વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g06 જુલાઈ પાન ૪-૬
  • લોહીથી રંગાયેલો ઇતિહાસ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોહીથી રંગાયેલો ઇતિહાસ
  • સજાગ બનો!—૨૦૦૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • જૂના જમાનાથી આતંકવાદની શરૂઆત
  • ચર્ચના લોકોનો આતંકવાદ
  • કરોડો માર્યા ગયા
  • છેવટે પૃથ્વી પર શાંતિ જ શાંતિ છવાઈ જશે
    સજાગ બનો!—૨૦૦૬
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • “બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • વિષય
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૨૦૦૬
g06 જુલાઈ પાન ૪-૬

લોહીથી રંગાયેલો ઇતિહાસ

થોડાંક વર્ષો પહેલાં આતંકવાદ અમુક દેશોમાં જ જોવા મળતો. જેમ કે ઉત્તર આયરલૅન્ડ, ઉત્તર સ્પેઇનનો બોસ્ક વિસ્તાર અને મધ્ય પૂર્વના અમુક દેશોમાં. પણ હવે તો એ ચારે બાજુ ફેલાયો છે! ૨૦૦૧માં ન્યૂ યોર્કમાં ટ્‍વીન ટાવર પર ત્રાસવાદી હુમલો થયા પછી આખી દુનિયામાં આતંકવાદનો ચેપ લાગ્યો છે. દાખલા તરીકે, સ્પેઇનના મૅડ્રિડમાં, ઇંગ્લૅંડના લંડનમાં, શ્રીલંકા, થાઇલૅન્ડ અને નેપાળમાં પણ ત્રાસવાદી હુમલા થયા છે. રળિયામણા બાલી દેશને પણ આતંકવાદીઓએ ન છોડ્યો! આતંકવાદ એટલે શું?

ગુજરાતી વિશ્વકોશ એનો અર્થ જણાવતા કહે છે, ‘રાજકીય હેતુ સિદ્ધ કરવા વ્યક્તિઓ, સમગ્ર પ્રજા અને સરકારો સામે આતંક કે હિંસાનું હથિયાર અજમાવવું એટલે આતંકવાદ.’ એમાં કોઈ વ્યક્તિ કે અમુક લોકોનું ગ્રૂપ કોઈ હક્ક વિના બીજા લોકોને, બિલ્ડિંગને કે શહેરને નુકસાન કરે. સમાજ કે સરકાર તેઓથી ડરી જાય. પછી તેઓની હામાં હા કરીને જે કહે એ માની લે. પરંતુ, જેસિકા સ્ટર્ન નામની લેખિકા કહે છે, ‘જે લોકો આતંકવાદ પર સ્ટડી કરે છે તેઓ એના માટે અલગ અલગ વિચારો આપશે. પરંતુ આતંકવાદ બીજા પ્રકારની હિંસાથી બે મુખ્ય રીતોએ અલગ પડે છે. પહેલું, આતંકવાદીઓ મોટે ભાગે સામાન્ય નિર્દોષ લોકો પર હુમલો કરે છે. બીજું, તેઓ લોકોને બીવડાવવા માટે હુમલા કરે છે. તેઓ લોકોમાં ભય કે સનસનાટી ફેલાવવા ચાહે છે. આ બતાવી આપે છે કે નાનીસૂની વાતમાં હિંસા થાય કે છૂટું-છવાયું ખૂન થાય એને આતંકવાદ ન કહેવાય.’

જૂના જમાનાથી આતંકવાદની શરૂઆત

પહેલી સદીના યહુદિયામાં ઝેલોત્સ નામનું એક ઝનૂની જૂથ હતું. તેઓને રોમન સત્તાથી છુટકારો જોઈતો હતો. તેઓને પોતાનું યહુદી રાજ સ્થાપવું હતું. તેઓ પોતાના કપડાંમાં નાની નાની તલવાર રાખતા. તેઓ ‘સીકારી’ તરીકે ઓળખાતા. એનો અર્થ થાય, ‘ખૂન કરવું.’ યહુદીઓનું આ જૂથ યરૂશાલેમમાં કોઈ ઉજવણીમાં જતું ત્યારે પોતાના દુશ્મનોનું ગળું કાપી નાખતા કે તેઓની પીઠમાં તરવાર ભોંકી દેતા.a

