ચિત્તો સૌથી વેગીલી બિલાડી
સજાગ બનો!ના કેન્યામાંના ખબરપત્રી તરફથી
તાપથી ઘાસવાળા મેદાન પર ખૂજ જ ગરમી હતી. અમારું દૂરબીન થોમસન હરણોનાં એક ટોળા પર સ્થિર હતું, જેની પીઠનો સોનેરી પટ્ટો આથમતા સૂર્યના છેલ્લાં કિરણોમાં ઝગઝગતો હતો. પાસે જ, ઊધઈના રાફડા પર આરામ કરી રહેલો બીજો એક અવલોકનકર્તા પણ એ હરણો તરફ મીટ માંડીને જોઈ રહ્યો હતો. એ એક ટપકાવાળી બિલાડી પોતાનાં બચ્ચાં સાથે હતી. એની તૃણમણિ આંખો દૃશ્યને ખૂબ જ ઉત્સુકતાપૂર્વક નિહાળી રહી હતી. એકાએક, એના સ્નાયુઓ ઉત્તેજિત થયા, અને એ ધીરેથી ઊઠી અને ટોળા તરફ ચાલવા લાગી. એમ લાગે છે કે એનાં બચ્ચાંને ખબર હતી કે એમણે એના પાછા ફરતા સુધી રાહ જોવાની હતી.
સાવધાનીપૂર્વક, નાની ઝાડીઓ અને લાંબા ઘાસની ઝાડીઓમાં સંતાતી આગળ વધી. એની ચાલ લહેરાતી અને વિશ્વસનીય હતી. પોતાના શિકારથી ૨૦૦ મીટર દૂર આવીને, એ એકાએક થોભી ગઈ. એક હરણ મોંઢુ ઊંચું કરીને એની તરફ તાકી રહ્યું હતું; પછી એણે ફરીથી ખાવાનું શરૂ કર્યું. એક વાર ફરીથી, એણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. એની તરફ અજાણ્યાં પ્રાણીઓની વચમાં ફક્ત ૫૦ મીટરનું અંતર રહી ગયું ત્યારે એણે દોડવાનું નક્કી કર્યું. એ આછા અજવાળામાં જોશભેર એવી રીતે આગળ વધી જાણે કે દાબી રાખેલી સ્પ્રિંગને છોડવામાં આવી હોય. હરણોનું ટોળું સર્વ દિશાઓમાં દોડવા લાગ્યું, પરંતુ એ બિલાડીએ પોતાના પસંદ કરેલા શિકાર પરથી નજર હટાવી નહિ. એ દોડીને મેદાનની બીજી બાજુ ઝડપથી-ભાગતાં હરણો સુધી આવી પહોંચી.
ડરી ગયેલાં પ્રાણીઓ પોતાનો પીછો કરનારને નિષ્ફળ બનાવવા માટે વાંકુંચૂકું દોડ્યા, પરંતુ એમની બચવાની તરકીબો આ બિલાડીની વીજળી જેવી ચપળતા આગળ ન ચાલી. પછી, પોતાના ઇનામની નજીક લગભગ એક મીટરના અંતરે, એણે પોતાના ઇચ્છિત શિકારને મારવા પોતાનો આગલો પંજો આગળ વધાર્યો. એ ક્ષણે, એને થોડીક ઠેસ વાગી. એ જ પળે, એ હરણ નજર આગળથી ભાગી છુટ્યું.
દિગ્મૂઢ થઈ, માદા ચિત્તો થંભી ગયો, બેસી ગયો, અને એણે પોતાના ભૂખ્યા બચ્ચાં તરફ નજર કરી. મેં અચંબાથી મારી પત્ની તરફ જોયું. અમે હમણાં જ વિસ્મયકારક ચિત્તાનો શક્તિશાળી વેગ જોયો હતો.
ઝડપી બિલાડી
ચિત્તો સાચે જ પવનની જેમ દોડી શકે છે. માની શકાતું નથી, એ માત્ર બે પળમાં જ એકદમ નિષ્ક્રિયતામાંથી ઊઠીને કલાકના લગભગ ૬૫ કિલોમીટરનો વેગ વધારી શકે છે! એ કલાકના ૧૧૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે! ધરતી પર એ સૌથી ઝડપથી દોડનાર પ્રાણી છે. સરખામણીમાં, દોડવીર-ઘોડો કલાકના ૭૨ કિલોમીટરથી થોડો વધુ વેગ વધારી શકે છે, અને શિકારી કૂતરો કલાકના ૬૫ કિલોમીટર વેગથી દોડી શકે છે. છતાં પણ, ચિત્તો પોતાનો વિસ્મયકારક વેગ થોડાક અંતર સુધી જ જાળવી રાખી શકે છે.
