વિશ્વને નિહાળતા
ઊંચા ઉષ્ણતામાનવાળી મધમાખીઓ
_
સાયન્સ ન્યૂઝ અહેવાલ આપે છે કે, જાપાની મધમાખીઓ તેઓના શરીરની ગરમીથી મોટા ભમરાને મારી નાખી એના હુમલા વિરુદ્ધ પોતાનું રક્ષણ કરે છે. ભમરાની હાજરીની બાતમી મેળવ્યા પછી, મધમાખીઓ શત્રુને મધપૂળામાં આવવા લલચાવે છે, જ્યાં સેંકડો કાર્યકરો એને હાથ ધરે છે અને એની ફરતે લપેટાઈને દડો બનાવે છે. પછી, “માખીઓ લગભગ ૨૦ મિનિટ સુધી ધ્રૂજીને દડાનું ઉષ્ણતામાન ઘાતક ૪૭° સે. [૧૧૬° ફે.] સુધી વધારે છે,” સામયિક નોંધે છે. જાપાની મધમાખીઓ લગભગ ૧૨૨° ફેરનહાઈટ [૫૦° સે.] સુધીનું ઉષ્ણતામાન સહન કરી શકતી હોવાથી, આ કાર્ય તેઓને નુકસાન કરતું નથી. જોકે, બધા ભમરા મધમાખીઓના ફાંદામાં ફસાતા નથી. મોટા ભમરા સામૂહિક હુમલો કરી મધમાખીઓને આંબી શકે છે, કેમ કે “૨૦થી ૩૦ ભમરા ૩૦,૦૦૦ માખીઓની વસાહતને ૩ કલાકમાં જ મારી નાખી શકે છે.” “એમ થાય ત્યારે,” ન્યૂઝ કહે છે, “તેઓ મધપૂળા પર કબજો જમાવે છે અને માખીની ઇયળો તથા કોસેટા ભેગા કરે છે.”
“એક શક્ય ટાઈમબોમ્બ”
_
ફોકસ સામયિક અહેવાલ આપે છે કે, હાલમાં દુનિયાની ૪૫ ટકા વસ્તી શહેરોમાં રહે છે, અને એવો અંદાજ કાઢવામાં આવે છે કે ૨૦૦૦ની સાલ સુધીમાં, અડધોઅડધ વસ્તી શહેરમાં રહેતી હશે. ઘણું ખરું ઉત્તરીય યુરોપ, ઇટાલી, અને પૂર્વીય યુનાઈટેડ સ્ટેટ્સમાં વસ્તી ઘણી ગીચ છે, અને ચીન, ઇજીપ્ત, ભારત, અને સાઉથ આફ્રિકાના કેટલાક ભાગોમાં સામાન્યપણે છુટાછવાયા ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક ગીચ વસ્તીવાળા શહેરો આવેલા છે. જોકે, ઉપગ્રહ દ્વારા લીધેલા ચિત્રો પ્રગટ કરે છે કે પૃથ્વીનો ફક્ત ૩થી ૪ ટકા વિસ્તાર જ શહેરી છે. પરંતુ મોટા ભાગે વિકસતા જગતમાં, દર વર્ષે ૬.૧ કરોડ લોકો શહેરોમાં રહેવા જતા હોવાથી, એ શહેરી વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધે છે કેમ કે “શહેરો એની વસ્તી જેટલી ઝડપથી વધી શકતાં નથી,” ફોકસ નોંધે છે, અને ઉમેરે છે: “આ પરિસ્થિતિ એક શક્ય ટાઈમબોમ્બ છે.”
ગૂમ થયેલાં ગટરનાં ઢાંકણાં
_
વર્ષ ૧૯૯૪માં બૈજીંગના ૨૦૦ રહેવાસીઓ ખુલ્લી ગટરમાં પડ્યા, ઈકોનોમિક ડેઇલી વર્તમાનપત્રએ અહેવાલ આપ્યો. કારણ? ચોરોએ ચીનના પાટનગરની ગલીઓમાંથી વર્ષ દરમ્યાન ગટરનાં ૨,૦૦૦ ઢાંકણાં ચોર્યાં હતાં. એવું કહેવાય છે કે મોટા ભાગનાં ઢાંકણાં સ્થળાંતર કરનારાઓએ ચોર્યાં હતાં, જેઓને ચીનની ભટકતી વસ્તી કહેવામાં આવે છે. છેલ્લા દાયકામાં શહેરમાં સ્થળાંતર કરનારાઓની વસ્તીના વધારાની સાથે ઢાંકણાંની ચોરી પણ વધી છે. એ ૬૦ કિલો વજનનાં ઢાંકણાં ૧૦૦થી વધુ યુએન ($૧૨, યુ.એસ.)માં વેચી શકાય છે. ઈજા પામેલાઓમાં પગપાળા લોકો અને સાયકલ સવારોનો સમાવેશ થયો.
તેઓનાં માથાંનો ઉપયોગ
_
“આફ્રિકી સ્ત્રીઓ માથે બેડાં કે ટોપલા મૂકીને માઈલો સુધી એવી રીતે ચાલે છે જાણે તેઓએ કંઈ ઉપાડ્યું જ ન હોય,” ડિસ્કવર સામયિક કહે છે. “સંશોધકોને જણાયું છે કે એ સ્ત્રીઓ જરા પણ વધારે શક્તિનો ઉપયોગ કર્યા વિના વિશાળ બોજા ઉપાડી શકે છે.” કેન્યાની કેટલીક સ્ત્રીઓ વધારાના પ્રયત્ન વિના પોતાના વજનના ૨૦ ટકા જેટલું વજન ઉપાડી શકે છે. તેઓ એમ કઈ રીતે કરે છે? “પીઠ પર ભારે બોજા ઊંચકતા લોકો કે પોતાના માથાનો ઉપયોગ કરવાની તાલીમ ન પામેલા લોકો કરતા વધુ અસરકારકપણે પોતાના બોજ” ઊંચકીને, ન્યૂ સાયંટિસ્ટ જવાબ આપે છે. “સંશોધકો માને છે કે એનું રહસ્ય એ સ્ત્રીઓના લોલક જેવા હલનચલનમાં રહેલું છે.” આપણે ચાલીએ છીએ ત્યારે, આપણે લોલકની જેમ હલીને કેટલીક શક્તિ હવે પછીના પગલામાં નાખીએ છીએ. યુરોપિયનો માટે, બોજ વધે છે તેમ શક્તિના આ વહનની અસરકારકતા ઘટે છે. પરંતુ પોતાના માથા પર બોજ ઊંચકતી આફ્રિકી સ્ત્રીઓના કિસ્સામાં, અસરકારકતા ખરેખર વધે છે, તેથી તેઓના સ્નાયુઓને જરા પણ વધારે કામ કરવું પડતું નથી. જોકે, એ આવડત શીખતા વર્ષો લાગે છે.
“યરૂશાલેમ લક્ષણ”
_
એ “પર્યટકોની પીડાનું એક કારણ છે, જેઓને એ શહેરને લીધે ઉશ્કેરાયેલી તીવ્ર આત્મિક લાગણીઓથી અભિભૂત થવાથી ખાતરી થઈ છે કે તેઓ પોતે તારણહાર છે, અથવા બાઇબલમાંની બીજી કોઈક વ્યક્તિ છે, અથવા તેઓને દેવે ખાસ સંદેશો કે આદેશ આપ્યો છે,” ટાઈમ સામયિક કહે છે. “મોટા ભાગનાઓ માનસિક કોયડા હોવાનો ઇતિહાસ ધરાવે છે.” કોથળો પહેરીને, બેથલેહેમ નજીકની ટેકરીઓમાં ફરતો એક દાઢીવાળો ઇટાલિયન માણસ ઈસુ હોવાનો દાવો કરે છે. યરૂશાલેમના જૂના શહેરમાં દોડાદોડ કરતો, તરવાર ચલાવતો, એક નગ્ન માણસ કહે છે કે તેને આંધળાઓને સાજા કરવાનું સોંપવામાં આવ્યું છે. એક કદાવર કેનેડિયન કહે છે કે તે શામશૂન છે અને તેના હોસ્પિટલ વોર્ડની બારીની ધાતુની જાળી તોડી નાખીને અને નાસી છૂટીને એમ “સાબિત” કરે છે. એ લક્ષણથી પીડા પામનારાઓને સામાન્ય રીતે યરૂશાલેમની કફર શાઊલ સાઈક્યાટ્રીક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે—તેઓને સાજા કરવા નહિ પરંતુ તેઓ સારવાર લેવા ઘરે પાછા ફરે માટે શાંત પાડવા માટે. હોસ્પિટલ વર્ષે ૫૦ એવા દર્દીઓને તપાસે છે, જેઓ મુખ્યત્વે પશ્ચિમી યુરોપ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી હોય છે.
(g96 4/8 & 4/22)