લેવીય
૧૪ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “રક્તપિત્ત* થયેલા માણસને શુદ્ધિકરણ માટે યાજક પાસે લાવવામાં આવે એ દિવસે, તે આ પ્રમાણે કરે:+ ૩ યાજક છાવણીની બહાર જાય અને રક્તપિત્ત થયેલા માણસને તપાસે. જો તેનો રક્તપિત્ત મટી ગયો હોય, ૪ તો યાજક તેને શુદ્ધ થવા બે શુદ્ધ જીવતાં પક્ષી, દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની* ડાળી લાવવાની આજ્ઞા કરે.+ ૫ પછી યાજક આજ્ઞા કરે કે, એક પક્ષીને ઝરાનું તાજું પાણી ભરેલા માટીના વાસણમાં કાપવામાં આવે. ૬ પછી તે જીવતું પક્ષી લે અને એની સાથે દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની ડાળી લે. પછી એ બધું એકસાથે એ પક્ષીના લોહીમાં બોળે, જેને ઝરાના તાજા પાણી ઉપર કાપવામાં આવ્યું હતું. ૭ જે માણસનું શુદ્ધિકરણ કરવાનું છે, એના પર યાજક સાત વાર એ લોહી છાંટે અને તેને શુદ્ધ જાહેર કરે. પછી તે જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.+
૮ “પછી તે માણસ પોતાનાં કપડાં ધૂએ, પોતાના આખા શરીરના વાળ ઉતારે અને સ્નાન કરે, એટલે તે શુદ્ધ થશે. પછી તે છાવણીમાં આવી શકશે, પણ સાત દિવસ તે પોતાના તંબુની બહાર રહેશે. ૯ સાતમા દિવસે તે પોતાના માથાના, દાઢીના અને ભ્રમરોના વાળ મૂંડાવે. વાળ મૂંડાવ્યા પછી તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે, એટલે તે શુદ્ધ થશે.
૧૦ “આઠમા દિવસે તે ખોડખાંપણ વગરના બે નર ઘેટા, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો ત્રણ ઓમેર* મેંદો+ અને એક લોગ માપ* તેલ+ લે. ૧૧ જે યાજક તે માણસને શુદ્ધ જાહેર કરે, તે એ માણસને તેનાં અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે રજૂ કરે. ૧૨ પછી યાજક દોષ-અર્પણ માટે એક નર ઘેટો+ અને એક લોગ માપ તેલ ચઢાવે. તે એને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવે.+ ૧૩ પછી તે પવિત્ર જગ્યામાં નર ઘેટાને કાપે, જ્યાં સામાન્ય રીતે પાપ-અર્પણ અને અગ્નિ-અર્પણનું પ્રાણી કાપવામાં આવે છે.+ પાપ-અર્પણની જેમ દોષ-અર્પણ પણ યાજકનું છે.+ એ ખૂબ પવિત્ર છે.+
૧૪ “પછી યાજક દોષ-અર્પણનું થોડું લોહી લે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તેના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર એ લગાવે. ૧૫ ત્યાર બાદ, યાજક એ લોગ માપ તેલમાંથી થોડું લે+ અને પોતાની ડાબી હથેળીમાં રેડે. ૧૬ પછી યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાં પોતાના જમણા હાથની આંગળી બોળે અને એ તેલ યહોવા આગળ સાત વાર છાંટે. ૧૭ પછી યાજક હથેળીમાં બાકી રહેલા તેલમાંથી થોડું લઈને તે માણસના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર, એટલે કે જ્યાં દોષ-અર્પણનું લોહી લગાવ્યું હતું ત્યાં લગાવે. ૧૮ યાજક પોતાની હથેળીમાં બાકી રહેલું તેલ તે માણસના માથા પર રેડી દે અને તેના માટે યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરે.+
૧૯ “પછી યાજક પાપ-અર્પણ ચઢાવે+ અને એ માણસ માટે પ્રાયશ્ચિત્ત કરે જે પોતાની અશુદ્ધ હાલતમાંથી શુદ્ધ થઈ રહ્યો છે. ત્યાર બાદ, તે અગ્નિ-અર્પણ માટેનું પ્રાણી કાપે. ૨૦ યાજક વેદી પર અગ્નિ-અર્પણ અને અનાજ-અર્પણ ચઢાવે.+ યાજક તે માણસ માટે પ્રાયશ્ચિત્ત કરશે+ અને તે શુદ્ધ થશે.+
૨૧ “પણ જો તે માણસ ગરીબ હોય અને એ બધું લાવવું તેના ગજા બહાર હોય, તો તે પોતાના પ્રાયશ્ચિત્ત માટે દોષ-અર્પણ તરીકે એક ઘેટો લાવે, જેને હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવવામાં આવશે. એની સાથે તે અનાજ-અર્પણ માટે એફાહનો દસમો ભાગ* મેંદો લે, જેમાં તેલ ઉમેરેલું હોય અને એક લોગ માપ તેલ લે. ૨૨ તેમ જ, પોતાના ગજા પ્રમાણે તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે. એમાંનું એક પક્ષી પાપ-અર્પણ તરીકે અને બીજું પક્ષી અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે.+ ૨૩ આઠમા દિવસે+ તે પોતાના શુદ્ધિકરણ માટે એ બધું યાજક પાસે લાવે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે રજૂ કરે.+
૨૪ “યાજક દોષ-અર્પણનો ઘેટો+ અને લોગ માપ તેલ લે અને એને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવે.+ ૨૫ પછી તે દોષ-અર્પણનો ઘેટો કાપે. યાજક દોષ-અર્પણનું થોડું લોહી લે અને શુદ્ધિકરણ માટે આવેલા માણસના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર એ લગાવે.+ ૨૬ યાજક પોતાની ડાબી હથેળીમાં થોડું તેલ રેડે.+ ૨૭ પછી યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાં પોતાના જમણા હાથની આંગળી બોળે અને એ તેલ યહોવા આગળ સાત વાર છાંટે. ૨૮ પછી યાજક હથેળીમાં બાકી રહેલા તેલમાંથી થોડું લઈને તે માણસના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર, એટલે કે જ્યાં દોષ-અર્પણનું લોહી લગાવ્યું હતું ત્યાં લગાવે. ૨૯ યાજક પોતાની હથેળીમાં બાકી રહેલું તેલ તે માણસના માથા પર રેડી દે અને તેના માટે યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરે.
૩૦ “તે માણસ પોતાના ગજા પ્રમાણે હોલા અથવા કબૂતરનાં બચ્ચાં લાવે.+ ૩૧ પોતાના ગજા પ્રમાણે તે જે પક્ષીની જોડ લાવે, એમાંથી એકને પાપ-અર્પણ તરીકે અને બીજાને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે.+ એની સાથે તે અનાજ-અર્પણ પણ ચઢાવે. આમ, યાજક તે માણસ માટે યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરે.+
૩૨ “એ નિયમ એવા માણસ માટે છે, જે રક્તપિત્તમાંથી સાજો થયો છે, પણ પોતાના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો ચઢાવવાં તેના ગજા બહારનું છે.”
૩૩ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૩૪ “જ્યારે તમે કનાન દેશમાં+ જાઓ, જે હું તમને વારસા તરીકે આપવાનો છું,+ ત્યારે જો હું તમારા ઘરને ફૂગનો* રોગ થવા દઉં,+ ૩૫ તો એ ઘરનો માલિક યાજક પાસે જાય અને તેને કહે, ‘મારા ઘરની દીવાલમાં ધબ્બો દેખાય છે અને એ ફૂગ જેવો લાગે છે.’ ૩૬ તપાસ કરતા પહેલાં યાજક એ ઘરને ખાલી કરવાની આજ્ઞા આપે, જેથી તે ઘરની બધી વસ્તુઓને અશુદ્ધ જાહેર ન કરે. પછી યાજક અંદર જઈને ઘરની તપાસ કરે. ૩૭ તે ધબ્બો લાગેલા ભાગની તપાસ કરે. જો દીવાલ પર પીળાશ પડતા લીલા અથવા લાલ ધબ્બા પડ્યા હોય અને એ દીવાલમાં ઊંડા ઊતર્યા હોય, ૩૮ તો યાજક ઘરના દરવાજા આગળ જાય અને ઘરને સાત દિવસ માટે બંધ કરી દે.+
૩૯ “યાજક સાતમા દિવસે પાછો જાય અને ઘરની તપાસ કરે. જો ધબ્બા ઘરની દીવાલમાં ફેલાયા હોય, ૪૦ તો યાજક આજ્ઞા કરે કે ધબ્બો લાગેલા પથ્થરોને કાઢી નાખવામાં આવે અને એને શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવામાં આવે. ૪૧ પછી એ ઘરને અંદરથી પૂરેપૂરું ખોતરી નાખવું અને જે લીંપણ અને માટીનો ગારો કાઢી નાખવામાં આવે એને શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવો. ૪૨ પછી જે જગ્યાએથી પથ્થરો કાઢવામાં આવ્યા હોય, ત્યાં બીજા પથ્થરો બેસાડવા અને માટીના નવા ગારાથી ઘરને લીંપવું.
૪૩ “જો પથ્થર કાઢ્યા પછી, ઘરને ખોતર્યા અને લીંપ્યા પછી પણ, ઘરમાં ફરીથી બીજા ધબ્બા દેખાઈ આવે, ૪૪ તો યાજક ઘરની અંદર જાય અને એની તપાસ કરે. જો ધબ્બા ઘરમાં ફેલાયા હોય, તો એ ઘરને ખતરનાક ચેપી ફૂગ થઈ છે.+ એ ઘર અશુદ્ધ છે. ૪૫ એ ઘરને તોડી નાખવામાં આવે અને એના પથ્થરો, લાકડાં, લીંપણ અને માટીનો ગારો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવામાં આવે.+ ૪૬ જેટલા દિવસ ઘર બંધ રહે,+ એ દિવસોમાં જે કોઈ અંદર જાય, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય+ ૪૭ અને જે કોઈ એ ઘરમાં સૂએ, તે પોતાનાં કપડાં ધૂએ અને જે કોઈ એ ઘરમાં ખાય, તે પોતાનાં કપડાં ધૂએ.
૪૮ “પણ જો યાજક તપાસ માટે જાય અને જુએ કે ઘરને ફરીથી લીંપણ કર્યા પછી ધબ્બા ફેલાયા નથી, તો યાજક એ ઘરને શુદ્ધ જાહેર કરે, કેમ કે એ ધબ્બા જતા રહ્યા છે. ૪૯ એ ઘરને અશુદ્ધ હાલતમાંથી* શુદ્ધ કરવા તે બે પક્ષી, દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની ડાળી લે.+ ૫૦ એક પક્ષીને ઝરાનું તાજું પાણી ભરેલા માટીના વાસણમાં કાપવામાં આવે. ૫૧ યાજક જીવતું પક્ષી લે અને એની સાથે દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની ડાળી લે. પછી એ બધું એ પક્ષીના લોહીમાં બોળે, જેને ઝરાના તાજા પાણી ઉપર કાપવામાં આવ્યું હતું. ત્યાર બાદ, એ લોહી ઘર પર સાત વાર છાંટે.+ ૫૨ આમ, તે પક્ષીનું લોહી, ઝરાનું તાજું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, મરવો છોડની ડાળી અને લાલ કપડાથી ઘરને અશુદ્ધ હાલતમાંથી* શુદ્ધ કરે. ૫૩ પછી, તે જીવતા પક્ષીને શહેર બહાર ખુલ્લા મેદાનમાં છોડી દે. યાજક ઘર માટે પ્રાયશ્ચિત્ત કરે અને એ શુદ્ધ થશે.
૫૪ “એ નિયમો દરેક પ્રકારના રક્તપિત્ત, માથાના તાલકામાં કે દાઢીમાં લાગેલા ચેપ,+ ૫૫ કપડા કે ઘરમાં થયેલી ફૂગ,+ ૫૬ ચામડી પર થયેલા સોજા, પોપડી અને ડાઘ વિશે છે,+ ૫૭ જેથી કોઈ વસ્તુ ક્યારે અશુદ્ધ અને ક્યારે શુદ્ધ છે+ એ પારખી શકાય. એ નિયમો રક્તપિત્ત અને ફૂગ માટે છે.”+