રાજ્યનો સંદેશ ફેલાવવા પત્રિકાઓનો ઉપયોગ કરીએ
૧. ઈશ્વરના લોકોએ પત્રિકાઓનો કેવો ઉપયોગ કર્યો છે?
૧ ઈશ્વરના રાજ્યનો સંદેશ ફેલાવવા યહોવાના સાક્ષીઓએ વર્ષોથી બાઇબલ આધારિત પત્રિકાઓનો ઉપયોગ કર્યો છે. વર્ષ ૧૮૮૦માં ભાઈ સી. ટી. રસેલ અને તેમના સાથીઓએ બાઇબલ સ્ટુડન્ટ્સ ટ્રેક્ટ્સ છાપવાનું શરૂ કર્યું હતું. એ પત્રિકાઓ વૉચ ટાવરના વાચકોને આપવામાં આવતી કે જેથી તેઓ લોકોને આપી શકે. પત્રિકાઓનું ઘણું મહત્ત્વ હતું, તેથી જ ૧૮૮૪માં જ્યારે બિન નફા હેતુસર કાયદેસરની સંસ્થાને ભાઈ રસેલે નોંધાવી, ત્યારે એના નામમાં “ટ્રેક્ટ” શબ્દનો સમાવેશ થયો. એ વખતે સંસ્થાનું નામ ઝાયન્સ વૉચ ટાવર ટ્રૅક્ટ સોસાયટી હતું, જે હમણાં વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રેક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના નામથી ઓળખાય છે. ૧૯૧૮ સુધીમાં બાઇબલ વિદ્યાર્થીઓએ ત્રીસ કરોડથી વધારે પત્રિકાઓ લોકોને વહેંચી હતી. પત્રિકાઓ આજે પણ સંદેશો ફેલાવવા ખૂબ અસરકારક છે.
૨. પત્રિકાઓ કેમ અસરકારક છે?
૨ અસરકારક: પત્રિકાઓ રંગીન અને જોતા જ ગમી જાય એવી હોય છે. એની માહિતી રસપ્રદ અને થોડાક શબ્દોમાં હોય છે. આ પત્રિકાઓ એવી વ્યક્તિઓને ગમે છે જેઓ કદાચ આપણું મૅગેઝિન કે પુસ્તક વાંચતા અચકાતા હોય. લોકોને પત્રિકાઓ આપવી સહેલી છે, ખાસ તો બાળકો અને નવા પ્રકાશકો એ સહેલાઈથી આપી શકે છે. ઉપરાંત, પત્રિકાઓ નાની હોવાથી સાથે રાખવી સહેલી પડે છે.
૩. પોતાને થયેલો કે છપાયેલો અનુભવ જણાવો, જે પત્રિકાનું મહત્ત્વ બતાવતો હોય.
૩ પત્રિકા દ્વારા ઘણા લોકોને સત્ય જાણવા મળ્યું છે. દાખલા તરીકે, એક સ્ત્રી રસ્તા પર પડેલી પત્રિકા લે છે. એને વાંચ્યાં પછી તે કહે છે કે “મને સત્ય મળ્યું!” સમય જતાં, તે રાજ્ય ગૃહમાં ગઈ, બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને બાપ્તિસ્મા લીધું. આ બધું પત્રિકામાં રહેલાં ઈશ્વરના શબ્દોથી થયું.
૪. મહિનાની ઑફરમાં પત્રિકા આપીશું, ત્યારે આપણો શું ધ્યેય હશે?
૪ ઘર ઘરના પ્રચારમાં: પત્રિકાઓ પ્રચાર માટે અસરકારક છે. તેથી નવેમ્બર મહિનાથી સમય સમયે મહિનાની ઑફર તરીકે આવતી રહેશે. આપણો ધ્યેય ફક્ત પત્રિકા આપીને જતાં રહેવાનો નથી. આપણે એના દ્વારા વાતચીત શરૂ કરવા માંગીએ છીએ. ઘરમાલિક જો પહેલી વાર કે ફરી મુલાકાતમાં રસ બતાવે, તો બાઇબલ શીખવે છે પુસ્તક અથવા બીજા સાહિત્યમાંથી અભ્યાસ કેવી રીતે થાય છે એ બતાવી શકાય. ઘર ઘરના પ્રચારમાં આપણે કેવી રીતે પત્રિકાઓ આપીશું? દરેક પત્રિકા જુદી હોવાથી મહત્ત્વનું છે કે લોકોને આપીએ એ પહેલાં આપણે એની માહિતી જાણીએ.
૫. ઘર ઘરના પ્રચારમાં આપણે કેવી રીતે પત્રિકાઓ આપીશું?
૫ પ્રચાર વિસ્તારને અને જે પત્રિકા આપીએ છીએ એને ધ્યાનમાં રાખીને વાતચીત કરીએ. વ્યક્તિને પત્રિકા આપીને આપણે વાતચીત શરૂ કરી શકીએ. પત્રિકાનું પહેલું પાનું વ્યક્તિમાં રસ જગાડી શકે. અથવા વ્યક્તિને અમુક પત્રિકાઓ બતાવીને તેને જે ગમે એ પસંદ કરવાનું કહી શકીએ. જે પ્રચાર વિસ્તારમાં લોકો દરવાજો ખોલતા અચકાતા હોય, ત્યાં પત્રિકાનું પહેલું પાનું જોઈ શકે એમ રાખીએ. અથવા દરવાજામાંથી પત્રિકા નાખવાની પરવાનગી માંગીએ અને એ વિષય પર તેમના વિચારો પૂછીએ. જો પત્રિકાનો વિષય સવાલ હોય, તો એ સવાલ પર તેમનો વિચાર પૂછી શકીએ. અથવા આપણે એવા અમુક પ્રશ્ન પૂછીએ જેનાથી રસ જાગે અને વાતચીત આગળ વધે. એ પછી પત્રિકાની અમુક માહિતી ઘરમાલિક સાથે વાંચી શકીએ. એમાં જ્યારે કોઈ સવાલ આવે, ત્યારે એના પર વ્યક્તિનો વિચાર પૂછીએ. મુખ્ય કલમોને બાઇબલમાંથી વાંચી આપીએ. અમુક માહિતીની ચર્ચા કર્યા પછી આપણે વાતચીત પૂરી કરીએ અને ફરી મળવાની ચોક્કસ ગોઠવણ કરીએ. જો વ્યક્તિ ઘરે ન હોય, તો તમારાં મંડળની ગોઠવણ પ્રમાણે પત્રિકા ઘરમાં નાખી શકાય. પણ બીજાઓનું ધ્યાન ન ખેંચાય એ રીતે પત્રિકા મૂકવી જોઈએ.
૬. રસ્તા પર પ્રચાર કરતી વખતે પત્રિકાઓ કેમ ઉપયોગી છે?
૬ રસ્તા પરના પ્રચારમાં: શું તમે રસ્તા પર પ્રચાર કરતી વખતે લોકોને પત્રિકા આપી છે? અમુક લોકો ઉતાવળમાં હોવાથી આપણી સાથે વાત કરવા ન રોકાય શકે. એ સમયે વ્યક્તિને આપણા સંદેશામાં રસ છે કે નહિ એ જાણવું અઘરું છે. તેઓ મૅગેઝિન વાંચશે કે નહિ એની ખાતરી આપણને હોતી નથી. તેથી, કેમ નહિ કે તેઓને પત્રિકા આપીએ? ધ્યાન ખેંચે એવું પહેલું પાનું અને ટૂંકી માહિતી જોઈ કદાચ વ્યક્તિને પોતાના સમયમાં એ વાંચવાની ઇચ્છા થાય. જોકે, વ્યક્તિ ઉતાવળમાં ન હોય તો પત્રિકામાંથી અમુક માહિતીની ચર્ચા સાથે કરી શકાય. પણ આજુબાજુ ધ્યાન આપો અને મુશ્કેલી ઊભી કરે એવા લોકોને ટાળો.
૭. તક મળે ત્યારે પ્રચારમાં પત્રિકા આપવા વિશેના અનુભવો જણાવો?
૭ તક મળે ત્યારે પ્રચારમાં: પ્રચારની આ રીતમાં પત્રિકા વાપરવી સહેલી છે. એક ભાઈ બહાર જાય ત્યારે હંમેશાં અમુક પત્રિકાઓ પોતાના ખિસ્સામાં રાખે છે. દુકાનદાર કે બીજું કોઈ મળે ત્યારે, ‘કંઈક વાંચવા આપું’ એવું પૂછીને એ ભાઈ પત્રિકા આપે છે. એક યુગલ, શહેરમાં ફરવા ગયું ત્યારે તેમને લાગ્યું કે જુદી જુદી ભાષા બોલતા લોકો ત્યાં મળશે. તેથી, તેઓએ ઓલ નેશન્સ પુસ્તિકા અને અલગ અલગ ભાષાની પત્રિકાઓ સાથે લીધી. તેઓ કોઈને જુદી ભાષા બોલતા સાંભળતા ત્યારે, એ ભાષાની પત્રિકા આપતા. રસ્તા પર વસ્તુ વેચનારાઓને કે પછી બગીચામાં અથવા હોટલમાં પાસે બેસેલા લોકોને તેઓની ભાષામાં પત્રિકાઓ આપતા.
૮. કઈ રીતે પત્રિકાઓને બીજ સાથે સરખાવી શકાય?
૮ “બી વાવ”: પત્રિકાઓને બીજ સાથે સરખાવી શકાય. એક ખેડૂત છૂટથી બીજ વાવે છે, કેમ કે તેને ખબર નથી કે કયું ઊગશે. સભાશિક્ષક ૧૧:૬ કહે છે: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે, કે તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.” પત્રિકાઓ અસરકારક સાધન હોવાથી ચાલો આપણે એને વાપરીને ‘જ્ઞાનનો ફેલાવો કરતા’ રહીએ.—નીતિ. ૧૫:૭.
[પાન ૩ પર બ્લર્બ]
પત્રિકાઓ પ્રચાર માટે અસરકારક છે. તેથી નવેમ્બર મહિનાથી સમય સમયે મહિનાની ઑફર તરીકે આવતી રહેશે