણે છે. તે દયાળુ અને પ્રેમાળ ઈશ્વર છે. એવા પ્રેમાળ અને દયાળુ ઈશ્વર વિશે શીખવાનું મન કોને ન થાય!—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો.