ઉદારતાથી આપનાર લોકો સુખી છે
“આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
૧. શાના પરથી કહી શકાય કે યહોવા ઉદાર છે?
એક સમયે આખા વિશ્વમાં યહોવા એકલા હતા. પછી તેમણે સ્વર્ગદૂતો અને માણસોને બનાવવાનું નક્કી કર્યું. બીજાઓને સારી સારી વસ્તુઓ આપવાનું “આનંદી ઈશ્વર” યહોવાને ખૂબ ગમે છે. (૧ તિમો. ૧:૧૧; યાકૂ. ૧:૧૭) યહોવા ચાહે છે કે આપણે પણ ખુશ રહીએ, એટલે તે આપણને ઉદારતા બતાવવાનું શીખવે છે.—રોમ. ૧:૨૦.
૨, ૩. (ક) શા માટે ઉદારતા બતાવવાથી ખુશી મળે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨ યહોવાએ મનુષ્યોને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા છે. (ઉત. ૧:૨૭) એનો અર્થ થાય કે યહોવાએ મનુષ્યોમાં પોતાના જેવા ગુણો મૂક્યા છે. યહોવાનો આશીર્વાદ અને સાચી ખુશી મેળવવા આપણે તેમના પગલે ચાલવાની જરૂર છે. આપણે લોકોમાં ઊંડો રસ બતાવવો જોઈએ અને આપણી પાસે જે કંઈ છે, એ બીજાઓને ઉદારતાથી આપવું જોઈએ. (ફિલિ. ૨:૩, ૪; યાકૂ. ૧:૫) શા માટે? કારણ કે યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે. આપણે અપૂર્ણ હોવા છતાં, યહોવાને અનુસરી શકીએ છીએ અને ઉદારતા બતાવી શકીએ છીએ.
૩ આપણે બાઇબલમાંથી ઉદારતા વિશેના અમુક બોધપાઠ શીખીશું. આપણે એ શીખીશું કે આપણે ઉદારતા બતાવીએ છીએ ત્યારે, યહોવા શા માટે ખુશ થાય છે. આપણે જોઈશું કે ઉદાર બનવાથી કઈ રીતે યહોવાએ સોંપેલા કામમાં મદદ મળે છે અને સાચી ખુશી મળે છે. એ પણ ચર્ચા કરીશું કે આપણે કેમ ઉદારતા બતાવવાનું પડતું ન મૂકવું જોઈએ.
ઉદાર બનીને યહોવાને ખુશ કરીએ
૪, ૫. ઉદારતા બતાવવામાં યહોવા અને ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?
૪ યહોવા ચાહે છે કે આપણે તેમને અનુસરીએ. એટલે, આપણે ઉદારતા બતાવીએ છીએ ત્યારે યહોવાને ઘણી ખુશી થાય છે. (એફે. ૫:૧) યહોવા એ પણ ચાહે છે કે આપણે ખુશ રહીએ. એવું આપણે કઈ રીતે કહી શકીએ? તેમણે આપણને અને આખી પૃથ્વીને એટલી અદ્ભુત રીતે બનાવ્યાં છે કે આપણે એનો આનંદ માણી શકીએ છીએ. (ગીત. ૧૦૪:૨૪; ૧૩૯:૧૩-૧૬) આપણે બીજાઓને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે, યહોવાને મહિમા આપીએ છીએ.
૫ પૃથ્વી પર હતા ત્યારે, ઈસુએ ઉદારતા બતાવવામાં ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. તેથી, આપણે ઈસુને પણ અનુસરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, “માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો; અને ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો.” (માથ. ૨૦:૨૮) પ્રેરિત પાઊલે પણ ઈશ્વરભક્તોને ઉત્તેજન આપ્યું હતું: “તમે પણ ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો . . . તેમણે પોતાની પાસે જે કંઈ હતું, એનો ત્યાગ કર્યો અને દાસ જેવા થયા.” (ફિલિ. ૨:૫, ૭) આપણે પોતાને પૂછી શકીએ, “શું હું વધારે સારી રીતે ઈસુના પગલે ચાલી શકું?”—૧ પીતર ૨:૨૧ વાંચો.
૬. ઈસુએ કહેલી વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૬ યહોવા અને ઈસુએ બેસાડેલા ઉત્તમ દાખલાને અનુસરીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે. એ માટે આપણે શું કરી શકીએ? લોકોમાં ઊંડો રસ બતાવીએ અને તેઓને મદદ કરવાની તક શોધીએ. એનું મહત્ત્વ સમજાવવા ઈસુએ ભલા સમરૂનીની વાર્તા કહી હતી. (લુક ૧૦:૨૯-૩૭ વાંચો.) ઈસુએ પોતાના અનુયાયીઓને શીખવ્યું હતું કે, ભલે વ્યક્તિ ગમે એ સમાજની હોય તોપણ તેને મદદ કરવી જોઈએ. શું તમને યાદ છે કે ઈસુએ શા માટે એ વાર્તા કહી હતી? કારણ કે એક યહુદી માણસે ઈસુને પૂછ્યું હતું કે, “મારો પડોશી ખરેખર કોણ છે?” ઈસુના જવાબથી શીખવા મળે છે કે, ભલા સમરૂનીએ જેમ ઉદારતા બતાવી એમ યહોવાને ખુશ કરવા આપણે પણ ઉદારતા બતાવવી જોઈએ.
૭. આપણે કઈ રીતે બતાવી શકીએ કે યહોવા જે કંઈ કરે છે એ ઉત્તમ છે? સમજાવો.
૭ ઉદાર બનવા પાછળ બીજું પણ એક કારણ રહેલું છે. એદન બાગમાં જે બન્યું એની સાથે એ સંકળાયેલું છે. શેતાને દાવો કર્યો હતો કે જો આદમ અને હવા યહોવાનું કહ્યું નહિ માને અને ફક્ત પોતાનો જ વિચાર કરશે, તો વધારે ખુશ રહેશે. હવા સ્વાર્થી હતી અને ઈશ્વર જેવી બનવા માંગતી હતી. આદમ પણ સ્વાર્થી હતો અને તે હવાને ખુશ કરવા માંગતો હતો, ઈશ્વરને નહિ. (ઉત. ૩:૪-૬) એમ કરીને તેઓએ મોટી આફત નોતરી. આમ સાફ જોવા મળે છે કે સ્વાર્થી વલણ રાખવાથી કોઈને ખુશી મળતી નથી. પણ આપણે નિઃસ્વાર્થ અને ઉદાર બનીએ છીએ ત્યારે, બતાવી આપીએ છીએ કે યહોવા જે કંઈ કરે છે એ ઉત્તમ છે.
ઈશ્વરે સોંપેલું કામ કરીએ
૮. આદમ અને હવાએ શા માટે પોતાનાં બાળકો વિશે વિચારવાનું હતું?
૮ યહોવાએ આદમ અને હવાને આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવાનું કામ સોંપ્યું હતું. તેમ જ, તેઓએ પોતાનાં બાળકોથી પૃથ્વીને ભરી દેવાની હતી. (ઉત. ૧:૨૮) યહોવા ચાહે છે કે પૃથ્વી પર તેમના બધાં બાળકો ખુશ રહે. એવી જ રીતે આદમ અને હવાએ પણ ભાવિમાં થનાર બાળકોની ખુશી વિશે વિચાર કરવાનો હતો. યહોવા ચાહતા હતા કે આદમ અને હવાનું કુટુંબ સાથે મળીને પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવે. ખરેખર, એ કામ કંઈ નાનુંસૂનું ન હતું!
૯. શા પરથી કહી શકાય કે આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવાના કામમાં મનુષ્યોને ખુશી મળી હોત?
૯ સંપૂર્ણ મનુષ્યોએ યહોવાની સાથે રહીને પૃથ્વીને બાગ જેવી બનાવવાની હતી અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાની હતી. એમ કર્યા પછી જ તેઓ યહોવાના વિસામામાં પ્રવેશ કરવાના હતા. (હિબ્રૂ. ૪:૧૧) જરા વિચારો, તેઓને મળેલી સોંપણી કેટલી મજેદાર અને મનને સંતોષ આપનારી હતી! જો તેઓ નિઃસ્વાર્થ બન્યા હોત અને બીજાઓનો વિચાર કર્યો હોત, તો યહોવાએ તેઓ પર આશીર્વાદો વરસાવ્યા હોત.
૧૦, ૧૧. ખુશખબર ફેલાવવાનું અને શિષ્ય બનાવવાનું કામ આપણે કઈ રીતે કરી શકીએ?
૧૦ આજે આપણને પણ યહોવાએ એક ખાસ કામ સોંપ્યું છે. તે ચાહે છે કે આપણે ખુશખબર જણાવીએ અને શિષ્યો બનાવીએ. આ કામ કરવામાં આપણે બીજાઓનો વિચાર કરવો પડે છે. યહોવા માટે અને લોકો માટે આપણા મનમાં સાચો પ્રેમ હશે તો જ, આપણે આ કામ કરતા રહી શકીશું.
૧૧ પાઊલે જણાવ્યું હતું કે તે અને બીજા ઈશ્વરભક્તો “ઈશ્વરના સાથી કામદારો” છે, કારણ કે તેઓ લોકોને ખુશખબર જણાવતા હતા. (૧ કોરીં. ૩:૬, ૯) આજે આપણે બીજાઓને ખુશખબર જણાવવામાં ઉદારતાથી પોતાનાં સમય-શક્તિ અને પૈસાનો ઉપયોગ કરીએ છીએ. આમ, આપણે પણ “ઈશ્વરના સાથી કામદારો” બનીએ છીએ. એ આપણા માટે કેટલા ગર્વની વાત કહેવાય!
કોઈને સત્ય શીખવા મદદ કરીએ છીએ ત્યારે આપણને ખરો આનંદ થાય છે (ફકરો ૧૨ જુઓ)
૧૨, ૧૩. શિષ્યો બનાવવાના કામથી કેવા આશીર્વાદો મળે છે?
૧૨ ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં આપણાં સમય-શક્તિ ઉદારતાથી વાપરીએ છીએ ત્યારે, ખરો આનંદ મળે છે. બાઇબલ અભ્યાસ ચલાવનારા ઘણાં ભાઈ-બહેનોએ પણ એવું જ અનુભવ્યું છે. આપણો વિદ્યાર્થી બાઇબલમાંથી સત્ય શીખે, શ્રદ્ધા બતાવે, જીવનમાં ફેરફારો કરે અને પોતે જે શીખ્યો એ વિશે બીજાઓને જણાવે ત્યારે, આપણને કેટલી ખુશી થાય છે. ઈસુના ૭૦ શિષ્યોને સારા અનુભવો થયા, ત્યારે તેઓ “ખુશ થતાં થતાં પાછા આવ્યા.” એ જોઈને ઈસુને પણ ઘણી ખુશી થઈ હતી.—લુક ૧૦:૧૭-૨૧.
૧૩ બાઇબલનો સંદેશો અદ્ભુત રીતે લોકોનું જીવન બદલી રહ્યો છે. એ જોઈને દુનિયા ફરતેના આપણાં ભાઈ-બહેનો ઘણો આનંદ અનુભવે છે. દાખલા તરીકે, એક યુવાન અને અપરિણીત બહેન આન્ના યહોવાની સેવામાં વધુ કરવા માંગતાં હતાં.a એટલે તે પૂર્વ યુરોપના એવા વિસ્તારમાં રહેવા ગયાં, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી. તેમણે કહ્યું કે, ‘અહીં મને ઘણા બાઇબલ અભ્યાસ ચલાવવાની તક મળી છે અને એનાથી મને ખુશી મળે છે. યહોવાની સેવા કરવાથી મને ઘણો આનંદ થાય છે. ઘરે પાછી ફરું ત્યારે, પોતાના વિશે વિચારવાનો સમય જ હોતો નથી. અભ્યાસ કરું છું એ લોકો વિશે, તેઓની તકલીફો અને ચિંતાઓ વિશે જ વિચાર્યા કરું છું. તેઓને કઈ રીતે ઉત્તેજન અને મદદ આપી શકું, એના પર ધ્યાન આપું છું. હવે મને ખાતરી થઈ છે કે, “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”’—પ્રે.કા. ૨૦:૩૫.
આપણે ઘરેઘરે જઈએ છીએ ત્યારે, લોકોને રાજ્યનો સંદેશો સાંભળવાની તક આપીએ છીએ (ફકરો ૧૪ જુઓ)
૧૪. ભલે લોકો ન સાંભળે તોપણ કઈ રીતે સેવાકાર્યનો આનંદ માણી શકીએ?
૧૪ લોકોને ખુશખબર જણાવવામાં આપણને આનંદ થાય છે. ભલે તેઓ ન સાંભળે, તોપણ ખુશખબર જાણવાની તેઓને એક તક આપવી જોઈએ. હઝકીએલ પાસેથી યહોવા જે ચાહતા હતા, એ જ આપણી પાસેથી પણ ચાહે છે. તેમણે હઝકીએલને કહ્યું, “ગમે તો તેઓ સાંભળે, કે ગમે તો તેઓ ન સાંભળે, તોપણ તારે મારાં વચન તેઓને કહી સંભળાવવાં.” (હઝકી. ૨:૭; યશા. ૪૩:૧૦) ભલે અમુક લોકો આપણો સંદેશો ન સાંભળે પણ આપણી મહેનત પાણીમાં જતી નથી, કારણ કે યહોવા એની કદર કરે છે. (હિબ્રૂઓ ૬:૧૦ વાંચો.) એક ભાઈએ સેવાકાર્ય વિશે કહ્યું: ‘આપણે રોપીએ છીએ, પાણી પાઈએ છીએ અને યહોવા લોકોના દિલમાં રસ જગાડે, એવી પ્રાર્થના કરીએ છીએ.’—૧ કોરીં. ૩:૬.
આપણે કઈ રીતે ખુશી મેળવી શકીએ?
૧૫. શું લોકો કદર કરે તો જ આપણે ઉદાર બનીશું? સમજાવો.
૧૫ યહોવાની જેમ ઈસુ પણ ચાહે છે કે આપણે ખુશ રહીએ. ઉદારતા બતાવવાથી આપણને ખુશી મળે છે. તેથી, ઈસુએ ઉત્તેજન આપતા જણાવ્યું: “આપતા રહો અને લોકો તમને આપશે. તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે, કેમ કે જે માપથી તમે માપી આપો છો, એ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.” (લુક ૬:૩૮) જ્યારે તમે ઉદારતા બતાવો છો, ત્યારે બધા લોકો એની કદર કરતા નથી, પણ અમુક લોકો કદર કરે છે. આમ, તમારી ઉદારતાથી તેઓ પણ ઉદાર બનવા પ્રેરાય છે. એટલે ભલે એવું લાગે કે લોકો કદર કરશે નહિ, તોપણ ઉદારતા બતાવવાનું કદી પડતું ન મૂકીએ. તમે જાણતા નથી કે તમારી ઉદારતાનું એક નાનું કામ કેટલું મોટું પરિણામ લાવી શકે છે!
૧૬. આપણે કોના પ્રત્યે ઉદારતા બતાવવી જોઈએ અને શા માટે?
૧૬ દિલથી ઉદારતા બતાવનાર લોકો એવી આશા રાખતા નથી કે બદલામાં તેઓને કંઈ પાછું મળશે. ઈસુએ કહ્યું, “જ્યારે તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલાં-લંગડાં અને આંધળાઓને આમંત્રણ આપ; અને તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા તેઓ પાસે કંઈ નથી.” (લુક ૧૪:૧૩, ૧૪) બાઇબલ જણાવે છે: “ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે.” બાઇબલમાં એમ પણ લખ્યું છે કે, “જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે.” (નીતિ. ૨૨:૯; ગીત. ૪૧:૧) બીજાઓને મદદ કરીશું તો આપણને સાચી ખુશી મળશે.
૧૭. બીજાઓ પ્રત્યે ઉદારતા બતાવવાની અમુક રીતો કઈ છે, જેનાથી આપણને ખુશી મળે છે?