૬૬ની સાલમાં ઝેલોત્સ જૂથના લોકોએ મૃત સરોવર પાસે આવેલા મસાદાના કિલ્લાને જીતી લીધો. તેઓએ રોમન લશ્કર સામે લડીને એ જીત મેળવી હતી. પછી ઝેલોત્સ અહીંથી રાજ કરવા લાગ્યા. અહીંથી તેઓ વારાફરતી યરૂશાલેમ જતા અને રોમન અધિકારીઓને હેરાન કરતા. ૭૩ની સાલમાં રોમન ગવર્નર ફ્લાવ્યસ સિલ્વા અને તેના લશ્કરે મસાદાના આ કિલ્લાને ફરીથી જીતી લીધો. પણ ઝેલોત્સના લોકોને તેઓ જીવતા પકડી શક્યા નહિ. આ લોકોએ રોમન સત્તા નીચે જીવવાને બદલે મરવાનું પસંદ કર્યું. તેઓએ શું કર્યું? એના વિષે એક ઇતિહાસકાર કહે છે, ‘રોમનોના હાથમાં પકડાવા કરતાં આ ૯૬૦ યહુદીઓએ આપઘાત કરી લીધો. ફક્ત બે સ્ત્રીઓ અને પાંચ બાળકો જીવતા રહ્યા હતા.’

અમુક લોકો માને છે કે આતંકવાદની શરૂઆત ઝેલોત્સ બળવાને લીધે થઈ. ખરું-ખોટું શું છે એની આપણને કંઈ ખબર નથી. પણ એ જમાના પછી આતંકવાદ ધીમે ધીમે દુનિયામાં ફેલાતો ગયો.

ચર્ચના લોકોનો આતંકવાદ

૧૦૯૫ની શરૂઆતથી બે સદીઓ સુધી, યુરોપના ખ્રિસ્તીઓ ધર્મને નામે લડાઈ કરવા મધ્યપૂર્વના દેશોમાં વારંવાર જતા હતા. તેઓ એશિયા અને ઉત્તર આફ્રિકામાંથી આવેલા મુસ્લિમો સામે લડતા હતા. શા માટે? યરૂશાલેમ પર કબજો જમાવવા. બન્‍નેને યરૂશાલેમ પર રાજ કરવું હતું. તેઓ વચ્ચે ઘણી લડાઈઓ થઈ, જેમાં તેઓ એકબીજાને કાપી નાખતા હતા. તેઓએ તલવાર અને છરાથી ઘણા નિર્દોષ લોકોની પણ કતલ કરી. છેવટે કોણે યરૂશાલેમ પર રાજ કર્યું? ૧૦૯૯માં યુરોપના ખ્રિસ્તીઓ જીતી ગયા અને યરૂશાલેમમાં આવ્યા. એ વિષે બારમી સદીના ટાયરના પાદરી વિલિયમે કહ્યું:

‘તેઓ તલવાર અને ભાલાઓ લઈને રસ્તાઓ પર ચાલતા હતા. સામે જે કોઈ આવતા એ બધાને તેઓ મારી નાખતા. પછી ભલે એ પુરુષ હોય, સ્ત્રી હોય કે બાળકો હોય. તેઓએ એટલા બધા લોકોને મારી નાખ્યા કે રસ્તા પર ઠેર ઠેર તેઓની લાશોનો ઢગલો જોવા મળતો. રસ્તા પર ચાલવાની જગ્યા પણ ન હતી. ચાલવા માટે લાશો પર થઈને પસાર થવું પડતું. નીક અને ગટરો પણ લોહીથી વહેતી હતી. આખા શહેરના માર્ગો લાશોથી છવાઈ ગયા હતા.’b

પછીની સદીઓમાં આતંકવાદીઓએ બંદૂક અને બૉમ્બ વાપરવાનું શરૂ કર્યું, જેના બહુ ઘાતક પરિણામો આવ્યાં.

કરોડો માર્યા ગયા

જૂન ૨૮, ૧૯૧૪નું વર્ષ. ઇતિહાસકારો મુજબ, આ દિવસે થયેલી એક ઘટનાથી યુરોપનો ઇતિહાસ બદલાઈ ગયો. યુરોપમાં એક યુવાને ઓસ્ટ્રિયાના પાટવી રાજકુમાર આર્ચડ્યૂક ફ્રાન્ઝ ફર્ડીનાન્ડનું ખૂન કર્યું. એ બનાવથી પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એમાં બે કરોડ લોકો માર્યા ગયા.

એના અમુક વર્ષ પછી બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એ વખતે જુલમી છાવણીમાં (કોન્સન્ટ્રેશન કૅમ્પ) લોકોને મારી નાખવામાં આવ્યા. બૉમ્બમારામાં ઘણા નાગરિકો માર્યા ગયા. લશ્કરોએ ઘણા નિર્દોષ લોકોને રહેંસી નાંખ્યા. શું બીજા વિશ્વયુદ્ધના અંત પછી દુનિયામાં શાંતિ આવી? જરાય નહિ. એ પછી પણ લોકોની કતલ થતી રહી. ૧૯૭૦ના દાયકામાં કંબોડિયાનો વિચાર કરો. ખ્મેર રુઝ ખેડૂત ક્રાંતિમાં દસ લાખ કરતાં વધારે લોકોની કતલ થઈ. રુવાન્ડા દેશમાં ૧૯૯૦ના દાયકામાં બે જાતિઓ વચ્ચેની લડાઈમાં ૮,૦૦,૦૦૦ કરતાં વધારે લોકોની કતલ થઈ હતી. એ યાદ કરતા આજેય ત્યાંના લોકો કાંપી ઊઠે છે.

આ બધા બનાવો પરથી જોઈ શકાય કે ૧૯૧૪થી લઈને આજ સુધી આતંકવાદને લીધે માણસે ખૂબ સહ્યું છે. તોપણ લોકો ઇતિહાસમાંથી કંઈ શીખ્યા નથી. રોજ આવું કંઈક સાંભળવા મળે છે: અમુક જગ્યાએ મારા-મારી થઈ. બજારમાં બૉમ્બ ફૂટ્યો, અમુકના મોત, હજારો ઘાયલ. આખું ગામ ભડકે બળ્યું. સ્ત્રીની આબરૂ લૂંટાઈ. બાળકોનું અપહરણ. આ બધું સાંભળીને આપણા મનની શાંતિ જતી રહે છે. અરે આપણને પોતાના શહેરમાં, ગામમાં, કે ઘરમાં સલામતી ન લાગે. કાયદા-કાનૂનનો આતંકવાદીઓને કોઈ ડર નથી. બધા દેશો આતંકવાદને મિટાવવા મેદાને પડ્યા છે, તોપણ એ ફેલાતો જ જાય છે. શું આતંકવાદનો કદી અંત આવશે? (g 6/06)

[ફુટનોટ્‌સ]

a બાઇબલ જણાવે છે કે રોમન સેનાપતિએ ઈશ્વરભક્ત પાઊલ પર ચાર હજાર ખૂનીઓના આગેવાન હોવાનો ખોટો આરોપ મૂક્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૩૮.

b ઈસુએ તેમના શિષ્યોને શીખવ્યું હતું કે ‘દુશ્મનોને પ્રેમ કરો.’ તેઓને ધિક્કારવાનું અને મારી નાખવાનું શીખવ્યું ન હતું.—માત્થી ૫:૪૩-૪૫.

[પાન ૬ પર બ્લર્બ]

જૂન ૨૮, ૧૯૧૪માં એક ઘટના બની, જેનાથી પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું

[પાન ૫ પર ચિત્ર]

ઇસ્તંબૂલ નવેમ્બર ૧૫, ૨૦૦૩

[પાન ૫ પર ચિત્ર]

મૅડ્રિડ માર્ચ ૧૧, ૨૦૦૪

[પાન ૫ પર ચિત્ર]

લંડન જુલાઈ ૭, ૨૦૦૫

[પાન ૪, ૫ પર ચિત્ર]

ન્યૂ યૉર્ક સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ડાબેથી જમણે: AP Photo/Murad Sezer; AP Photo/ Paul White;  Photo by Peter Macdiarmid/Getty Images

[પાન ૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Culver Pictures

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો