પહેલો શમુએલ
૧૧ પછી આમ્મોનનો+ રાજા નાહાશ ગિલયાદના યાબેશ+ નગર સામે ચઢી આવ્યો અને ત્યાં છાવણી નાખી. યાબેશના બધા માણસોએ નાહાશને કહ્યું: “અમારી સાથે કરાર* કરો અને અમે તમારે તાબે થઈશું.” ૨ આમ્મોની નાહાશે તેઓને કહ્યું: “હું એક શરતે તમારી સાથે કરાર કરું: તમારા બધાની જમણી આંખ ફોડી નાખવામાં આવે. એમ કરીને હું આખા ઇઝરાયેલનું અપમાન કરીશ.” ૩ યાબેશના વડીલોએ તેને કહ્યું: “અમને સાત દિવસનો સમય આપો. અમે ઇઝરાયેલના બધા વિસ્તારોમાં સંદેશવાહકો મોકલી આપીશું. અમને કોઈ બચાવનાર નહિ મળે તો, અમે તમારા તાબે થઈ જઈશું.” ૪ થોડા સમયમાં સંદેશવાહકો ગિબયાહ+ પહોંચ્યા, જ્યાં શાઉલ રહેતો હતો. તેઓએ લોકોને એ સંદેશો કહી સંભળાવ્યો અને બધા લોકો રડારોળ કરવા લાગ્યા.
૫ શાઉલ ખેતરમાંથી ઢોરઢાંક લઈને પાછો ફર્યો ત્યારે, તેણે પૂછ્યું: “બધા લોકોને શું થયું છે? કેમ તેઓ રડારોળ કરે છે?” યાબેશના માણસોએ મોકલેલો સંદેશો લોકોએ શાઉલને કહી સંભળાવ્યો. ૬ શાઉલે એ સાંભળ્યું ત્યારે, ઈશ્વરની શક્તિ તેના પર ઊતરી આવી+ અને તેનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. ૭ તેણે બે બળદ* લીધા અને કાપીને એના ટુકડા કર્યા. એ ટુકડાઓ તેણે સંદેશવાહકો સાથે ઇઝરાયેલના બધા વિસ્તારોમાં મોકલી આપ્યા. તેઓ સાથે આ સંદેશો પણ મોકલ્યો: “જેઓ શાઉલ અને શમુએલની પાછળ નહિ આવે, તેઓનાં ઢોરઢાંકના આવા હાલ થશે.” લોકો પર યહોવાનો ડર છવાઈ ગયો અને તેઓ એક થઈને* લડાઈ કરવા નીકળી આવ્યા. ૮ પછી શાઉલે બેઝેકમાં તેઓની ગણતરી કરી. તેઓમાં ઇઝરાયેલના ૩,૦૦,૦૦૦ અને યહૂદાના ૩૦,૦૦૦ માણસો હતા. ૯ શાઉલ અને તેના માણસોએ યાબેશના સંદેશવાહકોને કહ્યું: “ગિલયાદમાં યાબેશના માણસોને તમારે આમ કહેવું: ‘આવતી કાલે બપોર થતા સુધીમાં તમારો બચાવ થશે.’” સંદેશ-વાહકોએ યાબેશના માણસો પાસે આવીને એ જણાવ્યું, એટલે તેઓ ઘણા હરખાયા. ૧૦ યાબેશના માણસોએ નાહાશને કહ્યું: “આવતી કાલે અમે તમારે શરણે થઈ જઈશું. પછી તમને જે સારું લાગે, એ અમારી સાથે કરજો.”+
૧૧ બીજા દિવસે શાઉલે લોકોને ત્રણ ટુકડીઓમાં વહેંચી દીધા. તેઓ સવારના પહોરમાં* દુશ્મનોની છાવણીમાં ઘૂસી ગયા અને બપોર સુધીમાં આમ્મોનીઓને મારી નાખ્યા.+ તેઓમાંથી જેઓ બચી ગયા, તેઓ એકલા-અટૂલા આમતેમ નાસી છૂટ્યા. ૧૨ પછી લોકોએ શમુએલને કહ્યું: “કોણ કહેતું હતું કે ‘શાઉલ આપણા પર શું રાજ કરવાનો?’+ તેઓને અમારા હાથમાં સોંપી દો. અમે તેઓને મોતને ઘાટ ઉતારીશું.” ૧૩ પણ શાઉલે કહ્યું: “આજે કોઈ માણસને મારી નાખવાનો નથી,+ કેમ કે યહોવાએ આજે ઇઝરાયેલીઓને બચાવ્યા છે.”
૧૪ શમુએલે લોકોને કહ્યું: “ચાલો આપણે ગિલ્ગાલ જઈએ+ અને શાઉલને ફરીથી રાજા જાહેર કરીએ.”+ ૧૫ એટલે બધા લોકો ગિલ્ગાલ ગયા અને ત્યાં યહોવા આગળ શાઉલને રાજા બનાવ્યો. તેઓએ યહોવા આગળ શાંતિ-અર્પણો ચઢાવ્યાં.+ શાઉલે અને બધા ઇઝરાયેલીઓએ ખૂબ આનંદથી ઉજવણી કરી.+