વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૬ ઑગસ્ટ પાન ૧-૧૬
  • ઑગસ્ટ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૬
  • મથાળાં
  • ઑગસ્ટ ૧-૭
  • ઑગસ્ટ ૮-૧૪
  • ઑગસ્ટ ૧૫-૨૧
  • ઑગસ્ટ ૨૨-૨૮
  • ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૬
mwbr૧૬ ઑગસ્ટ પાન ૧-૧૬

ઑગસ્ટ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

ઑગસ્ટ ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૮૭-૯૧

“પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહો”

(ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨) પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. ૨ હું યહોવા વિશે કહીશ, કે તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારો ઈશ્વર છે, તેના પર હું ભરોસો રાખું છું.

w૧૦ ૨/૧ ૩૦-૩૧¶૧૦-૧૧

જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે!

“ગુપ્તસ્થાનમાં” સલામત રહેવું

સમર્પણ અને બાપ્તિસ્માથી આપણને બીજો એક મોટો આશીર્વાદ મળે છે. ‘પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહેવાનો’ આશીર્વાદ. (ગીતશાસ્ત્ર ૯૧:૧ વાંચો.) ‘ગુપ્તસ્થાન’ કોઈ જગ્યાને નહિ, પણ યહોવાહ તરફથી તેમની ભક્તિમાં મળતા રક્ષણને બતાવે છે. આ સ્થાન એવા લોકો માટે ગુપ્ત છે, જેઓ યહોવાહ વિષે કંઈ જાણવા માગતા નથી, કે તેમનામાં ભરોસો મૂકતા નથી. પણ આપણા માટે એ ગુપ્ત નથી, કેમ કે સમર્પણ કરીને આપણે યહોવાહ માટે જ જીવીએ છીએ. તેમનામાં પૂરો ભરોસો મૂક્યો હોવાથી આપણે કહી શકીએ છીએ કે ‘તે મારો આશ્રય તથા કિલ્લો છે; એ જ મારો ઈશ્વર છે, તેના પર હું ભરોસો રાખું છું.’ (ગીત. ૯૧:૨) આમ યહોવાહ આપણો આશ્રય બને છે. (ગીત. ૯૧:૯) જો યહોવાહ આપણો આશ્રય હોય તો બીજું શું જોઈએ!

આપણને યહોવાહના ‘ગુપ્તસ્થાનમાં’ રહેવાનો આશીર્વાદ મળ્યો છે. એ બતાવે છે કે આપણે યહોવાહ સાથે નાતો બાંધી શક્યા છીએ. એની શરૂઆત આપણા સમર્પણ અને બાપ્તિસ્માથી થાય છે. પછી યહોવાહ સાથેનો નાતો વધારે મજબૂત કરવા આપણે બીજાં પગલાં લઈએ છીએ. જેમ કે, યહોવાહ વિષે બાઇબલમાંથી વધારે શીખીએ છીએ. દિલ ખોલીને તેમને પ્રાર્થના કરીએ છીએ. જીવનના દરેક પાસામાં યહોવાહને આધીન રહીએ છીએ. (યાકૂ. ૪:૮) યહોવાહમાં ઈસુની શ્રદ્ધા ક્યારેય ડગમગી ન હતી. યહોવાહ સાથે ઈસુનો નાતો એવો તો અતૂટ કે જેનો જોટો ન જડે. (યોહા. ૮:૨૯) એટલે આપણે ક્યારેય મનમાં એવી શંકા ન લાવીએ કે આપણા સમર્પણ પ્રમાણે જીવવા યહોવાહ મદદ કરશે કે કેમ. યહોવાહ તો કાયમ મદદ કરવા તત્પર છે. (સભા. ૫:૪) આપણે ભક્તિમાં ઠંડા ન પડીએ માટે તેમણે ઘણી ગોઠવણો કરી છે. એ યહોવાહના પ્રેમનો પુરાવો છે. તે ચાહે છે કે આપણે તેમની લગાતાર ભક્તિ કરતા રહીએ.

(ગીતશાસ્ત્ર ૯૧:૩) કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે.

w૦૭ ૧૦/૧ ૨૭-૩૧¶૧-૧૮

શેતાનના ફાંદાથી ચેતો!

બધા જ ઈશ્વરભક્તોનો એક દુશ્મન છે. તે બહુ જ શક્તિશાળી, હોશિયાર ને ચાલાક. ગીતશાસ્ત્ર ૯૧:૩ તેને ‘શિકારી’ કહે છે. એ દુશ્મન કોણ? આ મૅગેઝિનનો જૂન ૧, ૧૮૮૩નો અંક તેને શેતાન તરીકે ઓળખાવે છે. શિકારી પોતાના શિકારને ફસાવે, તેમ તે કોઈ પણ હિસાબે ઈશ્વરભક્તોને મુઠ્ઠીમાં લેવા માગે છે.

પહેલાંના જમાનામાં પક્ષીઓને પકડવામાં આવતાં. મીઠાં-મધુરાં ગીત સાંભળવાં, રંગબેરંગી પીંછાં માટે, ખોરાક માટે કે પછી બલિ ચડાવવાં પક્ષીઓનો શિકાર કરતા. તોપણ પક્ષીઓ ચાલાક હોવાથી જલદીથી હાથમાં આવતા નથી. એટલે જ શિકારીઓ પક્ષીઓ પર નજર રાખતા. પછી એ પ્રમાણે જાળ બિછાવતા. બાઇબલ શેતાનને શિકારી સાથે સરખાવે છે. તે શિકારીની જેમ દરેક પર નજર રાખે છે. આપણા સ્વભાવની સ્ટડી કરે છે. પછી એ પ્રમાણે જાળ બીછાવે છે, જેથી આપણને ફસાવી શકે. (૨ તીમોથી ૨:૨૬) એક વાર શેતાનના હાથમાં આવ્યા, એટલે આવી જ બન્યું સમજો. તે યહોવાહ સાથેનો આપણો નાતો તોડવા ગમે એ કરશે. પછી આપણે અમર જીવનનો આશીર્વાદ પણ ગુમાવી બેસીશું. તેથી, સારું છે કે આપણે ‘શિકારીની’ જુદી જુદી રીતો પારખીએ.

બાઇબલમાં એક કવિ જણાવે છે કે શેતાન સિંહ કે નાગ જેવી ચાલાકીઓ અજમાવે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૧૩) સિંહની જેમ તે ઘણી વાર સીધેસીધો હુમલો કરે છે. સરકારનો સહારો લઈને યહોવાહના લોકોને સતાવે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૨૦) એના લીધે કદાચ અમુક ભક્તો યહોવાહને છોડી પણ દે. મોટે ભાગે એવું બનતું નથી. એવા હુમલાથી તો યહોવાહના ભક્તોમાં હજુયે સંપ વધે છે. પણ શેતાનના નાગ જેવા છુપા હુમલાનું શું? એ કેવી રીતે પારખી શકીએ?

નાગ છાનો-માનો આવીને ડંખ મારે છે. શેતાન એવો જ લુચ્ચો છે. તે આપણા કરતાં વધારે શક્તિશાળી ને ચતુર છે. એનો ફાયદો ઉઠાવીને તે યહોવાહના અમુક ભક્તોનાં મનમાં ઝેર ભરવામાં કામયાબ થયો છે. તેઓ શેતાનની ચાલે ચાલ્યા અને પોતાના જ પગ પર કુહાડો માર્યો. કેવું સારું કે આપણે શેતાનની ચાલાકીઓથી અજાણ નથી. (૨ કોરીંથી ૨:૧૧) ચાલો આપણે શિકારી શેતાનના ચાર ફાંદા જોઈએ.

માણસની બીક

“માણસની બીક” એક ફાંદો છે. (નીતિવચનો ૨૯:૨૫) ‘લોકો શું કહેશે?’ એમ વિચારીને તેઓનું માનવા લાગીએ. યહોવાહને તો સાવ ભૂલી જ જઈએ. શેતાન એ જાણે છે. એનો ફાયદો ઉઠાવે છે. જો આપણે માણસની બીક રાખીએ તો ‘શિકારીની’ જાળમાં ફસાયા જ સમજો.—હઝકીએલ ૩૩:૮; યાકૂબ ૪:૧૭.

માનો કે એક યુવાનને સ્કૂલમાં ફ્રેન્ડ્‌ઝ સિગારેટ ઑફર કરે છે. તે સ્મોકિંગ કરી લે છે. તે જાણે છે કે તેને પોતાને નુકસાન છે, તોપણ યહોવાહની આજ્ઞા તોડે છે. (૨ કોરીંથી ૭:૧) તે કઈ રીતે ફસાયો? કદાચ તેણે સારા છોકરાઓની દોસ્તી કરી ન હતી. કે પછી એવી બીક લાગી હોય કે તેઓ મશ્કરી કરશે. યુવાનો, ‘શિકારીની’ જાળમાં ફસાતા નહિ! એમાં ફસાવું ન હોય તો, નાની નાની વાતમાં પણ ધ્યાન રાખો. એટલે જ બાઇબલ ચેતવે છે કે બૂરી સોબત ન કરો.—૧ કોરીંથી ૧૫:૩૩.

યહોવાહની ભક્તિ કરતા માબાપ પૈસેટકે પોતાના કુટુંબની સારી રીતે સંભાળ રાખે છે. પોતાની જવાબદારી સારી રીતે ઉપાડે છે. (૧ તીમોથી ૫:૮) શેતાન એમાંય જાળ બિછાવે છે. અમુક વાર એવું થાય કે નોકરીધંધે બૉસ આપણને ઓવરટાઇમ કરવા કહે. ‘જો ના કહીશ તો જૉબ જશે,’ બૉસના એવા ડરથી આપણે કોઈ કોઈ વાર મિટિંગ ચૂકી જઈએ. અરે, ડિસ્ટ્રીક્ટ સંમેલન માટે પણ રજા ન માંગીએ, ભલેને સંમેલનના અમુક ભાગ ચૂકી જઈએ. પણ જરા વિચારો, આપણે બધાય યહોવાહના કુટુંબમાં છીએ. યહોવાહ પોતે પોતાના કુટુંબને પૂરું પાડવાની જવાબદારી લે છે. જ્યારે તમે અને તમારું કુટુંબ યહોવાહનું કહેવું માનો છો, ત્યારે શું તે તમારી સંભાળ નહિ રાખે? આપણે ‘યહોવાહ પર ભરોસો રાખીએ.’ તેમના પર શ્રદ્ધા રાખીએ. શેતાનની જાળમાં ન ફસાઈએ.—નીતિવચનો ૩:૫, ૬.

દોલતનો મોહ

શેતાનની બીજી એક ચાલ દોલતનો મોહ છે. આ દુનિયા પૈસા પાછળ પાગલ છે. રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં બતાવે છે. યહોવાહના ભક્તો પણ છેતરાઈ જઈ શકે. કદાચ મંડળમાંથી કોઈ પોતાના ભાઈ-બહેનોનો ફાયદો ઉઠાવે અને કહે: ‘અરે યાર, જાત મહેનત ઝિંદાબાદ! થોડું બૅંક-બેલેન્સ તો ભેગું કર. પછી તું તારે પાયોનિયર બન, કોણ ના પાડે છે!’ જોજો ફસાતા નહિ. એ તો પેલા “મૂર્ખ” ધનવાન માણસના જેવા વિચારો છે, જેના વિષે ઈસુએ જણાવ્યું હતું.—લુક ૧૨:૧૬-૨૧.

શેતાન દુનિયાને તેના ઇશારે નચાવે છે. લોકોને બસ એમ જ થાય કે ‘મને આ જોઈએ, પેલું જોઈએ.’ અમુક ઈશ્વરભક્તોને પણ એવું જ થાય છે. પછી ધીમે ધીમે તેઓ યહોવાહથી દૂર ચાલ્યા જાય છે. (માર્ક ૪:૧૯) બાઇબલ જણાવે છે કે આપણે થોડામાં પણ સંતોષ માનીએ, કેમ કે સંતોષી નર સદા સુખી. (૧ તીમોથી ૬:૮) એ સલાહ ન માનવાને લીધે ઘણા ‘શિકારીની’ જાળમાં ફસાઈ ગયા છે. શું એમ બની શકે કે દુનિયાના લોકો સાથે હળી-મળી જવાની તમન્‍ના હોય? કે પછી દુનિયાની ચીજ-વસ્તુઓ પાછળ પાગલ બનીને, યહોવાહની ભક્તિને બાજુ પર મૂકી દીધી હોય? (હાગ્ગાય ૧:૨-૮) અફસોસ કે અમુક ભાઈ-બહેનોએ એવું જ કર્યું છે. મુશ્કેલ સંજોગોમાં પોતાની લાઇફ-સ્ટાઇલ બદલવી ન પડે, એટલા માટે ભક્તિ પડતી મૂકી છે. એમાં જીત તો ‘શિકારી’ શેતાનની જ થઈ ને!

મોજશોખનો ફાંદો

આપણને ફસાવવા શેતાન બીજી કઈ રીત વાપરે છે? મોજશોખમાં ભલા-બૂરાની મર્યાદા ન રાખવી. ટીવીના સમાચાર જુઓ કે કોઈ મૅગેઝિન ઉપાડો. બસ, મારફાડ ને સેક્સની વાતો ચગી હોય. મોટે ભાગે આજે લોકો સદોમ અને ગમોરાહના લોકો જેવા બનતા જાય છે. ગમે તે મોજશોખ કરો, ‘ખરૂં-ખોટું પારખવાની’ આપણી સમજ જાણે બહેર મારી જાય છે. (હેબ્રી ૫:૧૪) પરંતુ, યહોવાહે પોતાના ભક્ત યશાયાહ દ્વારા કહ્યું કે ‘જેઓ ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે, તેઓને અફસોસ!’ (યશાયાહ ૫:૨૦) વિચારો કે ‘મારા વિષે શું? શું શેતાને મને પણ એના ફાંદામાં ફસાવ્યો છે?’—૨ કોરીંથી ૧૩:૫.

પચીસેક વર્ષ પહેલાં, ધ વૉચટાવર મૅગેઝિને ઈશ્વરભક્તોને ટીવી સિરિયલો વિષે ચેતવણી આપી. બધાને ગમતી સિરિયલોની અસર વિષે આમ કહેવામાં આવ્યું: “પ્રેમનો ભૂખ્યો માણસ કંઈ પણ કરે એ ચાલે. જેમ કે એક કુંવારી છોકરી મા બનવાની છે. તે પોતાની બેનપણીને કહે છે: ‘તો શું થઈ ગયું? વિવેક તો મારા દિલનો રાજા! તેના બાળકની મા બનવા તો હું કંઈ પણ કરવા તૈયાર છું.’ આ ડાયલોગ સાથે સાથે મન મોહી લેતું મ્યુઝિક વાગે છે. તમને પણ એ છોકરો-છોકરી ગમવા લાગે. તમને થાય કે ‘આજે તો એવું બધું ચાલે, એમાં શું?’ એવી સિરિયલો જોનારી એક બહેનને પછીથી ભાન થયું. તે કહે છે કે ‘સિરિયલોમાં તમે એટલા ડૂબી જાવ કે ભલા-બૂરાનું ભાન જ ન રહે. ભલે વ્યભિચાર પાપ છે, છતાંયે મને એમાં કંઈ ખોટું લાગતું ન હતું. હું એવા લોકોની દોસ્તી ચાહતીʼતી.’” આપણને એવી જ અસર ન થાય માટે ચેતીને ચાલીએ.

એ લેખો છપાયાને ઘણો સમય થઈ ગયો. હવે તો દિલ-દિમાગને બગાડતા વધારે ને વધારે પ્રોગ્રામ જોવા મળે છે. અરે, ઘણી જગ્યાએ તો ચોવીસે કલાક. નાના-મોટા બધાયે એવા પ્રોગ્રામો જુએ છે. પણ શું આપણે એમાં ઍક્ટિંગ કરતા લોકોને ઘરે બોલાવીશું? તેઓની દોસ્તી કરીશું? કદી નહિ! તો પછી કઈ રીતે ટીવી દ્વારા તેઓને આપણા ઘરમાં બોલાવીને ટાઇમપાસ કરી શકીએ? તેઓની કંપનીમાં મજા લઈ શકીએ? આપણે કદીયે એવું ઘમંડ ન રાખીએ કે ‘મને કંઈ નહિ થાય.’ આપણે ગમે એ હોઈએ, એવી સિરિયલો ધીમે ધીમે આપણા સંસ્કારને કોરી ખાય છે.

ઘણા ભાઈ-બહેનોને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની’ આ સલાહથી ફાયદો થયો છે. (માત્થી ૨૪:૪૫-૪૭) અમુકે એના વિષે લખ્યું. એક બહેને કબૂલ કર્યું કે ‘તેર તેર વર્ષથી હું ટીવી સિરિયલની જાળમાં ફસાયેલી હતી. હું મિટિંગ-પ્રચારમાં તો જતી હતી. એટલે થયું કે મને શું થવાનું? પણ . . . પણ હું ખોટી હતી. હું સિરિયલની દુનિયામાં જીવવા લાગી. મેં વિચાર્યું કે “જો પતિ જ એવો હોય તો હું શું કરું? મારો તો વિચાર જ ન કરે! તેનો જ વાંક છે.” એમ વિચારીને હું પરાયા પુરુષ સાથે સંબંધ બાંધી બેઠી. યહોવાહ સામે, મારા સાથી સામે પાપ કર્યું.’ એ બહેનને મંડળમાંથી કાઢી મૂકવી પડી. સમય જતાં તેને પોતાની ભૂલ સમજાઈ ને બહુ પસ્તાઈ. તેને મંડળમાં પાછી લેવામાં આવી. ટીવી સિરિયલો વિષેની ચેતવણી આપતા લેખોથી તેને ઘણી હિંમત મળી. એના લીધે તે યહોવાહ જે ધિક્કારે છે, એને ધિક્કારી શકી.—આમોસ ૫:૧૪, ૧૫.

એક બીજા બહેને પણ જણાવ્યું કે ‘આ લેખો વાંચીને મારાથી રડી પડાયું. હું યહોવાહને પૂરા દિલથી ભજતી નʼતી. મેં તેમને વચન આપ્યું કે હવેથી હું ટીવી સિરિયલોની ગુલામ નહિ બનું.’ એક બહેને કબૂલ્યું કે પોતાને ટીવી સિરિયલોની જાણે લત લાગી ગઈ હતી. તે લખે છે: ‘એક બાજુ યહોવાહ અને બીજી બાજુ ટીવી સિરિયલના લોકો. એ બંને સાથે હું કઈ રીતે દોસ્તી રાખી શકું? એ શક્ય જ નથી!’ જો પચ્ચીસ વર્ષ પહેલાં ટીવી પ્રોગ્રામોની આટલી અસર હતી, તો આજના વિષે શું? (૨ તીમોથી ૩:૧૩) મારામારીની વીડિયો ગેમ્સ, ટીવી પર ગંદી ફિલ્મો અને ગીતો જોવાં. આ બધા શેતાનના ફાંદા છે!

મનદુઃખ થવું

યહોવાહના આશીર્વાદથી તેમના ભક્તોમાં શાંતિ છે. સંપ છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) પણ એ સંપ તોડવા, શેતાન મતભેદોની જાળ બિછાવે છે. મંડળમાં કોઈ પણ આ ફાંદામાં ફસાઈ શકે છે, ભલેને એ વડીલ હોય, પાયોનિયર હોય, બેથેલમાં હોય. અફસોસ કે અમુક શેતાનનો શિકાર બન્યા છે. પોતાનો જ કક્કો ખરો કરવા મંડળમાં અશાંતિ કરી છે. ભાગલા પાડ્યા છે.

પહેલા વિશ્વયુદ્ધ વખતે, યહોવાહના લોકોને મિટાવી દેવા શેતાન તેઓ પર બહુ સતાવણી લાવ્યો. પણ તેની હાર થઈ! (પ્રકટીકરણ ૧૧:૭-૧૩) હવે તેણે ચાલ બદલી છે. તે આપણામાં ઝેર ફેલાવી સંપ તોડવા માગે છે. કઈ રીતે? માનો કે આપણને વાત-વાતમાં ખોટું લાગતું હોય. એમાં જ શેતાન ફાવી જાય. આપણે તો હેરાન થઈએ જ, મંડળમાં પણ બધાને હેરાન કરીએ. અરે, યહોવાહને પણ દુઃખી કરીએ. પછી મંડળમાં અને પ્રચારમાં બધાને તકલીફ. બસ, શેતાન ખુશ ખુશ!—એફેસી ૪:૨૭, ૩૦-૩૨.

માનો કે કોઈક કારણે આપણું મન ઊંચું થઈ જાય, તો શું કરવું જોઈએ? દરેકના સંજોગો અલગ અલગ હોય છે. ભલે કોઈ પણ કારણે ખોટું લાગ્યું હોય, આપણે એનું કંઈક કરવું જોઈએ. (માત્થી ૫:૨૩, ૨૪; ૧૮:૧૫-૧૭) બાઇબલની સલાહ યહોવાહ પાસેથી આવે છે. એ કદીએ ખોટી ન હોય. એ પાળવાથી જીવન સુખી થાય છે, મનની શાંતિ મળે છે!

યહોવાહ “ક્ષમા કરવાને તત્પર છે.” તે દિલથી “માફી” આપે છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧૩૦:૪) આપણે તેમના જેવા બનીએ તો જ સાચા ભક્તો કહેવાઈએ. (એફેસી ૫:૧) માણસ માત્ર ભૂલને પાત્ર. બધાને યહોવાહની માફીની જરૂર છે. તો શું આપણે બીજાને માફી નહિ આપવી જોઈએ? ઈસુએ એક માણસનો દાખલો આપ્યો. તે માણસના માલિકે તેનું મોટું દેવું ખુશીથી માફ કર્યું. પણ તે માણસે પોતાના નોકરનું થોડુંક દેવું પણ માફ ન કર્યું. જ્યારે માલિકે એ સાંભળ્યું ત્યારે તેને પકડીને જેલમાં નાખ્યો. ઈસુએ એના પરથી શીખવ્યું કે “એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહિ કરો, તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે.” (માત્થી ૧૮:૨૧-૩૫) વિચારો કે યહોવાહ આપણને કેટલી બધી વાર ખુશીથી માફ કરે છે! એનાથી એકબીજાને ખુશીથી માફી આપવા આપણને મદદ મળશે.—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

(ગીતશાસ્ત્ર ૯૧:૯-૧૪) કેમ કે, હે યહોવા, તું મારો આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે; ૧૦ તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ. ૧૧ તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે; ૧૨ તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય. ૧૩ તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા એરૂને તું છૂંદી નાખશે. ૧૪ તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.

w૧૦ ૧/૧ ૧૫-૧૬ ¶૧૩-૧૪

ઈશ્વર માટેના પ્રેમનું રક્ષણ કરીએ

વિશ્વાસને ભ્રષ્ટ કરી શકે એવી બાબતોથી યહોવાહ કઈ રીતે આપણું રક્ષણ કરે છે? ગીતકર્તા કહે છે: “તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.” (ગીત. ૯૧:૧૧) ઈશ્વરનો સંદેશો જાહેર કરવા સ્વર્ગદૂતો આપણું રક્ષણ કરે છે, માર્ગદર્શન આપે છે. (પ્રકટી. ૧૪:૬) સાથે સાથે મંડળના વડીલો પણ આપણું રક્ષણ કરે છે. તેઓ શાસ્ત્રમાંથી આપણને શીખવે છે જેથી ખોટા શિક્ષણમાં ફસાઈએ નહિ. જેઓને દુન્યવી વલણ છોડવામાં તકલીફ પડતી હોય તેઓને મદદ પૂરી પાડે છે. (તીત. ૧:૯; ૧ પીત. ૫:૨) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પણ આપણો વિશ્વાસ મજબૂત કરવા માર્ગદર્શન આપે છે. એનાથી આપણે ઉત્ક્રાંતિનું શિક્ષણ, અનૈતિક કામો, ધનદોલતની માયા અને એના જેવી બીજી અનેક બાબતોમાં ફસાઈશું નહિ. (માથ. ૨૪:૪૫) આવી ખોટી બાબતોથી દૂર રહેવા તમને શામાંથી મદદ મળી છે?

‘પરાત્પરના ગુપ્તસ્થાનમાં’ રક્ષણ મેળવવા આપણે શું કરવું જોઈએ? જેમ અકસ્માતથી સાવધ રહીએ અને ચેપી રોગ જેવા જોખમોથી દૂર રહીએ છીએ, તેમ વિશ્વાસને ડગમગાવી દે એવી ખરાબ બાબતોથી દૂર રહેવું જોઈએ. એ માટે આપણે નિયમિત રીતે યહોવાહનું માર્ગદર્શન લેતા રહેવું જોઈએ. તે આપણને તેમની સંસ્થાના સાહિત્યો, મંડળ અને સંમેલનો દ્વારા એ માર્ગદર્શન આપે છે. આપણે વડીલોની સલાહ-સૂચનો પણ લેવી જોઈએ. મંડળના ભાઈ-બહેનો જે સારા ગુણો બતાવે છે એનાથી પણ આપણને મદદ મળે છે. જો આપણે મંડળના ભાઈ-બહેનોની સંગતમાં રહીશું તો, ‘જ્ઞાની’ વ્યક્તિ બનીશું.—નીતિ. ૧૩:૨૦; ૧ પીતર ૪:૧૦ વાંચો.

w૦૧ ૧૧/૧૫ ૧૯-૨૦ ¶૧૩-૧૯

યહોવાહ આપણો આશ્રય છે

“તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ”

આ જગતની સલામતી ભાંગી પડે છતાં, આપણે પરમેશ્વરને પ્રથમ મૂકીને ગીતશાસ્ત્રના શબ્દમાંથી હિંમત મેળવીએ છીએ: “કેમકે, હે યહોવાહ, તું મારો આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે; તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ.” (ગીતશાસ્ત્ર ૯૧:૯, ૧૦) હા, યહોવાહ આપણો આધાર છે. તેમ છતાં, આપણે પરાત્પર પરમેશ્વરને ‘આપણો આશ્રય’ પણ બનાવીએ છીએ કે જ્યાં આપણે સલામતી મેળવીએ છીએ. આપણી સલામતીના ઉદ્‍ભવ તરીકે યહોવાહ પર ‘આધાર’ રાખીને અને તેમના રાજ્યના સુસમાચાર જાહેર કરીને, આપણે વિશ્વના સર્વોપરી તરીકે યહોવાહની સ્તુતિ કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪) એ કારણે, આ ગીતની શરૂઆતમાં વર્ણન કરવામાં આવ્યું છે તેમ, ‘આપણા પર કંઈ પણ દુઃખ આવી પડશે નહિ.’ આપણે ધરતીકંપ, વાવાઝોડું, પૂર, ભૂખમરો અને યુદ્ધ કે લૂંટફાટ જેવી આફતોનો અનુભવ કરીએ ત્યારે, એનાથી આપણા વિશ્વાસ અને આપણી આત્મિક સલામતીનો નાશ થવો જોઈએ નહિ.

ખ્રિસ્તીઓ પરદેશી પ્રવાસીઓની જેમ આ જગતથી ભિન્‍ન તંબુઓમાં રહે છે. (૧ પીતર ૨:૧૧) ‘મરકી પણ તેઓના તંબુઓની પાસે આવતી નથી.’ ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, પરંતુ આપણે આ જગતનો ભાગ નથી. આપણી આત્મિકતાને અનૈતિકતા, ભૌતિકવાદ, જૂઠો ધર્મ અને “શ્વાપદ” તથા એની “મૂર્તિ,” સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉપાસના જેવી પ્રાણઘાતક મરકીઓથી ચેપ લાગતો નથી.—પ્રકટીકરણ ૯:૨૦, ૨૧; ૧૩:૧-૧૮; યોહાન ૧૭:૧૬.

આપણે જે રક્ષણનો આનંદ માણીએ છીએ એ વિષે ગીતકર્તા ઉમેરે છે: “તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે [યહોવાહ] પોતાના દૂતોને આજ્ઞા આપશે; તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૧, ૧૨) દૂતોને આપણું રક્ષણ કરવાની શક્તિ આપવામાં આવી છે. (૨ રાજા ૬:૧૭; ગીતશાસ્ત્ર ૩૪:૭-૯; ૧૦૪:૪; માત્થી ૨૬:૫૩; લુક ૧:૧૯) તેઓ ‘આપણા સર્વ માર્ગમાં’ આપણું રક્ષણ કરે છે. (માત્થી ૧૮:૧૦) આપણે રાજ્યના પ્રચાર કરનારાઓ તરીકે દૂતોના માર્ગદર્શન અને રક્ષણનો આનંદ માણીને આપણી આત્મિકતાને નબળી પડવા દેતા નથી. (પ્રકટીકરણ ૧૪:૬, ૭) અરે, ‘પથ્થરો’ એટલે કે આપણા કાર્ય પર પ્રતિબંધો પણ આપણને ઠોકર ખવડાવીને પરમેશ્વરની કૃપા મેળવતા રોકી શકતા નથી.

ગીતકર્તા આગળ કહે છે: “તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા એરૂને તું છૂંદી નાખશે.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૩) સિંહ ખુલ્લી રીતે સામેથી હુમલો કરે છે તેમ, અમુક દુશ્મનો આપણા પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવાનો નિયમ બનાવીને ખુલ્લી રીતે આપણો વિરોધ કરે છે. પરંતુ, સંતાઈને બેઠેલા સાપની જેમ આપણા પર અચાનક હુમલાઓ પણ કરવામાં આવે છે. પાદરીઓ અમુક વાર ખાનગી રીતે સરકાર દ્વારા કાયદાઓ બનાવીને, ન્યાયાધીશો અને બીજાઓના દ્વારા આપણા પર હુમલો કરે છે. પરંતુ, યહોવાહની મદદથી, આપણે અદાલતમાં શાંતિપૂર્વક હક્ક માંગીએ છીએ. આ રીતે આપણે, ‘સુવાર્તાને બચાવીએ છીએ કે સમર્થન કરીએ છીએ.’—ફિલિપી ૧:૭, પ્રેમસંદેશ; ગીતશાસ્ત્ર ૯૪:૧૪, ૨૦-૨૨.

ગીતકર્તા “સિંહના બચ્ચાને તથા એરૂને” છૂંદી નાખવા વિષે કહે છે. સિંહનું બચ્ચું હિંસક અને એરું પેટે ચાલનાર મોટો ઝેરી સાપ બની શકે. (યશાયાહ ૩૧:૪) ભલે સિંહનું બચ્ચું ગમે તેટલું હિંસક બનીને સામેથી હુમલો કરે તોપણ, આપણે પરમેશ્વરની આજ્ઞાઓને આધીન રહીને સિંહ જેવા માણસો કે સંગઠનોને રૂપકાત્મક રીતે છૂંદીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) તેથી, ગર્જના કરનાર “સિંહ” આપણને આત્મિક રીતે કંઈ પણ નુકસાન પહોંચાડી શકતો નથી.

ગ્રીકમાં ઉલ્લેખવામાં આવેલો “સાપ” આપણને “મોટા અજગર . . . એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે” એની યાદ દેવડાવે છે. (પ્રકટીકરણ ૧૨:૭-૯; ઉત્પત્તિ ૩:૧૫) તે પેટે ચાલનાર ભયંકર પ્રાણી જેવો છે કે જે પોતાના શિકારને પકડીને ગળી જાય છે. (યિર્મેયાહ ૫૧:૩૪) શેતાન આપણને પોતાની જાળમાં ફસાવીને આ જગતનાં દબાણોથી દબાવવાનો અને ગળી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે, ચાલો આપણે પોતાને તેના બંધનમાંથી મુક્ત રાખીને આ ‘સાપને’ છૂંદી નાંખીએ. (૧ પીતર ૫:૮) અભિષિક્ત શેષ ભાગે રૂમી ૧૬:૨૦ની પરિપૂર્ણતામાં ભાગ લેવો હોય તો, તેઓએ આ પ્રમાણે કરવું જ જોઈએ.

યહોવાહ—આપણા તારણનો ઉદ્‍ભવ

સાચા ઉપાસકો વિષે, પરમેશ્વર વતી ગીતકર્તા કહે છે: “તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ; તેણે મારૂં નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૪) “હું તેને ઊંચો કરીશ” પદનો શાબ્દિક અર્થ સહેલાઈથી પહોંચી ન શકાય એમ થાય છે. આપણે યહોવાહમાં તેમના ઉપાસકો તરીકે આશ્રય લઈએ છીએ કારણ કે ‘આપણે તેમને પ્રેમ કરીએ છીએ.’ (માર્ક ૧૨:૨૯, ૩૦; ૧ યોહાન ૪:૧૯) એના બદલામાં, પરમેશ્વર આપણને આપણા દુશ્મનોથી ‘બચાવે છે.’ આપણો કદી પણ પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે નહિ. એને બદલે, આપણો બચાવ થશે કેમ કે આપણે પરમેશ્વરનું નામ જાણીએ છીએ અને તેમનામાં વિશ્વાસ કરીએ છીએ. (રૂમી ૧૦:૧૧-૧૩) આપણે ‘યહોવાહના નામમાં સદાસર્વકાળ ચાલવાનો’ નિર્ણય કર્યો છે.—મીખાહ ૪:૫; યશાયાહ ૪૩:૧૦-૧૨.

કીમતી રત્નો શોધીએ

(ગીતશાસ્ત્ર ૮૯:૩૪-૩૭) મારો કરાર હું તોડીશ નહિ, અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ. ૩૫ એકવાર મેં તારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઊદ સાથે જૂઠું બોલીશ નહિ. ૩૬ તેનાં સંતાન સર્વકાળ ટકશે, અને મારી આગળ સૂર્યની પેઠે તેનું રાજ્યાસન ટકશે. ૩૭ ચંદ્રની પેઠે તે સદા અચળ રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.

w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

યહોવાએ પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદને એક વચન આપ્યું, જેને દાઊદ સાથેનો કરાર કહેવાય છે. (૨ શમૂએલ ૭:૧૨, ૧૬ વાંચો.) યહોવાએ વચન આપ્યું હતું કે દાઊદના વંશમાંથી મસીહ આવશે. (લુક ૧:૩૦-૩૩) એ રીતે, યહોવાએ મસીહ જે કુળમાંથી આવશે એની વધુ સચોટ માહિતી આપી. યહોવાએ કહ્યું કે દાઊદનો એ વંશજ, મસીહી રાજ્યનો રાજા બનવાને “હકદાર” હશે. (હઝકી. ૨૧:૨૫-૨૭) દાઊદનું રાજ જાણે કાયમ ચાલશે, કેમ કે તેમના વંશજ ઈસુ ખ્રિસ્ત ‘સદા રહેશે’ અને ‘સૂર્યની જેમ તેમનું રાજ્યાસન ટકશે.’ (ગીત. ૮૯:૩૪-૩૭) એટલે આપણે ખાતરી રાખી શકીએ કે મસીહી રાજ ક્યારેય ભ્રષ્ટ થશે નહિ. તેમ જ, તેમના રાજથી મળતા આશીર્વાદો પણ સદા માટે રહેશે!

w૦૭-E ૭/૧૫ ૩૨ ¶૩-૪

“આકાશમાં વિશ્વાસુ સાક્ષી”

પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદ સાથે યહોવાએ લગભગ ૩,૦૦૦ કરતાંય વધારે વર્ષો પહેલાં, રાજ્યનો કરાર કર્યો હતો. (૨ શમૂએલ ૭:૧૨-૧૬) ઈસુ ખ્રિસ્ત દાઊદ રાજાના વંશજ હોવાથી રાજ્યનો કરાર કરીને તેમને કાયદેસર રીતે રાજગાદીનો વારસો સદાકાળ માટે આપવા, આ કરાર કર્યો હતો. (યશાયા ૯:૭; લુક ૧:૩૨, ૩૩) દાઊદ રાજાના વારસની રાજગાદી વિશે વાત કરતા ગીતકર્તાએ કહ્યું: “ચંદ્રની પેઠે તે સદા અચળ રહેશે, અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.”—ગીતશાસ્ત્ર ૮૯:૩૬, ૩૭.

‘રાત પર અમલ ચલાવનારી જ્યોતિ’ એટલે કે ચંદ્ર સાક્ષી આપે છે કે ઈસુ ખ્રિસ્તનું રાજ્ય સદાકાળ સ્થાયી રહેશે. (ઉત્પત્તિ ૧:૧૬) તેમના રાજ્ય વિશે દાનીયેલ ૭:૧૪ કહે છે: “તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.” ચંદ્ર એ વાતની સાક્ષી આપે છે અને આપણને એ રાજ્ય અને એનાથી મળનાર આશીર્વાદોની યાદ અપાવે છે.”

(ગીતશાસ્ત્ર ૯૦:૧૦) અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.

(ગીતશાસ્ત્ર ૯૦:૧૨) તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.

w૦૬ ૮/૧ ૬ ¶૪

ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો

૯૦:૧૦, ૧૨. આજે જીવન ટૂંકું છે. તેથી, આપણે સમજી વિચારીને સમય વાપરવો જોઈએ. કઈ રીતે? આપણે એવી રીતે જીવવું જોઈએ કે યહોવાહને પસંદ પડે. એમ કરીશું તો આપણે યહોવાહની નજરમાં “જ્ઞાનવાળું હૃદય” કેળવતા રહીશું.—એફેસી ૫:૧૫, ૧૬; ફિલિપી ૧:૧૦.

w૦૧ ૧૧/૧૫ ૧૩ ¶૧૯

યહોવાહ આપણા દિવસ કઈ રીતે ગણવા એ શીખવે છે

આમ, ગીતકર્તાએ યહોવાહને તેમના લોકોને પોતાના બાકીના દિવસોનો યોગ્ય અને ડહાપણભરી રીતે ઉપયોગ કરવાનું શીખવવા પ્રાર્થના કરી, જેથી તેઓને પરમેશ્વરની કૃપા મળે. સીત્તેર વર્ષના આયુષ્યમાં ૨૫,૫૦૦ દિવસો રહેલા છે. જોકે, આપણી વય ભલે ગમે તેટલી હોય તોપણ, ‘આપણને કાલે શું થશે એની ખબર નથી. કેમ કે આપણે ધૂમર જેવા છીએ અને થોડી વાર દેખાઈએ છીએ અને પછી અદૃશ્ય થઈ જઈએ છીએ.’ (યાકૂબ ૪:૧૩-૧૫) “દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે” માટે, આપણે કહી શકતા નથી કે આપણે કેટલું લાંબું જીવીશું. તેથી, આપણે મુશ્કેલીઓનો સામનો કરવા, બીજાઓ સાથે યોગ્ય રીતે વર્તવા અને હમણાં જ યહોવાહની સેવામાં આપણાથી બનતું બધું કરવા ડહાપણ મેળવવા પ્રાર્થના કરીએ! (સભાશિક્ષક ૯:૧૧; યાકૂબ ૧:૫-૮) યહોવાહ આપણને તેમનો શબ્દ બાઇબલ, તેમનો પવિત્ર આત્મા અને તેમના સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; ૧ કોરીંથી ૨:૧૦; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) ડહાપણ આપણને ‘પ્રથમ પરમેશ્વરના રાજ્યને શોધવા’ અને આપણા દિવસોનો એવી રીતે ઉપયોગ કરવા પ્રેરે છે કે જેનાથી યહોવાહને મહિમા મળે અને તેમના હૃદયને આનંદ થાય. (માત્થી ૬:૨૫-૩૩; નીતિવચનો ૨૭:૧૧) જોકે, પૂરા હૃદયથી તેમની સેવા કરવાથી આપણી સમસ્યાઓ ઓછી થઈ જશે નહિ, પરંતુ, એનાથી આપણને આનંદ જરૂર મળશે.

ઑગસ્ટ ૮-૧૪

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૯૨-૧૦૧

“મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું”

(ગીતશાસ્ત્ર ૯૨:૧૨) ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે.

w૦૭ ૧૦/૧ ૩૨

ઉંમર ઢળે પણ ભક્તિનો રંગ ન છૂટે

ભૂમધ્ય સમુદ્રની પાસેના દેશોમાં રહેતા લોકો પોતાના આંગણાંમાં ખજૂરીઓ રોપે છે. ખજૂરીનાં ઝાડ દેખાવમાં સુંદર અને એનાં ફળ ખાવામાં મીઠાં હોય છે. એ ઝાડ સો કરતાં વધારે વર્ષો સુધી ફળ આપે છે.

પહેલાંના જમાનામાં ઈસ્રાએલી રાજા સુલેમાન થઈ ગયા. તેમણે એક કવિતામાં શૂલ્લામી નામની છોકરીને ખજૂરી સાથે સરખાવી છે. (ગીતોનું ગીત ૭:૭) બાઇબલના ઝાડછોડ નામનું અંગ્રેજી પુસ્તક કહે છે: ‘ખજૂરી માટે હેબ્રી શબ્દ “તામાર” વપરાય છે. યહુદી લોકોમાં એ શબ્દ ખૂબસૂરતી માટે વપરાતો હતો. ઘણી વાર તેઓ છોકરીનું નામ તામાર રાખતા.’ દાખલા તરીકે, સુલેમાનની સાવકી બહેનનું નામ તામાર હતું. તે દેખાવડી હતી. (૨ શમૂએલ ૧૩:૧) આજે પણ ઘણા દેશોમાં માબાપ પોતાની દીકરીનું નામ તામાર રાખે છે.

ફક્ત સુંદર સ્ત્રીઓની સરખામણી જ ખજૂરી કે તાડના ઝાડ સાથે થતી નથી. બાઇબલના એક લેખકે કહ્યું કે ‘ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાહના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરનાં આંગણાંમાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.’—ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૪.

ઘડપણમાં પણ પરમેશ્વરની ભક્તિ પૂરી શ્રદ્ધાથી કરનારા ભાઈ-બહેનો આ સુંદર ઝાડ જેવા છે. બાઇબલ જણાવે છે કે ‘સફેદ વાળ એ ગૌરવનો તાજ છે, સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.’ (નીતિવચનો ૧૬:૩૧, ઇઝી ટુ રીડ વર્શન) ઘડપણને લીધે તેઓ કમજોર થતાં જાય છે. પરંતુ બાઇબલનું જ્ઞાન લેતા રહેવાથી તેઓ જાણે કે તાજા ને તાજા જ હોય છે. યહોવાહની ભક્તિમાં તેઓ ઘણી હોંશ બતાવે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; યિર્મેયાહ ૧૭:૭, ૮) એવા ભાઈ-બહેનો આપણને ઉત્તેજન પૂરું પાડે છે, જેથી આપણે પણ પરમેશ્વરની ભક્તિ કરતા રહીએ. (તીતસ ૨:૨-૫; હેબ્રી ૧૩:૧૫, ૧૬) ખજૂરીનું ઝાડ વર્ષો સુધી ફળ આપતું રહે છે. એવી જ રીતે મોટી ઉંમરે પણ ભાઈ-બહેનો યહોવાહની ભક્તિમાં હર્યા-ભર્યા રહે છે.

w૦૬ ૮/૧ ૬ ¶૨

ગીતશાસ્ત્રના ત્રીજા અને ચોથા ભાગના મુખ્ય વિચારો

૯૨:૧૨—કઈ રીતે ‘ન્યાયી માણસ તાડની’ જેમ ફળ આપે છે? તાડ પુષ્કળ ફળ આપે છે. એવી જ રીતે ઈશ્વરભક્ત સારા કામ કરીને યહોવાહની નજરમાં “સારાં ફળ” આપે છે.—માત્થી ૭:૧૭-૨૦.

(ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪) જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરનાં આંગણાંમાં ખીલી રહેશે. ૧૪ તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.

w૧૪ ૧/૧૫ ૨૬ ¶૧૭

કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ

આજે આપણે વૃદ્ધ અને અશક્ત ભાઈ-બહેનોને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ. એમાંના અમુકને મંડળની સભાઓ અને સંમેલનોમાં જવું ગમે છે. પરંતુ તેઓ માટે ત્યાં જવું ઘણું અઘરું હોય છે. અમુક જગ્યાએ મંડળો ગોઠવણ કરે છે, જેથી એવાં ભાઈ-બહેનો સભાઓ ટેલીફોનથી સાંભળી શકે. પરંતુ, દરેક જગ્યાએ એમ કરવું શક્ય હોતું નથી. છતાં, એવાં ભાઈ-બહેનો સભામાં હાજર રહ્યાં વગર પણ શુદ્ધ ઉપાસનાને ટેકો આપી શકે છે. દાખલા તરીકે, મંડળોની પ્રગતિ માટે તેઓ પ્રાર્થના કરી શકે.—ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪ વાંચો.

w૦૪ ૫/૧૫ ૧૨ ¶૯-૧૦

યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી

“તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે”

યહોવાહના સેવકો ઘડપણમાં પણ પૂરા જોશથી તેમની ભક્તિ કરી શકે. એ વિષે ગીતશાસ્ત્ર જણાવે છે: “ન્યાયી માણસ તાડની [અથવા ખજૂરીની] પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૧૨, ૧૪.

તમારી ઉંમર વધી ગઈ હોય છતાં તમે કઈ રીતે યહોવાહની ભક્તિમાં તાજા રહી શકો? એક ઝાડનો દાખલો લો. ઝાડને કાયમ પાણી મળે તો જ લીલું રહી શકે. એ જ રીતે બાઇબલ પાણી જેવું છે. તમે એ પીતા રહો. યહોવાહના ભક્તો સાથે મળતા રહો તો તમે પણ તાજા રહી શકશો. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; યિર્મેયાહ ૧૭:૭, ૮) તમે રાજીખુશીથી યહોવાહની ભક્તિ કરો છો. તેથી, ભાઈબહેનોની નજરે તમે ખૂબ જ વહાલા છો. ચાલો આપણે યહોયાદા વિષે જોઈએ. તે પણ વૃદ્ધ અને એક મોટા યાજક હતા.

(ગીતશાસ્ત્ર ૯૨:૧૫) જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારો ખડક છે, અને તેનામાં કંઈ અન્યાય નથી.

w૦૪ ૫/૧૫ ૧૨-૧૪ ¶૧૩-૧૮

યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી

કદાચ તમારી તબિયત સારી ન રહેતી હોય તો તમે યહોવાહનો બહુ પ્રચાર કરી શકતા નહિ હોવ. તોપણ તમે ઈશ્વરની ‘સારી સેવા’ કરી શકો છો. તમે મંડળમાં હાજરી આપીને એમાં ભાગ લઈ શકો છો. પ્રચારમાં શક્ય હોય ત્યારે જઈ શકો છો. તમે પૂરા દિલથી બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનું” કહ્યું સાંભળો. આ રીતે તમે મંડળમાં બધાને હિંમત આપી શકશો. (માત્થી ૨૪:૪૫-૪૭) તમે યહોવાહના સેવકોને “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” ઉત્તેજન આપી શકો. (હેબ્રી ૧૦:૨૪, ૨૫; ફિલેમોન ૮, ૯) તેમ જ પાઊલની આ સલાહ પ્રમાણે ચાલવાથી તમે બીજાઓને ખૂબ સથવારો આપી શકશો: “વૃદ્ધોને કહેવું, કે તમારે સંયમી, ગંભીર, ઠરેલ, અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ; વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું, કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહિ, ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ.”—તીતસ ૨:૨-૪.

શું તમે મંડળના વડીલ તરીકે વર્ષોથી સેવા કરી છે? વડીલ તરીકે વર્ષોથી સેવા આપતા એક ભાઈ કહે છે: “એનાથી જીવનમાં ઘણું શીખવાનું મળે છે.” પછી તે સલાહ આપે છે: “બીજાઓને પણ જવાબદારી ઉપાડતા શીખવો. જેઓ શીખવા તૈયાર હોય તેઓને તમારી સલાહ આપો . . . તેઓની આવડત પારખો, એને બહાર લાવવા મદદ કરો. આ રીતે બીજાઓને તૈયાર કરો.” (પુનર્નિયમ ૩:૨૭, ૨૮) તમે પૂરા દિલથી પ્રચાર કામ આગળ વધારો, એના ઘણા આશીર્વાદો ભાઈ-બહેનોને પણ મળશે.

“લોકોને જણાવો કે યહોવાહ ન્યાયી છે”

મોટી ઉંમરના ભક્તો રાજીખુશીથી યહોવાહનું નામ જાહેર કરે છે. તમે વૃદ્ધ થઈ ગયા હોવ તો તમારી ભક્તિથી, આચાર-વિચારથી બીજાઓને બતાવી શકો કે ખુદ યહોવાહ ‘તમારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.’ (ગીતશાસ્ત્ર ૯૨:૧૫) ખજૂરીનું ઝાડ યહોવાહે બનાવ્યું છે. પણ એ તો ઝાડ છે, યહોવાહ વિષે બોલી તો ન જ શકે ને! પણ તમે તો યહોવાહ વિષે બોલી શકો છો. લોકોને સત્ય અપનાવવા સહાય કરવાનો તમને કેટલો મોટો લહાવો છે! (પુનર્નિયમ ૩૨:૭; ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮; યોએલ ૧:૨, ૩) શા માટે તમારે યહોવાહ વિષે બોલવું જોઈએ?

ઈસ્રાએલના આગેવાન, યહોશુઆ ‘ઘણા વૃદ્ધ’ થયા ત્યારે, “સર્વ ઈસ્રાએલને તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને, ને તેઓના ન્યાયાધીશોને, ને તેઓના અધિકારીઓને” બોલાવ્યા. તેમણે તેઓને યહોવાહના ન્યાયી કાર્યો યાદ કરાવ્યા અને પછી કહ્યું: “જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે.” (યહોશુઆ ૨૩:૧, ૨, ૧૪) પછી અમુક વર્ષો સુધી લોકો આ શબ્દો યાદ રાખીને યહોવાહની ભક્તિ કરતા રહ્યા. પણ યહોશુઆના મરણ પછી, “એક એવી પેઢી ઉત્પન્‍ન થઈ, કે જે યહોવાહને તથા ઈસ્રાએલને સારૂ તેણે જે કામ કર્યું હતું તે પણ, જાણતી નહોતી. હવે ઈસ્રાએલપુત્રોએ યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને બઆલીમની સેવા કરી.”—ન્યાયાધીશો ૨:૮-૧૧.

યહોશુઆએ ઘડપણમાં જે રીતે યહોવાહ વિષે શીખવ્યું એ રીતે આજે મંડળોમાં શીખવવામાં આવતું નથી. પણ જ્યારે આપણે આ છેલ્લા દિવસોમાં યહોવાહે પોતાના લોકો માટે કરેલા “સર્વ મોટાં કામ” વિષે સાંભળીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (ન્યાયાધીશો ૨:૭; ૨ પીતર ૧:૧૬-૧૯) તમે વર્ષોથી યહોવાહના સાક્ષી હોવ તો તમે ઘણું જોયું હશે. તમને યાદ હશે કે તમે જ્યાંથી આવો છો ત્યાં, અગાઉ સાવ થોડાક જ યહોવાહના સાક્ષીઓ હતા. કદાચ પ્રચાર કામનો વિરોધ પણ થયો હોય. પણ સમય જતા તમે જોયું હશે કે યહોવાહે કઈ રીતે અડચણો દૂર કરીને તેમનું કામ “જલદી” આગળ વધાર્યું. (યશાયાહ ૫૪:૧૭; ૬૦:૨૨) તમે એ પણ જોયું હશે કે દિવસે દિવસે યહોવાહે તેમની સંસ્થામાં કેવું માર્ગદર્શન આપ્યું છે અને બાઇબલમાંથી સત્યનું કેવું અજવાળું ફેલાવ્યું છે. (નીતિવચનો ૪:૧૮; યશાયાહ ૬૦:૧૭) શું તમે યહોવાહની સેવા કરવાના અનુભવો જણાવીને બીજાની શ્રદ્ધા મજબૂત કરો છો? જો એમ કરશો તો એનું પરિણામ બહુ જ સારું આવશે અને ઘણાની શ્રદ્ધા મજબૂત થઈ શકશે.

ઘણી વખત યહોવાહે તમને નિભાવી રાખ્યા હશે. તમારા પોતાના જીવનમાં ખુદ યહોવાહે તમને મદદ કરી હશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; માત્થી ૬:૩૩; ૧ પીતર ૫:૭) માર્થા નામના બા વર્ષોથી યહોવાહની ભક્તિ કરે છે. તે બીજાઓને આમ કહીને ઉત્તેજન આપે છે: “ભલે ગમે એ થાય યહોવાહને છોડતા નહિ. એ જ તમને સથવારો આપશે.” આ સલાહની ટોલમીના નામની બહેન પર ઘણી અસર પડી. તે માર્થા પાસેથી જ બાઇબલ શીખીને ૧૯૬૦માં યહોવાહના સાક્ષી બન્યા હતા. ટોલમીના કહે છે: “મારા પતિ ગુજરી ગયા પછી મારું જીવન સૂનું સૂનું થઈ ગયું હતું. પણ મને માર્થાના એ શબ્દો હજી યાદ હતા. એના લીધે હું દરેક સભાઓમાં ગઈ. મેં યહોવાહને છોડ્યા નહિ. યહોવાહે પણ મને ખૂબ સથવારો આપ્યો.” જે કોઈ ટોલમીના પાસેથી બાઇબલ શીખે તેઓને પણ તે વર્ષોથી એ જ સલાહ આપે છે. યહોવાહે તમારું કઈ કઈ રીતે ધ્યાન રાખ્યું છે એ વિષે વાત કરવાથી બીજાઓને ઘણી હિંમત મળી શકે.

કીમતી રત્નો શોધીએ

(ગીતશાસ્ત્ર ૯૯:૬, ૭) તેના યાજકોમાં મુસાએ તથા હારુને, અને તેના નામને અરજ કરનારામાં શમૂએલે પણ, યહોવાને અરજ કરી, અને તેણે ઉત્તર આપ્યો. ૭ મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યો; તેઓએ તેનાં સાક્ષ્યો તથા તેણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યાં.

w૧૫ ૭/૧૫ ૮ ¶૫

સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!

યહોવાને મહિમા આપીને આપણે, પ્રાચીન ઈશ્વરભક્તોને અનુસરીએ છીએ. એ વિશ્વાસુ ભક્તો વિશે ગીતશાસ્ત્ર ૯૯:૧-૩, ૫-૭માં જણાવવામાં આવ્યું છે. (વાંચો.) મુસા, હારૂન અને શમૂએલ જેવા વફાદાર ભક્તોએ, પ્રાચીન સમયમાં સાચી ભક્તિ માટે ઈશ્વરે જે ગોઠવણ કરી હતી, એને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. ખરું કે, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો ભાવિમાં ઈસુ સાથે સ્વર્ગમાં યાજકો તરીકે સેવા આપશે. પરંતુ, ત્યાં સુધી તેઓ પૃથ્વી પર સાચી ભક્તિની ગોઠવણમાં વફાદારીથી સેવા આપે છે. “બીજા ઘેટાં”નાં લાખો ભાઈ-બહેનો તેઓને વફાદારીથી સાથ આપી રહ્યાં છે. (યોહા. ૧૦:૧૬) એ બંને સમૂહો એક થઈને યહોવાની ઉપાસના કરી રહ્યા છે. જોકે, આપણે દરેકે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: “યહોવાએ કરેલી ભક્તિ માટેની ગોઠવણને શું હું પૂરેપૂરો સાથ-સહકાર આપું છું?”

(ગીતશાસ્ત્ર ૧૦૧:૨) હું સીધા માર્ગનું ધ્યાન કરીશ; તું મારી પાસે ક્યારે આવશે? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.

w૦૫ ૧૧/૧ ૨૪ ¶૧૪

શું તમે ઈશ્વર સાથે ચાલશો?

‘અદૃશ્ય ઈશ્વરને જોતા હોવ’ એમ ચાલો

યહોવાહમાં આપણને અતૂટ શ્રદ્ધા હશે તો જ આપણે તેમના માર્ગમાં ચાલી શકીશું. યાદ કરો, યહોવાહે ઈસ્રાએલના વફાદાર ભક્તોને ખાતરી અપાવી હતી કે તે તેઓને સત્ય શીખવવા તૈયાર છે. આજે પણ યહોવાહ પોતાના ભક્તોને શીખવવા તૈયાર છે. શું તમને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા છે કે તે તમને શીખવવા તમારી આગળ ઊભા છે? તેમના માર્ગમાં ચાલવા માટે આપણને એવી શ્રદ્ધા હોવી જ જોઈએ. મુસાને એવી જ શ્રદ્ધા હતી. તેથી પોતે ‘અદૃશ્ય ઈશ્વરને જોતા હોય’ એમ તે ચાલતા હતા. (હિબ્રૂ ૧૧:૨૭, પ્રેમસંદેશ) યહોવાહમાં એવી જ શ્રદ્ધા હશે તો આપણે એવા નિર્ણય લઈશું, જેથી તેમનું નામ બદનામ ન થાય. આપણે જાણીએ છીએ કે ખોટાં કામો ન કરવા જોઈએ. જો કરી બેસીએ તો મંડળના વડીલો કે આપણા કુટુંબથી એ સંતાડવા ન જોઈએ. ભાઈ-બહેનો આપણને એમ કરતા જુએ કે ન જુએ, આપણે ઈશ્વર સાથે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાઊદ રાજાની જેમ આપણે મનમાં ગાંઠ વાળીએ: “હું ખરા [શુદ્ધ] અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.”—ગીતશાસ્ત્ર ૧૦૧:૨.

ઑગસ્ટ ૧૫-૨૧

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૦૨-૧૦૫

“યહોવા જાણે છે કે આપણે ધૂળના છીએ”

(ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૨) યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. ૯ તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ કોપ રાખશે નહિ. ૧૦ તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. ૧૧ કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. ૧૨ પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે.

w૧૩ ૬/૧૫ ૨૦ ¶૧૪

યહોવાની વફાદારીના અને માફી આપવાના ગુણોની કદર કરીએ

યહોવાના માફી આપવાના ગુણ પર મનન કરવાથી ઘણો દિલાસો મળે છે! એ સમજવા, ચાલો એક કિસ્સો જોઈએ. ઘણાં વર્ષો પહેલાં એક બહેનને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. જોકે, એના અમુક વર્ષો પછી, તેમને મંડળમાં પાછા લેવામાં આવ્યાં. તે કબૂલે છે, ‘હું પોતાને અને બીજાઓને કહેતી તો હતી કે, યહોવાએ મને માફી આપી છે. છતાં, મને થતું કે યહોવા મારા કરતાં બીજાઓને વધારે ચાહે છે.’ યહોવા માફી આપે છે, એ વિશે બાઇબલમાંથી વાંચીને અને મનન કરીને એ બહેનને ઘણો દિલાસો મળ્યો. તે કહે છે, ‘મેં યહોવાનાં પ્રેમ અને દયાનો પહેલાં કદી આટલી હદે અનુભવ નહોતો કર્યો!’ તેમનાં દિલને ખાસ કરીને, આ વિચાર અસર કરી ગયો: ‘યહોવા પાપ ધોઈ નાખે એ પછી, આખી જિંદગી આપણે દિલમાં પાપનો ડાઘ લઈને ફરવું ન જોઈએ.’ બહેન આગળ જણાવે છે, ‘મને સમજાયું કે યહોવા પૂરી રીતે માફ કરે છે એવું હું પહેલાં માનતી નહોતી. મને લાગતું કે મારે જિંદગીભર પાપનો બોજો લઈને ચાલવું પડશે. ખરું કે, સમય લાગ્યો પણ, હું હવે યહોવાની વધારે નજીક જઈ રહી છું. તેમ જ, મારો બોજો ઊંચકી લેવામાં આવ્યો છે.’ યહોવા સાચે જ પ્રેમાળ અને માફી આપનાર ઈશ્વર છે.—ગીત. ૧૦૩:૯.

w૧૨ ૭/૧ ૨૧ ¶૧૭

આઝાદી આપનાર ઈશ્વરની ભક્તિ કરો

આપણામાંથી એવું કોઈ નથી જે ભૂલો કરતું ન હોય. (સભા. ૭:૨૦) એટલે, ભૂલ થઈ જાય ત્યારે નિરાશામાં ડૂબી જશો નહિ અથવા પોતાને નકામા ગણશો નહિ. જો તમે કોઈ ભૂલ કરો, તો એને સુધારવા જરૂરી પગલાં લો. જો એ માટે વડીલોની મદદ જરૂરી હોય, તો એ લેતા અચકાશો નહિ. યાકૂબે લખ્યું કે તેઓની ‘વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ યહોવા તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો એ તેને માફ કરવામાં આવશે.’ (યાકૂ. ૫:૧૫) કદી ભૂલશો નહિ કે ઈશ્વર દયાના સાગર છે; તેમણે તમારામાં કંઈક સારું જોયું છે, એટલે જ તમને મંડળમાં ખેંચી લાવ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૯ વાંચો.) તમે યહોવાને પૂરા દિલથી ભજતા રહેવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી, તે હંમેશાં તમને મદદ કરશે.—૧ કાળ. ૨૮:૯.

(ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. ૧૪ કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.

w૧૫ ૪/૧૫ ૨૬ ¶૮

હંમેશાં યહોવામાં ભરોસો રાખો!

યહોવા બહુ સારી રીતે જાણે છે કે કોઈ વ્યક્તિ કેટલું સહન કરી શકે. (ગીત. ૧૦૩:૧૪) તેથી, હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને જરૂરી સહનશક્તિ પૂરી પાડે છે. જોકે, આપણે વધુ સહન નહિ કરી શકીએ, એવું અમુક વાર અનુભવીએ છીએ. પરંતુ, યહોવા વચન આપે છે કે જો કસોટી અસહ્ય બની જશે, તો તે “છૂટકાનો માર્ગ” કાઢશે. (૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.) આપણી સહનશક્તિની હદ યહોવાને સારી રીતે ખબર છે. તેથી, તેમના પર ભરોસો મૂકવાથી આપણને ઘણો દિલાસો મળે છે.

w૧૩ ૬/૧૫ ૧૫ ¶૧૬

યહોવાની ઉદારતા અને વાજબીપણાના ગુણોની કદર કરીએ

ધારો કે તમે બહુ ગરીબ ઈસ્રાએલી છો. તમે થોડાક લોટ સાથે મુલાકાતમંડપ પાસે બલિદાન ચઢાવવા આવો છો. ત્યાં તમે પૈસાદાર ઈસ્રાએલીઓને જુઓ છો. તેઓ બલિદાન ચઢાવવા પ્રાણીઓ લાવ્યા છે. કદાચ તમને પોતાના નજીવા બલિદાન માટે શરમ લાગે. જોકે, તમને એ સમયે યાદ આવે કે, યહોવાની નજરે તમારું બલિદાન પણ મૂલ્યવાન છે. શા માટે? કારણ, યહોવા ચાહતા હતા કે વ્યક્તિ ઉત્તમ લોટ આપે. એમ કરીને, ગરીબ ઈસ્રાએલીઓને યહોવા જાણે કહેતા હતા: ‘હું સમજું છું કે બીજાઓની જેમ તમે ઘણું નથી આપી શકતા, પણ તમારાથી બની શકે એટલું તમે સારું આપો છો.’ સાચે જ, એ બતાવે છે કે યહોવા વાજબી રીતે વર્તે છે. તે ભક્તોના સંજોગો સમજે છે અને તેઓ પાસે હદ બહારની અપેક્ષા રાખતા નથી.—ગીત. ૧૦૩:૧૪.

(ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯) યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.

(ગીતશાસ્ત્ર ૧૦૩:૨૨) યહોવાના રાજ્યનાં સર્વ ઠેકાણાંમાં તેનાં સૌ કૃત્યો તેને સ્તુત્ય માનો; અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન.

w૧૦ ૧૧/૧ ૨૫ ¶૫

યહોવાહ જ વિશ્વના માલિક છે!

યહોવાહે આખી સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી, તે પૃથ્વી અને આખા વિશ્વના માલિક છે. (પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.) તે આપણા ન્યાયાધીશ, નિયમ આપનાર અને રાજા પણ છે. (યશા. ૩૩:૨૨) તેમણે આપણને ઉત્પન્‍ન કર્યા છે અને તેમના લીધે જ આપણે જીવીએ છીએ. એટલે તે જ આપણા માલિક છે. આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે ‘યહોવાહે પોતાની ગાદી સ્વર્ગમાં સ્થાપી છે; અને તેના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.’ (ગીત. ૧૦૩:૧૯; પ્રે.કૃ. ૪:૨૪) એ આપણે દિલથી સ્વીકારીશું તો, તેમની સત્તાને બધી જ રીતે માન આપીશું.

અભ્યાસ લેખોનું બ્રોશર ૦૭ ૩ ¶૧

વિશ્વના માલિક યહોવાહનું રાજ્ય

યહોવાહ વિશ્વના સરજનહાર છે. તેમણે જ બધું બનાવ્યું છે. તે એકલા જ વિશ્વના માલિક, સાચા ઈશ્વર છે. એ વિષે રાજા દાઊદે લખ્યું: “યહોવાહે પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯.

કીમતી રત્નો શોધીએ

(ગીતશાસ્ત્ર ૧૦૨:૧૨) પણ, હે યહોવા, તું સર્વકાળ ટકનાર છે; તારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે

(ગીતશાસ્ત્ર ૧૦૨:૨૭) પણ તું તો એવો ને એવો જ રહે છે, અને તારાં વર્ષોનો અંત આવશે નહિ.

w૧૪ ૩/૧૫ ૧૬ ¶૧૯-૨૧

યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ

‘દુઃખી વ્યક્તિની પ્રાર્થના’

ગીતશાસ્ત્ર અધ્યાય ૧૦૨ના લેખક ઘણા વ્યાકુળ હતા. તે શારીરિક અને માનસિક રીતે ઘણા “દુઃખી” હતા. પોતાની મુશ્કેલીઓનો સામનો કરવાની પણ તેમનામાં હિંમત ન હતી. (ગીત. ૧૦૨, ઉપરનું લખાણ) તેમના શબ્દો બતાવે છે કે તે દુઃખ, એકલાપણું અને બીજી લાગણીઓમાં ડૂબી ગયા હતા. (ગીત. ૧૦૨:૩, ૪, ૬, ૧૧) લેખકને લાગતું હતું કે યહોવા તેમને ફેંકી દેવા માંગે છે.—ગીત. ૧૦૨:૧૦.

છતાં, લેખક પોતાના જીવનનો ઉપયોગ યહોવાની સ્તુતિ માટે કરી શક્યા. (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૯-૨૧ વાંચો.) ગીતશાસ્ત્ર ૧૦૨માં જોવા મળે છે કે જેઓમાં વિશ્વાસ છે, તેઓ પણ દુઃખી થઈ શકે અને પછી તેમનાથી બીજા કશા પર ધ્યાન ન આપી શકાય. લેખકને પણ લાગ્યું કે પોતે, ‘અગાસી પર એકલી પડેલી ચકલી જેવા થઈ ગયા છે.’ અને જાણે કે મુશ્કેલીઓએ તેમને ઘેરી લીધા છે. (ગીત. ૧૦૨:૭) કોઈ વાર જો તમને પણ એવું લાગે, તો લેખકની જેમ યહોવાની આગળ તમારું દિલ ઠાલવો. પ્રાર્થના કરવાથી તમને ખોટા વિચારો પર જીત મેળવવા મદદ મળશે. યહોવાએ વચન આપ્યું છે કે ‘તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.’ (ગીત. ૧૦૨:૧૭) તેમના એ વચન પર ભરોસો રાખો.

ગીતશાસ્ત્ર ૧૦૨માં, આનંદી વલણમાં વધારો કરવા વિશે પણ બતાવ્યું છે. લેખકે પોતાનું ધ્યાન યહોવા સાથેના સંબંધ પર લગાડ્યું. (ગીત. ૧૦૨:૧૨, ૨૭) તેમને જાણીને ઘણો દિલાસો મળ્યો કે યહોવા પોતાના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશાં મદદ કરે છે. તેથી, જો ખોટા વિચારોને કારણે તમે ઈશ્વરની ભક્તિમાં પહેલાં જેટલું ન કરી શકો, તો એ વિશે પ્રાર્થના કરો. ઈશ્વરની પાસે માંગો કે તે તમારી પ્રાર્થના સાંભળે, જેથી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની સાથે સાથે ‘યહોવાનું નામ પ્રસિદ્ધ થાય.’—ગીત. ૧૦૨:૨૦, ૨૧.

(ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩) જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.

w૧૫ ૪/૧૫ ૨૫ ¶૭

યહોવામાં ભરોસો રાખવો જરૂરી

યહોવા શા માટે હંમેશાં આપણી પ્રાર્થનાઓનો તરત જવાબ આપતા નથી? બાઇબલ જણાવે છે કે યહોવા આપણા પિતા છે અને આપણે તેમનાં બાળકો છીએ. (ગીત. ૧૦૩:૧૩) એક બાળક કોઈ વસ્તુ માગે ત્યારે પિતા તેને તરત જ એ વસ્તુ આપી દેતા નથી. પિતા જાણે છે કે એક ઘડીએ બાળકને કોઈ વસ્તુ જરૂરી લાગે, પણ બીજી જ ઘડીએ એ તેની માટે નકામી બની જાય. બાળક માટે સૌથી સારું શું છે એની પિતાને જાણ છે. પિતાને એ પણ ખબર છે કે બાળકનું કહ્યું કરવાથી બીજાઓ પર કેવી અસર પડશે. તેથી, કહી શકાય કે બાળકને શું અને ક્યારે આપવું એ પિતા સારી રીતે જાણે છે. જો બાળકની દરેક માંગ તરત જ પૂરી કરશે, તો તે પિતા નહિ પણ ગુલામ કહેવાશે. એ જ પ્રમાણે, સ્વર્ગમાંના પિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમને ખ્યાલ છે કે આપણને શાની જરૂર છે. તેમજ, સમજદાર પિતાની જેમ તેમને ખ્યાલ છે કે એ જરૂરિયાત પૂરી કરવાનો સૌથી સારો સમય કયો છે. તેથી, સારું રહેશે કે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે એની રાહ જોઈએ.—વધુ માહિતી: યશાયા ૨૯:૧૬; ૪૫:૯.

ઑગસ્ટ ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૦૬-૧૦૯

“યહોવાનો આભાર માનો”

(ગીતશાસ્ત્ર ૧૦૬:૧-૩) યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેની કૃપા સદાકાળ ટકે છે. ૨ યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? ૩ ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.

w૧૫ ૧/૧૫ ૮ ¶૧

યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

યહોવા આપણને ‘દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન’ આપે છે. (યાકૂ. ૧:૧૭) તે એક પ્રેમાળ પાળક પણ છે અને આપણી દરેક જરૂરિયાતની કાળજી રાખે છે. (ગીત. ૨૩:૧-૩) એ માટે યહોવાની દિલથી કદર થવી જ જોઈએ. તે આપણા “આશ્રય તથા આપણું સામર્થ્ય” છે, ખાસ તો સંકટના સમયોમાં. (ગીત. ૪૬:૧) આપણે પણ એ લેખકના જેવું અનુભવીએ છીએ, જેમણે લખ્યું: ‘યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સદાકાળ ટકે છે.’—ગીત. ૧૦૬:૧.

w૦૨ ૬/૧ ૧૭ ¶૧૯

યહોવાહના ન્યાયીપણામાં આનંદ કરવો

આ મુશ્કેલ અને અનિશ્ચિત સમયોમાં, યહોવાહના ન્યાયીપણામાં હર્ષ કરીને આપણે સલામતી અને રક્ષણ મેળવીએ છીએ. “હે યહોવાહ, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?” એ પ્રશ્નોનો જવાબ રાજા દાઊદે આપ્યો: “જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે.” (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨) પરમેશ્વરના ન્યાયીપણાને વળગી રહીને અને એમાં હર્ષ કરીને આપણે તેમની સાથે સારો સંબંધ જાળવી શકીએ અને તેમની કૃપા તથા આશીર્વાદનો સતત આનંદ માણી શકીએ છીએ. આમ, આપણે જીવનમાં સંતોષ, સ્વમાન અને મનની શાંતિ મેળવીએ છીએ. યહોવાહ કહે છે “જે માણસ ભલાઇ, પ્રેમ અને દયાથી વર્તે છે, તેને જીવન, ન્યાયીપણું અને માન મળે છે.” (નીતિવચનો ૨૧:૨૧, IBSI) વધુમાં, આપણા જીવનમાં ન્યાયી અને સાચી બાબતો કરવામાં બનતો બધો જ પ્રયત્ન કરીને, આપણે ખુશીથી તેમની સાથે વ્યક્તિગત સંબંધ રાખી શકીશું અને નૈતિક તથા આત્મિક રીતે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકીશું. ગીતકર્તાએ ગાયું: “ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.”—ગીતશાસ્ત્ર ૧૦૬:૩.

(ગીતશાસ્ત્ર ૧૦૬:૭-૧૪)મિસરમાંના તારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહિ; તેઓએ તારી અપાર કૃપા સંભારી નહિ; પણ સમુદ્ર પાસે, એટલે લાલ સમુદ્ર પાસે, તેઓએ તને ચીડવ્યો. ૮ તો પણ તેણે પોતાના નામની ખાતર, અને પોતાનું પરાક્રમ દેખાડવાને માટે, તેમને તાર્યા. ૯ લાલ સમુદ્રને પણ તેણે ધમકાવ્યો, એટલે તે સૂકાઈ ગયો; એ પ્રમાણે તેણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા. ૧૦ તેણે તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા. ૧૧ તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેમાંનો એકે બચ્યો નહિ. ૧૨ ત્યારે તેઓએ તેની વાતો પર વિશ્વાસ રાખ્યો; તેઓએ તેનાં સ્તોત્ર ગાયાં. ૧૩ તેઓ જલદી તેનાં કૃત્યો વિસરી ગયા; તેની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ. ૧૪ પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી, અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી.

(ગીતશાસ્ત્ર ૧૦૬:૧૯-૨૫) તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો, અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી. ૨૦ આ પ્રમાણે તેઓએ ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલી નાખ્યો. ૨૧ જેણે મિસરમાં મહાભારત કૃત્યો, તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો, ૨૨ અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં, તેને, પોતાના તારનાર ઈશ્વરને, તેઓ વિસરી ગયા. ૨૩ માટે તેણે તેઓનો સંહાર કરવાને કહ્યું; પણ તેનો સંહાર કરવાને થએલા આ કોપને શમાવવાને તેનો પસંદ કરેલો મુસા વચ્ચે પડ્યો, અને તેની સંમુખ આવીને ઊભો કહ્યો. ૨૪ તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો, તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ; ૨૫ તેઓએ પોતાના ડેરાઓમાં કચકચ કરીને યહોવાની વાણી સાંભળી નહિ.

(ગીતશાસ્ત્ર ૧૦૬:૩૫-૩૯) પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા, અને તેઓનાં કામ શીખ્યા. ૩૬ તેઓએ તેમની મૂર્તિઓની સેવા કરી; અને તે તેઓને પાશરૂપ થઈ પડી. ૩૭ વળી તેઓએ પોતાનાં દીકરાદીકરીઓનું ભૂતોને બલિદાન આપ્યું, ૩૮ તેઓએ નિરપરાધી રક્ત, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું રક્ત, વહેવડાવ્યું; તેઓએ એમને કનાનની મૂર્તિઓને ચઢાવ્યાં; અને રક્તથી દેશને અશુદ્ધ કર્યો. ૩૯ આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.

w૧૫ ૧/૧૫ ૮-૯ ¶૨-૩

યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

યહોવાનો આભાર માનવો શા માટે મહત્ત્વનો છે? બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે આ છેલ્લા દિવસોમાં લોકો આભાર ન માનનારા હશે. (૨ તીમો. ૩:૨) યહોવાએ કરેલા આટલા ઉપકારો છતાં ઘણા લોકો તેમની કદર કરતા નથી. આ જગતે લાખો લોકોને ધનદોલતની પાછળ દોડવા લલચાવ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતાં ઘણું વધારે મેળવી લેવા ચાહે છે. તેઓ પાસે ગમે તેટલું હોવા છતાં તેઓ ધરાતા નથી. પ્રાચીન ઈસ્રાએલીઓએ પણ એવું વલણ બતાવ્યું હતું. તેઓએ યહોવા સાથેના સંબંધની કદર કરી નહિ અને તેમણે આપેલા આશીર્વાદોનો આભાર માન્યો નહિ. તેથી, જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ પ્રાચીન ઈસ્રાએલીઓ જેવા બની જઈશું.—ગીત. ૧૦૬:૭, ૧૧-૧૩.

પરંતુ, આપણા પર દુઃખ-તકલીફો આવી પડે એવા સમય વિશે શું? એવા સમયમાં જો આપણે મુશ્કેલીઓ વિશે જ વિચાર્યા કરીશું, તો યહોવાના આશીર્વાદો જોઈ શકીશું નહિ. (ગીત. ૧૧૬:૩) તો સવાલ થાય કે, આપણે એવા સંજોગોમાં પણ કઈ રીતે યહોવાનો આભાર માનતા રહી શકીએ? સખત મુશ્કેલીઓમાં પણ આપણે કઈ રીતે આનંદી વલણ જાળવી રાખી શકીએ? ચાલો જોઈએ.

w૦૧ ૬/૧૫ ૧૩ ¶૧-૩

સાંભળીને ભૂલી જનારા ન બનો

યહોવાહે મિસરમાં કરેલા ચમત્કારો કદી “ભૂલી શકાય નહિ” એવા હતા. દસ આફતોમાંની દરેક ખરેખર ચમત્કાર હતી. ફક્ત દસ આફતો જ નહિ, પણ જુઓ, લાલ સમુદ્રના પાણીના બે ભાગ થઈ ગયા અને ઈસ્રાએલીઓનો અદ્‍ભુત બચાવ થયો! (પુનર્નિયમ ૩૪:૧૦-૧૨) આ બધા ચમત્કારો તમે નજરોનજર જોયા હોય તો, શું તમે ક્યારેય એ ચમત્કારો કરનારને ભૂલી જશો? તોપણ, ગીતશાસ્ત્રના લેખકે કહ્યું: “જેણે મિસરમાં મહાભારત કૃત્યો, તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો, અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં, તેને, પોતાના તારનાર દેવને, તેઓ [ઈસ્રાએલીઓ] વિસરી ગયા.”—ગીતશાસ્ત્ર ૧૦૬:૨૧, ૨૨.

લાલ સમુદ્રમાંથી ચાલ્યા પછી, ઈસ્રાએલીઓ ‘યહોવાહથી બીધા; અને યહોવાહ પર તેમનો વિશ્વાસ બેઠો.’ (નિર્ગમન ૧૪:૩૧) ઈસ્રાએલના લોકોએ મુસાની સાથે વિજયનું ગીત ગાઈને યહોવાહની સ્તુતિ કરી. વળી, મરિયમ અને બીજી સ્ત્રીઓ પણ ડફ વગાડતાં અને નાચતાં નાચતાં તેઓની સાથે જોડાઈ. (નિર્ગમન ૧૫:૧, ૨૦) ખરેખર, યહોવાહના લોકો ચમત્કારો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. પરંતુ એ મહાન ચમત્કાર કરનાર પ્રત્યેની તેઓની કદર લાંબો સમય ટકી નહિ. થોડા જ સમયમાં તેઓએ જાણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હોય એવું વર્તન કર્યું. તેઓએ યહોવાહ વિરુદ્ધ ઘણી કચકચ અને ફરિયાદ કરી. કેટલાક તો મૂર્તિ પૂજા અને વ્યભિચારમાં પણ સંડોવાયા.—ગણના ૧૪:૨૭; ૨૫:૧-૯.

શા માટે ભૂલી જઈ શકીએ?

ઈસ્રાએલીઓની કદરની ખામી ખરેખર માની ન શકાય એવી છે. પરંતુ, એવું જ આપણા માટે પણ બની શકે. ખરું કે આપણે પરમેશ્વરના આવા ચમત્કારો નજરોનજર જોયા નથી. તેમ છતાં, પરમેશ્વરે આપણા માટે એવું ઘણું કર્યું છે, જે આપણે ભૂલી શકતા નથી. કેટલાકને એ સમય યાદ હશે જ્યારે પોતે બાઇબલ સત્ય સ્વીકાર્યું. યહોવાહને સમર્પણની પ્રાર્થના અને સાચા ખ્રિસ્તી તરીકે લીધેલું બાપ્તિસ્મા પણ બીજા આનંદિત પ્રસંગોમાં સામેલ કરી શકીએ. આપણે દરેકે જીવનના કોઈને કોઈ પાસામાં યહોવાહની મદદ અનુભવી છે. (ગીતશાસ્ત્ર ૧૧૮:૧૫) એ ઉપરાંત, પરમેશ્વરના પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તના બલિદાનથી આપણે તારણની આશા મેળવી છે. (યોહાન ૩:૧૬) તેમ છતાં, અપૂર્ણતાના કારણે, આપણે ખોટી ઇચ્છાઓ અને જીવનની ચિંતાઓ અનુભવીએ છીએ ત્યારે, આપણે પણ યહોવાહે આપણા માટે જે કર્યું છે, એ સહેલાઈથી ભૂલી જઈ શકીએ.