ચિત્તો પાતળા બાંધાનો હોય છે, એના લાંબા, પાતળા પગ, અને નમેલી, વળેલી પીઠ હોય છે. ચિત્તો ઝડપી વેગમાં વળાંક લેતો અને પાછો ફરતો હોય ત્યારે, એની લાંબી ટપકાદાર પૂંછડી સમતોલન આપે છે. એ પોતાના સૌથી ઝડપી વેગે દોડી રહ્યો હોય છે ત્યારે, એ છ મીટરથી વધારે લાંબી ફલાંગ ભરી શકે છે. આ ઝડપમાં એક સહાય છે એના અજોડ પગ; એ બિલાડી કરતાં કૂતરા સાથે વધારે મળતા આવે છે. એ વધારે સંકર્ષણ માટે જમીનને પકડવામાં પોતાના પંજાનો ઉપયોગ કરે છે.
ટપકાદાર સુંદરતા
ચિત્તાનો ચહેરો સાચે જ અજોડ અને સુંદર હોય છે. બે આછી કાળી લીટીઓ એની આંખોથી મોઢાંના ખૂણા સુધી આવે છે, જેનાથી આ બિલાડી ઉદાસ અને એકદમ દુઃખી લાગે છે. એના પર નાના-નાના ઘાટાં ટપકાં હોય છે, એની રુવાંટી નાની હોય છે અને મોટે ભાગે શરીર પર લાલાશ પડતી-ભૂરા રંગની પરંતુ પેટ પર સફેદ જેવા રંગની હોય છે. બચ્ચાં જન્મ સમયે વધારે ઘાટાં રંગના હોય છે અને એના ગળાથી માંડીને પૂંછડી સુધી લાંબા, વાદળી-રાખોડી વાળની જાડી કેશવાળી હોય છે.
ચિત્તો ચર્રચર્ર અવાજ અથવા પક્ષીની જેમ કિલકિલ કલરવ કરે છે. આ અવાજ બે કિલોમીટર સુધી સંભળાય છે અને પોતાનાં બચ્ચાં તથા બીજા ચિત્તા સાથે વાત કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
સિંહ અને દીપડા જેવી પોતાની સાથી બિલાડીઓની તુલનામાં ચિત્તો નમ્ર અને શાંતિચાહક પ્રકૃતિનો હોય છે. ખુશ હોય ત્યારે, એ મોટી ઘરેલુ બિલાડીની જેમ ઘુર ઘુર અવાજ કરે છે. એ સહેલાયથી પોતાને માણસની હાજરીમાં અનુકૂળ કરે છે અને એને પાળવામાં પણ આવે છે. અલબત્ત, ચિત્તો કોઈ ઘરેલુ બિલાડી નથી. પૂર્ણ રીતે મોટી થયા પછી, એનું વજન ૪૫ કિલોગ્રામ કે વધુ હોય છે અને તીક્ષ્ણ દાંત અને પંજા એને એક ખતરનાક પ્રાણી બનાવે છે—જેની સાથે સાવચેતીથી વર્તાવ કરવો જોઈએ.
ચિત્તો જન્મથી શિકાર કરવાનું નથી જાણતો અને એવું કરવા માટે એની માંએ એને વ્યાપકપણે તાલીમ આપવી પડે છે. એક બચ્ચું બંધનાવસ્થામાં મોટું થયું હોય તો, એનામાં પોતાના શિકારનો પીછો કરવાની અને એને મારવાની ક્ષમતા નહિ હોય. મા અને બચ્ચાં એક સાથે ખાય છે ત્યારે, એઓ શાંતિથી ખાય છે, એ લડતા ઝઘડતા નથી, જે ભોજન કરી રહેલા સિંહો વચ્ચે સામાન્ય વાત છે. એ પણ જોવા મળ્યું છે કે સૂકા વિસ્તારોમાં ચિત્તા રસદાર તરબૂચો ખાય છે.
આફ્રિકાના પશુ સંરક્ષણ સ્થળોમાં પર્યટક એ જોઈને આશ્ચર્ય પામ્યા છે કે આ શાંતિપૂર્ણ બિલાડીઓ કેટલી નિર્ભય હોય શકે છે. મોટા થઈ રહેલા ચિત્તા માટે કોઈ પર્યટકના વાહનનો છાયડો શોધતા અથવા કારની છત પર કૂદીને કાચમાંથી અચંબો પામેલા અને ઘણી વાર ડરેલા ઉતારુઓને જોવા કોઈ અસાધારણ વાત નથી.
માતૃત્વમય પ્રશિક્ષણ
માદા ચિત્તો એક વખતમાં નાના-નાના છ બચ્ચાંઓ સુધી જન્મ આપી શકે છે, એ હિંમતપૂર્વક એઓનો બચાવ કરે છે અને એઓને સારી રીતે છુપાવીને રાખે છે. એમના જીવનના પહેલાં અમુક મહિનાઓમાં એ કેટલીય વાર એમની જગ્યાઓ બદલે છે. પોતાના બચ્ચાંઓને બચાવવા માટે ચિત્તા માના પ્રયત્નો છતાં, એમ લાગે છે કે ફક્ત એક તૃત્યાંસ બચ્ચાં મોટાં થતા સુધી જીવતાં રહે છે.
મમ્મી ચિત્તા માટે ચિત્તા બચ્ચાંઓના કુટુંબની સંભાળ રાખવી કોઈ સહેલી વાત નથી. એઓ શક્તિશાળી અને અત્યંત રમતિયાળ હોય છે. બચ્ચાં હંમેશા પોતાની આરામ કરી રહેલી માંની પૂંછડી નિહાળતા રહે છે અને એ બિલાડીની ઢબમાં આમ તેમ હલાવે છે ત્યારે એના પર ઝાપટ મારે છે. ઝપાઝપી કરવા, બચકું ભરવા, અને એકબીજાનો પિછો કરવામાં તલ્લીન, એ હંમેશા શિકારીઓના હંમેશા-હાજર ભયને ભૂલી જાય છે.
શિકારી શિકાર હોય છે
જંગલમાં ચિત્તાના ઘણા દુશ્મનો હોય છે, જેમાં સિંહ, દીપડા, અને જરખ સામેલ છે. છતાં પણ, ચિત્તાનો સૌથી મોટો દુશ્મન છે માણસ. એનું સુંદર ટપકાદાર રુવાંટીવાળું ચામડું કપડાં, ગાલીચા, અને સ્મારક માટે ખૂબ જ મૂલ્યવાન માનવામાં આવે છે. આ ઝડપથી-ભાગતા પ્રાણીને આમોદપ્રમોદ શિકાર માટે ફસાવવામાં અને તાલીમ આપવામાં આવે છે. બંધનાવસ્થામાં જન્મ આપવાનો અસ્વીકાર કરવાને કારણે, એ માંગ પૂરી કરવા ચિત્તાઓને એમના વિસ્તારોમાંથી શોધી કાઢવામાં આવ્યા છે. નિવાસસ્થાનો ઘટવાથી પણ ચિત્તા પર દબાણ આવ્યું છે, જેથી પૂર્વ આફ્રિકામાં એ હવે મુખ્યત્વે પ્રાણી સંગ્રહસ્થાનમાં જ જોવા મળે છે.
વર્ષ ૧૯૦૦માં ૪૪ દેશોમાં લગભગ ૧,૦૦,૦૦૦ ચિત્તાઓ હતા. આજે ફક્ત ૧૨,૦૦૦ છે જે ૨૬ દેશોમાં બચેલા છે અને એ પણ મોટે ભાગે આફ્રિકામાં છે. આ સુંદર ટપકાદાર બિલાડીને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, છતાં એની સંખ્યા ઘટતી જાય છે.
અમુક લોકોને લાગે છે કે ચિત્તો નાબૂદ થઈ જ જશે. છતાં પણ, એ જાણવાથી દિલાસો મળે છે કે એ સમય આવી રહ્યો છે જ્યારે માણસો “પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ”ની સંભાળ રાખવા, એનો બચાવ કરવા અને એના પર ‘અમલ ચલાવવાʼની પોતાની દેવે-આપેલ જવાબદારીને પૂરી રીતે સ્વીકાર કરશે. (ઉત્પત્તિ ૧:૨૮) ફક્ત ત્યારે જ આ વાતની નિશ્ચિત બાંયધરી હશે કે ચિત્તા જેવી સુંદર બિલાડી હંમેશ માટે પૃથ્વીના રહેવાસીઓને આનંદ કરાવશે.