તમારું શ્રવણ સાચવો!
ફ્રાંસમાંના ૪૦૦ યુવાનોના તાજેતરમાં કરેલા સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે તેઓમાંના દર પાંચમાંથી ૧ જણ બહેરો છે. અગાઉ એવા જ અભ્યાસે દર્શાવ્યું હતું કે દર ૧૦ યુવાનોમાંથી ફક્ત ૧ જણને જ બહેરાશ હતી. યુવાનોમાં બહેરાશના નાટ્યાત્મક વધારાને ધ્યાનમાં લઈ, આ વર્ષની શરૂઆતમાં ફ્રેન્ચ નેશનલ એસેમ્બ્લીએ મત દર્શાવ્યો કે વ્યક્તિગત સ્ટીરિયોના અવાજના સ્તરની તીવ્રતા ૧૦૦ ડેસિબેલ્સ સુધી મર્યાદિત રાખવી.
બહેરાશ માટે ઘણો ખરો દોષ વ્યક્તિગત સ્ટીરિયોના હેડફોનમાંથી આવતા અતિ ઊંચા અવાજને આપવામાં આવે છે. કાનના સરજન જીન-પીએર કેવ કહે છે કે ૧૦૦ ડેસિબેલ્સ કરતાં વધારે ઊંચો અવાજ થોડાક કલાક પછી કાયમી હાનિ પહોંચાડી શકે. અવાજ ૧૧૫ ડેસિબેલ્સથી વધારે હોય તો, આવી હાનિ પહોંચતા ફક્ત અમુક મિનિટ જ લાગે છે. ફ્રેંચ ઈલેક્ટ્રોનિક્સ છૂટક વેપારી પેઢી FNAC કહે છે કે એના મોટા ભાગના સ્ટીરિયો ૧૦૦ કરતાં વધુ ડેસિબેલ્સ પેદા કરે છે. કેટલાક વ્યક્તિગત સ્ટીરિયો ૧૨૬ ડેસીબલ્સ બહાર પાડી શકે છે, જે ૧૦૦ ડેસિબેલ્સની તીવ્રતા કરતાં ૪૦૦ગણા તીવ્ર હોય છે!
શ્રવણને લગતા ફ્રેંચ નિષ્ણાત ક્રિશ્ચન મેયર-બિસ્ચના જણાવ્યા પ્રમાણે, વધુ યુવાન લોકોને તો રોક જલસાઓ વ્યક્તિગત સ્ટીરિયો કરતાં હજુ પણ વધુ નુકશાન કરી શકે છે. ખરેખર, રોક જલસામાં નિયમિત જનારાઓને, તંદુરસ્ત ૧૮-વર્ષીય-યુવાનોની સરખામણીમાં, વિશેષ બહેરાશ હોય છે. ફ્રેન્ચ નેશનલ એસેમ્બ્લી સહાયક ઝાન-ફ્રાન્સ્વા મેટ્ટીએ ચેતવણી આપી એમાં નવાઈ નથી: “આપણે બહેરા લોકોની એક પેઢી ઊભી કરી રહ્યા છીએ.”
તેથી તમારા શ્રવણનું રક્ષણ કરવા, ઊંચા અવાજથી સાવધ રહો!