(ગીતશાસ્ત્ર ૧૦૬:૪, ૫) હે યહોવા, જે મહેરબાની તું તારા લોક પર રાખે છે, તે મહેરબાનીથી તું મને સંભાર; તારું તારણ આપીને મારી મુલાકાત લે; ૫ જેથી હું તારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું, ને તારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.

(ગીતશાસ્ત્ર ૧૦૬:૪૮) ઈસ્રાએલનો ઈશ્વર યહોવા અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. અને સર્વ લોકો આમેન કહો. તમે યહોવાની સ્તુતિ કરો.

w૧૧-E ૧૦/૧૫ ૫ ¶૭

ભેગા મળીને આનંદ કરીએ

આપણાં ભાઈ-બહેનોના સંજોગો અલગ અલગ હોય છે. અને એમાં તેઓનું વલણ પણ અલગ અલગ હોય છે. પ્રેરિત પાઊલે લખ્યું: “હંમેશાં આનંદ કરતા રહો.” (૧ થેસ્સા. ૫:૧૬) આપણી પાસે એકબીજા સાથે ખુશી મનાવવાના અને આનંદિત રહેવાનાં ઘણાં કારણો છે. આપણે સૌથી મહાન ઈશ્વર, યહોવાની ઉપાસના કરીએ છીએ; બાઇબલમાં રહેલા સત્યને સમજીએ છીએ; આપણી પાસે તારણ મેળવવાની અને હંમેશાં જીવવાની આશા છે. અને આપણે બીજાઓને પણ એ આશીર્વાદો મેળવવા મદદ કરી શકીએ છીએ.—ગીત. ૧૦૬:૪, ૫; યિર્મે. ૧૫:૧૬; રોમ. ૧૨:૧૨.

w૦૩ ૧૨/૧ ૧૫-૧૬ ¶૩-૬

“આભારી બનો”

આભાર માનવા માટેનાં કારણો

યહોવાહ પરમેશ્વરે આપણને જીવન આપ્યું છે. તેમ જ તેમણે ઉદારતાથી આપણને અઢળક ભેટો આપી છે. એ માટે આપણે તેમના આભારી છીએ. (યાકૂબ ૧:૧૭) આપણે જીવતા છીએ એ માટે પણ આપણે દરરોજ તેમનો આભાર માનવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૬:૯) યહોવાહે બનાવેલા સૂર્ય, ચંદ્ર અને તારાઓ આપણે જોઈએ છીએ. વળી, યહોવાહે બનાવેલી પૃથ્વીમાં પુષ્કળ ખોરાક અને જીવવા માટે હવા છે. તેમ જ તેમણે નાનાં-મોટાં જીવજંતુઓ પણ બનાવ્યા છે. આ બધા પુરાવાઓ બતાવે છે કે આપણા પિતા કેટલા પ્રેમાળ છે. શું એ માટે તેમનો આભાર માનવો ન જોઈએ? દાઊદ રાજાએ લખ્યું: “હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.”—ગીતશાસ્ત્ર ૪૦:૫.

જોકે, આજે દુનિયાની ખરાબ પરિસ્થિતિને લીધે આપણે સુખચેનમાં રહી શકતા નથી. પરંતુ યહોવાહની ભક્તિમાં આપણને ઘણી રીતે સુખ અને શાંતિ મળે છે. કિંગ્ડમ હૉલમાં અને અનેક સંમેલનોમાં ભાઈબહેનોમાં આપણને પવિત્ર આત્માનાં ગુણો જોવા મળે છે. નાસ્તિક કે ધર્મમાં બહુ માનતા ન હોય એવા લોકોને પ્રચાર કરતા, અમુક સાક્ષીઓ સૌથી પહેલાં “દેહનાં કામ” પર ધ્યાન દોરે છે. આમ, સાક્ષીઓ ઘરમાલિકને ગલાતીના પત્રમાં પાઊલે જે કહ્યું એ જણાવે છે. પછી તેઓ સાંભળનારને પૂછે છે કે ‘શું તમે એવું જોયું છે?’ (ગલાતી ૫:૧૯-૨૩) મોટા ભાગના લોકો સહમત થાય છે કે આજે દુનિયામાં આવું જ જોવા મળે છે. પછી, તેઓને પરમેશ્વરના પવિત્ર આત્માનાં ફળો બતાવવામાં આવે છે. તેથી, જ્યારે ઘરમાલિક કિંગ્ડમ હૉલમાં આવે છે ત્યારે, તેઓ પોતે કહે છે: “તમારી વચ્ચે સાચે જ ઈશ્વરની હાજરી છે.” (૧ કોરિંથી ૧૪:૨૫, IBSI) ફક્ત કિંગ્ડમ હૉલમાં જ આવું વલણ જોવા મળતું નથી. પરંતુ, આપણે આખી દુનિયાના કોઈ પણ ખુણામાં યહોવાહના સાક્ષીઓને મળીશું તો, આપણને એવું જ આનંદી વલણ જોવા મળશે. ખરેખર, ભાઈબહેનોની સંગતથી આપણને જે ઉત્તેજન મળે છે, એ માટે પણ આપણે યહોવાહના આભારી થવું જોઈએ. કેમ કે, યહોવાહ ભાઈબહેનોને આશીર્વાદ આપે છે.—સફાન્યાહ ૩:૯; એફેસી ૩:૨૦, ૨૧.

યહોવાહે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપીને આપણને સૌથી મોટી અને કીમતી ભેટ આપી છે. પ્રેષિત યોહાને લખ્યું, “જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.” (૧ યોહાન ૪:૧૧) ઈસુએ આપેલા બલિદાનની કદર કરીને આપણે કઈ રીતે આભાર બતાવી શકીએ? આપણે યહોવાહને પૂરા દિલથી પ્રેમ કરવો જોઈએ. એટલું જ નહિ, આપણા પડોશીઓ પ્રત્યે પણ પ્રેમ બતાવવો જોઈએ.—માત્થી ૨૨:૩૭-૩૯.

યહોવાહ અને ઈસ્રાએલીઓ વચ્ચેના સંબંધમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવાહે મુસા દ્વારા નિયમો આપીને, પોતાના લોકોને ઘણા પાઠ શીખવ્યા હતા. ‘જ્ઞાન તથા સત્યના સ્વરૂપ નિયમશાસ્ત્રમાંથી’ આપણે પણ ઘણું શીખી શકીએ. એ આપણને પાઊલની આ સલાહ પાળવા મદદ કરશે: ‘આભારી બનો.’—રૂમીઓને પત્ર ૨:૨૦; કોલોસી ૩:૧૫, પ્રેમસંદેશ.

કીમતી રત્નો શોધીએ

(ગીતશાસ્ત્ર ૧૦૯:૮) તેના દહાડા થોડા થાઓ; અને તેનો હોદ્દો બીજો લઈ લો.

w૦૦ ૧૨/૧૫ ૨૪ ¶૨૦

વિશ્વાસમાં સંપૂર્ણ થઈને દૃઢ રહો

મોટા ભાગે બધા ભાઈબહેનો વિશ્વાસમાં દૃઢ રહે છે. પરંતુ, અમુક લોકો ન રહેતા હોય તો, એનાથી તમે નિરુત્સાહ ન થઈ જાઓ. અમુક લોકો વિશ્વાસમાં મંદ થઈ જશે, અવળા માર્ગે ચડી જશે અથવા પ્રગતિ કરવાનું છોડી દેશે. જોકે, ઈસુના પ્રેષિતોમાં પણ આવું થયું હતું. પરંતુ યહુદાએ વિશ્વાસઘાત કર્યો ત્યારે, શું બીજા પ્રેષિતો નિરુત્સાહ થઈ ગયા હતા? જરાય નહિ! પીતરે ગીતશાસ્ત્ર ૧૦૯:૮ લાગુ પાડીને બતાવ્યું કે બીજી વ્યક્તિ યહુદાની જગ્યા લેશે. તેની અવેજીમાં બીજાને પસંદ કરવામાં આવ્યો અને પરમેશ્વરના વફાદાર સેવકોએ હિંમતથી પ્રચાર કરવાનું ચાલું રાખ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫-૨૬) તેઓએ સંપૂર્ણ વિશ્વાસથી દૃઢ રહેવાનો નિર્ણય કર્યો હતો.

it-1-E ૮૫૭-૮૫૮

પહેલેથી જાણ હોવી, નિમિત્ત કરવું

શું ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું કે ભવિષ્યવાણી પૂરી કરવા યહુદા ઈસુને દગો દેશે?

યહુદા ઇસ્કારિયોતના વિશ્વાસઘાતી વર્તનથી યહોવાએ કરેલી ભવિષ્યવાણી પૂરી થઈ. તેમ જ, એનાથી દેખાય આવ્યું કે યહોવા અને તેમના દીકરા ઈસુ ભવિષ્ય વિશે જાણે છે. (ગી ૪૧:૯; ૫૫:૧૨, ૧૩; ૧૦૯:૮; પ્રેકા ૧:૧૬-૨૦) તોપણ, એમ કહેવું ખોટું છે કે પરમેશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું કે યહુદા દગો દેશે. ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે ઈસુનો કોઈ નજીકનો મિત્ર તેમને દગો દેશે. પણ, એ કયો મિત્ર હશે એ જણાવ્યું ન હતું. વળી, બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે પરમેશ્વર યહુદાને આવું કામ કરવા નિમિત્ત ઠરાવે એ શક્ય નથી. ઈશ્વરનાં ધોરણો વિશે પ્રેરિત જણાવે છે: “કોઈ માણસની નિમણૂક કરવામાં ઉતાવળ ન કર; બીજાઓનાં પાપમાં ભાગીદાર ન બન; તારું ચારિત્ર શુદ્ધ રાખ.” (૧તિ ૫:૨૨; વધુ માહિતી ૩:૬) ઈસુએ પ્રેરિતોની પસંદગી કરતાં પહેલાં આખી રાત પિતા યહોવાને પ્રાર્થનામાં મદદ માંગી. આ બતાવે છે કે તે પોતાના ૧૨ પ્રેરિતોની પસંદગી સમજદારીથી અને યોગ્ય રીતે કરવા માંગતા હતા. (લુક ૬:૧૨-૧૬) જો ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હોત કે યહુદા વિશ્વાસઘાત કરવાનો છે, તો એ ઈશ્વરે આપેલા માર્ગદર્શન વિરુદ્ધ હોત અને નિયમ પ્રમાણે ઈશ્વર પોતે એ પાપના ભાગીદાર થાત.

આથી, એ સ્પષ્ટ થાય છે કે જ્યારે પ્રેરિત તરીકે યહુદાની પસંદગી કરવામાં આવી, ત્યારે તેના દિલમાં દગો દેવાનો કોઈ ઇરાદો ન હતો. પણ, તેણે પોતાના દિલમાં, ‘ઝેરી મૂળ ફૂટી નીકળવા’ દીધું અને પોતાને ભ્રષ્ટ કર્યો. એના પરિણામે તે ભટકી ગયો અને પરમેશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલવાને બદલે શેતાનના રસ્તે ચાલી નીકળ્યો. તે ચોરી કરવા અને દગો આપવાનું વિચારવા લાગ્યો. (હિબ્રૂ ૧૨:૧૪, ૧૫; યોહ ૧૩:૨; પ્રેકા ૧:૨૪, ૨૫; યાકૂ ૧:૧૪, ૧૫; યહુદા નં. ૪ જુઓ.) જ્યારે યહુદાનું વલણ હદ વટાવી ગયું, ત્યારે યહુદાના દિલમાં શું ચાલી રહ્યું છે એ ઈસુ જોઈ શકતા હતા અને તેમણે ભાખ્યું કે યહુદા તેમને દગો દેશે.—યોહ ૧૩:૧૦, ૧૧.

યોહાન ૬:૬૪નો અહેવાલ જણાવે છે કે ઈસુના શિક્ષણ પર અમુક શિષ્યોએ વિશ્વાસ કર્યો નહિ. ઈસુને “પહેલેથી ખબર હતી કે કોણ માનતા નથી અને કોણ તેમને દગો દેશે.” ૨ પિતર ૩:૪માં વપરાયેલો ગ્રીક શબ્દ આરખેનો અર્થ, દુનિયાનું સર્જન થયું એ સમય થાય છે. પણ, એ શબ્દને બીજે પણ વાપરવામાં આવ્યો છે. (લુક ૧:૨; યોહ ૧૫:૨૭) દાખલા તરીકે, વિદેશીઓ પર પવિત્ર શક્તિ આવવા વિશે પ્રેરિત પીતર વાત કરતા હતા ત્યારે, તેમણે કહ્યું, “જેમ આપણા પર શરૂઆતમાં પવિત્ર શક્તિ આવી હતી.” અહીંયા, “શરૂઆત” કહીને તે પોતાના પ્રેરિત બનવાના સમયને નહિ, પણ પોતાના સેવાકાર્યના ખાસ પ્રસંગ, પેન્તેકોસ્ત ૩૩ના સમયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે ‘શરૂઆતમાં’ પવિત્ર શક્તિ એક ખાસ હેતુથી લોકોને આપવામાં આવી હતી. (પ્રેકા ૧૧:૧૫; ૨:૧-૪) એટલા માટે, યોહાન ૬:૬૪ પર, લેંગની કોમેન્ટરી ઓન ધી હોલી સ્ક્રિપ્ચર્સ (પાન ૨૨૭) જણાવે છે: ‘શરૂઆતનો મતલબ દુનિયાની શરૂઆત થઈ, એ સમય નહિ કે ઈસુ જ્યારે પોતાના શિષ્યોને પહેલી વાર મળ્યા, એ સમય નહિ કે પછી જ્યારે તેમણે પોતાના શિષ્યોને પસંદ કરવાનું શરૂ કર્યું, એ સમય નહિ કે જ્યારે તેમણે પોતાનું પ્રચારકામ શરૂ કર્યું, એ સમય પણ નહિ. પરંતુ, “શરૂઆત” એ સમયને દર્શાવે છે જ્યારથી તેમના શિષ્યોના મનમાં શંકા ઉભી થઈ, જેનાથી તેઓએ ઈસુના શિક્ષણને લીધે ઠોકર ખાધી. આ રીતે, તે શરૂઆતથી જાણતા હતા કે તેમને દગો દેનાર કોણ છે.’—અનુવાદક અને સંપાદક, પી. શાફ, ૧૯૭૬; વધુ માહિતી ૧યો ૩:૮, ૧૧, ૧૨.

