વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૩/૧ પાન ૨૭-૩૧
  • વીતી ગયેલી બાબતો પર ધ્યાન દેશો નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વીતી ગયેલી બાબતો પર ધ્યાન દેશો નહિ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • એમ લાગે કે વીતેલા દિવસો સારા હતા
  • જતી કરેલી બાબતો
  • પહેલાંની કડવી યાદો
  • ભાવિ પર નજર રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મારો શિષ્ય થા—એ માટે શું કરવું જોઈએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • લોતની પત્નીને યાદ રાખો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • લોતની પત્નીને યાદ રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૩/૧ પાન ૨૭-૩૧

વીતી ગયેલી બાબતો પર ધ્યાન દેશો નહિ

“પણ ઈસુએ તેને કહ્યું, કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.”—લુક ૯:૬૨.

તમે શું જવાબ આપશો?

શા માટે ‘લોતની પત્નીને યાદ’ કરવી જોઈએ?

આપણે કઈ ત્રણ બાબતોનો વિચાર કરવો ન જોઈએ?

યહોવાના સંગઠન સાથે આપણે કઈ રીતે આગળ વધતા રહી શકીએ?

૧. ઈસુએ કઈ ચેતવણી આપી અને એનાથી કયો પ્રશ્ન ઊભો થાય છે?

‘લોતની પત્નીને યાદ કરો.’ (લુક ૧૭:૩૨) આશરે બે હજાર વર્ષ પહેલાં ઈસુએ આ ચેતવણી આપી હતી. આપણા માટે એ ચેતવણીને ધ્યાન આપવું ખૂબ જ મહત્ત્વનું છે. પરંતુ, ઈસુ એ ચેતવણી દ્વારા શું કહેવા માંગતા હતા? ઈસુએ આ ચેતવણી આપી ત્યારે તે યહુદીઓ સાથે વાત કરી રહ્યા હતા. તેઓને ખબર હતી કે લોતની પત્ની સાથે શું થયું હતું. લોત તેના કુટુંબ સાથે સદોમ શહેર છોડીને ભાગી રહ્યા હતા. ત્યારે લોતની પત્નીએ યહોવાની આજ્ઞા તોડી અને પાછળ જોયું. એને લીધે તે મીઠાનો થાંભલો બની ગઈ.—ઉત્પત્તિ ૧૯:૧૭, ૨૬ વાંચો.

૨. લોતની પત્નીએ શા માટે પાછળ જોયું હશે? તેણે જ્યારે આજ્ઞા તોડી ત્યારે શું થયું?

૨ પરંતુ, લોટની પત્નીએ શા માટે પાછળ જોયું? બની શકે તે જોવા માંગતી હતી કે પાછળ શું થઈ રહ્યું છે. અથવા તેને માનવામાં આવ્યું નહિ હોય કે આખા શહેરનો નાશ થઈ રહ્યો છે. બની શકે તેનામાં વિશ્વાસની ખામી હતી. અથવા તેણે સદોમમાં જે છોડી દીધું હતું એ કદાચ તેને પાછું જોઈતું હતું. (લુક ૧૭:૩૧) ભલે ગમે તે કારણને લીધે તેણે પાછળ જોયું, પણ જ્યારે તેણે આજ્ઞા તોડી ત્યારે તેનું મરણ થયું. જરા વિચારો, સદોમ અને ગમોરાહના દુષ્ટ લોકોની સાથે તેનો પણ નાશ થયો. એટલે જ ઈસુએ કહ્યું કે ‘લોતની પત્નીને યાદ કરો.’

૩. પાછળ ન જોવા વિષે ઈસુએ શું જણાવ્યું?

૩ લોતની પત્નીએ પાછળ નજર કરી ન હોત તો સારું થયું હોત. એવી જ રીતે, આપણે જે બાબતો પાછળ છોડી દીધી છે, એ તરફ નજર કરવી જોઈએ નહિ અથવા એના વિષે વિચારવું જોઈએ નહિ. ઈસુએ જ્યારે એક પુરુષ સાથે વાત કરી ત્યારે એ મુદ્દા પર ભાર મૂક્યો. તે પુરુષ ઈસુનો શિષ્ય બનવા માંગતો હતો. પણ એ પહેલાં તે પોતાના કુટુંબને મળવા ચાહતો હતો. ઈસુએ તેને કહ્યું: “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ, તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.” (લુક ૯:૬૨) કદાચ એવું લાગી શકે કે ઈસુએ તેને કડક અને કઠોર રીતે જવાબ આપ્યો. પરંતુ, ઈસુ જાણતા હતા કે તે પુરુષ બહાના કાઢતો હતો. તે શિષ્ય બનવાની જવાબદારીમાંથી છટકવા માંગતો હતો. ઈસુએ કહ્યું કે ઈશ્વરની ભક્તિ કરવામાં જે વ્યક્તિ બહાના બનાવે, તે જાણે ‘પાછળ’ જુએ છે. એક વ્યક્તિ ખેતર ખેડતી વખતે જો પાછળ જુએ, તો તેનું ધ્યાન ફંટાઈ જશે. તે જે કામ કરે છે, એ સારી રીતે નહિ કરી શકે.

