વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 ઑગસ્ટ પાન ૩-૭
  • શું તમે બધી હકીકત જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે બધી હકીકત જાણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘દરેક શબ્દને’ ખરો ન માનો
  • અધૂરી માહિતી
  • શું તમે પોતાના પર વધુ પડતો ભરોસો રાખો છો?
  • બાઇબલના સિદ્ધાંતો આપણને રક્ષણ આપશે
  • ‘ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • અફવાઓ ન ફેલાવીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • યહોવા ખુશ થાય એવા નિર્ણય લો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 ઑગસ્ટ પાન ૩-૭
ટીવી અને મોબાઇલ દ્વારા લોકો માહિતી મેળવી રહ્યા છે

શું તમે બધી હકીકત જાણો છો?

“સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.”—નીતિ. ૧૮:૧૩.

ગીતો: ૪૩, ૪૦

તમે કેવો જવાબ આપશો?

  • ઇ-મેઇલ કે મૅસેજની માહિતી વાંચતી વખતે અને બીજાઓને મોકલતી વખતે શા માટે સાવધ રહેવું જોઈએ?

  • જો કોઈ આપણા વિશે જૂઠાણું ફેલાવે, તો કઈ રીતે ઈસુના દાખલાને અનુસરી શકીએ?

  • બધી હકીકત મેળવવા વિશે બાઇબલના કયા ત્રણ સિદ્ધાંતો મદદ કરશે?

૧, ૨. (ક) આપણે કઈ મહત્ત્વની આવડત કેળવવાની જરૂર છે, શા માટે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આપણે બધાએ એવી આવડત કેળવવાની જરૂર છે, જે આપણને બધી હકીકતો તપાસવા અને ખરો નિર્ણય લેવા મદદ કરી શકે. (નીતિ. ૩:૨૧-૨૩; ૮:૪, ૫) એમ નહિ કરીએ, તો શેતાન અને તેની દુનિયા સહેલાઈથી આપણા વિચારો ભ્રષ્ટ કરી દેશે. (એફે. ૫:૬; કોલો. ૨:૮) જોકે, યોગ્ય નિર્ણય લેતાં પહેલાં આપણી પાસે બધી માહિતી હોય એ જરૂરી છે. નીતિવચનો ૧૮:૧૩ કહે છે: “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.”

૨ આ લેખમાં આપણે જોઈશું કે, બધી હકીકતો જાણવી અને ખરો નિર્ણય લેવામાં કેવી બાબતો અડચણરૂપ બની શકે છે. ઉપરાંત, આપણે એવાં બાઇબલ સિદ્ધાંતો અને ઉદાહરણો જોઈશું, જેનાથી બધી હકીકતો તપાસવા મદદ મળી શકે.

‘દરેક શબ્દને’ ખરો ન માનો

૩. નીતિવચનો ૧૪:૧૫માં આપેલો સિદ્ધાંત આપણે શા માટે લાગુ પાડવો જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૩ આજે ચારે બાજુ માહિતીનો ધોધ વહી રહ્યો છે. ઇન્ટરનેટ, ટીવી અને બીજાં માધ્યમો દ્વારા માહિતી આપણા સુધી પહોંચે છે. ઇ-મેઇલ, એસએમએસ-ટેક્સ મૅસેજ કે મિત્રો પાસેથી આપણને ઘણી વાતો જાણવા મળે છે. કેટલીક વાર લાગે કે માહિતીનો આ ધોધ કદી અટકશે નહિ. એટલે, એ વિશે આપણે સાવધ રહેવાની જરૂર છે. માહિતી મોકલવા પાછળ આપણા મિત્રોનો ઇરાદો સારો હોય શકે. પરંતુ, બીજા લોકો ખોટી માહિતી કે મીઠું-મરચું ભભરાવેલી વાતો ફેલાવવા માંગતા હોય. એવા સમયે આપણને કયો બાઇબલ સિદ્ધાંત મદદ કરી શકે? નીતિવચનો ૧૪:૧૫ કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.”

૪. કેવી માહિતી વાંચવી એ પસંદ કરવા અને સાચી માહિતીનું મહત્ત્વ સમજવા ફિલિપીઓ ૪:૮, ૯ કઈ રીતે મદદ કરે છે? (“બધી હકીકત મેળવવાની અમુક રીતો” બૉક્સ જુઓ.)

૪ યોગ્ય નિર્ણય લેવા આપણી પાસે બધી હકીકત હોય એ જરૂરી છે. આપણે કેવી માહિતી વાંચવાનું પસંદ કરીશું, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. (ફિલિપીઓ ૪:૮, ૯ વાંચો.) ભરોસાપાત્ર ન હોય એવા સમાચારની વેબસાઇટ કે પછી અફવા ફેલાવતા ઇ-મેઇલ વાંચવામાં સમય વેડફવો ન જોઈએ. ખાસ કરીને, એવી વેબસાઇટથી દૂર રહેવું જોઈએ, જેનો ઉપયોગ સાચા ધર્મમાં ભેળસેળ કરનારાઓ પોતાના વિચારો ફેલાવવા કરે છે. તેઓ ચાહે છે કે ઈશ્વરના લોકોની શ્રદ્ધા કમજોર પડે. ઉપરાંત, તેઓ સત્યને મારી-મચકોડીને રજૂ કરે છે. માહિતી ખોટી હશે, તો એના આધારે લેવાયેલો નિર્ણય પણ યોગ્ય નહિ હોય. કદી એમ ન વિચારશો કે ખોટી માહિતીથી તમને કંઈ ફરક નહિ પડે.—૧ તિમો. ૬:૨૦, ૨૧.

એક કુટુંબ JW બ્રૉડકાસ્ટિંગ જોઈ રહ્યું છે

બધી હકીકત મેળવવાની અમુક રીતો

ઈશ્વરના લોકોને નવામાં નવી અને સચોટ માહિતી મળી રહે એ માટે કઈ ગોઠવણ કરવામાં આવી છે?

બ્રેકિંગ ન્યૂઝ: jw.org વેબસાઇટ પર બ્રેકિંગ ન્યૂઝ ભાગ જોવા મળે છે. એમાં દુનિયા ફરતે થઈ રહેલી મોટી ઘટનાઓ વિશે યહોવાના લોકોને ટૂંકમાં માહિતી આપવામાં આવે છે.

ન્યૂઝ રૂમ: આ jw.org વેબસાઇટ પરનું એક સેક્સન છે, જેમાં વિગતવાર માહિતી આપેલી હોય છે. ભક્તિ કરવાની આપણી આઝાદીને અસર કરતી બાબતો અને કુદરતી આપત્તિ વખતે આપણે કઈ રીતે મદદ આપીએ છીએ, એ વિશે એમાં જણાવ્યું હોય છે.

JW બ્રૉડકાસ્ટિંગ: આ એક ઇન્ટરનેટ ટીવી સ્ટેશન છે, જેમાં દુનિયા ફરતે ચાલી રહેલા યહોવાના સાક્ષીઓના કામ વિશે માહિતી આપવામાં આવે છે.

૫. ઇઝરાયેલીઓએ કઈ ખોટી વાત સાંભળી અને તેઓ પર એની શું અસર પડી?

૫ જૂઠી વાતો નુકસાન તરફ દોરી જઈ શકે છે. મુસાના સમયમાં ૧૨ જાસૂસો વચનના દેશમાં ગયા હતા. એમાંથી ૧૦ જાસૂસોએ એ દેશ વિશે નિરાશ કરનારી વાતો કહી. (ગણ. ૧૩:૨૫-૩૩) તેઓએ વાતને એ રીતે રજૂ કરી કે રાઈનો પહાડ બની ગયો. એનાથી યહોવાના લોકો ડરી ગયા અને નિરાશ થઈ ગયા. (ગણ. ૧૪:૧-૪) લોકો કેમ એ રીતે વર્ત્યા? તેઓને લાગ્યું કે એ માહિતી સાચી છે, કેમ કે મોટા ભાગના જાસૂસો એમ જ કહી રહ્યા હતા. એટલે, વચનના દેશ વિશે બીજા બે જાસૂસો જે સારી વાતો કહી રહ્યા હતા, એની તરફ તેઓએ ધ્યાન ન આપ્યું. (ગણ. ૧૪:૬-૧૦) લોકોએ બધી હકીકત મેળવવાનો અને યહોવામાં ભરોસો રાખવાનો પ્રયત્ન ન કર્યો, એના બદલે તેઓ તો નિરાશ કરનારી વાતોને સાચી માની બેઠાં.

૬. યહોવાના લોકો વિશે આઘાતજનક વાતો સાંભળવા મળે ત્યારે આપણને કેમ આંચકો ન લાગવો જોઈએ?

૬ યહોવાના લોકો વિશે વાતો સાંભળીએ ત્યારે આપણે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. યાદ રાખીએ, આપણા શત્રુ શેતાનને “આપણા ભાઈઓ ઉપર આરોપ મૂકનાર” કહેવામાં આવ્યો છે. (પ્રકટી. ૧૨:૧૦) ઈસુએ ચેતવણી આપી હતી કે, વિરોધીઓ ‘જૂઠું બોલીને આપણા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરશે.’ (માથ. ૫:૧૧) જો એ ચેતવણી પર ધ્યાન આપીશું, તો યહોવાના લોકો વિશે આઘાતજનક વાતો સાંભળવા મળે ત્યારે આપણને આંચકો લાગશે નહિ.

૭. ઇ-મેઇલ કે મૅસેજ મોકલતા પહેલાં આપણે પોતાને શું પૂછવું જોઈએ?

૭ શું તમને પોતાના મિત્રોને ઇ-મેઇલ કે મૅસેજ મોકલવા ગમે છે? જ્યારે તમે રસપ્રદ સમાચાર જુઓ કે પછી અજોડ અનુભવ સાંભળો, ત્યારે શું તમે એવા પત્રકાર જેવું અનુભવો છો, જે તરત જ એ સમાચાર બીજાઓને જણાવવા માંગે છે? ઇ-મેઇલ કે મૅસેજ મોકલતા પહેલાં, પોતાને પૂછો: ‘શું મને પાકી ખાતરી છે કે આ વાત સાચી છે? શું મારી પાસે બધી હકીકત છે?’ જો તમને એ વિશે પૂરી ખાતરી ન હોય, તો તમે ખોટી માહિતી ફેલાવનાર ગણાશો. તેથી, જો તમને ખબર ન હોય કે વાત સાચી છે કે ખોટી, તો પછી બીજાઓને એ મોકલશો નહિ. એને ડિલીટ કરી દો!

૮. કેટલાક દેશોમાં વિરોધીઓએ શું કર્યું છે અને આપણે અજાણતા કઈ રીતે તેઓની મદદ કરી બેસીએ?

૮ વિચાર્યા વગર ઇ-મેઇલ કે મૅસેજ મોકલવા ઘણું જોખમકારક છે. ચાલો, એનું બીજું એક કારણ તપાસીએ. કેટલાક દેશોમાં, આપણા કામ પર પ્રતિબંધ છે કે અમુક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. એવા દેશોમાં વિરોધીઓ જાણીજોઈને એવી અફવાઓ ફેલાવે છે, જેનાથી આપણે ડરી જઈએ કે પછી એકબીજાને શંકાની નજરે જોવા લાગીએ. અગાઉના સોવિયેત સંઘમાં શું થયું, એનો વિચાર કરો. કેજીબી તરીકે ઓળખાતી છૂપી પોલીસે એવી અફવા ફેલાવી કે કેટલાક જાણીતા ભાઈઓએ યહોવાના લોકોને દગો આપ્યો છે.a દુઃખની વાત છે કે ઘણાં ભાઈ-બહેનો એ વાત સાચી માની બેઠાં અને તેઓએ યહોવાનું સંગઠન છોડી દીધું. એમાંથી ઘણા પાછાં ફર્યાં પણ અમુક કદી પાછાં ન આવ્યાં. તેઓની શ્રદ્ધાનું વહાણ ભાંગી પડ્યું. (૧ તિમો. ૧:૧૯) આવી દુઃખદ ઘટના આપણે કેવી રીતે ટાળી શકીએ? નિરાશ કરનારી કે પાકી ખાતરી ન હોય એવી વાતો ફેલાવશો નહિ. તમે જે કંઈ સાંભળો, બધું સાચું માની ન લો. એના બદલે, ખાતરી કરો કે તમારી પાસે બધી હકીકત હોય.

અધૂરી માહિતી

૯. બીજી કઈ બાબત સાચી માહિતી મેળવવામાં અડચણરૂપ બની શકે?

૯ કેટલીક વાર આપણે એવી વાતો સાંભળીએ છીએ, જેનો ફક્ત અમુક ભાગ જ સાચો હોય. બાકીના ભાગમાં પૂરી માહિતી જણાવવામાં આવી ન હોય. આવી માહિતી પણ ખરો નિર્ણય લેવામાં મદદ કરતી નથી. અમુક જ ભાગ સાચો હોય, એવી વાત પર ભરોસો ન મૂકી શકાય! એવી વાતોથી ભોળવાઈ ન જવાય એ માટે આપણે શું કરી શકીએ?—એફે. ૪:૧૪.

૧૦. ઇઝરાયેલીઓ શા માટે પોતાના ભાઈઓ વિરુદ્ધ યુદ્ધ કરવા તૈયાર થયા હતા અને એ ટાળવા તેઓને શેનાથી મદદ મળી?

૧૦ યહોશુઆના સમયમાં, યરદન નદીની પશ્ચિમમાં રહેતાં ઇઝરાયેલીઓ સાથે જે થયું, એમાંથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ. (યહો. ૨૨:૯-૩૪) તેઓએ સાંભળ્યું કે યરદનની પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓએ નદી પાસે મોટી વેદી બાંધી છે. એ વાત સાચી હતી, પણ તેઓ પાસે પૂરી માહિતી ન હતી. એનાથી, તેઓને લાગ્યું કે પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓએ યહોવા વિરુદ્ધ બળવો કર્યો છે. તેથી, તેઓ યુદ્ધ કરવા ભેગા થયા. (યહોશુઆ ૨૨:૯-૧૨ વાંચો.) જોકે તેઓએ હુમલો કરતા પહેલાં, કેટલાક માણસોને હકીકત જાણવા પેલે પાર મોકલ્યા. એ માણસોને શું જાણવા મળ્યું? પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓએ જૂઠા દેવો માટે વેદી બાંધી ન હતી. પણ તેઓએ તો સ્મારક બાંધ્યું હતું, જેનાથી બધાને ખબર પડે કે તેઓ યહોવાની ભક્તિ કરે છે. ઇઝરાયેલીઓ કેટલા ખુશ થયા હશે કે, તેઓએ પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાને બદલે બધી હકીકત જાણવા સમય કાઢ્યો.

૧૧. (ક) મફીબોશેથે કઈ રીતે અન્યાય સહેવો પડ્યો? (ખ) દાઊદ કઈ રીતે એ અન્યાય ટાળી શક્યા હોત?

૧૧ લોકો આપણા વિશે એવી વાતો ફેલાવે, જેનો અમુક ભાગ જ સાચો હોય. એટલે કદાચ આપણે અન્યાય સહેવો પડે. ચાલો મફીબોશેથ સાથે શું થયું, એનો વિચાર કરીએ. રાજા દાઊદે ઉદારતાથી મફીબોશેથને તેના દાદા શાઊલની બધી જમીન આપી હતી. (૨ શમૂ. ૯:૬, ૭) પણ, પછીથી દાઊદને મફીબોશેથ વિશે એક વાત સાંભળવા મળી. એ વાત સાચી છે કે નહિ, એની તપાસ કરવાને બદલે દાઊદે મફીબોશેથની બધી સંપત્તિ લઈ લીધી. (૨ શમૂ. ૧૬:૧-૪) પછીથી દાઊદે મફીબોશેથ સાથે વાત કરી ત્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ. એટલે, તેમણે કેટલીક સંપત્તિ મફીબોશેથને પાછી આપી. (૨ શમૂ. ૧૯:૨૪-૨૯) અધૂરી માહિતીને આધારે તરત જ પગલાં લેવાને બદલે દાઊદે શું કરવાની જરૂર હતી? તેમણે બધી માહિતી મેળવવાની જરૂર હતી. જો તેમણે એવું કર્યું હોત, તો મફીબોશેથ સાથે અન્યાય થયો ન હોત.

૧૨, ૧૩. (ક) લોકોએ ઈસુ વિશે જૂઠી વાતો ફેલાવી ત્યારે તેમણે શું કર્યું? (ખ) આપણા વિશે જૂઠાણું ફેલાવવામાં આવે ત્યારે શું કરવું જોઈએ?

૧૨ આપણા વિશે લોકો જૂઠી વાતો ફેલાવે ત્યારે શું કરી શકીએ? ઈસુ અને યોહાન બાપ્તિસ્મા કરનાર વિશે પણ લોકોએ જૂઠી વાતો ફેલાવી હતી. (માથ્થી ૧૧:૧૮, ૧૯ વાંચો.) ઈસુએ શું કર્યું? એ વાત ખોટી છે, એમ સાબિત કરવા તેમણે પોતાનાં સમય-શક્તિ વેડફ્યાં નહિ. એના બદલે, તેમણે લોકોનું ધ્યાન બધી હકીકતો તરફ દોર્યું. તે ચાહતા હતા કે લોકોનું ધ્યાન તેમનાં કાર્યો અને તેમણે શીખવેલી વાતો પર હોય. ઈસુએ કહ્યું: “ડહાપણ પોતાનાં પરિણામોથી ખરું સાબિત થાય છે.”—માથ. ૧૧:૧૯, ફૂટનોટ.

૧૩ આપણે ઈસુ પાસેથી મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ. કેટલીક વાર લોકો આપણા વિશે અયોગ્ય કે નકારાત્મક વાતો કહે અને એનાથી આપણું નામ ખરાબ થાય ત્યારે શું કરી શકીએ? આપણા વિશે જૂઠાણું ફેલાવવામાં આવે ત્યારે, આપણા વર્તનથી બતાવી આપવું જોઈએ કે આપણે ખરેખર કેવી વ્યક્તિ છીએ. આપણા વિશેની અધૂરી માહિતી કે જૂઠાં આરોપો આપણે ઈસુની જેમ પોતાના જીવનથી ખોટાં સાબિત કરવા જોઈએ.

શું તમે પોતાના પર વધુ પડતો ભરોસો રાખો છો?

૧૪, ૧૫. આપણે શા માટે પોતાના પર વધુ પડતો ભરોસો રાખવો ન જોઈએ?

૧૪ આપણે જોયું કે સાચી માહિતી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. બીજી એક સમસ્યા આપણને સાચી માહિતી મેળવતા અટકાવી શકે, એ છે આપણામાં રહેલી પાપની અસર. કદાચ આપણે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરીએ છીએ અને અમુક રીતે આપણે ડહાપણ કેળવ્યું છે. આપણે સમજી-વિચારીને નિર્ણય લઈએ છીએ, એટલે બીજાઓ આપણને માન આપતા હોઈ શકે. શું એનાથી કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે?

૧૫ હા, પોતાના પર વધુ પડતો ભરોસો રાખવો એક ફાંદો બની શકે છે. વિચારો અને લાગણીઓ આપણા નિર્ણયોને અસર કરી શકે. આપણને એમ લાગે કે આપણે સંજોગોને પૂરેપૂરી રીતે સમજ્યા છીએ, પણ હકીકતમાં આપણી પાસે બધી માહિતી ન હોય. એ ઘણું જોખમકારક છે! બાઇબલ સ્પષ્ટ રીતે ચેતવણી આપે છે કે, આપણે પોતાની જ સમજણ પર આધાર રાખવો ન જોઈએ અથવા પોતાના પર વધુ પડતો ભરોસો રાખવો ન જોઈએ.—નીતિ. ૩:૫, ૬; ૨૮:૨૬.

૧૬. રેસ્ટોરન્ટમાં શું થાય છે અને ટોમ શું વિચારે છે?

૧૬ આપણે કઈ રીતે પોતાના પર વધુ પડતો ભરોસો કરવા લાગીએ? ચાલો એક સંજોગ વિશે કલ્પના કરીએ: એક અનુભવી વડીલ ટોમ જમવા માટે રેસ્ટોરન્ટમાં જાય છે. તે ત્યાં બીજા એક વડીલ જોનને એક સ્ત્રી સાથે જમતા જુએ છે, જે જોનની પત્ની નથી. તેઓ એકબીજાની સંગતનો આનંદ માણી રહ્યા છે. ટોમ જુએ છે કે તેઓ હસે છે અને એકબીજાને ભેટે છે. તેમને ચિંતા થાય છે: ‘શું જોન અને તેમના પત્ની છૂટાછેડા લેવાનાં છે? તેઓનાં બાળકોનું શું થશે?’ ટોમે અગાઉ પણ આવી ઘટના જોઈ છે. જો તમે ભાઈ ટોમ હો, તો તમને કેવું લાગશે?

૧૭. આ દાખલામાં ટોમને પછીથી શું જાણવા મળ્યું અને આપણે એમાંથી શું શીખી શકીએ?

૧૭ ઊભા રહો, તમારા વિચારોના ઘોડાને અટકાવો! ટોમને લાગે છે કે જોન પોતાની પત્નીને બેવફા બન્યા છે, પણ શું ટોમ બધી હકીકતો જાણે છે? એ સાંજે મોડેથી ટોમ જોનને ફોન કરે છે. તેમને ખબર પડે છે કે એ સ્ત્રી તો જોનની બહેન હતી, જે ઘણે દૂરથી તેમને મળવા આવી હતી. ઘણાં વર્ષોથી તેઓ એકબીજાને મળ્યા ન હતા. તેની પાસે ફક્ત અમુક કલાકો જ હતા, તેથી તેઓએ સીધું રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું હતું. જોનની પત્ની રેસ્ટોરન્ટમાં આવી શકી ન હતી. ટોમે વિચાર્યું કે સારું થયું એ વિશે મેં બીજા કોઈને જણાવ્યું નહિ! આ દાખલામાંથી આપણે શું શીખી શકીએ છીએ? ભલે આપણે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, પણ કોઈ નિર્ણય પર આવતા પહેલાં બધી હકીકતો જાણવી ખૂબ જરૂરી છે.

૧૮. એકબીજા સાથેના મતભેદ કઈ રીતે આપણને યોગ્ય નિર્ણય લેતા અટકાવી શકે?

૧૮ ધારો કે, કોઈ ભાઈ સાથે તમારે બરાબર બનતું નથી. તેમના વિશે કોઈ માહિતી મળે ત્યારે એ સાચી છે કે નહિ, એ નક્કી કરવું તમારા માટે અઘરું બની શકે. જો આપણે મતભેદ વિશે જ વિચાર્યા કરીશું, તો કદાચ ભાઈ પર શંકા કરવા લાગીશું. તેથી, તેમના વિશેની કોઈ નકારાત્મક વાત આપણને સાંભળવા મળે, તો આપણું મન કદાચ એ વાત તરત સાચી માની લેશે. ભલે પછી એનો કોઈ પુરાવો ન હોય. આપણે શું ધ્યાન રાખવું જોઈએ? આપણા ભાઈ માટે મનમાં કડવાશ ભરી રાખીશું તો, એવો ખોટો નિર્ણય કરી બેસીશું, જે બધી હકીકતોને આધારે નહિ હોય. (૧ તિમો. ૬:૪, ૫) આપણે મનમાં ખાર ભરી રાખવો ન જોઈએ. યાદ રાખીએ, યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ અને તેઓને દિલથી માફ કરીએ.—કોલોસીઓ ૩:૧૨-૧૪ વાંચો.

બાઇબલના સિદ્ધાંતો આપણને રક્ષણ આપશે

૧૯, ૨૦. (ક) સાચી હકીકત મેળવવા આપણને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૯ બધી હકીકત મેળવવી અને એના આધારે ખરો નિર્ણય લેવો આજે એક પડકાર છે. શા માટે? કારણ કે મોટા ભાગની માહિતી ભેળસેળવાળી અથવા અડધી સાચી હોય છે. તેમ જ, માણસ માત્ર ભૂલને પાત્ર છે. એ પડકારને આંબવા આપણને શું મદદ કરી શકે? આપણે બાઇબલ સિદ્ધાંતો જાણવા જોઈએ અને એ પાળવા જ જોઈએ. દાખલા તરીકે, એક સિદ્ધાંત જણાવે છે કે હકીકત સાંભળ્યા વગર જવાબ આપવો તો મૂર્ખાઈ છે. (નીતિ. ૧૮:૧૩) બીજો બાઇબલ સિદ્ધાંત છે કે, આંખો મીંચીને દરેક વાત સાચી માની લેવી ન જોઈએ. (નીતિ. ૧૪:૧૫) ત્રીજો સિદ્ધાંત છે કે, ભલે આપણી પાસે ઘણો અનુભવ હોય, આપણે પોતાની જ સમજણ પર ભરોસો રાખવો ન જોઈએ. (નીતિ. ૩:૫, ૬) જો આપણે હકીકતો જાણવા ભરોસાપાત્ર માહિતી પર આધાર રાખીશું અને ડહાપણભર્યા નિર્ણયો લઈશું, તો બાઇબલ સિદ્ધાંતો આપણું રક્ષણ કરશે.

૨૦ હકીકત જાણવામાં હજુ પણ એક પડકાર રહેલો છે. એ છે, બહારનો દેખાવ જોઈને અભિપ્રાય બાંધવાની આદત. આવતા લેખમાં આપણે એ વિશે કેટલાંક જોખમો જોઈશું. ઉપરાંત, એ જોખમો ટાળવાં આપણને શું મદદ કરી શકે એની પણ ચર્ચા કરીશું.

a ૨૦૦૪ની યરબુકમાં પાન ૧૧૧-૧૧૨ અને ૨૦૦૮ની યરબુકમાં પાન ૧૩૩-૧૩૫ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો