મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
લોકો શા માટે પ્રાર્થના કરે છે?
“મને જુગાર રમ્યા વગર જરાય ચાલતું ન હતું. ઢગલો પૈસા જીતવા હું પ્રાર્થના કરતો. પણ, એવું ક્યારેય બન્યું નહિ.”—સેમ્યુલ,a કેન્યા.
“સ્કૂલમાં અમારે ગોખેલી પ્રાર્થના જ બોલવાની હતી.”—ટેરેસા, ફિલિપાઇન્સ.
“મારા પર તકલીફો આવે ત્યારે હું પ્રાર્થના કરું છું. એક સારી ખ્રિસ્તી વ્યક્તિ બનવા અને મારાં પાપોની માફી માંગવા હું પ્રાર્થના કરું છું.”—મેગ્દાલેન, ઘાના.
સેમ્યુલ, ટેરેસા અને મેગ્દાલેનના શબ્દો પરથી જોઈ શકાય કે, લોકો અલગ અલગ કારણોને લીધે પ્રાર્થના કરે છે. અમુક લોકો દિલથી પ્રાર્થના કરે છે. જ્યારે કે, બીજા કેટલાક કરવા ખાતર પ્રાર્થના કરે છે. જોકે, કરોડો લોકોને લાગે છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. તેઓ આવાં કારણો માટે પ્રાર્થના કરે છે. જેમ કે, પરીક્ષામાં પાસ થવા, રમતમાં તેઓની મનગમતી ટીમ જીતે એ માટે, કુટુંબને સારી રીતે ચલાવવા ઈશ્વરના માર્ગદર્શન માટે અને એવાં બીજાં હજારો કારણ માટે. એક સર્વે બતાવે છે કે, જેઓને ધર્મમાં કોઈ રસ નથી તેઓ પણ નિયમિત પ્રાર્થના કરે છે.
શું તમે પ્રાર્થના કરો છો? તમે શાની માટે પ્રાર્થના કરો છો? પ્રાર્થના કરતી વખતે કદાચ તમને થાય, ‘શું પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો છે? શું મારી પ્રાર્થના કોઈ સાંભળે છે?’ એક લેખકે પ્રાર્થના વિશે પોતાનો વિચાર જણાવતા કહ્યું કે, “એ તો એક પ્રકારની સારવાર છે.” અમુક ડૉક્ટરો પણ એવું જ માને છે. તેઓ પ્રાર્થનાને “એક પ્રકારની દવા” કહે છે. પ્રાર્થના કરવી શું લોકો માટે ફક્ત રોજિંદા જીવનનો એક ભાગ છે? કે પછી, શું એ કોઈ સારવાર છે?
પ્રાર્થના એટલા પૂરતી સીમિત નથી. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, પ્રાર્થના સારવાર કરતાં કંઈક વધારે છે. એમાં જણાવ્યું છે કે, યોગ્ય રીતે અને યોગ્ય બાબત માટે પ્રાર્થના કરવામાં આવે તો, કોઈક એને ખરેખર સાંભળે છે. શું એ સાચું છે? ચાલો, એના પુરાવા જોઈએ. (w15-E 10/01)
a અમુક નામ બદલ્યાં છે.