૪. આપણે શાના પર ધ્યાન આપવું જોઈએ?

૪ આપણે વીતી ગયેલી બાબતો પર નહિ પણ ભવિષ્યમાં બનનારી બાબતો પર વિચાર કરવો જોઈએ. નીતિવચનો ૪:૨૫ જણાવે છે કે “તારી આંખો સામી નજરે જુએ, અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.”

૫. વીતી ગયેલી બાબતોને યાદ ન કરવા આપણી પાસે કયું કારણ છે?

૫ વીતી ગયેલી બાબતોને યાદ ન કરવા આપણી પાસે એક સરસ કારણ છે. એ છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ. (૨ તીમો. ૩:૧) ઈશ્વર જલદી જ એકાદ-બે શહેરો નહિ, પણ આખી દુષ્ટ દુનિયાનો નાશ કરશે. લોતની પત્ની સાથે જે થયું એવું આપણી સાથે ન થાય એ માટે શું મદદ કરશે? પહેલાં તો આપણે પારખવાની જરૂર છે કે અગાઉની એવી કઈ બાબતો છે, જેનો વિચાર કરવા આપણે લલચાઈ શકીએ. (૨ કોરીં. ૨:૧૧) ચાલો, હવે એવી કેટલીક બાબતોની ચર્ચા કરીએ અને જોઈએ કે કેવી રીતે એના પર ધ્યાન આપવાનું ટાળી શકીએ.

એમ લાગે કે વીતેલા દિવસો સારા હતા

૬. શા માટે પહેલાંના દિવસોને યાદ કરવામાં જોખમ રહેલું છે?

૬ કદાચ આપણે એમ વિચારવાની ભૂલ કરી શકીએ કે પહેલાં આપણું જીવન સારું હતું. કદાચ આપણે પાછલા દિવસોને જે રીતે યાદ કરીએ એવું હકીકતમાં હોય પણ નહિ. કદાચ આપણને ખ્યાલ ન રહે અને ખોટું વિચારવા પણ લાગી શકીએ. જેમ કે, એવું વિચારવા લાગી શકીએ કે પહેલાં મુશ્કેલીઓ એટલી ખરાબ ન હતી અને હમણાં કરતાં વધારે ખુશ હતાં. બીજા શબ્દોમાં કહીએ તો ખરેખર જે પરિસ્થિતિ હતી એના કરતાં વધારી સારી હતી એવું વિચારવા લાગી શકીએ. જો આપણે એવું વિચારવાની ભૂલ કરીએ, તો કદાચ પહેલાંના જેવું જીવન જીવવાની ઇચ્છા જાગી શકે. પરંતુ, બાઇબલ આપણને ચેતવે છે: ‘આગલો સમય આ સમય કરતાં સારો હતો, એનું કારણ શું છે એવું તું ન પૂછ; કેમ કે આ વિષે તારે પૂછવું ડહાપણ ભરેલું નથી.’ (સભા. ૭:૧૦) એટલે, આપણે પણ પહેલાંના દિવસોને યાદ કરવા વિષે ધ્યાન રાખવું જોઈએ.

૭-૯. (ક) ઇજિપ્તમાં ઈસ્રાએલીઓ સાથે શું થયું? (ખ) ઈસ્રાએલીઓ પાસે આનંદ કરવાના કયા કારણો હતા? (ગ) ઈસ્રાએલીઓ શાના વિષે ફરિયાદ કરવા લાગ્યા?

૭ મુસાના સમયમાં ઈસ્રાએલીઓ સાથે શું બન્યું એનો વિચાર કરો. ઈસ્રાએલીઓ પહેલી વાર ઇજિપ્તમાં ગયા ત્યારે તેઓ મહેમાન હતા. પરંતુ, યુસફના ગુજરી ગયા પછી, ઇજિપ્તના લોકો ઈસ્રાએલીઓને ‘માથે બોજ નાખીને તેઓને દુઃખ આપવા લાગ્યા. તેઓ પર વેઠ કરાવનાર મુકાદમ નીમ્યા.’ (નિર્ગ. ૧:૧૧) એ પછી ફારુને પોતાના લોકોને હુકમ કર્યો કે ઈસ્રાએલીઓના નર બાળકોને મારી નાંખે. કારણ કે તે ચાહતો હતો કે ઈસ્રાએલીઓની પ્રજા વધે નહિ. (નિર્ગ. ૧:૧૫, ૧૬, ૨૨) એટલે જ યહોવાએ મુસાને કહ્યું કે ‘મેં ઇજિપ્તમાંના મારા લોકનું દુઃખ જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેઓનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓની પીડા હું જાણું છું.’—નિર્ગ. ૩:૭.

૮ મિસરની ગુલામીમાંથી ઈસ્રાએલીઓ જ્યારે છૂટ્યા ત્યારે તેઓને કેવો આનંદ થયો હશે, એની જરા કલ્પના કરો! તેઓએ યહોવાની અદ્‍ભુત શક્તિનો અનુભવ કર્યો હતો. તેઓએ જોયું કે કેવી રીતે યહોવાએ દસ મરકીઓ લાવીને ઘમંડી ફારુનના હાથમાંથી પોતાના લોકોને છોડાવ્યા. (નિર્ગમન ૬:૧, ૬, ૭ વાંચો.) અરે, ઇજિપ્તના લોકો એટલા ત્રાસી ગયા હતા કે તેઓએ ઈસ્રાએલીઓને તરત જ નીકળી જવા કહ્યું. એ માટે તેઓએ ઈસ્રાએલીઓને ઘણું સોનું-રૂપું આપ્યું. એ એટલું બધું હતું કે એ વિષે બાઇબલ કહે છે કે ઈશ્વરના લોકોએ જાણે તેઓને “લૂંટી લીધા.” (નિર્ગ. ૧૨:૩૩-૩૬) ત્યાર બાદ, ઈસ્રાએલીઓએ ફારુન અને તેના લશ્કરનો રાતા સમુદ્રમાં નાશ થતા જોયો અને પછી આનંદ કર્યો. (નિર્ગ. ૧૪:૩૦, ૩૧) યહોવાએ તેઓ માટે જે બધું કર્યું એ જોઈને તેઓનો વિશ્વાસ કેટલો મજબૂત થયો હશે!

૯ યહોવાએ ઈસ્રાએલીઓને ચમત્કારથી છોડાવ્યા, પરંતુ થોડાં જ સમયમાં તેઓ એ બધું ભૂલી ગયા. અરે, તેઓ ઈશ્વર વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા! તેઓ ખોરાક વિષે ફરિયાદ કરવા લાગ્યા. યહોવા તેઓને જે બધું પૂરું પાડતા હતા એનાથી તેઓ સંતુષ્ટ ન હતા. તેઓ કહેવા લાગ્યા કે ‘જે માછલી અમે ઇજિપ્તમાં મફત ખાતા હતા, એ અમને યાદ આવે છે; વળી કાકડી, તડબૂચ, ડુંગળી અને લસણ પણ અમને યાદ આવે છે. પરંતુ, હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી. આ માન્‍ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.’ (ગણ. ૧૧:૫, ૬) તેઓના વિચારો એટલી હદે બદલાઈ ગયા કે તેઓ ગુલામો તરીકે ફરી પાછા ઇજિપ્તમાં જવા માંગતા હતા. (ગણ. ૧૪:૨-૪) તેઓએ વીતી ગયેલી બાબતોને ખોટી રીતે યાદ કરી, એટલે ઈશ્વરની કૃપા ગુમાવી બેઠા.—ગણ. ૧૧:૧૦.

૧૦. ઈસ્રાએલીઓ સાથે જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૦ આપણે ઈસ્રાએલીઓના દાખલામાંથી શું શીખી શકીએ? આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે એવું વિચારવું જોઈએ નહિ કે સત્યમાં આવ્યા પહેલાંનો સમય કદાચ સારો હતો. જોકે, વીતી ગયેલા સમયમાંથી કંઈક શીખવું ખોટું નથી. વીતેલા સારા સમયનો વિચાર કરવામાં પણ ખોટું નથી. પરંતુ, જ્યારે પણ પાછલા દિવસોને યાદ કરીએ ત્યારે એમાં ડૂબી જઈએ નહિ. તેમ જ, એ દિવસો ખરા અર્થમાં કેવા હતા એ પણ ભૂલીએ નહિ. જો આપણે એમ નહિ કરીએ, તો અત્યારના આપણા જીવનથી ખુશ નહિ થઈએ. એવું પણ બને કે સત્યમાં આવ્યા પહેલાં જેવું જીવન જીવતા હતા, એવું ફરીથી જીવવાની ઇચ્છા જાગે.—૨ પીતર ૨:૨૦-૨૨ વાંચો.

જતી કરેલી બાબતો

૧૧. કેટલાકને પહેલાં જતી કરેલી બાબતો વિષે કેવું લાગે છે?

૧૧ દુઃખની વાત છે કે અગાઉ જતી કરેલી બાબતો વિષે કેટલાક વિચારે છે કે ‘કાશ એ બાબતો જતી કરી ન હોત!’ કદાચ તમારી પાસે ઉચ્ચ શિક્ષણ લેવાની તક હતી. પ્રખ્યાત થવાની કે ઘણા પૈસા કમાવવાની તક હતી. પરંતુ, તમે એ બાબતો જતી કરવાનો નિર્ણય કર્યો. ઘણા ભાઈ-બહેનો પાસે સારા નોકરી-ધંધા હતા, તેઓ કદાચ રમત-ગમત, ભણતર કે પછી મનોરંજનમાં સારું કરી શક્યા હોત. પરંતુ, તેઓએ એ બધી બાબતો જતી કરી. હવે, એ વાતને અમુક સમય વીતી ગયો છે અને અંત પણ હજી આવ્યો નથી. તો શું તમે એમ વિચારો છો કે ‘કાશ એ જતું કર્યું ન હોત!’

૧૨. પાઊલે પોતના જીવનમાં જે બાબતો જતી કરી, એ વિષે તેમને કેવું લાગ્યું?

૧૨ પ્રેરિત પાઊલે ઈસુને પગલે ચાલવા પોતાના જીવનમાં ઘણી બાબતો જતી કરી. (ફિલિ. ૩:૪-૬) તેમણે જે કંઈ જતું કર્યું એ વિષે તેમને કેવું લાગ્યું? તે જણાવે છે: ‘જે બાબતો મને લાભકારક હતી, એ મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણી.’ શા માટે? તે આગળ જણાવે છે: ‘ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બાબતોને હાનિ જ ગણું છું; એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને એ બાબતોને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું.’a (ફિલિ. ૩:૭, ૮) એક વ્યક્તિ જ્યારે કચરો ફેંકી દે છે એ પછી અફસોસ કરતી નથી. એવી જ રીતે, પાઊલે દુનિયાની બાબતોમાં જે પાછળ છોડી દીધું હતું, એ માટે જરાય અફસોસ કર્યો નહિ. પાઊલની નજરમાં એ બાબતોની જરાય કિંમત ન હતી.

૧૩, ૧૪. પાઊલના દાખલાને આપણે કઈ રીતે અનુસરી શકીએ?

૧૩ જે બાબતો જતી કરી હોય એના વિષે વિચારો આવ્યા કરે તો શું કરવું જોઈએ? આપણે પાઊલના દાખલાને અનુસરવું જોઈએ. કઈ રીતે? હમણાં તમારી પાસે શું છે, એનો વિચાર કરો: યહોવા સાથે તમારો સારો સંબંધ છે. તે તમને એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે જુએ છે. (હિબ્રૂ ૬:૧૦) બીજું કે યહોવા હાલમાં આપણને જે બધું આપે છે અને ભાવિમાં આપણા માટે જે કરવાના છે, એના કરતાં કીમતી બાબત આજની દુનિયા આપી શકતી નથી.—માર્ક ૧૦:૨૮-૩૦ વાંચો.

૧૪ પછી પાઊલ કંઈક જણાવે છે, જે આપણને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરશે. તે કહે છે: “જે મારી પાછળ છે તેને હું ભૂલી જઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું.” (ફિલિ. ૩:૧૩, કોમન લેંગ્વેજ) પાઊલ અહીં બે અગત્યની બાબતો આપણને કરવા કહે છે. પહેલી, જે બાબતો આપણે પાછળ છોડી દીધી છે એને ભૂલી જઈએ. એ બાબતો પર વિચાર કરીને સમય અને શક્તિ બગાડીએ નહિ. બીજી કે જેમ એક દોડવીર અંતિમ રેખા પાર કરવા બનતું બધું કરે છે, તેમ આપણે પણ આગળની બાબતો પર ધ્યાન આપવા બનતું બધું કરીએ.

૧૫. યહોવાના વિશ્વાસુ ભક્તોના દાખલાઓ પર વિચાર કરવાથી શું લાભ થશે?

૧૫ પહેલાંના સમયમાં જીવી ગયેલા અને હાલ જીવી રહેલા યહોવાના વિશ્વાસુ ભક્તોના દાખલાનો વિચાર કરો. તેઓના દાખલાઓ તમને વીતી ગયેલી બાબતો ભૂલી જઈને આગળ વધવા મદદ કરશે. જેમ કે, ઈબ્રાહીમ અને સારાહનો વિચાર કરો. તેઓને પોતાના દેશ ઉરમાં પાછા જવાની ‘ઝંખના નહોતી. જો હોત, તો તેઓ માટે ત્યાં પાછા જવાની તક હતી.’ (હિબ્રૂ ૧૧:૧૩-૧૫, કોમન લેંગ્વેજ) પરંતુ, તેઓ પોતાના દેશમાં પાછા ગયા નહિ. હવે, મુસાનો વિચાર કરો. જ્યારે પહેલી વાર તેમણે ઇજિપ્ત છોડ્યું, ત્યારે બીજા ઈસ્રાએલીઓ કરતાં વધારે જતું કર્યું હતું. પણ બાઇબલ ક્યાંય એવું જણાવતું નથી કે મુસાએ કદી પણ જતી કરેલી બાબતોને પાછી મેળવવા ચાહી હોય. એના બદલે બાઇબલ જણાવે છે કે ‘ઇજિપ્તમાંના દ્રવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેમણે માન્યું.’—હિબ્રૂ ૧૧:૨૬.

પહેલાંની કડવી યાદો

૧૬. પહેલાની કડવી યાદો વિષે આપણને કેવું લાગી શકે?

૧૬ જીવનમાં તમે કદાચ કડવા અનુભવનો સામનો કર્યો હશે. જેમ કે, પહેલાં કરેલી કોઈ ભૂલ કે પાપ વિષે દિલ ડંખ્યા કરે. (ગીત. ૫૧:૩) કોઈ કડક સલાહ મળી હોય એનાથી હજી પણ દુઃખી કે ગુસ્સે હોઈએ. (હિબ્રૂ ૧૨:૧૧) આપણી સાથે થયેલા અન્યાયનો વિચાર આવ્યા કરે. (ગીત. ૫૫:૨) આવી કડવી યાદો આપણને વારે વારે ન સતાવે એ માટે શું મદદ કરી શકે? ચાલો આ ત્રણ દાખલાનો વિચાર કરીએ.

૧૭. (ક) પાઊલને શા માટે એમ લાગ્યું કે તે બીજા ઈશ્વરભક્તો જેટલા સારાં ન હતાં? (ખ) ઈશ્વરની ભક્તિમાં લાગુ રહેવા પાઊલને શામાંથી મદદ મળી?

૧૭ પહેલાંની ભૂલો. પાઊલને લાગતું કે તે બીજા ઈશ્વરભક્તો જેટલા સારાં ન હતાં. (એફે. ૩:૯) એમ માનવાનું કારણ હતું કે તેમણે પહેલાં ‘ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.’ (૧ કોરીં. ૧૫:૯) પાઊલે જેઓને સતાવ્યા હતા તેઓને જ્યારે મળ્યા હશે, ત્યારે તે ઘણા દુઃખી થયા હશે. પરંતુ, એ કડવી યાદને લીધે યહોવાની ભક્તિમાં તે ઠંડા પડી ગયા નહિ. બલ્કે, ઈશ્વરે બતાવેલી કૃપા પર પાઊલે હંમેશા વિચાર કર્યો. (૧ તીમો. ૧:૧૨-૧૬) એના કારણે તેમનામાં ઈશ્વર માટે ઘણા ઉપકારની લાગણી પેદા થઈ અને ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં લાગુ રહ્યા. એવી જ રીતે, આપણે પણ યહોવાએ બતાવેલી કૃપા પર ધ્યાન આપીએ. પહેલા થઈ ગયેલી બાબતો જેને આપણે બદલી શકતા નથી, એના પર વિચાર કરવામાં સમય-શક્તિ ન બગાડીએ. એને બદલે યહોવાના કામમાં એનો ઉપયોગ કરીએ.

૧૮. (ક) પહેલા મળેલી કોઈ કડક સલાહ પર વિચાર કર્યે રાખીશું તો શું થઈ શકે? (ખ) સુલેમાનની સલાહ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?

૧૮ કડક સલાહ. કદાચ પહેલાં આપણને કોઈ કડક સલાહ મળી હોય એનો જ વિચાર મનમાં આવ્યા કરે. એના લીધે કદાચ આપણે દુઃખી અથવા ગુસ્સે થઈએ. એવો પણ વિચાર આવે કે ઈશ્વરની ભક્તિ કરવાનું છોડી દઈએ. (હિબ્રૂ ૧૨:૫) જો આપણે સલાહને તરત જ નકારી દઈએ અથવા પહેલાં સ્વીકારીએ અને પછી નકાર કરીએ, તો એ બંનેનું પરિણામ સરખું જ આવે છે. એમ કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. એટલે સારું થશે કે આપણે સુલેમાનની આ સલાહ ધ્યાનમાં લઈએ: “શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.” (નીતિ. ૪:૧૩) એક ડ્રાઈવર રોડ પરની નિશાનીઓ ધ્યાનમાં રાખીને વાહન ચલાવે છે અને આગળ વધે છે. એવી જ રીતે, આપણે પણ સલાહ ધ્યાનમાં રાખીએ અને આગળ વધતા રહીએ.—નીતિ. ૪:૨૬, ૨૭; હિબ્રૂ ૧૨:૧૨, ૧૩ વાંચો.

૧૯. આપણે કેવી રીતે હબાક્કૂક અને યિર્મેયાના વિશ્વાસને અનુસરી શકીએ?

૧૯ અન્યાય ખરેખર થયો હોય અથવા એમ માની લીધું હોય. કોઈક વાર આપણને પણ પ્રબોધક હબાક્કૂક જેવું લાગી શકે. તે યહોવાનો ન્યાય લોકોને જણાવતા હતા. જોકે તે સમજી શકતા ન હતા કે શા માટે યહોવા અમુક બાબતો ચાલવા દે છે. (હબા. ૧:૨, ૩) એ પ્રબોધકને જેવો વિશ્વાસ હતો એવો આપણે પણ રાખવો જોઈએ. તેમણે કહ્યું: ‘હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા તારણ આપનાર ઈશ્વરમાં આનંદ કરીશ.’ (હબા. ૩:૧૮) બીજો દાખલો યિર્મેયા પ્રબોધકનો છે. તેમણે યહોવામાં ‘આશા રાખી’ હતી. આપણે પણ તેમની જેમ યહોવામાં પૂરો ભરોસો રાખીએ. યહોવા ન્યાયી ઈશ્વર હોવાથી યોગ્ય સમયે બધી બાબતો સુધારશે.—યિ.વિ. ૩:૧૯-૨૪.

૨૦. કેવી રીતે સાબિતી આપી શકીએ કે આપણે ‘લોતની પત્નીને યાદ’ રાખીએ છીએ?

૨૦ આપણે ખૂબ જ રોમાંચક સમયમાં જીવી રહ્યા છીએ. આપણા સમયમાં ઘણી અદ્‍ભુત બાબતો બની રહી છે અને જલદી જ બીજી ઘણી બનશે. યહોવાનું સંગઠન આગળ વધી રહ્યું છે અને આપણે પણ એની સાથે આગળ વધવાનું છે. તેથી, ચાલો આપણે પણ બાઇબલની સલાહ પાળીને આગળ વધીએ અને પાછલી બાબતોને ભૂલી જઈએ. આમ કરીને આપણે સાબિતી આપીએ છીએ કે આપણે ‘લોતની પત્નીને યાદ’ કરીએ છીએ. (w12-E 03/15)

[ફુટનોટ]

a મૂળ ભાષામાં ‘કચરા’ માટે વપરાયેલા શબ્દનો અર્થ ‘કૂતરાઓ આગળ ફેંકેલી વસ્તુ,’ ‘છાણ,’ અથવા ‘મળ-મૂત્ર’ થઈ શકે. એક બાઇબલ નિષ્ણાત કહે છે કે પાઊલે વાપરેલો શબ્દ એને બતાવે છે, જેને એક વ્યક્તિ સાવ જ ત્યજી દે છે. એ વસ્તુ કે બાબતને વ્યક્તિ સાવ નકામી અને ગંદી ગણે છે. તેમ જ, એને ફરી કદી પણ જોવા ચાહતી નથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો