લગ્નસાથી બેવફા બને
પતિ-પત્નીમાં કોઈ એક સાથી બેવફા બને ત્યારે, નિર્દોષ સાથી ભાંગી પડે છે. અમુક જણ દિલ મોટું રાખીને બેવફા સાથીને માફ કરે છે અને લગ્નજીવન પાટા પર ચઢાવવા મહેનત કરે છે.a લગ્નજીવન ટકે છે કે નહિ એ તો અલગ વાત, પણ નિર્દોષ સાથી પછી મનોમન ખૂબ પીડા અનુભવે છે. તેની લાગણીઓ ખૂબ ઘવાય છે. આવી પરિસ્થિતિમાં તે શું કરી શકે?
હિંમત બંધાવતાં ઈશ્વરનાં વચનો
ખરું કે આવા સંજોગોમાં નિર્દોષ સાથીનું હૈયું વીંધાઈ જાય છે. પણ તેઓને શાસ્ત્રમાંથી ઘણી મદદ મળી છે. ઈશ્વર તેઓનાં આંસુ જુએ છે અને પીડા સમજે છે, એ જાણીને તેઓને ઘણી રાહત થાય છે.—માલાખી ૨:૧૩-૧૬.
“હે યહોવા, તેં મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.”—ગીતશાસ્ત્ર ૮૬:૧૭.
બિલ કહે છે: ‘આ કલમ વાંચતો હતો ત્યારે, મને લાગ્યું કે એક પિતાની જેમ યહોવા પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા હતા. એનાથી મારું દુઃખ હળવું થઈ જતું.’
‘તમે તો વફાદારોની સાથે વફાદાર છો.’—ગીતશાસ્ત્ર ૧૮:૨૫, કોમન લેંગ્વેજ.
કાર્મેનના પતિને મહિનાઓથી બીજી સ્ત્રી સાથે સંબંધ હતો. કાર્મેન જણાવે છે: ‘મારા પતિ મને વફાદાર ન રહ્યા. પણ મને પૂરો ભરોસો છે કે યહોવા ઈશ્વર મારો સાથ કદી નહિ છોડે. તે મને કદી નિરાશ નહિ કરે.’
‘કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે, તમારી અરજો ઈશ્વરને જણાવો; અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’—ફિલિપીઓ ૪:૬, ૭.
સાશા કહે છે: ‘હું વારંવાર આ કલમ વાંચતી અને યહોવાને પ્રાર્થના કર્યા કરતી. એનાથી મારો બોજ હળવો થતો અને મનની શાંતિ મળતી.’
અહીં ઉલ્લેખ કરેલા બધા લોકો જીવનથી લગભગ હારી ગયા હતા. પણ તેઓએ યહોવા ઈશ્વર પર ભરોસો રાખ્યો. તેમનાં વચનોથી તેઓને હિંમત મળી. બિલ કહે છે: ‘મને તો લાગ્યુંʼતું કે મારા પર આભ તૂટી પડ્યું છે. પણ મારી શ્રદ્ધાએ મને જીવવા હિંમત આપી. ખરું કે એક સમયે હું “મરણની છાયાની ખીણમાં” ચાલતો હતો, પણ ઈશ્વર મારી પડખે હતા.’—ગીતશાસ્ત્ર ૨૩:૪.
a બેવફા સાથીને માફ કરવા કે નહિ, એ વિશે વધારે જાણકારી માટે સજાગ બનો! એપ્રિલ ૨૨, ૧૯૯૯માં (અંગ્રેજી) “જ્યારે લગ્નસાથી બેવફા બને” લેખો જુઓ.