બાઇબલ શું કહે છે?
શું બાઇબલ અને વિજ્ઞાન સુમેળમાં છે?
“વિજ્ઞાનમાં કંઈક નવી શોધ થાય છે ત્યારે હું આનંદથી વિચારું છું કે ‘તો, ભગવાને આને આ રીતે બનાવ્યું છે!’”—હેનરી શૅફર, કૅમિસ્ટ્રીના પ્રોફેસર.
વિજ્ઞાનની મદદથી આપણને સૃષ્ટિ વિષે ઘણું શીખવા મળે છે. જેમ કે સૃષ્ટિમાં કઈ રીતે આટલી વ્યવસ્થા છે, બધું કઈ રીતે એના ક્રમ પ્રમાણે અને ચોકસાઈથી થાય છે. એનાથી લોકો જોઈ શકે છે કે ઈશ્વર કેટલા બુદ્ધિશાળી અને શક્તિશાળી છે. તેઓને મન વિજ્ઞાન ફક્ત સૃષ્ટિ કઈ રીતે કામ કરે છે એ જ નથી જણાવતું, પણ ઈશ્વર કઈ રીતે વિચારે છે એ જાણવા મળે છે.
બાઇબલ એ વિચારોને ખૂબ જ ટેકો આપે છે. એ જણાવે છે: ‘ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.’ (રૂમી ૧:૨૦) ગીતશાસ્ત્ર ૧૯:૧, ૨ જણાવે છે: ‘આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દહાડો દહાડાને તેના વિષે કહે છે, અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે.’ જોકે સૃષ્ટિની રચના અજોડ છે. તોપણ એ આપણા સર્જનહાર વિષે અમુક જ બાબતો પ્રગટ કરે છે.
વિજ્ઞાન ઘણી બાબતોમાં મર્યાદિત છે
ઈશ્વર વિષેનું બધું જ સત્ય વિજ્ઞાન સમજાવી શકતું નથી. એ સમજવા એક દાખલો લઈએ. કદાચ વૈજ્ઞાનિક સારી રીતે સમજાવી શકે કે ચોકલેટ કેકના દરેક કણમાં શું સમાયેલું છે. પણ શું તે એ જણાવી શકશે કે કેક કેમ અને કોના માટે બનાવવામાં આવી છે? ઘણાના મને એનો જવાબ મેળવવો મહત્ત્વનો હોય છે. પણ કેકના બનાવનાર સિવાય બીજું કોણ ખરો જવાબ આપી શકે!
એવી જ રીતે ‘વિજ્ઞાન પણ ઘણી હકીકતો જણાવે છે. પરંતુ આપણે જે ખરેખર જાણવા માંગીએ છીએ એના વિષે બહુ કંઈ જણાવતું નથી. પછી ભલે એ ઈશ્વર કે અનંતકાળ વિષે હોય.’ એવું ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રના નોબલ પ્રાઈઝ વિજેતા અરવીન શ્રોડીઝરે લખ્યું. દાખલા તરીકે, ફક્ત ઈશ્વર આવા સવાલોના જવાબ આપી શકે છે: વિશ્વ શા માટે છે? આપણી ધરતી પર કેમ અનેક પ્રકારના જીવ-જંતુઓ, પ્રાણીઓ અને મનુષ્ય છે? જો ઈશ્વર સર્વોપરી હોય તો દુષ્ટતા અને દુઃખ કેમ ચાલવા દે છે? મરણ પછી કોઈ આશા રહેલી છે?
શું ઈશ્વરે એના જવાબો આપ્યા છે? હા, તેમણે બાઇબલમાં એના જવાબો આપ્યા છે. (૨ તીમોથી ૩:૧૬) પણ તમને થશે કે ‘હું શાને આધારે માનું કે બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે?’ બાઇબલ આપણી સૃષ્ટિ વિષે જે કંઈ કહે એ વૈજ્ઞાનિક હકીકત હોવી જોઈએ. ઈશ્વરે જે રીતે સૃષ્ટિ બનાવી અને બાઇબલ જે શીખવે છે એ બંને સુમેળમાં હોવું જોઈએ. શું બાઇબલ પણ વિજ્ઞાન સાથે સહમત છે? ચાલો અમુક દાખલા જોઈએ.
વિજ્ઞાને શોધ કરી એ પહેલાં બાઇબલે જણાવ્યું
બાઇબલ લખાયું એ જમાનામાં ઘણા લોકો માનતા કે ‘ધરતી પર અનેક દેવ-દેવીઓ છે. તેઓ સૂરજ, ચંદ્ર, વાતાવરણ અને ફળદ્રુપતાનું નિયંત્રણ કરે છે, નહિ કે કુદરતી નિયમો.’ જ્યારે કે એ સમયના હેબ્રી પ્રબોધકો એવું માનતા ન હતા. તેઓ જાણતા હતા કે યહોવાહ ઈશ્વર આખી સૃષ્ટિનું નિયંત્રણ કરે છે. અને યહોવાહે અમુક ખાસ સંજોગોમાં એવું કર્યું પણ હતું. (યહોશુઆ ૧૦:૧૨-૧૪; ૨ રાજાઓ ૨૦:૯-૧૧) ઇંગ્લૅંડમાં આવેલી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર જોન લેનોક્સે નોંધ્યું કે એ પ્રબોધકો ‘બ્રહ્માંડ અને પૃથ્વીના સર્જનહાર એક જ ઈશ્વરમાં શરૂઆતથી માનતા હતા. એટલે તેઓએ એવી અંધશ્રદ્ધામાં ફસાવાની કોઈ જરૂર ન હતી કે અનેક દેવ-દેવીઓ વિશ્વનું સંચાલન કરે છે.’
