ઑગસ્ટ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
ઑગસ્ટ ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૭-૧૮
“આભાર માનો”
(લુક ૧૭:૧૧-૧૪) તે યરૂશાલેમ જઈ રહ્યા હતા ત્યારે, સમરૂન અને ગાલીલની વચ્ચેથી પસાર થયા. ૧૨ તે એક ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે, રક્તપિત્ત થયેલા દસ માણસો તેમને સામે મળ્યા, પણ તેઓ દૂર ઊભા રહ્યા. ૧૩ અને તેઓએ ઊંચા અવાજે કહ્યું: “ઈસુ, ગુરુજી, અમારા પર દયા કરો!” ૧૪ તેમણે તેઓને જોયા ત્યારે તેઓને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને પોતાને બતાવો.” તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.
nwtsty લુક ૧૭:૧૨, ૧૪ અભ્યાસ માહિતી
રક્તપિત્ત થયેલા દસ માણસો: બાઇબલ સમયમાં રક્તપિત્ત થયેલા લોકો કદાચ જૂથમાં અથવા એકબીજાની સંગતમાં રહેતા, જેથી તેઓ એકબીજાને મદદ કરી શકે. (૨રા ૭:૩-૫) મુસાના નિયમ પ્રમાણે એવા રોગીઓએ લોકોથી દૂર છાવણી બહાર રહેવાનું હતું. જાહેર જગ્યાઓમાં લોકોને ચેતવવા તેઓએ મોટેથી બૂમ પાડવાની હતી: “અશુદ્ધ, અશુદ્ધ.” (લેવી ૧૩:૪૫, ૪૬) એ નિયમને આધીન હોવાથી રક્તપિત્તથી પીડાતા એ દસ માણસો ઈસુથી દૂર ઊભા રહીને વાત કરે છે.—માથ ૮:૨ અભ્યાસ માહિતી અને “રક્તપિત્ત; રક્તપિત્ત થયેલો” બાઇબલ શબ્દસૂચિ જુઓ.
યાજકોની પાસે જઈને પોતાને બતાવો: પૃથ્વી પર હતા ત્યારે ઈસુ પણ નિયમશાસ્ત્રને આધીન હતા. તે જાણતા હતા કે રક્તપિત્તથી સાજા થયેલા એ દસ માણસોએ યાજક પાસે જઈને પોતાને બતાવવા પડે. આમ, તેમણે હારુનના યાજકપણાની ગોઠવણને માન આપ્યું. (માથ ૮:૪; માર્ક ૧:૪૪) મુસાના નિયમ પ્રમાણે, યાજકે ખાતરી કરવાની હતી કે રક્તપિત્ત થયેલી વ્યક્તિ પૂરેપૂરી રીતે સાજી થઈ છે કે નહિ. પછી, સાજી થયેલી વ્યક્તિએ મંદિર જઈને ભેટ અથવા અર્પણ ચઢાવવાનું રહેતું, જેમાં તેણે બે જીવતાં શુદ્ધ પક્ષીઓ, એરેજવૃક્ષનું લાકડું, કિરમજી કપડું અને ઝુફો આપવાં પડતાં.—લેવી ૧૪:૨-૩૨.
(લુક ૧૭:૧૫, ૧૬) તેઓમાંથી એકે પોતાને સાજો થયેલો જોયો ત્યારે, મોટા અવાજે ઈશ્વરને મહિમા આપતો પાછો ફર્યો. ૧૬ તે ઈસુના પગ આગળ ઊંધા મોઢે પડીને આભાર માનવા લાગ્યો. વળી, તે એક સમરૂની હતો.
(લુક ૧૭:૧૭, ૧૮) જવાબમાં ઈસુએ કહ્યું: “શું દસેદસને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? તો પછી, બાકીના નવ ક્યાં છે? ૧૮ ઈશ્વરને મહિમા આપવા બીજી પ્રજાના આ માણસ સિવાય બીજો કોઈ પાછો ન ફર્યો?”
w૦૮-E ૮/૧ ૧૪-૧૫ ¶૮-૯
શા માટે કદર બતાવવી જોઈએ?
રક્તપિત્તમાંથી સાજા થયેલા નવ માણસો કદર બતાવવાનું ચૂકી ગયા હતા. શું એ વાતને ઈસુએ ધ્યાન પર લીધી હતી? અહેવાલ જણાવે છે, “જવાબમાં ઈસુએ કહ્યું: ‘શું દસેદસને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? તો પછી, બાકીના નવ ક્યાં છે? ઈશ્વરને મહિમા આપવા બીજી પ્રજાના આ માણસ સિવાય બીજો કોઈ પાછો ન ફર્યો?’”—લુક ૧૭:૧૭, ૧૮.
બાકીના નવ માણસો કંઈ દુષ્ટ ન હતા. અગાઉ તેઓએ જાહેરમાં ઈસુ પર શ્રદ્ધા બતાવી હતી અને તેમના સૂચનો પણ પાળ્યાં હતાં. ઈસુના કહ્યા પ્રમાણે તેઓ યાજકને બતાવવા છેક યરૂશાલેમના મંદિર સુધી જવા રાજી હતા. ચોક્કસ, ઈસુએ કરેલા ઉપકારની તેઓને કદર ન હતી, પણ તેઓ ઈસુ આગળ એ વ્યક્ત કરવાનું ચૂકી ગયા. એનાથી ઈસુને દુઃખ થયું. આપણા વિશે શું? કોઈ આપણને મદદ કરે ત્યારે શું આપણે તરત આભાર વ્યક્ત કરીએ છીએ? શું કોઈ વાર આભાર માનવા નાનકડું કાર્ડ કે પત્ર લખીએ છીએ?
કીમતી રત્નો શોધીએ
(લુક ૧૭:૭-૧૦) “તમારામાંથી એવો કોણ છે, જેનો ચાકર ખેડતો હોય કે ઘેટાં-બકરાં સાચવતો હોય અને તે ખેતરમાંથી પાછો આવે ત્યારે કહેશે, ‘જલદી અહીંયા આવ અને મેજ પર જમવા બેસ’? ૮ એના બદલે, તે ચાકરને કહેશે, ‘કપડાં બદલ, મારા માટે સાંજના ભોજનની તૈયારી કર અને હું ખાઈ-પી ન લઉં ત્યાં સુધી મારી સેવા કર અને પછી તું ખાજે-પીજે.’ ૯ ચાકરે પોતાને સોંપાયેલું કામ કર્યું હોવાથી, શું માલિક તેનો આભાર માનશે? ના. ૧૦ એવી જ રીતે, તમને સોંપાયેલું બધું કામ પૂરું કરો ત્યારે કહો: ‘અમે નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’”
nwtsty લુક ૧૭:૧૦ અભ્યાસ માહિતી
નકામા: મૂળ, “બિનઉપયોગી; મૂલ્ય વિનાનું.” અહીં ઈસુ એવું કહેવા માંગતા ન હતા કે ચાકરો, એટલે કે તેમના શિષ્યો પોતાને બેકાર કે નકામા ગણે. સંદર્ભ પ્રમાણે ઈસુ એવું સમજાવવા માંગતા હતા કે શિષ્યો પોતાને નમ્ર બનાવે અને પોતાને વખાણ અથવા વાહ-વાહ મેળવવાના હકદાર ન ગણે. અમુક નિષ્ણાતો પ્રમાણે ઈસુએ અહીંયા અતિશયોક્તિનો ઉપયોગ કર્યો છે. એ શબ્દોને આમ પણ કહી શકાય: ‘આપણે તો ફક્ત ચાકરો છીએ, કોઈ ખાસ માન મેળવવાને લાયક નથી.’
(લુક ૧૮:૮) હું તમને જણાવું છું, તે તેઓને જલદી જ ન્યાય અપાવશે. પરંતુ, માણસનો દીકરો આવશે ત્યારે, શું તેને પૃથ્વી પર ખરેખર આવી શ્રદ્ધા જોવા મળશે?”
nwtsty લુક ૧૮:૮ અભ્યાસ માહિતી
આવી શ્રદ્ધા: અથવા “આવા પ્રકારની શ્રદ્ધા.” મૂળ, “શ્રદ્ધા”. મૂળ ગ્રીક ભાષામાં “શ્રદ્ધા” શબ્દ આગળ એવું વ્યાકરણ વપરાયું છે, જેનો અર્થ થાય “આવી” કે “આવા પ્રકારની” શ્રદ્ધા. એ સૂચવે છે કે અહીં સામાન્ય રીતે જોવા મળતી શ્રદ્ધાની વાત નથી થઈ રહી. પણ, ઈસુ તો એવા પ્રકારની શ્રદ્ધા વિશે જણાવી રહ્યા હતા, જેવી દૃષ્ટાંતમાં જણાવેલ વિધવાને હતી. (લુક ૧૮:૧-૮) એ વિધવાને પ્રાર્થનાની શક્તિમાં પૂરી શ્રદ્ધા હતી. તેને પૂરો ભરોસો હતો કે યહોવા પોતાના પસંદ કરેલા ભક્તોને ચોક્કસ ન્યાય તોળી આપશે. ઈસુએ શ્રદ્ધા વિશે સવાલ પૂછ્યો, પણ એનો જવાબ ન આપ્યો. આમ, તેમણે પ્રેરિતોને પોતાની શ્રદ્ધા કેટલી અડગ છે, એ પર વિચાર કરવા પ્રેર્યા. થોડા જ સમય પહેલાં ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે તેઓની શ્રદ્ધાની કસોટી થશે. તેથી, ઈસુએ પ્રાર્થના અને શ્રદ્ધા પર આપેલું આ દૃષ્ટાંત એકદમ સમયસરનું હતું.—લુક ૧૭:૨૨-૩૭.
બાઇબલ વાંચન
(લુક ૧૮:૨૪-૪૩) ઈસુએ તેની તરફ જોયું અને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું અઘરું થઈ પડશે! ૨૫ હકીકતમાં, ધનવાન માણસનું ઈશ્વરના રાજ્યમાં જવું, એના કરતાં ઊંટનું સોયના નાકામાં થઈને જવું વધારે સહેલું છે.” ૨૬ જેઓએ આ સાંભળ્યું તેઓએ કહ્યું: “તો પછી કોણ બચી શકે?” ૨૭ તેમણે કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.” ૨૮ પરંતુ, પીતરે કહ્યું: “જુઓ! અમારું જે હતું એ છોડીને અમે તમારી પાછળ આવ્યા છીએ.” ૨૯ તેમણે તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ ઈશ્વરના રાજ્યને લીધે ઘર કે પત્ની કે ભાઈઓ કે માબાપ કે બાળકોને છોડ્યાં હોય, ૩૦ તેને આ સમય દરમિયાન અનેક ગણું વધારે અને આવનાર દુનિયામાં હંમેશ માટેનું જીવન મળ્યા વગર રહેશે નહિ.” ૩૧ પછી, તે બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા અને કહ્યું: “જુઓ! આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ અને માણસના દીકરા વિશે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે. ૩૨ દાખલા તરીકે, તેને બીજી પ્રજાના લોકોને સોંપી દેવામાં આવશે અને તેઓ તેની મશ્કરી કરશે, તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે. ૩૩ અને તેને કોરડા માર્યા પછી તેઓ તેને મારી નાખશે, પણ ત્રીજા દિવસે તે ઊઠશે.” ૩૪ જોકે, પ્રેરિતો આ વાતો સમજી ન શક્યા, કારણ કે આ વાતોનો અર્થ તેઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો. ૩૫ હવે, ઈસુ યરીખોની નજીક આવી પહોંચ્યા ત્યારે, એક આંધળો માણસ રસ્તાની બાજુમાં બેસીને ભીખ માંગતો હતો. ૩૬ તેણે ટોળાનો પસાર થવાનો અવાજ સાંભળ્યો, એટલે તે પૂછવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. ૩૭ તેઓએ તેને જણાવ્યું: “નાઝરેથના ઈસુ પસાર થઈ રહ્યા છે!” ૩૮ ત્યારે તે પોકારી ઊઠ્યો: “ઓ ઈસુ, દાઊદના દીકરા, મારા પર દયા કરો!” ૩૯ અને જેઓ આગળ હતા તેઓ તેને ધમકાવવા લાગ્યા અને તેને ચૂપ રહેવા કહ્યું, પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારતો રહ્યો: “ઓ દાઊદના દીકરા, મારા પર દયા કરો!” ૪૦ પછી, ઈસુ ઊભા રહ્યા અને એ માણસને પોતાની પાસે લઈ આવવા આજ્ઞા કરી. તે પાસે આવ્યો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું: ૪૧ “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” તેણે કહ્યું: “પ્રભુ, મને ફરીથી દેખતો કરો.” ૪૨ તેથી, ઈસુએ તેને કહ્યું: “દેખતો થા; તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.” ૪૩ અને તરત તે દેખતો થયો અને ઈશ્વરને મહિમા આપતો તેમની પાછળ ચાલવા લાગ્યો. આ જોઈને બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.
ઑગસ્ટ ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૯-૨૦
“ચાંદીના ૧,૦૦૦ સિક્કાના દૃષ્ટાંત પરથી શીખો”
(લુક ૧૯:૧૨, ૧૩) તેથી, તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા મેળવીને પાછો ફરે. ૧૩ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને ચાંદીના ૧,૦૦૦ સિક્કા આપ્યા અને તેઓને કહ્યું, ‘હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.’
ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ
તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા મેળવીને પાછો ફરે.” (લુક ૧૯:૧૨) એવી મુસાફરી ઘણો સમય માંગી લે છે. એ સ્પષ્ટ છે કે, ઉદાહરણમાં જણાવેલા ‘રાજવી ખાનદાનના માણસ’ ઈસુ પોતે હતા. તે “દૂર દેશ” એટલે કે સ્વર્ગમાં ગયા, જ્યાં તેમના પિતા તેમને રાજસત્તા આપવાના હતા.
ઉદાહરણમાં ‘રાજવી ખાનદાનના માણસે’ દૂર દેશ જતા પહેલાં, દસ ચાકરોને બોલાવ્યા અને દરેકને ચાંદીના ૧,૦૦૦ સિક્કા આપીને કહ્યું: “હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.” (લુક ૧૯:૧૩) ચાંદીના સિક્કાનું મૂલ્ય ઘણું હતું. ત્રણ મહિના ખેતરમાં મજૂરી કરવાથી મળતા વેતન જેટલું એ સિક્કાઓનું મૂલ્ય હતું.
શિષ્યો કદાચ સમજી ગયા કે તેઓ ઉદાહરણમાંના દસ ચાકરો જેવા છે, કેમ કે ઈસુએ તેઓને અગાઉ કાપણીના મજૂરો પણ કહ્યા હતા. (માથ્થી ૯:૩૫-૩૮) ખરું કે, ઈસુએ તેઓને કાપણીની ફસલ લાવવાનું જણાવ્યું ન હતું. પણ, ફસલ એવા શિષ્યોને રજૂ કરતી હતી, જેઓને ઈશ્વરના રાજ્યમાં સ્થાન મળવાનું હતું. આમ, શિષ્યોએ પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિ ખર્ચીને રાજ્ય માટે વધારે વારસદારો ભેગા કરવાના હતા.
(લુક ૧૯:૧૬-૧૯) એટલે, પહેલો ચાકર આગળ આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૧,૦૦૦ સિક્કા કમાયો.’ ૧૭ તેણે તેને કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો હોવાથી, દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’ ૧૮ હવે, બીજો આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૫૦૦ સિક્કા કમાયો.’ ૧૯ તેણે એને પણ કહ્યું, ‘તું પાંચ શહેરો પર અધિકારી થા.’
ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ
શિષ્યો સમજી ગયા કે ઉદાહરણમાંના ચાકરો તેઓ પોતે હતા. જો તેઓ વધુ શિષ્યો બનાવવા પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિનો પૂરો ઉપયોગ કરે, તો ઈસુ તેઓથી ચોક્કસ ખુશ થશે. તેઓ ભરોસો રાખી શકે કે ઈસુ તેઓની અથાક મહેનતનો બદલો જરૂર આપશે. ખરું કે, ઈસુના બધા શિષ્યોના સંજોગો એકસરખા નથી. તેઓ પાસે એકસરખી તક કે આવડત પણ નથી. તેમ છતાં, “રાજસત્તા” મેળવનાર ઈસુ, પોતાના શિષ્યોએ પૂરી નિષ્ઠાથી કરેલા પ્રયત્નોને જોશે અને આશીર્વાદ આપશે.—માથ્થી ૨૮:૧૯, ૨૦.
(લુક ૧૯:૨૦-૨૪) પરંતુ, બીજા એકે આવીને કહ્યું, ‘માલિક, આ રહ્યા તમારા ૧૦૦ સિક્કા, એને મેં કપડામાં સંતાડી રાખ્યા હતા. ૨૧ જુઓ, હું તમારાથી ડરતો હતો, કેમ કે તમે કઠોર માણસ છો; જે તમે જમા કર્યું નથી એ લઈ લો છો અને જે તમે વાવ્યું નથી એ લણો છો.’ ૨૨ તેણે તેને કહ્યું, ‘દુષ્ટ ચાકર, તારા જ શબ્દોથી હું તારો ન્યાય કરું છું. તું જાણતો હતો ને કે હું કઠોર માણસ છું, જે મેં જમા કર્યું નથી એ હું લઈ લઉં છું અને જે વાવ્યું નથી એ લણું છું? ૨૩ તો પછી, તેં શા માટે મારા પૈસા શાહુકાર પાસે ન મૂક્યા? એમ કર્યું હોત તો, મેં આવીને એ વ્યાજ સાથે પાછા મેળવ્યા હોત.’ ૨૪ “જેઓ પાસે ઊભા હતા, તેઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી ચાંદીના ૧૦૦ સિક્કા લઈ લો અને જેની પાસે ૧,૦૦૦ સિક્કા છે તેને આપો.’
ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ
આ ચાકરે માલિકના રાજ્યની સંપત્તિ વધારવા કોઈ કામ ન કર્યું. એટલે, ચાકરને નુકસાન થયું. ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા તરીકે રાજ કરે એની પ્રેરિતો રાહ જોતા હતા. એટલે, ઈસુએ આ છેલ્લા ચાકર વિશે જે કહ્યું એના પરથી તેઓ સમજી ગયા કે જો તેઓ દિલથી મહેનત નહિ કરે, તો ઈશ્વરના રાજ્યમાં સ્થાન મેળવી નહિ શકે.
કીમતી રત્નો શોધીએ
(લુક ૧૯:૪૩) કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે, જ્યારે તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે અને તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે.
nwtsty લુક ૧૯:૪૩ અભ્યાસ માહિતી
અણીદાર ખૂંટાની વાડ: અથવા “અણીદાર લાકડાંથી બનેલી વાડ.” ગ્રીક શબ્દ ખારાક્સ આખા ગ્રીક શાસ્ત્રવચનોમાં આ કલમમાં જ જોવા મળે છે. એ શબ્દની વ્યાખ્યા આ મુજબ છે: “અણીદાર લાકડીઓ કે સ્તંભોથી બનેલી વાડ; થાંભલો” અને “ઘેરો નાંખવા બનાવવામાં આવતી અણીદાર થાંભલાઓ કે સ્તંભોની વાડ; અણીદાર વાડ.” સાલ ૭૦માં ઈસુએ કહેલા શબ્દો સાચા પડ્યા. તીતસની આગેવાની હેઠળ રોમનોએ યરૂશાલેમ ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવીને લશ્કરી ઘેરો નાંખ્યો હતો. તીતસે ત્રણ કારણોસર એવો ઘેરો નાંખ્યો હોય શકે: પહેલું, યહુદીઓને નાસી જવાથી રોકવા; બીજું, યહુદીઓ તેઓને તાબે થાય માટે મજબૂર કરવા; અને ત્રીજું, ત્યાંના લોકોને ભૂખે મારવા, જેથી તેઓ પર કબજો કરી શકે. આ વાડ ઊભી કરવા રોમનોએ ગ્રામ્યવિસ્તારોના વૃક્ષોને કાપીને એનાં લાકડાંનો ઉપયોગ કર્યો હતો.
(લુક ૨૦:૩૮) તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે, કેમ કે તેમની નજરમાં તેઓ બધા જીવે છે.”
nwtsty લુક ૨૦:૩૮ અભ્યાસ માહિતી
તેમની નજરમાં તેઓ બધા જીવે છે: મૂળ, “તેમના માટે તેઓ બધા જીવતા છે.” બાઇબલ જણાવે છે કે જેઓ ઈશ્વરથી દૂર થઈ ગયા છે, તેઓ જીવતા હોવા છતાં ઈશ્વરની નજરે જાણે મરેલાં છે. (એફે ૨:૧; ૧તિ ૫:૬) એ જ પ્રમાણે, મરણ સુધી વફાદાર રહેલા ભક્તો જીવતા ન હોવા છતાં, ઈશ્વરની નજરે જાણે જીવિત છે. કારણ કે, એ ભક્તોને પાછા જીવતા કરવાનો ઈશ્વરનો ઇરાદો એકદમ પાક્કો છે, એ અચૂક પૂરો થશે!—રોમ ૪:૧૬, ૧૭.
બાઇબલ વાંચન
(લુક ૧૯:૧૧-૨૭) શિષ્યો આ વાતો સાંભળી રહ્યા હતા ત્યારે, તેમણે બીજું એક ઉદાહરણ જણાવ્યું, કેમ કે તે યરૂશાલેમની નજીક હતા અને શિષ્યો માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય જલદી જ દેખાશે. ૧૨ તેથી, તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા મેળવીને પાછો ફરે. ૧૩ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને ચાંદીના ૧,૦૦૦ સિક્કા આપ્યા અને તેઓને કહ્યું, ‘હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.’ ૧૪ પરંતુ, તેની પ્રજા તેને ધિક્કારતી હતી અને તેને આમ કહેવા એલચીઓની ટુકડી મોકલી કે, ‘તું અમારો રાજા થાય, એવું અમે નથી ઇચ્છતા.’ ૧૫ “છેવટે, તે રાજસત્તા મેળવીને પાછો આવ્યો ત્યારે, જે ચાકરોને તેણે સિક્કા આપ્યા હતા તેઓને બોલાવ્યા, જેથી તેને ખબર પડે કે તેઓ વેપાર કરીને કેટલું કમાયા. ૧૬ એટલે, પહેલો ચાકર આગળ આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૧,૦૦૦ સિક્કા કમાયો.’ ૧૭ તેણે તેને કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો હોવાથી, દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’ ૧૮ હવે, બીજો આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૫૦૦ સિક્કા કમાયો.’ ૧૯ તેણે એને પણ કહ્યું, ‘તું પાંચ શહેરો પર અધિકારી થા.’ ૨૦ પરંતુ, બીજા એકે આવીને કહ્યું, ‘માલિક, આ રહ્યા તમારા ૧૦૦ સિક્કા, એને મેં કપડામાં સંતાડી રાખ્યા હતા. ૨૧ જુઓ, હું તમારાથી ડરતો હતો, કેમ કે તમે કઠોર માણસ છો; જે તમે જમા કર્યું નથી એ લઈ લો છો અને જે તમે વાવ્યું નથી એ લણો છો.’ ૨૨ તેણે તેને કહ્યું, ‘દુષ્ટ ચાકર, તારા જ શબ્દોથી હું તારો ન્યાય કરું છું. તું જાણતો હતો ને કે હું કઠોર માણસ છું, જે મેં જમા કર્યું નથી એ હું લઈ લઉં છું અને જે વાવ્યું નથી એ લણું છું? ૨૩ તો પછી, તેં શા માટે મારા પૈસા શાહુકાર પાસે ન મૂક્યા? એમ કર્યું હોત તો, મેં આવીને એ વ્યાજ સાથે પાછા મેળવ્યા હોત.’ ૨૪ “જેઓ પાસે ઊભા હતા, તેઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી ચાંદીના ૧૦૦ સિક્કા લઈ લો અને જેની પાસે ૧,૦૦૦ સિક્કા છે તેને આપો.’ ૨૫ પરંતુ, તેઓએ તેને કહ્યું, ‘માલિક, તેની પાસે પહેલેથી ૧,૦૦૦ સિક્કા છે!’ તેણે જવાબ આપ્યો: ૨૬ ‘હું તમને કહું છું, જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે. ૨૭ વધુમાં, મારા દુશ્મનોને અહીં લઈ આવો, જેઓ નથી ઇચ્છતા કે હું તેઓનો રાજા થાઉં; અને મારી સામે તેઓની કતલ કરો.’”
ઑગસ્ટ ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨૧-૨૨
“તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે”
(લુક ૨૧:૨૫) “વધુમાં, સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં નિશાનીઓ થશે અને પૃથ્વી પર પ્રજાઓ વેદના પામશે અને સમુદ્રની ગર્જના તથા એનાં મોટાં તોફાનોને લીધે તેઓને ખ્યાલ નહિ આવે કે શું કરવું.
kr-E ૨૨૬ ¶૯
ઈશ્વરનું રાજ્ય એના દુશ્મનોને ખતમ કરી દે છે
આકાશમાં થનાર મોટા ચમત્કારો: ઈસુએ ભાખ્યું હતું: “સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે, આકાશમાંથી તારાઓ ખરશે.” દેખીતું છે કે સત્યના પ્રકાશ માટે લોકો ધર્મગુરુઓ તરફ મીટ નહિ માંડે, કારણ કે લોકો આગળ તેઓનો ઢોંગ ખુલ્લો પડી ગયો હશે. શું ઈસુ અહીં આકાશમાં બનનારી અદ્ભુત ઘટનાઓ વિશે પણ જણાવી રહ્યા હતા? કદાચ, એમ હોય શકે. (યશા ૧૩:૯-૧૧; યોએ ૨:૧, ૩૦, ૩૧) એ બધું જોઈને લોકોના કેવા હાલ થશે? તેઓ “વેદના પામશે” કેમ કે “તેઓને ખ્યાલ નહિ આવે કે શું કરવું.” (લુક ૨૧:૨૫; સફા ૧:૧૭) હા, ઈશ્વરના દુશ્મનો, પછી ભલેને રાજા હોય કે ચાકર, તેઓ પર “જે આવી પડવાનું છે, એના ભય અને ચિંતાથી” તેઓના “હોશ ઊડી જશે.” તેઓ બચવા માટે આમ-તેમ ફાંફાં મારશે. પણ, આપણા રાજાના કોપથી બચાવી શકે એવી કોઈ જગ્યા તેઓને મળશે નહિ.—લુક ૨૧:૨૬; ૨૩:૩૦; પ્રક ૬:૧૫-૧૭.
(લુક ૨૧:૨૬) પૃથ્વી પર જે આવી પડવાનું છે, એના ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે, કેમ કે આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.
(લુક ૨૧:૨૭, ૨૮) અને એ પછી, તેઓ માણસના દીકરાને સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આકાશના વાદળ પર આવતો જોશે. પરંતુ, આ બાબતો બનવાની શરૂ થાય તેમ, માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કારણ કે તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે.”
ભાઈઓ પરનો પ્રેમ બતાવતા રહો!
‘આપણે ડરીએ નહિ’ પણ હિંમત રાખીએ. (હિબ્રૂ ૧૩:૬ વાંચો.) યહોવા સહાય કરશે એવો ભરોસો હોવાથી આપણી હિંમત બંધાશે અને આપણે કસોટીઓથી ડરીશું નહિ. આમ, હિંમત હોવાને લીધે આપણે સારું વલણ જાળવી રાખી શકીશું. અરે, ભાઈ-બહેનો પરનો પ્રેમ બતાવીને તેઓને ઉત્તેજન અને દિલાસો આપી શકીશું. (૧ થેસ્સા. ૫:૧૪, ૧૫) એટલું જ નહિ, મોટી વિપત્તિ દરમિયાન આપણે એ જાણીને હિંમત રાખી શકીશું કે આપણો ઉદ્ધાર પાસે આવ્યો છે.—લુક ૨૧:૨૫-૨૮.
“તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”!
બકરાં જેવા લોકોને ખ્યાલ આવશે કે તેઓનો નાશ થવાનો છે ત્યારે તેઓ શું કરશે? તેઓ “શોક કરશે.” (માથ. ૨૪:૩૦) જ્યારે કે, અભિષિક્તો અને તેઓને ટેકો આપતા લોકો ઈસુના કહ્યા પ્રમાણે કરશે. ઈસુએ કહ્યું હતું: “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.”—લુક ૨૧:૨૮.
કીમતી રત્નો શોધીએ
(લુક ૨૧:૩૩) આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કદીયે નાશ નહિ પામે.
nwtsty લુક ૨૧:૩૩ અભ્યાસ માહિતી
આકાશ તથા પૃથ્વી નાશ પામશે: બાઇબલની બીજી કલમો બતાવે છે કે આકાશ અને પૃથ્વી કાયમ માટે ટકી રહેશે. (ઉત ૯:૧૬; ગી ૧૦૪:૫; સભા ૧:૪) તેથી, દેખીતું છે કે ઈસુ અહીં અતિશયોક્તિનો ઉપયોગ કરી રહ્યા હતા. તે જાણે કહેતા હતા કે, આવી અશક્ય બાબતો પણ કદાચ એક વાર બની શકે, પરંતુ તેમણે કહેલા શબ્દો સાચા ન પડે, એ અશક્ય છે. (માથ ૫:૧૮ સરખાવો.) જોકે, અહીં આકાશ અને પૃથ્વી કદાચ પ્રકટી ૨૧:૧માં જણાવેલાં “પહેલાંનું આકાશ અને પહેલાંની પૃથ્વી”ને દર્શાવતું હોય શકે, જે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યાં છે.
મારા શબ્દો કદીયે નાશ નહિ પામે: અથવા “મારા શબ્દો જતા રહે એવું કોઈ કાળે નહિ થાય.” અહીં ગ્રીક ભાષાના બે નકારાત્મક શબ્દોની સાથે ક્રિયાપદ વપરાયું છે, જે બતાવે છે કે ‘આવું નહિ જ થાય.’ એટલે કે, એ ભારપૂર્વક સૂચવે છે કે ઈસુએ કહેલી વાતો સાચી પડીને જ રહેશે.
(લુક ૨૨:૨૮-૩૦) “તેમ છતાં, મારી કસોટીઓમાં જેઓ મને વળગી રહ્યા, એ તો તમે છો; ૨૯ અને હું તમારી સાથે રાજ્યનો કરાર કરું છું, જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે, ૩૦ જેથી મારા રાજ્યમાં તમે મારી મેજ પરથી ખાય-પી શકો અને રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરી શકો.
તમે “યાજકોનું રાજ્ય” બનશો
પ્રભુના સાંજના ભોજનને પ્રથમ વાર ઊજવતી વખતે ઈસુએ પોતાના વફાદાર શિષ્યો સાથે રાજ્યનો કરાર કર્યો. (લુક ૨૨:૨૮-૩૦ વાંચો.) એ એક જ એવો કરાર છે જે ઈસુએ કર્યો છે. એ કરાર, ઈસુ અને અભિષિક્તો વચ્ચે થયો. એ સમયે ઈસુએ કહ્યું: ‘મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે.’ એ શબ્દોથી ઈસુ કદાચ ‘મેલ્ખીસેદેક જેવા યાજક’ માટેના કરારનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે યહોવાએ ઈસુની સાથે કર્યો હતો.—હિબ્રૂ ૫:૫, ૬.
ઈસુએ તેમના ૧૧ વફાદાર શિષ્યોને કહ્યું હતું, “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો.” એ પછી, રાજ્ય માટે કરેલા કરારથી શિષ્યોને ખાતરી મળી કે તેઓ ઈસુ સાથે રાજાઓ તરીકે રાજ કરશે અને યાજકો તરીકે સેવા આપશે. જોકે, એ લહાવો ફક્ત ૧૧ શિષ્યો પૂરતો સીમિત ન હતો. પ્રેરિત યોહાનને દર્શનમાં ઈસુએ આમ જણાવ્યું: ‘જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.’ (પ્રકટી. ૩:૨૧) આમ, રાજ્યનો કરાર ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સાથે કરવામાં આવ્યો. (પ્રકટી. ૫:૯, ૧૦; ૭:૪) એ કરાર અભિષિક્તોને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો હક આપે છે. એને સમજવા, એક કન્યાનો વિચાર કરો જે રાજા સાથે લગ્ન કરવા પસંદ કરાયેલી છે. લગ્ન પછી, એ કન્યા પણ રાજા સાથે રાજ કરવાની હકદાર બને છે. એવી જ રીતે, અભિષિક્તોને ખ્રિસ્તની “કન્યા” અને “પવિત્ર કુમારિકા” તરીકે લગ્ન માટે પસંદ કરવામાં આવ્યા છે.—પ્રકટી. ૧૯:૭, ૮; ૨૧:૯; ૨ કોરીં. ૧૧:૨.
બાઇબલ વાંચન
(લુક ૨૨:૩૫-૫૩) તેમણે તેઓને આમ પણ કહ્યું: “જ્યારે મેં તમને પૈસાની તથા ખોરાકની થેલી તથા ચંપલ વગર મોકલ્યા, ત્યારે તમને શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” ૩૬ ત્યાર બાદ, તેમણે તેઓને કહ્યું: “પણ, હવે જેની પાસે પૈસાની થેલી હોય તે એને લઈ લે, એવી જ રીતે ખોરાકની થેલી લે અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદે. ૩૭ કેમ કે હું તમને જણાવું છું, જે કંઈ લખવામાં આવ્યું છે એ મારામાં પૂરું થવું જોઈએ, એટલે કે ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’ એ મારા વિશે પૂરું થઈ રહ્યું છે.” ૩૮ પછી, તેઓએ કહ્યું: “પ્રભુ, જુઓ! આ રહી બે તલવાર.” તેમણે તેઓને કહ્યું: “એ પૂરતી છે.”૩૯ પછી, ત્યાંથી નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પહાડ પર ગયા અને શિષ્યો પણ તેમની પાછળ ગયા. ૪૦ એક જગ્યા પર આવીને તેમણે તેઓને કહ્યું: “પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” ૪૧ અને પથ્થર ફેંકાય તેટલે દૂર તે ગયા અને ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા ૪૨ અને કહ્યું: “પિતા, જો તમે ચાહતા હો તો આ પ્યાલો મારાથી દૂર કરો. તેમ છતાં, મારી ઇચ્છા નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” ૪૩ ત્યારે સ્વર્ગમાંથી એક દૂત તેમની પાસે આવ્યો અને તેમને હિંમત આપી. ૪૪ પરંતુ, ભારે પીડા અનુભવવાને લીધે તે કાલાવાલા કરીને પ્રાર્થના કરતા રહ્યા; અને લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો. ૪૫ તે પ્રાર્થના કરીને ઊભા થયા અને શિષ્યો પાસે ગયા ત્યારે, શોકને લીધે તેઓને ઊંઘતા જોયા. ૪૬ તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ઊંઘો છો? ઊઠો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” ૪૭ હજુ તો તે બોલી રહ્યા હતા એટલામાં, જુઓ! ટોળું આવ્યું અને યહુદા નામનો એક માણસ જે બારમાંનો એક હતો, તે તેઓને દોરી લાવ્યો અને તે ઈસુને ચુંબન કરવા આગળ આવ્યો. ૪૮ પરંતુ, ઈસુએ તેને કહ્યું: “યહુદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” ૪૯ જેઓ તેમની આસપાસ હતા તેઓએ જોયું કે શું બનવાનું છે ત્યારે, તેઓએ કહ્યું: “પ્રભુ, શું અમે તલવાર ચલાવીએ?” ૫૦ અરે, તેઓમાંના એકે તો પ્રમુખ યાજકના ચાકર પર ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો. ૫૧ પણ, જવાબમાં ઈસુએ કહ્યું: “બસ, બહુ થયું.” અને તે તેના કાનને અડક્યા અને તેને સાજો કર્યો. ૫૨ પછી, ઈસુએ મુખ્ય યાજકો તથા મંદિરના રક્ષકોના અધિકારીઓ તથા વડીલો, જેઓ તેમને પકડવા આવ્યા હતા, તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો, એમ શું તમે તલવારો અને લાઠીઓ લઈને આવ્યા છો? ૫૩ રોજ હું મંદિરમાં તમારી સાથે હતો ત્યારે, તમે મને પકડ્યો નહિ. પરંતુ, આ તમારો સમય છે અને અંધકારની સત્તા છે.”
ઑગસ્ટ ૨૭–સપ્ટેમ્બર ૨
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨૩-૨૪
“બીજાઓને માફ કરવા તૈયાર રહો”
(લુક ૨૩:૩૪) પરંતુ, ઈસુ કહેતા હતા: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.” વધુમાં, તેઓએ તેમનાં કપડાં વહેંચી લેવા ચિઠ્ઠીઓ નાખી.
cl-E ૨૯૭ ¶૧૬
‘તમે ખ્રિસ્તનો પ્રેમ જાણો’
યહોવાની જેમ ઈસુએ પણ બીજી એક રીતે પ્રેમ બતાવ્યો હતો. તે બીજાઓને ‘માફી આપવા તૈયાર’ હતા. (ગીતશાસ્ત્ર ૮૬:૫) અરે, તેમને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે પણ એ ગુણ દેખાય આવ્યો. આનો વિચાર કરો: તેમના બંને હાથ-પગે ખીલા મારવામાં આવ્યા છે અને અપમાનજનક મોત આગળ રાહ જોઈ રહ્યું છે. શું તેમણે યહોવાને એવો પોકાર કર્યો કે તેમને વધસ્તંભે જડનારાઓને કડક સજા કરે? ના. એનાથી વિપરીત, તેમના છેલ્લા શબ્દો તો હતા: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.”—લુક ૨૩:૩૪.
(લુક ૨૩:૪૩) અને તેમણે તેને જણાવ્યું: “સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.”
g ૪/૦૮ ૩૦ ¶૫-૬
શું યહોવાહ આપણાં ઘોર પાપને માફ કરે છે?
આપણે પાપ તો કરી બેસીએ. અરે કદાચ ભૂલથીયે કરી બેસીએ. પણ એના વિષે આપણને કેવું લાગે છે એ યહોવાહ જુએ છે. આપણને પસ્તાવો થાય છે કે નહિ, એના પર યહોવાહ ધ્યાન આપે છે. (યશાયાહ ૧:૧૬-૧૯) ઈસુને વધસ્તંભે જડ્યા હતા. તેમની આજુબાજુ બે પાપીઓ પણ હતા. એકે કહ્યું કે ‘આપણે તો પાપ કર્યું છે એની સજા ભોગવીએ છીએ, પણ ઈસુએ કંઈ પણ ખોટુ કર્યું નથી.’ એ પાપીના શબ્દો બતાવે છે કે તે ઈસુ વિષે કંઈક જાણતો હતો. એ જાણ્યા પછી તેણે પસ્તાવો કર્યો હશે. તેણે ઈસુને કહ્યું કે “તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” ઈસુએ જવાબ આપ્યો કે હા જરૂર.—લુક ૨૩:૪૧-૪૩.
ઈસુએ તેનાં પાપની માફી આપી. તે જોઈ શક્યા કે એ માણસ પાપી હતો, મોતની સજા થવાને લાયક હતો પણ તેણે સાચા દિલથી પસ્તાવો કર્યો હતો. આપણે જ્યારે સાચા દિલથી પસ્તાવો કરીએ છીએ, ત્યારે યહોવાહ આપણને માફ કરે છે. આપણાં પાપ ધોઈ નાખે છે. ભલે ગમે એ પાપ કર્યાં હોય, યહોવાહ દયાળુ છે, માફ કરે છે.—રૂમી ૪:૭.
(લુક ૨૪:૩૪) જેઓએ કહ્યું: “હકીકતમાં, પ્રભુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને તે સિમોનને દેખાયા છે!”
cl-E ૨૯૭-૨૯૮ ¶૧૭-૧૮
‘તમે ખ્રિસ્તનો પ્રેમ જાણો’
ઈસુએ પીતરને માફી આપવા જે તૈયારી બતાવી એ આપણા દિલને સ્પર્શી જાય એવી છે. એમાં કોઈ શંકા નથી કે પીતરને ઈસુ માટે ખૂબ જ પ્રેમ હતો. નીસાન ૧૪મીએ, પૃથ્વી પર ઈસુના જીવનની છેલ્લી રાતે, પીતરે તેમને કહ્યું: “પ્રભુ, હું તમારી સાથે કેદમાં જવા અને મરવા પણ તૈયાર છું.” પરંતુ, થોડા જ કલાકો પછી તેમણે ઈસુને ઓળખવાનો પણ નકાર કરી દીધો. એક વાર નહિ, ત્રણ ત્રણ વાર! બાઇબલ જણાવે છે કે તેમણે ત્રીજી વાર નકાર કર્યો, ત્યારે “પ્રભુએ ફરીને સીધું પીતર સામે જોયું.” પોતાના પાપનો અહેસાસ થતા પીતર ‘બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા.’ એ દિવસે ઈસુ ગુજરી ગયા પછી, કદાચ પીતર વિચારતા હશે, “શું પ્રભુએ મને માફ કર્યો હશે?”—લુક ૨૨:૨૩, ૬૧, ૬૨.
જવાબ માટે પીતરને બહુ રાહ જોવી ન પડી. નીસાન ૧૬મીએ સવારે ઈસુને જીવતા કરવામાં આવ્યા. કદાચ એ જ દિવસે તે પીતરને એકાંતમાં મળ્યા. (લુક ૨૪:૩૪; ૧ કોરીંથીઓ ૧૫:૪-૮) હવે, પીતરે તો ઈસુને ઓળખવાનો પણ નકાર કરી દીધો હતો. તો ઈસુએ તેમના જેવા શિષ્ય પર ધ્યાન આપવાની શી જરૂર? કદાચ ઈસુ તેમને ખાતરી અપાવવા માંગતા હતા કે તે હજી પણ તેમના વહાલા શિષ્ય છે. તેમના માટે તે હજી પણ એટલા જ કીમતી છે, જેટલા પહેલાં હતા. પીતરને ખાતરી અપાવવા ઈસુએ એનાથી પણ વધુ કંઈક કર્યું.
કીમતી રત્નો શોધીએ
(લુક ૨૩:૩૧) ઝાડ લીલું છે ત્યારે તેઓ આવું કરે છે તો, એ સુકાઈ જશે ત્યારે શું કરશે?”
nwtsty લુક ૨૩:૩૧ અભ્યાસ માહિતી
ઝાડ લીલું છે ત્યારે, . . . એ સુકાઈ જશે ત્યારે: લાગે છે કે ઈસુ અહીં યહુદી રાષ્ટ્રને મનમાં રાખીને વાત કરી રહ્યા હતા. તેઓ એવા ઝાડ જેવા હતા જે હજી થોડું-ઘણું લીલું છે. કારણ કે, ઈસુ અને તેમના પર વિશ્વાસ રાખનારા હજી જીવિત હતા. પરંતુ, ઈસુને જલદી જ મોતની સજા થવાની હતી. એ પછી, વફાદાર યહુદીઓનો પવિત્ર શક્તિથી અભિષેક થવાનો હતો, જેઓ ઈશ્વરના ઇઝરાયેલનો ભાગ બનશે. (રોમ ૨:૨૮, ૨૯; ગલા ૬:૧૬) એ સમયે ઇઝરાયેલ રાષ્ટ્ર જાણે સુકાઈ ગયેલા ઝાડ જેવું બની જશે, એટલે ઈશ્વરની નજરમાં તે નકામું બની જશે.—માથ ૨૧:૪૩.
(લુક ૨૩:૩૩) અને તેઓ ખોપરી નામની જગ્યા પાસે પહોંચ્યા ત્યારે, ત્યાં તેઓએ તેમને ગુનેગારો સાથે ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.
nwtsty ચિત્ર/વીડિયો
એડીના હાડકામાં ખીલો
૧૯૬૮માં ઉત્તર યરૂશાલેમમાં થયેલા ખોદકામ વખતે માનવ એડી અને એની આરપાર થયેલો ૪.૫ ઇંચનો લોખંડનો ખીલો મળી આવ્યો હતો. એની નકલ કરેલો નમૂનો અહીં ફોટામાં આપ્યો છે. પુરાતત્વશાસ્ત્રનો આ વધુ એક પુરાવો છે, જે બતાવે છે કે વધસ્તંભ પર વ્યક્તિનો વધ કરવા માટે કદાચ ખીલાનો ઉપયોગ થતો હતો. લાગે છે કે ઈસુને વધસ્તંભ પર લટકાવવા માટે રોમનોએ એવા જ ખીલાનો ઉપયોગ કર્યો હતો. ઓસ્યુઅરી તરીકે ઓળખાતા પથ્થરના પાત્રમાં એ વસ્તુઓ મળી આવી હતી. વ્યક્તિના મરણ પછી, જ્યારે તેનું માંસ સડી જાય ત્યારે તેના સૂકાયેલાં હાડકાં એવા પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતાં. એ દર્શાવે છે કે, વધસ્તંભે મરણ પામેલી વ્યક્તિને દફનાવી શકાતી હતી.
બાઇબલ વાંચન
(લુક ૨૩:૧-૧૬) એટલે, બધા જ લોકો ઊઠ્યા અને ઈસુને પીલાત પાસે લઈ ગયા. ૨ પછી, તેઓ તેમના પર આરોપ મૂકતા કહેવા લાગ્યા: “અમને ખબર પડી છે કે આ માણસ અમારી પ્રજાને ઉશ્કેરે છે, સમ્રાટને કર આપવાની મના કરે છે અને કહે છે કે તે પોતે ખ્રિસ્ત છે, રાજા છે.” ૩ હવે, પીલાતે તેમને સવાલ કર્યો: “શું તું યહુદીઓનો રાજા છે?” જવાબમાં તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.” ૪ ત્યાર બાદ પીલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું: “આ માણસમાં મને કોઈ ગુનો દેખાતો નથી.” ૫ પરંતુ, તેઓ વધારે ભાર દઈને કહેવા લાગ્યા: “આખા યહુદિયામાં, ગાલીલથી લઈને અહીં સુધી, લોકોને તે પોતાના શિક્ષણથી ઉશ્કેરે છે.” ૬ એ સાંભળીને પીલાતે પૂછ્યું કે તે ગાલીલના છે કે કેમ. ૭ તે હેરોદની સત્તા નીચેના પ્રદેશથી છે એની ખાતરી કર્યા પછી, તેણે તેમને હેરોદ પાસે મોકલ્યા, જે પણ એ દિવસોમાં યરૂશાલેમમાં હતો. ૮ હેરોદે ઈસુને જોયા ત્યારે તે ઘણો ખુશ થયો. તે લાંબા સમયથી ઈસુને જોવા માંગતો હતો, કારણ કે તેણે તેમના વિશે ઘણું સાંભળ્યું હતું અને તે કોઈ ચમત્કાર કરે એવી આશા રાખતો હતો. ૯ તેથી, તે તેમને ઘણા સવાલો પૂછવા લાગ્યો, પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. ૧૦ છતાં, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ વારંવાર ઊભા થઈને તેમના પર ગુસ્સે ભરાઈને આરોપ મૂકતા હતા. ૧૧ પછી, હેરોદે પોતાના સૈનિકો સાથે મળીને તેમનો તિરસ્કાર કર્યો અને ભપકાદાર કપડાં પહેરાવીને તેમની મજાક ઉડાવી અને પછી પીલાત પાસે પાછા મોકલી આપ્યા. ૧૨ એ જ દિવસે પીલાત અને હેરોદ એકબીજાના મિત્રો બન્યા, કેમ કે એ પહેલાં તેઓ વચ્ચે દુશ્મની હતી. ૧૩ એ પછી પીલાતે મુખ્ય યાજકો, શાસકો અને લોકોને ભેગા કર્યા ૧૪ અને તેઓને કહ્યું: “આ માણસ લોકોને બળવો કરવા ઉશ્કેરે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા. હવે જુઓ! મેં તમારી સામે તેની પૂછપરછ કરી, પણ તમે આ માણસ પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મને મળતી નથી. ૧૫ હકીકતમાં, હેરોદને પણ નહિ, કેમ કે તેણે અમારી પાસે તેને પાછો મોકલી આપ્યો અને જુઓ! તેણે એવું કંઈ નથી કર્યું, જેના લીધે તેને મારી નાખવામાં આવે. ૧૬ તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.”