ગુરુવાર, ઑક્ટોબર ૧૬
“યહોવાનો માર્ગ તૈયાર કરો! આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો સીધો રાજમાર્ગ બનાવો.”—યશા. ૪૦:૩.
બાબેલોનથી ઇઝરાયેલની મુસાફરી ઘણી મુશ્કેલ હતી અને એમાં આશરે ચાર મહિના લાગી જતા હતા. પણ યહોવાએ વચન આપ્યું હતું કે તે માર્ગમાં આવનાર દરેક અડચણને દૂર કરશે. વફાદાર યહૂદીઓએ ઇઝરાયેલ પાછા જવા ઘણું જતું કરવાનું હતું. પણ તેઓ એ વાત જાણતા હતા કે પોતે જે કંઈ જતું કરશે, એના બદલામાં યહોવા અનેક ગણાં આશીર્વાદ આપશે. સૌથી મોટો આશીર્વાદ તો એ હતો કે તેઓ ત્યાં જઈને સારી રીતે યહોવાની ભક્તિ કરી શકશે. બાબેલોન શહેરમાં યહોવાનું એકેય મંદિર ન હતું. એવી એક પણ વેદી ન હતી, જ્યાં તેઓ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાનો ચઢાવી શકે. એ બલિદાનો ચઢાવવા યાજકોની કોઈ ગોઠવણ પણ ન હતી. યહૂદીઓ એવા લોકો વચ્ચે રહેતા હતા, જેઓ જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા અને જેઓને યહોવાનાં ધોરણોની કંઈ પડી ન હતી. યહૂદીઓ કરતાં એ લોકોની સંખ્યા ઘણી વધારે હતી. એટલે હજારો વફાદાર યહૂદીઓ પોતાના વતન જવા ખૂબ આતુર હતા, જેથી તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકે. w૨૩.૦૫ ૧૪-૧૫ ¶૩-૪
શુક્રવાર, ઑક્ટોબર ૧૭
“પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો.”—એફે. ૫:૮.
આપણને ઈશ્વરની પવિત્ર શક્તિની મદદની જરૂર છે, જેથી “પ્રકાશનાં બાળકો” તરીકે ચાલતા રહી શકીએ. શા માટે? આ દુનિયા કાદવ જેવી છે અને એમાં આપણા ચારિત્ર પર ડાઘ ન લાગે એ રીતે ચાલવું બહુ અઘરું છે. (૧ થેસ્સા. ૪:૩-૫, ૭, ૮) પણ પવિત્ર શક્તિની મદદથી આપણે માણસોના એવા વિચારોથી દૂર રહી શકીશું, જે ઈશ્વરના વિચારો સાથે મેળ ખાતા નથી. પવિત્ર શક્તિ આપણને “દરેક પ્રકારની ભલાઈ” અને “નેકી” કેળવવા પણ મદદ કરશે. (એફે. ૫:૯) પવિત્ર શક્તિ મેળવવાની એક રીત છે, પ્રાર્થના કરીએ. ઈસુએ કહ્યું હતું કે જેઓ યહોવા પાસે “પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે.” (લૂક ૧૧:૧૩) સભાઓમાં બધા સાથે મળીને યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે પણ આપણને પવિત્ર શક્તિ મળે છે. (એફે. ૫:૧૯, ૨૦) પવિત્ર શક્તિ આપણા પર કામ કરતી હોય છે ત્યારે, યહોવા ખુશ થાય એવું જીવન જીવવા મદદ મળે છે. w૨૪.૦૩ ૨૩-૨૪ ¶૧૩-૧૫
શનિવાર, ઑક્ટોબર ૧૮
“માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.”—લૂક ૧૧:૯.
શું તમારે વધારે ધીરજ બતાવવાની જરૂર છે? એમ હોય તો, એની માટે પ્રાર્થના કરો. ધીરજ પવિત્ર શક્તિના ગુણનો એક ભાગ છે. (ગલા. ૫:૨૨, ૨૩) એટલે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગી શકીએ અને ધીરજનો ગુણ કેળવવા યહોવા પાસે મદદ માંગી શકીએ. જો કોઈ સંજોગમાં ધીરજ બતાવવી અઘરું લાગે, તો પવિત્ર શક્તિ ‘માંગતા રહીએ,’ જેથી ધીરજ રાખી શકીએ. (લૂક ૧૧:૧૩) આપણે એવી પણ વિનંતી કરી શકીએ કે યહોવા સંજોગોને તેમની નજરે જોવા મદદ કરે. એ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ધીરજ બતાવવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ. જો ધીરજ બતાવવા પ્રાર્થના અને પ્રયત્ન કરતા રહીશું, તો યહોવા આપણને ધીરજવાન બનવા મદદ કરશે. પછી એ ગુણ આપણા સ્વભાવમાં વણાઈ જશે. એ ગુણ બાઇબલમાં આપેલા દાખલાઓ પર મનન કરવા પણ મદદ કરશે. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે જણાવ્યું છે, જેઓએ ધીરજ બતાવી હતી. તેઓના અહેવાલો પર મનન કરીને શીખી શકીશું કે કેવા અલગ અલગ સંજોગોમાં આપણે ધીરજ બતાવી શકીએ છીએ. w૨૩.૦૮ ૨૨ ¶૧૦-૧૧