(ગીતશાસ્ત્ર ૧૦૯:૩૧) કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે યહોવા તેને જમણે હાથે ઊભો રહેશે.

w૦૬ ૯/૧ ૧૯ ¶૬

ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો

૧૦૯:૩૦, ૩૧; ૧૧૦:૫. સામાન્ય રીતે લડાઈમાં સૈનિકના ડાબા હાથમાં ઢાલ અને જમણા હાથમાં તલવાર રહેતી. એ કારણથી તેને ઢાલથી જમણી બાજુ રક્ષણ ન મળતું. પણ અહીંયા યહોવાહ જાણે તેમના સેવકોને જમણે હાથે ઊભા રહીને, તેઓ માટે લડતા હોય એવું દર્શાવે છે. તે તેઓને રક્ષણ આપીને મદદ કરે છે. તેમનો બહુ જ આભાર માનવાને આપણી પાસે અજોડ કારણ છે!

ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૧૦-૧૧૮

“હું યહોવાને શો બદલો આપું?”

(ગીતશાસ્ત્ર ૧૧૬:૩, ૪) મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું; મને સંકટ તથા શોક આવી મળ્યાં હતાં. ૪ ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી, કે હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવ.

(ગીતશાસ્ત્ર ૧૧૬:૮) તેં મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યાં.

w૮૭ ૪/૧ ૨૬ ¶૫

સુખી દેવ, સુખી લોકો!

૧૧૬:૩—“મરણના દોરડાં” શું છે?

તોડી ન શકાય એવા દોરડાથી મરણે ગીતકર્તાને સખત રીતે બાંધ્યા હતા કે એવું લાગ્યું કે, જાણે બચાવ અશક્ય હતો. શરીરના અવયવો ફરતે સખત રીતે બાંધેલા દોરડા તીવ્ર વેદના અથવા પીડા આપે છે અને ગ્રીક સેપ્ટુઆજિંટ વર્શન “દોરડા” માટેના હિબ્રુ શબ્દનો “પીડા” તરજૂમો કરે છે. તેથી, ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે, તે મરણની પક્ષઘાતી પકડ અથવા પીડામાં હતાં. એટલા માટે, જ્યારે યહોવાહે ઈસુનું પુનરુત્થાન કર્યું ત્યારે, તે “મરણની પીડાઓને ઢીલી કરી રહ્યા” હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૪.

(ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨) હું યહોવાના મારા પર થએલા સર્વ ઉપકારોનો તેને શો બદલો આપું?

w૦૯-E ૭/૧૫ ૨૯ ¶૪-૫

ખુશીથી સ્વીકારો, આપવામાં દિલદાર બનો

ગીતકર્તાએ કહ્યું: “હું યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેને શો બદલો આપું?” (ગીત. ૧૧૬:૧૨) યહોવાએ તેમના પર કેવા ઉપકારો કર્યા હતા? યહોવાએ તેમને “સંકટ અને શોકના” સમયે સાચવ્યા હતા. એટલું જ નહીં તેમને ‘મોતના મોંમાંથી’ બચાવ્યા હતા. હવે, તે યહોવાને બદલામાં કંઈક આપવા ઇચ્છતા હતા. ગીતકર્તા યહોવાને શું આપી શકે? તેમણે કહ્યું: ‘યહોવાની આગળ મેં જે માનતા લીધી છે, તે હું પૂરી કરીશ.’ (ગીત. ૧૧૬:૩, ૪, ૮, ૧૦-૧૪) તેમણે નિશ્ચય કરી લીધો હતો કે યહોવા આગળ જે પણ માનતા લીધી છે અને તેમની જે પણ જવાબદારી હશે, તે પૂરી કરશે.

તમે પણ એમ કરી શકો છો. કેવી રીતે? હંમેશાં એવું જીવન જીવીને જે પરમેશ્વરના નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય. એટલે, ધ્યાન રાખો કે યહોવાની ભક્તિ તમારા જીવનનું મુખ્ય લક્ષ્ય હોય અને જીવનના દરેક પાસાંમાં તેમની પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલો. (સભા. ૧૨:૧૩; ગલા. ૫:૧૬-૧૮) ખરું જોવા જઈએ તો, આપણે યહોવાના ઉપકારનો પૂરેપૂરો બદલો ક્યારેય નહિ ચૂકવી શકીએ. તેમ છતાં, તમે પૂરા મનથી પોતાનું સર્વ, યહોવાની સેવામાં આપો છો ત્યારે ‘યહોવાનું હૃદય ખુશ થાય છે.’ (નીતિ. ૨૭:૧૧) યહોવાને ખુશ કરવાનો કેટલો મોટો લહાવો!

w૯૮ ૧૨/૧ ૨૪ ¶૩

મટી મટી પ્રવૃત્તિના આંગ

ગિલયડના શિક્ષકોમાંના ત્રણ સભ્યોએ ત્યાર પછીના વાર્તાલાપો આપ્યા. કાલ આદમ્સે પ્રથમ વાર્તાલાપ આપ્યો, જેનો વિષય હતો, “તમે યહોવાહને શો બદલો આપશો?” તેમનો વાર્તાલાપ ૧૧૬માં ગીત પર આધારિત હતો, જે ઈસુએ પોતાના મરણની આગળની રાત્રે ગાયું હાય શકે. (માત્થી ૨૬:૩૦) “હું યહોવાહના મારા પર થએલા સર્વ ઉપકારાનો તેને શો બદલો આપું?” ઈસુએ આ શબ્દો ગાયા ત્યારે, તેમના મનમાં કેવા વિચારો ચાલતા હશે? (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨) યહોવાહ દેવે તૈયાર કરેલા સંપૂર્ણ શરીર પર તે મનન કરી રહ્યા હોય શકે. (હેબ્રી ૧૦:૫) અને એ પછીના દિવસે તો, તે એ શરીર બલિદાન તરીકે અર્પણ કરવાના હતા, જે તેમના ઊંડા પ્રેમની સાબિતી હતી. એકસો પાંચમાં વર્ગના વિદ્યાર્થીઓએ છેલ્લા પાંચ મહિના યહોવાહની ભલાઈનો સ્વાદ ચાખ્યો હતો. હવે તેઓએ દેવને પોતાનો પ્રેમ પોતાની મિશનરિ સોંપણીમાં બતાવવાનો હતો.

(ગીતશાસ્ત્ર ૧૧૬:૧૩, ૧૪) હું તારણનો પ્યાલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ. ૧૪ યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેના સર્વ લોકની સમક્ષ પૂરી કરીશ.

(ગીતશાસ્ત્ર ૧૧૬:૧૭, ૧૮) હું તારી આગળ સ્તુત્યાર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ. ૧૮ યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે તે હું તેના સર્વ લોકોની સમક્ષ પાળીશ

w૧૦ ૪/૧ ૨૯, બૉક્સ

ઉત્સાહથી ઈસુને અનુસરીએ

ઈસુને અનુસરવા માટેનાં અમુક સૂચનો

▪ દરરોજ બાઇબલ વાંચો અને એના પર મનન કરો.—ગીત. ૧:૧-૩; ૧ તીમો. ૪:૧૫.

▪ ઈશ્વર પાસે શક્તિ અને માર્ગદર્શન માટે વારંવાર પ્રાર્થના કરો.—ઝખા. ૪:૬; લુક ૧૧:૯, ૧૩.

▪ પ્રચાર કામમાં પૂરો ઉત્સાહ બતાવે છે તેઓની સંગતમાં રહો.—નીતિ. ૧૩:૨૦; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

▪ હંમેશાં ધ્યાનમાં રાખો કે આપણે છેલ્લાં દિવસોમાં જીવી રહ્યાં છીએ.—એફે. ૫:૧૫, ૧૬.

▪ ધ્યાન રાખો કે બહાના કાઢવાથી ખરાબ પરિણામ આવે છે.—લુક ૯:૫૯-૬૨.

▪ યહોવાહને સમર્પણમાં આપેલું વચન હંમેશાં યાદ રાખો. તેમ જ યહોવાહની ભક્તિ કરવાથી અને ઈસુને અનુસરવાથી જે અઢળક આશીર્વાદો મળ્યા છે, એને વારંવાર યાદ કરો.—ગીત. ૧૧૬:૧૨-૧૪; ૧૩૩:૩; નીતિ. ૧૦:૨૨.

કીમતી રત્નો શોધીએ

(ગીતશાસ્ત્ર ૧૧૦:૪) યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, કે તું મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે.

w૧૪ ૧૦/૧૫ ૧૧ ¶૧૫-૧૭

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

યાજક માટેનો કરાર

ઈબ્રાહીમ સાથેનો અને દાઊદ સાથેનો કરાર ખાતરી આપે છે કે સ્ત્રીનું સંતાન રાજા તરીકે રાજ કરશે. પરંતુ, ફક્ત એનાથી આખી માણસજાતને પૂરી રીતે ફાયદો થઈ શકે તેમ ન હતું. મનુષ્યોને પૂરી રીતે આશીર્વાદ મળે માટે જરૂરી હતું કે તેઓ પાપમાંથી મુક્ત થાય અને યહોવાના આખા વિશ્વના કુટુંબનો ભાગ બને. એ માટે “સંતાન”નું રાજા હોવાની સાથે સાથે એક યાજક હોવું પણ જરૂરી હતું. કારણ કે પાપની માફી માટેનું અર્પણ ફક્ત યાજક જ ચઢાવી શકતા હતા. તેથી, સ્ત્રીનું સંતાન એક યાજક પણ હોય એવી ગોઠવણ કરવા યહોવાએ મેલ્ખીસેદેક જેવા યાજક માટેનો કરાર કર્યો.

ઈશ્વરે દાઊદ રાજા દ્વારા જાહેર કર્યું કે પોતે ઈસુ સાથે એક કરાર કરશે. એ કરારમાં બે બનાવોનો સમાવેશ થતો હતો. પહેલો કે, ઈસુ બધા દુશ્મનો પર જીત મેળવે ત્યાં સુધી ‘યહોવાને જમણે હાથે બેસે.’ બીજો કે, ઈસુ “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક” બને. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨, ૪ વાંચો.) પરંતુ, શા માટે ઈસુએ “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે” યાજક બનવાની જરૂર હતી? એનો જવાબ મેળવવા ચાલો મેલ્ખીસેદેક વિશે થોડુંક જાણીએ. ઈબ્રાહીમના વંશજોએ વચનનો દેશ મેળવ્યો એ અગાઉ મેલ્ખીસેદેક શાલેમ શહેરના રાજા હતા. તેમ જ, ‘પરાત્પર ઈશ્વરના યાજક હતા.’ (હિબ્રૂ ૭:૧-૩) યહોવાએ પોતે તેમને યાજક અને રાજા નીમ્યા હતા. ઈસુ અગાઉ, ફક્ત મેલ્ખીસેદેક જ એવી વ્યક્તિ હતા, જે એ બંને ભૂમિકા નિભાવતા હતા. ઉપરાંત, એવો કોઈ અહેવાલ જોવા મળતો નથી, જે બતાવે કે મેલ્ખીસેદેક પહેલા કે પછી કોઈ માણસે તેમની પદવી લીધી હોય. તેથી જ એવું કહેવાયું કે “તે સદા યાજક રહે છે.”

એ કરાર દ્વારા યહોવાએ ઈસુને યાજક તરીકે નીમ્યા છે. ઈસુ પણ ‘મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક’ રહેશે. (હિબ્રૂ ૫:૪-૬) એ કરારથી યહોવા ખાતરી આપે છે કે, મનુષ્યો અને પૃથ્વી માટેનો હેતુ પૂરો કરવા તે મસીહી રાજ્યનો ઉપયોગ કરશે.

w૦૬ ૯/૧ ૧૮ ¶૭

ગીતશાસ્ત્રના પાંચમા ભાગના મુખ્ય વિચારો

૧૧૦:૪—યહોવાહે શાના સમ ખાધા, જેનો તેમને પસ્તાવો નથી? યહોવાહે સમ ખાઈને ઈસુ ખ્રિસ્ત સાથે કરાર કર્યો હતો કે તે રાજા અને પ્રમુખ યાજક બનશે.—લુક ૨૨:૨૯.

(ગીતશાસ્ત્ર ૧૧૬:૧૫) યહોવાની દૃષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે.

w૧૨-E ૫/૧૫ ૨૨ ¶૨

વાચકો તરફથી પ્રશ્નો

દફનવિધિની ટૉક વખતે ગીતશાસ્ત્ર ૧૧૬:૧૫ ગુજરી ગયેલી વ્યક્તિ માટે કેમ વાપરવી ન જોઈએ, ભલે પછી એ વિશ્વાસુ ભક્ત તરીકે મરણ કેમ ન પામી હોય? કેમ કે ગીતકર્તાના વાક્યનો બહોળો અર્થ રહેલો છે. એ યહોવાના વફાદાર સેવકોના આખા સમૂહના મરણને દર્શાવે છે અને જણાવે છે કે એમ થાય એ યહોવાને પોસાય એમ નથી (ઘણી મોટી કિંમત છે).—ગીત. ૭૨:૧૪; ૧૧૬:૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો