વાચકો તરફથી પ્રશ્નો
શું યહોવાહના સાક્ષીઓ તબીબી સારવાર સ્વીકારે છે?
ઈસુએ કહ્યું, “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.” (માત્થી ૯:૧૨) ઈસુના શબ્દોથી કહી શકીએ કે સારવાર કરવાની બાઇબલ ના પાડતું નથી. એટલે યહોવાહના સાક્ષીઓ દવાઓ લે છે અને બીમારીની સારવાર કરાવે છે. તેઓ સારી તંદુરસ્તી અને લાંબું જીવન ચાહે છે. બાઇબલના એક લેખક લુકની જેમ, આજે પણ અમુક યહોવાહના સાક્ષીઓ ડૉક્ટર છે.—કોલોસી ૪:૧૪.
જોકે યહોવાહના સાક્ષીઓ બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ હોય એવી સારવાર કરતા નથી. દાખલા તરીકે, બાઇબલમાં લોહીથી દૂર રહેવા કહ્યું છે, એટલે તેઓ લોહીની આપ-લે કરતા નથી. (ઉત્પત્તિ ૯:૪; લેવીય ૧૭:૧-૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) ઉપરાંત મેલી વિદ્યા સાથે જોડાયેલી સારવાર પણ લેતા નથી.—લેવીય ૧૯:૨૬; ગલાતી ૫:૧૯-૨૧.
ઘણા ડૉક્ટર અને નર્સ બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય એવી સારવાર આપે છે. આજે ઘણા લોકો કોઈ પણ પ્રકારની સારવાર લેવા તૈયાર છે, જ્યારે કે સાક્ષીઓ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જ સારવાર લે છે. આમ કરવાથી તેઓને ઘણી વખત વધારે સારી સારવાર મળી છે.
સારવાર કરાવવા લોકો પાસે અલગ અલગ પસંદગી હોય છે. કોઈ સારવારથી એકને ફાયદો થાય તો જરૂરી નથી કે એનાથી બીજાને પણ થશે જ. તેથી બીમારી અને એની સારવાર વિષે ચોક્કસ માહિતી મેળવવા બીજા ડૉક્ટર પાસે તપાસ કરાવી શકો.—નીતિવચનો ૧૪:૧૫.
જ્યાં સુધી બાઇબલના નિયમો તૂટતા ન હોય ત્યાં સુધી સાક્ષીઓ પોતાની ઇચ્છા પ્રમાણે સારવાર પસંદ કરે છે. (રૂમી ૧૪:૨-૪) જ્યારે ડૉક્ટર કોઈ સારવાર લેવા જણાવે, ત્યારે એની પૂરી તપાસ કરવી જોઈએ. પૂરી ખાતરી કરી લેવી જોઈએ કે એ બાઇબલ વિરુદ્ધ તો નથી ને. નહિ તો એ સારવાર કરાવવાથી દિલ ડંખશે.—ગલાતી ૬:૫; હેબ્રી ૫:૧૪.
ચાલો એક દાખલાનો વિચાર કરીએ. એક ડ્રાઇવર નાના રસ્તા પરથી બીજાઓની પાછળ પાછળ હાઈવે પર ચઢવા જશે તો મોટો અકસ્માત થશે. પણ સમજદાર ડ્રાઇવર ગાડીને ધીમી કરે છે, આજુ-બાજુ જુએ છે અને પછી હાઈવે પર ચઢે છે. યહોવાહના સાક્ષીઓ એ સમજદાર ડ્રાઇવર જેવા છે. તેઓ ઊંધું ઘાલીને સારવાર કરાવતા નથી. તેમ જ બીજાઓની પાછળ પાછળ જતાં નથી. તેઓ સમજી-વિચારીને અલગ અલગ સારવારની તપાસ કરે છે. પછી બાઇબલના સિદ્ધાંતોને આધારે નિર્ણય લે છે.
ડૉક્ટર અને નર્સ લોકોની સંભાળ રાખવા ઘણી મહેનત કરે છે. યહોવાહના સાક્ષીઓ તેઓની કદર કરે છે. બીમારીમાંથી રાહત મેળવવા મદદ કરતા ડૉક્ટર અને નર્સનો તેઓ દિલથી આભાર માને છે. (w11-E 02/01)