પાઠ ૧૧
બાઇબલની વાતો સારી રીતે સમજવા હું શું કરી શકું?
ધારો કે, તમારે એક મોટું કામ કરવાનું છે. પણ ક્યાંથી શરૂ કરવું એ ખબર નથી. પછી તમે વિચારો છો, ‘જો હું રોજ થોડું થોડું કામ કરીશ, તો એ સહેલાઈથી પતી જશે.’ બાઇબલ વાંચવું પણ એવું જ છે. કદાચ તમને થાય, ‘બાઇબલ તો કેટલું મોટું પુસ્તક છે, વાંચવાનું ક્યાંથી શરૂ કરું?’ આ પાઠમાં અમુક સૂચનો આપ્યાં છે, જેને લાગુ પાડવાથી તમને બાઇબલ વાંચવામાં અને એમાંથી શીખવામાં મજા આવશે.
૧. કેમ રોજ બાઇબલ વાંચવું જોઈએ?
જો તમે રોજ ‘યહોવાનું નિયમશાસ્ત્ર’ એટલે કે બાઇબલ વાંચશો, તો તમે ખુશ રહેશો અને સફળ થશો. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.) શરૂઆતમાં ખાલી ૫-૧૦ મિનિટ વાંચો. ધીરે ધીરે તમે બાઇબલની વાતો સમજી શકશો અને તમને એમાંથી વધારે વાંચવાનું મન થશે.
૨. બાઇબલ સારી રીતે સમજવા શું કરી શકો?
આપણે બાઇબલ વાંચીએ ત્યારે એના પર “મનન” પણ કરવું જોઈએ, એટલે કે જે વાંચી રહ્યા છીએ એના વિશે થોડી મિનિટો થોભીને વિચાર કરવો જોઈએ. (યહોશુઆ ૧:૮) તમે એવું કઈ રીતે કરી શકો? બાઇબલ વાંચતી વખતે આવા સવાલો પર વિચાર કરો: ‘આ કલમોથી મને યહોવા ઈશ્વર વિશે શું શીખવા મળ્યું? એને મારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું? આ કલમોથી બીજાઓને કઈ રીતે મદદ કરી શકું?’
૩. તમે ક્યારે બાઇબલ વાંચી શકો?
ઘણા લોકોને બાઇબલ વાંચવા સમય કાઢવો અઘરું લાગે છે. જો તમને પણ એવું લાગતું હોય, તો તમે શું કરી શકો? બાઇબલમાં લખ્યું છે, “તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.” (એફેસીઓ ૫:૧૬) તમે રોજ બાઇબલ વાંચવા સમય નક્કી કરી શકો. અમુક લોકો સવારે, તો અમુક લોકો બપોરે કે સાંજે બાઇબલ વાંચે છે. કેટલાક લોકો રાતે સૂતા પહેલાં બાઇબલ વાંચે છે. તમારા વિશે શું? તમને કયો સમય ફાવશે?
વધારે જાણો
બાઇબલ વાંચવામાં મજા આવે માટે તમે શું કરી શકો? તમે પાઠની તૈયારી કેવી રીતે કરી શકો, જેથી તમે બાઇબલની વાતો સારી રીતે સમજી શકો? ચાલો જોઈએ.
જેમ કોઈ નવી વાનગી વારંવાર ખાવાથી ભાવવા લાગે, તેમ વારંવાર બાઇબલ વાંચવાથી એ ગમવા લાગશે
૪. મજા આવે એ રીતે વાંચો
જેમ કોઈ નવી વાનગી વારંવાર ખાવાથી ભાવવા લાગે છે, એવું જ બાઇબલ વાંચવામાં પણ છે. શરૂઆતમાં એ વાંચવું અઘરું લાગે, પણ જો એ વાંચવાની “ઝંખના” કે ઇચ્છા રાખશો અને એને વારંવાર વાંચશો, તો તમને એ ગમવા લાગશે. ૧ પિતર ૨:૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
શું તમને લાગે છે કે રોજ બાઇબલ વાંચવાથી તમને એ ગમવા લાગશે અને વધારે વાંચવાનું મન થશે?
બાઇબલ વાંચવામાં મજા આવે માટે અમુક લોકોએ શું કર્યું? એ જાણવા આ વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.
અમુક યુવાનોને બાઇબલ વાંચવામાં કેવી મુશ્કેલીઓ નડી?
નિયમિત બાઇબલ વાંચવા તેઓને ક્યાંથી મદદ મળી?
બાઇબલ વાંચવામાં મજા આવે માટે તેઓએ શું કર્યું?
અમુક સૂચનો:
એવું બાઇબલ વાંચો જેમાં તમે ભરોસો મૂકી શકો અને જે સમજવામાં સહેલું હોય. બની શકે તો નવી દુનિયા ભાષાંતર બાઇબલમાંથી વાંચો.
શરૂઆતમાં એવા ભાગ વાંચો જેમાં તમને રસ પડે. મદદ માટે “બાઇબલ વાંચવાનું શરૂ કરો” ચાર્ટનો ઉપયોગ કરો.
જે વાંચો એની નોંધ રાખો. એ માટે “મેં ક્યાં સુધી બાઇબલ વાંચ્યું?” ચાર્ટનો ઉપયોગ કરો, જે આ ચોપડીમાં આપ્યો છે.
JW લાઇબ્રેરી ઍપનો ઉપયોગ કરો. આ ઍપથી તમે તમારા ફોન કે ટેબ્લેટ પર બાઇબલ વાંચી શકશો કે એનો ઑડિયો સાંભળી શકશો.
નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં વધારે માહિતી જુઓ. એમાં નકશા, ચાર્ટ અને શબ્દસૂચિ છે. એનાથી બાઇબલ વાંચવામાં મજા આવશે.
૫. પાઠની પહેલેથી તૈયારી કરો
ગીતશાસ્ત્ર ૧૧૯:૩૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
બાઇબલ વાંચતા પહેલાં કે પાઠની તૈયારી કરતા પહેલાં કેમ પ્રાર્થના કરવી જોઈએ?
દરેક પાઠને સમજવા સારી તૈયારી કરો. એ માટે નીચે આપેલાં સૂચનો અજમાવો:
ક. પાઠનો પહેલો ભાગ વાંચો.
ખ. એમાં આપેલી બાઇબલની કલમો વાંચો અને જુઓ કે એ કઈ રીતે ફકરાની માહિતી સમજવા મદદ કરે છે.
ગ. સવાલનો જવાબ આપતા શબ્દો કે વાક્યો નીચે લીટી દોરો અથવા કલર કરો. એનાથી પાઠની ચર્ચા કરતી વખતે તમને સહેલાઈથી જવાબ મળશે.
જાણવા જેવું
યહોવાના સાક્ષીઓએ અલગ અલગ બાઇબલ ભાષાંતર વાપર્યાં છે. પણ તેઓને પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ખૂબ ગમે છે. કેમ કે એની માહિતી એકદમ સાચી છે, એની ભાષા સમજવામાં સહેલી છે અને એમાં ઈશ્વરનું નામ જણાવ્યું છે.—jw.org/gu પર “શું યહોવાના સાક્ષીઓ પાસે પોતાનું બાઇબલ છે?” લેખ વાંચો.
અમુક લોકો કહે છે: “બાઇબલ વાંચવા અને અભ્યાસ કરવા મારી પાસે સમય નથી. હું બહુ થાકી જઉં છું. એ બધું મારાથી નહિ થાય.”
એ વિશે તમારું શું માનવું છે?
આપણે શીખી ગયા
રોજ બાઇબલ વાંચવા સમય કાઢો, એ સમજવા પ્રાર્થના કરો અને પાઠની સારી તૈયારી કરો. એમ કરવાથી તમને બાઇબલ વાંચવાનું અને એમાંથી શીખવાનું ગમશે.
તમે શું કહેશો?
બાઇબલની વાતો સારી રીતે સમજવા તમે શું કરી શકો?
બાઇબલ વાંચવા અને એનો અભ્યાસ કરવા તમે ક્યારે સમય કાઢી શકો?
પાઠની સારી તૈયારી કરવી કેમ જરૂરી છે?
વધારે માહિતી
બાઇબલને સારી રીતે સમજવા અમુક સૂચનો પર ધ્યાન આપો.
બાઇબલ વાંચવાની ત્રણ રીતો જાણવા આ લેખ વાંચો.
“બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો” (jw.org/gu પર આપેલો લેખ)
બાઇબલ વાંચવામાં મજા આવે એ માટે તમે શું કરી શકો? એ જાણવા આ લેખ વાંચો.
“બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૨: બાઇબલ વાંચન મજેદાર બનાવો” (jw.org/gu પર આપેલો લેખ)
અમુક લોકો વર્ષોથી બાઇબલ વાંચે છે. બાઇબલ સારી રીતે સમજવા તેઓ શું કરે છે, એ જાણવા આ વીડિયો જુઓ.