એ માન્યતાએ તેઓને અંધશ્રદ્ધાથી કઈ રીતે દૂર રાખ્યા? ખરા ઈશ્વરે તેઓને જણાવ્યું હતું કે પોતે ચોકસાઈ ભર્યા કુદરતી નિયમોથી વિશ્વનું નિયંત્રણ કરે છે. એક દાખલો લઈએ. ૩,૫૦૦ વર્ષ પહેલા યહોવાહ ઈશ્વરે પોતાના ભક્ત અયૂબને પૂછ્યું: “શું તું આકાશના નિયમો જાણે છે?” (અયૂબ ૩૮:૩૩) ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં યિર્મેયાહે ઈશ્વરની પ્રેરણાથી “આકાશ તથા પૃથ્વીના નિયમો” વિષે લખ્યું.—યિર્મેયાહ ૩૩:૨૫.
તેથી બાઇબલના જમાનામાં રહેતા લોકોને યહોવાહના પ્રબોધકો અને તેઓએ લખેલા શાસ્ત્રોમાં પૂરો ભરોસો હતો. એનાથી તેઓ જાણતા હતા કે દંતકથાના દેવી-દેવતાઓ વિશ્વનું નિયંત્રણ કરતા નથી, પણ કુદરતી નિયમો કરે છે. એ કારણે યહોવાહના કોઈ ભક્તે સૂરજ, ચંદ્ર, તારાની ભક્તિ કરી નહિ. તેમ જ, એના વિષેની અંધશ્રદ્ધામાં ફસાયા નહિ. (પુનર્નિયમ ૪:૧૫-૧૯) એના બદલે તેઓ ઈશ્વરના હાથની કરામત વિષે શીખવા લાગ્યા. એનાથી તેઓને ઈશ્વરની બુદ્ધિ, શક્તિ અને બીજા ગુણો વિષે વધારે શીખવા મળ્યું.—ગીતશાસ્ત્ર ૮:૩-૯; નીતિવચનો ૩:૧૯, ૨૦.
આજે વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વની શરૂઆત થઈ હતી. જ્યારે કે બાઇબલ સમયના યહોવાહના ભક્તો પહેલેથી જ એમ માનતા આવ્યા છે. બાઇબલનું પહેલું પુસ્તક ઉત્પત્તિ ૧:૧ કહે છે, ‘આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.’ ઈશ્વરે પોતાના ભક્ત અયૂબને જણાવ્યું હતું કે પૃથ્વી ‘અધ્ધર લટકે’ છે. એટલે કે એને કશાનો ટેકો નથી. (અયૂબ ૨૬:૭) તેમ જ, ૨,૫૦૦ વર્ષ પહેલાં ઈશ્વરભક્ત યશાયાહે લખ્યું કે પૃથ્વી ગોળાકાર છે.—યશાયાહ ૪૦:૨૨.a
સૃષ્ટિ વિષે બાઇબલમાં જે જણાવ્યું છે એ વૈજ્ઞાનિક નજરે સાચું છે. એટલે ઈશ્વર વિષે શીખવા આપણને બાઇબલ અને વિજ્ઞાન મદદ કરે છે. એમાંથી એકને જો તજી દઈએ તો એવું બને કે ઈશ્વરનું વધારે જ્ઞાન લેવા માટેનો જાણે દરવાજો બંધ કરીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; યશાયાહ ૪૦:૨૬. (g11-E 02)
[ફુટનોટ]
a વધુ માહિતી માટે પુસ્તિકા સર્વ લોકો માટેનું પુસ્તક પાન ૧૯-૨૧ અને યશાયાહની ભવિષ્યવાણી ૧ પુસ્તકના પાન ૪૧૨ જુઓ. આ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.
શું તમે કદી વિચાર્યું છે?
● ઈશ્વર વિષે સૃષ્ટિ શું શીખવે છે?—રૂમી ૧:૨૦.
● ઈશ્વર વિષે વિજ્ઞાન શું જણાવી શકતું નથી?—૨ તીમોથી ૩:૧૬.
● બાઇબલ જમાનાના પ્રબોધકો શાને લીધે અંધશ્રદ્ધામાં ફસાયા નહિ?—યિર્મેયાહ ૩૩:૨૫.
[પાન ૧૯ પર બ્લર્બ]
કુદરતી નિયમોથી ‘આકાશ તથા પૃથ્વીનું’ નિયંત્રણ થાય છે.—યિર્મેયાહ ૩૩:૨૫