૧૭ પાઊલે ઈસુના આ શબ્દો ટાંક્યા હતા કે, “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” એ સમયે પાઊલ ફક્ત ચીજવસ્તુઓ આપવા વિશે જ જણાવતા ન હતા. આપણે લોકોને ઉત્તેજન, બાઇબલમાંથી સલાહ અને વ્યવહારું મદદ પણ આપી શકીએ છીએ. (પ્રે.કા. ૨૦:૩૧-૩૫) પાઊલે જે કહ્યું અને કર્યું એમાંથી શીખવા મળે છે કે, બીજાઓને ઉદારતાથી આપણાં સમય-શક્તિ, ધ્યાન અને પ્રેમ આપવાં કેટલું મહત્ત્વનું છે!
૧૮. ઉદાર બનવા વિશે અમુક સંશોધકો શું કહે છે?
૧૮ માનવ સ્વભાવ પર સંશોધન કરનારાઓને જાણવા મળ્યું કે, બીજાઓને આપવાથી ખુશી મળે છે. એક લેખમાં જણાવ્યા પ્રમાણે, લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ બીજાઓ માટે સારાં કામો કરે છે, ત્યારે તેઓને ઘણી ખુશી થાય છે. સંશોધકોનું કહેવું છે કે બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે, જીવનને એક હેતુ મળે છે. એટલે અમુક નિષ્ણાતો સલાહ આપે છે કે તંદુરસ્ત અને ખુશ રહેવા લોકોએ સમાજ સેવા કરવી જોઈએ. જોકે, તેઓએ જે શોધી કાઢ્યું છે, એ જાણીને આપણને નવાઈ લાગતી નથી. કારણ કે, આપણા પ્રેમાળ સર્જનહાર યહોવાએ તો પહેલેથી કહ્યું છે કે બીજાઓને આપવાથી ખુશી મળે છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.
ઉદારતા બતાવવાનું પડતું ન મૂકીએ
૧૯, ૨૦. તમે શા માટે ઉદાર બનવા માંગો છો?
૧૯ આપણી આસપાસના લોકો ફક્ત પોતાનો જ વિચાર કરે છે. એટલે ઉદારતા બતાવતા રહેવું અમુક વાર અઘરું લાગી શકે. પરંતુ, ઈસુએ આપણને બે મોટી આજ્ઞાઓ આપી હતી. પહેલી આજ્ઞા, આપણે પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા બળથી યહોવાને પ્રેમ કરવો જોઈએ. બીજી આજ્ઞા, આપણે જેવો પોતાના પર એવો આપણા પડોશી પર પ્રેમ રાખવો જોઈએ. (માર્ક ૧૨:૨૮-૩૧) આ લેખમાં આપણે શીખ્યા કે જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓ તેમને અનુસરે છે. યહોવા અને ઈસુ ઉદાર છે અને તેઓ ઉત્તેજન આપે છે કે આપણે તેઓના દાખલાને અનુસરીએ. કારણ કે એનાથી આપણને સાચી ખુશી મળશે. આપણે ઈશ્વર અને લોકો માટે જે કંઈ કરીએ, એ ઉદારતાથી કરવું જોઈએ. એમ કરવા પૂરો પ્રયત્ન કરીશું તો યહોવાને મહિમા આપી શકીશું અને એનાથી આપણને તથા બીજાઓને ફાયદો થશે.
૨૦ બીજાઓને, ખાસ કરીને ભાઈ-બહેનોને મદદ કરવામાં તમે ચોક્કસ તમારાથી બનતું બધું કરતા હશો. (ગલા. ૬:૧૦) જો તમે એમ કરવાનું પડતું મૂકશો નહિ, તો બીજાઓ તમને પ્રેમ કરશે અને તમારો આભાર માનશે. એટલું જ નહિ, એનાથી તમને પણ ખુશી મળશે. બાઇબલ જણાવે છે: ‘ઉદાર માણસ સમૃદ્ધ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.’ (નીતિ. ૧૧:૨૫) જીવન અને સેવાકાર્યમાં આપણે ઘણી રીતોએ નિઃસ્વાર્થ અને ઉદાર બની શકીએ છીએ. આવતા લેખમાં આપણે એમાંની અમુક રીતો વિશે ચર્ચા કરીશું.
a નામ બદલ્યું છે.