વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g06 જુલાઈ પાન ૭-૯
  • છેવટે પૃથ્વી પર શાંતિ જ શાંતિ છવાઈ જશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • છેવટે પૃથ્વી પર શાંતિ જ શાંતિ છવાઈ જશે
  • સજાગ બનો!—૨૦૦૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • હિંસા આપણી સમસ્યાઓનો હલ નથી
  • શા માટે પરમેશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ?
  • પૃથ્વી પર ચારે બાજુ શાંતિ જ શાંતિ
  • “બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • લોહીથી રંગાયેલો ઇતિહાસ
    સજાગ બનો!—૨૦૦૬
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • યુદ્ધનો અંત
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૬
g06 જુલાઈ પાન ૭-૯

છેવટે પૃથ્વી પર શાંતિ જ શાંતિ છવાઈ જશે

અમુક માને છે કે હિંસા દ્વારા જ તેઓ પોતાના દેશમાં શાંતિ અને સલામતી લાવી શકે છે. ધર્મને નામે થતા ધતિંગ અટકાવી શકે છે. હથિયાર ઉપાડીને જ તેઓ દેશમાંથી ખરાબ નેતાઓને દૂર કરી શકશે. અમુક સરકાર દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ડર અને આતંકનું હથિયાર અજમાવે છે. એ રીતે લોકોને પોતાની સત્તા નીચે રાખે છે. જો દેશમાં વ્યવસ્થા જાળવવા અને સમાજમાં ક્રાંતિ લાવવા આતંકવાદ સારું હથિયાર હોય તો, એ દેશોમાં હિંસાને બદલે શાંતિ અને સમૃદ્ધિ હોવા જોઈએ. લોકો ડરી ડરીને જીવતા ન હોવા જોઈએ. પણ શું એવું જોવા મળે છે?

જરાય નહિ! ખરું કહીએ તો, આતંકવાદ અને હિંસા આચરનારા વિચારે છે કે બીજા લોકો મરી જાય તો કંઈ વાંધો નહિ. એટલે લોકો મારા-મારી કાપા-કાપી કરે છે. પણ જેના પર વીતે છે તે બદલો લેવા વધારે હિંસક બને છે. છેવટે, હિંસા વધે છે.

હિંસા આપણી સમસ્યાઓનો હલ નથી

દુનિયામાં ઘણી તકલીફો છે. જેમ કે, સમાજમાં, સરકારમાં અને ધર્મમાં. વર્ષોથી માણસજાત આ તકલીફો દૂર કરવાની કોશિશ કરે છે. પણ તેઓની મહેનત પાણીમાં ગઈ છે. બાઇબલ જણાવે છે, “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) ઈસુએ કહ્યું, ‘જ્ઞાન છે તે આવનાર પરિણામથી પરખાય છે.’ (માથ્થી ૧૧:૧૯, કોમન લેંગ્વેજ) આ બતાવે છે કે આતંકવાદથી કંઈ ફાયદો નથી. આતંકવાદથી સુખ-શાંતિ આવવાને બદલે મોત, દુઃખ અને નુકસાન જ થયું છે. વીસમી સદીમાં ઠેર ઠેર આતંકવાદ જોવા મળ્યો. દુઃખની વાત છે કે એકવીસમી સદીમાં પણ આતંકવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. ઘણા માને છે કે આતંકવાદ કોઈ સમસ્યાનો હલ નહિ, પણ પોતે જ એક મુસીબત છે.

આતંકવાદથી એક દેશ પાયમાલ થઈ ગયો હતો. ત્યાં રહેતી એક છોકરી કહે છે: ‘હું દરરોજ વિચારતી કે મારા કુટુંબમાં કે મારી કોઈ બહેનપણીનું મોત ન થાય. જો કે આ વિચાર દૂર કરવા એક ચમત્કારની જરૂર છે.’ તેના શબ્દો કેટલા સાચા છે. આતંકવાદને દૂર કરવો કોઈ માણસના હાથની વાત નથી. માણસને બનાવનાર સરજનહાર જ આજની તકલીફો અને આતંકવાદને દૂર કરી શકે છે. પણ શા માટે આપણે પરમેશ્વરમાં આવી શ્રદ્ધા રાખવી જોઈએ?

શા માટે પરમેશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ?

એનું એક કારણ, પરમેશ્વરે આપણને જીવન આપ્યું છે. તે ચાહે છે કે આપણે સુખ-શાંતિમાં જીવીએ. ઈશ્વરભક્ત યશાયાહે લખ્યું: “હે યહોવાહ, હવે તું અમારો પિતા છે; અમે માટી, ને તું અમારો કુંભાર; અમે સર્વ તારા હાથની કૃતિ છીએ.” (યશાયાહ ૬૪:૮) યહોવાહ સર્વ મનુષ્યોના સરજનહાર છે. તેમની નજરે કોઈ પણ જાતિ કે દેશના લોકો મૂલ્યવાન છે. તેથી, જેના લીધે આતંકવાદ ફેલાય છે એ અન્યાય અને ધિક્કાર માટે તેમનો વાંક કાઢી જ ન શકાય. જૂના જમાનાના રાજા સુલેમાને કહ્યું: “ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યું છે ખરું; પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.” (સભાશિક્ષક ૭:૨૯) આ પરથી આપણે જાણી શકીએ કે ઈશ્વરે માણસને કોઈ ખામી વિના બનાવ્યો હતો. પણ માણસ પોતાના ખરાબ વિચારો અને શેતાનની દુષ્ટ ચાલાકીઓને લીધે આતંકવાદી થાય છે.—એફેસી ૬:૧૧, ૧૨.

બીજું કારણ છે કે યહોવાહ આપણા સરજનહાર હોવાથી દુનિયાની તકલીફો અને મુશ્કેલીઓનું કારણ જાણે છે. કઈ રીતે મુશ્કેલીઓ દૂર કરવી એ પણ જાણે છે. તેથી આપણે તેમના પર ભરોસો મૂકી શકીએ. આ વિષે બાઇબલ જણાવે છે: “યહોવાહે જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં.” (નીતિવચનો ૩:૧૯) જૂના જમાનામાં એક માણસે યહોવાહમાં પૂરો ભરોસો રાખ્યો. તેમણે બાઇબલમાં લખ્યું: “મને ક્યાંથી સહાય મળે? જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે, તેની તરફથી મને સહાય મળે છે.”—ગીતશાસ્ત્ર ૧૨૧:૧, ૨.

ત્રીજું કારણ, યહોવાહ સર્વશક્તિમાન હોવાથી મારામારી અને હિંસા રોકવી તેમના હાથમાં છે. જૂના જમાનામાં ઈશ્વરભક્ત નુહના સમયમાં “પૃથ્વી જુલમથી ભરપૂર હતી.” (ઉત્પત્તિ ૬:૧૧) તો પરમેશ્વરે શું કર્યું? તેમણે તરત પગલાં લઈને દુનિયાની હાલત સુધારી: ‘પરમેશ્વરે પુરાતન જગતને છોડ્યું નહિ, અધર્મી જગત પર જળપ્રલય લાવ્યા.’—૨ પીતર ૨:૫.

આ દાખલામાંથી આપણે શું શીખવું જોઈએ? બાઇબલ જણાવે છે કે યહોવાહ ‘પોતાના લોકોને નાશથી બચાવવા અને ખાસ કરીને દુષ્ટોને ન્યાયના દિવસ સુધી સજાને માટે રાખી મૂકવાનું જાણે છે.’ (૨ પિતર ૨:૧૦, કોમન લેંગ્વેજ) યહોવાહ માણસના દિલના વિચાર પારખી શકે છે. તે જાણે છે કે કોણ સુખ-શાંતિમાં રહેવા ચાહે છે, અને કોણ બીજાઓનું જીવન દુઃખી કરે છે. બીજાઓને દુઃખી કરે છે એ ‘અધર્મી માણસોનો’ યહોવાહ ‘નાશ’ કરશે. પણ સુખ-શાંતિમાં રહેવા ચાહે છે તેઓને ઈશ્વર સુંદર પૃથ્વી પર આશીર્વાદો આપશે. ત્યાં બધા જ સારા લોકો હશે.—૨ પીતર ૩:૭, ૧૩.

પૃથ્વી પર ચારે બાજુ શાંતિ જ શાંતિ

બાઇબલમાં “પૃથ્વી” શબ્દ ઘણી વાર માણસજાતને રજૂ કરે છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૧૧:૧ જણાવે છે કે ‘આખી પૃથ્વી.’ એ જૂના જમાનામાં પૃથ્વી પર રહેતા સર્વ લોકોને બતાવે છે જેઓની ભાષા એક જ હતી. ઈશ્વરભક્ત પીતરે બાઇબલમાં ‘નવી પૃથ્વી’ વિષે લખ્યું ત્યારે, તે માણસજાતની વાત કરતા હતા. કયા અર્થમાં? યહોવાહ દુનિયાની હાલત સુધારશે ત્યારે, હિંસા અને ધિક્કાર ચાહનારા લોકોનું નામનિશાન મિટાવી દેશે. એની જગ્યાએ ફક્ત ન્યાયી અને પ્રામાણિક લોકો કાયમ માટે રહેશે. બાઇબલ ભાવિ વિષે જણાવે છે, “તે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરશે અને દૂરની તથા નજીકની મહાસત્તાઓનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેનાં હળ બનાવશે અને તેમનાં ભાલાનાં દાતરડાં બનાવશે. ત્યારે પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચઢશે નહિ અને લડાઈની તૈયારી સુદ્ધાં કરશે નહિ.”—મિખા ૪:૩, કોમન લેંગ્વેજ.

આ ભવિષ્યવચન પૂરું થશે ત્યારે લોકો કેવી હાલતમાં જીવશે? બાઇબલ જણાવે છે, “પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષાવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ.” (મિખા ૪:૪, કોમન લેંગ્વેજ) એવી શાંતિમાં કોઈને આતંકવાદનો ડર નહિ લાગે. શું આ વચનમાં તમે ભરોસો મૂકી શકો? ચોક્કસ, કેમ કે, ‘યહોવાહ પરમેશ્વરના મુખમાંથી એ વચન નીકળ્યું છે.’—મીખાહ ૪:૪.

તેથી, ભલે દુનિયા આતંકવાદ અને હિંસાથી ભરાઈ ગઈ છે, જેઓ શાંતિ ચાહે છે તેઓએ ડરવાની કોઈ જરૂર નથી. યહોવાહ પર ભરોસો રાખો. તે જલદી જ દુનિયાની હાલત સુધારશે. દરેક તકલીફોને દૂર કરશે. અરે, મરણને પણ મિટાવી દેશે! બાઇબલ જણાવે છે: ‘તે સદાને માટે મરણ કાઢી નાખશે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’ (યશાયાહ ૨૫:૮) ઘણા દેશો આતંકવાદને લીધે દુઃખી દુઃખી થઈ ગયા છે. ડરી ડરીને જીવી રહ્યા છે. પણ જલદી જ તેઓની ચિંતા દૂર થશે. કેમ કે આખી પૃથ્વી સુખ-શાંતિથી ભરાઈ જશે. યહોવાહ પરમેશ્વરે એનું વચન આપ્યું છે જે ‘કદી જૂઠું બોલી શકતા નથી.’ એ ચોક્કસ થશે. આપણે પણ એવું જ ચાહીએ છીએ.—તીતસ ૧:૨; હેબ્રી ૬:૧૭, ૧૮. (g 6/06)

[પાન ૯ પર બોક્સ/ચિત્રો]

ધરતી પર સુખ-શાંતિ—માણસ નહિ, પણ ઈશ્વર લાવશે

અમુક લોકો પહેલા એવું માનતા હતા કે હિંસાનો આશરો લઈને જ તેઓ રાજકારણમાં ફેરફારો લાવી શકશે, લોકોનું ભલું કરી શકશે. તેઓના વિચારો પહેલાં આવા હતા.

▪ ‘હું ઇતિહાસના ઘણા પુસ્તકો વાંચું છું. એમાં જોવા મળે છે કે કઈ રીતે રાજાઓ અને અધિકારીઓ હંમેશા ગરીબ લોકો પર રાજ કરે છે. હું ગરીબોના દુઃખ-દર્દ સમજી શકું છું. હું વિચારતો કે કઈ રીતે આ અત્યાચારનો અંત આવશે. પછી મેં નિર્ણય કર્યો કે આપણે જ આની સામે લડત આપવી પડશે. તેઓ સામે હથિયાર ઉપાડવા પડશે.’—રૅમોન.a

▪ ‘હું હિંસક દંગાઓમાં ભાગ લેતો હતો. મારો મકસદ જૂના સત્તાધારીઓને કાઢીને એવો સમાજ બનાવવાનો હતો જેમાં લોકો વચ્ચે ઊંચ-નીચ, અમીરી-ગરીબીનો ભેદભાવ ન હોય.’—લ્યુસિઅન.

▪ ‘હું નાનો હતો ત્યારથી જ અન્યાય થતો જોઈને મનની શાંતિ છીનવાઈ જતી. જેમ કે ગરીબી, હિંસા, અપૂરતું શિક્ષણ, સારા ઇલાજની કમી. હું માનતો કે લોકોને સારું શિક્ષણ, સારવાર, પોતાનું ઘર અને નોકરી જોઈતા હોય તો, હથિયારો ઉપાડવા જ જોઈએ. હું એ પણ માનતો કે લોકોએ એકબીજા સાથે આદરથી વર્તવું જોઈએ. એમ ન કરે તેઓને સજા થવી જ જોઈએ.’—પીટર.

▪ ‘હું અને મારા પતિ એક છૂપા સંગઠનના સભ્યો હતા. આ સંગઠન હિંસક બળવો કરવા ઉશ્કેરતું હતું. અમે એવી સરકાર બનાવવા ચાહતા હતા જે લોકોનું ભલું કરે. કોઈ જાતના ગુનાઓ કે ખોટું કરનારાં ન હોય. બધી જાતિના લોકોમાં સંપ હોય. અમને લાગ્યું કે હાલની સરકારનો વિરોધ કરીશું તો જ અમારા દેશને ન્યાય મળશે.’—લૌર્ડિસ.

આ લોકોએ હથિયાર ઉપાડીને દુઃખી લોકોને મદદ કરવાની કોશિશ કરી. પણ યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખ્યા પછી તેઓના વિચારો બદલાઈ ગયા. તેઓને ખબર પડી કે બાઇબલ જીવનમાં સાચો માર્ગ બતાવે છે. બાઇબલ જણાવે છે: “માણસના ક્રોધથી દેવનું ન્યાયીપણું પાર પડતું નથી.” (યાકૂબ ૧:૨૦) ઇઝી ટુ રીડ વર્ઝન કહે છે: “દેવની ઇચ્છા પ્રમાણે સાચું જીવન જીવવામાં વ્યક્તિનો ગુસ્સો મદદ કરતો નથી.”

પરમેશ્વરની સરકાર જ આ દુનિયામાંથી અત્યાચાર કાઢી શકે છે. બાઇબલમાં માત્થીનો ૨૪મો અધ્યાય અને ૨ તીમોથી ૩:૧-૫ જણાવે છે કે પરમેશ્વરનું રાજ્ય જલદી જ ખરાબ લોકોને મિટાવી દેશે. દુનિયામાં એવો સુધારો લાવશે જેનાથી બધા સુખ-શાંતિમાં રહી શકે. અમારી અરજ છે કે તમે બાઇબલમાંથી સચ્ચાઈ શીખો. ઈશ્વર જે આશીર્વાદો આપવાના છે એના વિષે શીખો. એ માટે યહોવાહના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે.

[ફુટનોટ]

a નામ બદલ્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો