અભ્યાસ લેખ ૪૪
ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ
ઘડપણમાં કઈ રીતે ખુશ રહી શકો?
‘ઘડપણમાં તેઓ ફૂલશે-ફાલશે.’—ગીત. ૯૨:૧૪.
આપણે શું શીખીશું?
વૃદ્ધ ભાઈ-બહેનો ખુશ રહે એ કેમ જરૂરી છે અને તેઓ કઈ રીતે ખુશ રહી શકે?
૧-૨. યહોવાને પોતાના વૃદ્ધ ભક્તો વિશે કેવું લાગે છે? (ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૪; ચિત્ર પણ જુઓ.)
વધતી ઉંમર વિશે દુનિયામાં લોકોના અલગ અલગ વિચારો હોય છે. અમુક લોકો એ વાતને સન્માન ગણે છે, તો બીજા અમુક લોકો ઉંમર છુપાવવા ઘણું બધું કરે છે. જરા વિચારો: તમને તમારો પહેલો સફેદ વાળ દેખાયો ત્યારે તમે શું કર્યું હતું? કદાચ તમને થયું હશે, ‘બીજું કોઈ જુએ એ પહેલાં લાવ એને ખેંચી કાઢું.’ પણ પછી તમને વિચાર આવ્યો હશે કે એક સફેદ વાળ કાઢવાથી બીજા વાળ સફેદ થતા અટકી નહિ જાય. આ દાખલાથી જોવા મળે છે કે લાખ પ્રયત્નો છતાં કોઈ પણ ઘડપણને અટકાવી શકતું નથી.
૨ આપણા સ્વર્ગમાંના પિતાને પોતાના વૃદ્ધ ભક્તો વિશે કેવું લાગે છે? (નીતિ. ૧૬:૩૧) તે તેઓને ઘટાદાર વૃક્ષો સાથે સરખાવે છે. (ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૪ વાંચો.) તે કેમ એવી સરખામણી કરે છે? મોટા ભાગે વર્ષો જૂનાં ઝાડ પર ઘણાં પાંદડાં અને ફૂલો હોય છે. જેમ કે, જાપાનમાં એક પ્રકારનાં ઝાડ વર્ષોનાં વર્ષો જીવે છે. એમાંનાં સૌથી સુંદર ઝાડ તો હજાર કરતાં વધારે વર્ષ જૂનાં છે. એ વૃક્ષોની જેમ વૃદ્ધ ભાઈ-બહેનો યહોવાની નજરે ખૂબ સુંદર અને અનમોલ છે. તેઓના સુંદર ગુણોને યહોવા ખૂબ અનમોલ ગણે છે. તેઓ ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. જીવનની ચઢતી-પડતીમાં તેઓ યહોવાને વફાદાર રહ્યાં છે.
ઝાડ જેટલું જૂનું હોય છે એટલું જ સુંદર દેખાય છે. એવી જ રીતે, વૃદ્ધ ભાઈ-બહેનોના સારા ગુણોને લીધે તેઓ યહોવા અને ભાઈ-બહેનોની નજરે સુંદર અને અનમોલ છે (ફકરો ૨ જુઓ)
૩. યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા કઈ રીતે મોટી ઉંમરના ઈશ્વરભક્તોનો ઉપયોગ કર્યો હતો? એક દાખલો આપો.
૩ ભલે આપણી ઉંમર ગમે તેટલી હોય, યહોવા હંમેશાં આપણને અનમોલ ગણે છે.a ઘણી વાર તે પોતાનો હેતુ પૂરો કરવા મોટી ઉંમરના ઈશ્વરભક્તોનો ઉપયોગ કરે છે. સારાહનો દાખલો લો. તે વૃદ્ધ હતાં ત્યારે યહોવાએ કહ્યું કે તેમને એક દીકરો થશે. એ દીકરામાંથી મોટી પ્રજા અને મસીહ આવશે. (ઉત. ૧૭:૧૫-૧૯) મૂસા પણ મોટી ઉંમરના હતા ત્યારે યહોવાએ તેમને ભારે જવાબદારી સોંપી. મૂસાએ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવાના હતા. (નિર્ગ. ૭:૬, ૭) પ્રેરિત યોહાન પણ ખૂબ ઘરડા હતા ત્યારે યહોવાએ તેમની પાસે બાઇબલનાં પાંચ પુસ્તકો લખાવ્યાં.
૪. નીતિવચનો ૧૫:૧૫ પ્રમાણે વૃદ્ધ ભાઈ-બહેનોને પડકારોનો સામનો કરવા કઈ રીતે મદદ મળી શકે? (ચિત્ર પણ જુઓ.)
૪ વધતી ઉંમરની સાથે સાથે ઘણી તકલીફો આવે છે. એક બહેને મજાકમાં કહ્યું: “ઘરડા થવું એ કંઈ ઢીલા-પોચા લોકોનું કામ નથી.” પણ ખુશb રહેવાથી વૃદ્ધ ભાઈ-બહેનો વધતી ઉંમર સાથે આવતા પડકારોનો સામનો કરી શકે છે. (નીતિવચનો ૧૫:૧૫ વાંચો.) આ લેખમાં જોઈશું કે ખુશ રહેવા વૃદ્ધ ભાઈ-બહેનો શું કરી શકે? એ પણ જોઈશું કે મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે મદદ કરી શકે? પણ ચાલો પહેલા એ જોઈએ કે ઉંમર વધતી જાય તેમ, આનંદ જાળવી રાખવો કેમ અઘરું બની શકે છે.
યહોવા તમારા ભલા માટે જે કરે છે એના પર ધ્યાન આપશો તો, વધતી ઉંમર સાથે આવતી મુશ્કેલીઓમાં ખુશ રહી શકશો (ફકરો ૪ જુઓ)
ઘડપણમાં ખુશ રહેવું કેમ અઘરું લાગી શકે?
૫. શાના લીધે કદાચ અમુક વૃદ્ધ ભાઈ-બહેનો નિરાશ થઈ જઈ શકે?
૫ વૃદ્ધ ભાઈ-બહેનો, તમે કદાચ એ વિચારીને નિરાશ થઈ જાઓ કે હવે તમારાથી પહેલાં જેટલું નથી થતું. તમને કદાચ થાય, ‘હું આજેય યુવાન અને તંદુરસ્ત હોત તો કેવું સારું!’ (સભા. ૭:૧૦) રૂબીબહેનને અમુક વાર નિરાશા ઘેરી વળે છે. તે કહે છે: “હું બરાબર હલનચલન નથી કરી શકતી અને દુઃખાવો પણ રહે છે. એટલે કપડાં પહેરતા બહુ અગવડ પડે છે. મોજાં પહેરવા પગ ઊંચો કરવો પણ અઘરું લાગે છે. મારા હાથ સૂન્ન પડી જાય છે અને મને વાની બીમારી છે. એટલે નાનાં નાનાં કામો કરવા પણ મને મુશ્કેલ લાગે છે.” હવે હેરોલ્ડભાઈનો વિચાર કરો. અગાઉ તે બેથેલમાં સેવા આપતા હતા. તે કહે છે: “પહેલાં જે કરવાની મજા આવતી હતી, એ હવે નથી કરી શકતો એટલે મને બહુ ગુસ્સો આવે છે. પહેલાં મારામાં જુવાનીનું જોમ હતું. મને બેઝબૉલ રમવું ખૂબ ગમતું હતું. લોકો કહેતા, ‘જો જીતવું હોય તો હેરોલ્ડને બૉલ આપો.’ પણ હવે મારામાં બૉલ ફેંકવાનીયે તાકાત નથી.”
૬. (ક) બીજાં કયાં કારણોને લીધે વૃદ્ધ ભાઈ-બહેનો નિરાશ થઈ જઈ શકે? (ખ) વૃદ્ધ ભાઈ-બહેનો કઈ રીતે નક્કી કરી શકે કે તેઓએ વાહન ચલાવવાનું બંધ કરવું જોઈએ કે નહિ? (આ અંકમાં આપેલો આ લેખ જુઓ: “શું મારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ?”)
૬ અમુક કામ માટે તમારે બીજાઓ પર આધાર રાખવો પડે, એટલે કદાચ તમે નિરાશ થઈ જાઓ. બની શકે કે કોઈએ તમારી સંભાળ રાખવા ઘરે આવવું પડે અથવા તમારા દીકરા કે દીકરી સાથે તમારે રહેવા જવું પડે. તમે કદાચ કમજોરીને લીધે કે ઓછું દેખાતું હોવાને લીધે વાહન ન ચલાવી શકો અથવા જાતે ક્યાંય જઈ ન શકો. એ બધાને લીધે કદાચ તમે દુઃખી થઈ જાઓ. પણ યાદ રાખો કે તમે યહોવા અને બીજાઓ માટે હજી પણ ખૂબ અનમોલ છો. ખાતરી રાખો કે યહોવા તમારી લાગણીઓ સારી રીતે સમજે છે. તે જાણે છે કે તમે તેમને અને ભાઈ-બહેનોને કેટલો બધો પ્રેમ કરો છો અને એ વાત તેમને મન ખૂબ કીમતી છે.—૧ શમુ. ૧૬:૭.
૭. જો તમે એ વિચારીને દુઃખી થતા હો કે આર્માગેદન નહિ જોઈ શકો, તો શાનાથી મદદ મળી શકે?
૭ તમે કદાચ એ વિચારીને દુઃખી થઈ જાઓ કે આર્માગેદન આવતા પહેલાં તમારી આંખો મીંચાઈ જશે. જો એવું લાગતું હોય તો તમને શાનાથી મદદ મળી શકે? એ યાદ રાખવાનો પ્રયત્ન કરો કે આ દુષ્ટ દુનિયાનો અંત લાવવા યહોવા ધીરજથી રાહ જોઈ રહ્યા છે. (યશા. ૩૦:૧૮) પણ શા માટે? કેમ કે તેમને આશા છે કે બીજા ઘણા લોકો તેમના વિશે શીખશે અને તેમના દોસ્ત બનશે. (૨ પિત. ૩:૯) એટલે જ્યારે પણ તમે નિરાશ થઈ જાઓ, ત્યારે વિચારજો કે યહોવાની ધીરજના લીધે અંત પહેલાં કેટલા બધા લોકોને ફાયદો થશે. બની શકે કે એમાં તમારા કુટુંબના સભ્યો પણ હોય.
૮. વૃદ્ધ ભાઈ-બહેનો બીમારી કે પીડાને લીધે કદાચ શું કરી બેસે?
૮ ભલે આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, બીમારી કે પીડાને લીધે કદાચ આપણે એવું કંઈક કહી કે કરી બેસીએ જેનો પછીથી પસ્તાવો થાય. (સભા. ૭:૭; યાકૂ. ૩:૨) દાખલા તરીકે, વફાદાર ઈશ્વરભક્ત અયૂબ પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો ત્યારે, તે “ધડ-માથા વગરની વાતો” કરવા લાગ્યા. (અયૂ. ૬:૧-૩) એવી જ રીતે, મોટી ઉંમરનાં ભાઈ-બહેનો પોતાની બીમારી કે દવાને લીધે કદાચ એવું કંઈક કહી કે કરી બેસે, જે તેઓના સ્વભાવની વિરુદ્ધ હોય. ખરું કે આપણામાંથી કોઈ પણ જાણીજોઈને પોતાની ઉંમર કે તબિયતનું બહાનું કાઢીને બીજાઓ સાથે ખરાબ વ્યવહાર નહિ કરે અથવા બીજાઓ પાસે વધારે પડતી અપેક્ષા નહિ રાખે. જો આપણને ખ્યાલ આવે કે આપણે કોઈને માઠું લગાડ્યું છે, તો માફી માંગતા અચકાવું ન જોઈએ.—માથ. ૫:૨૩, ૨૪.
કઈ રીતે ખુશ રહી શકો?
વધતી ઉંમર સાથે આવતા પડકારોમાં પણ તમે કઈ રીતે ખુશ રહી શકો? (ફકરા ૯-૧૩ જુઓ)
૯. શા માટે બીજાઓની મદદ લેવી જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૯ બીજાઓની મદદ સ્વીકારો. (ગલા. ૬:૨) શરૂ શરૂમાં કદાચ એમ કરવું અઘરું લાગી શકે. ગ્રેટલબહેન કહે છે: “અમુક વાર હું બીજાઓની મદદ લેતા અચકાઉં છું. કેમ કે મને થાય છે કે ક્યાં તેઓને હેરાન કરવાના. પોતાના વિચારોમાં ફેરફાર કરવા તેમજ મદદની જરૂર છે એ વાત નમ્રતાથી સ્વીકારવા મને સમય લાગ્યો.” જ્યારે તમે બીજાઓની મદદ લો છો, ત્યારે આપવાથી જે ખુશી મળે છે એનો તેઓ અનુભવ કરી શકે છે. (પ્રે.કા. ૨૦:૩૫) એટલું જ નહિ, તમને પણ એ જોઈને ખુશી થશે કે બીજાઓ તમને કેટલો પ્રેમ કરે છે અને તમારી કેટલી ચિંતા કરે છે.
(ફકરો ૯ જુઓ)
૧૦. શા માટે યાદ રાખીને બીજાઓનો આભાર માનવો જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૧૦ આભાર માનો. (કોલો. ૩:૧૫; ૧ થેસ્સા. ૫:૧૮) બીજાઓ આપણા માટે કંઈક કરે ત્યારે આપણું દિલ કદરથી ઊભરાઈ જાય છે. તોપણ અમુક વાર એવું બને કે કદર બતાવવાનું ચૂકી જઈએ. જો એક સ્માઇલ સાથે આભાર માનીશું, તો આપણા દોસ્તોને લાગશે કે આપણે તેઓની કદર કરીએ છીએ. લિઆબહેન બેથેલમાં વૃદ્ધજનોની સંભાળ રાખે છે. તે કહે છે: “એક બહેન હંમેશાં મારો આભાર માને છે. તે મારા માટે નાની નાની ચિઠ્ઠીઓ લખી રાખે છે. એમાં બહુ શબ્દો હોતા નથી, પણ એમાંથી પ્રેમ નીતરે છે. એ મને બહુ ગમે છે. મને એ જાણીને ઘણી ખુશી થાય છે કે બહેન મારી મદદ માટે કેટલા આભારી છે.”
(ફકરો ૧૦ જુઓ)
૧૧. તમે કઈ રીતે બીજાઓને મદદ કરી શકો? (ચિત્રો પણ જુઓ.)
૧૧ પોતાનાથી થાય એટલી બીજાઓને મદદ કરો. જ્યારે તમારાં સમય-શક્તિ બીજાઓ માટે વાપરો છો, ત્યારે તમે પોતાની તકલીફો વિશે વધારે પડતું વિચારતા નથી. આફ્રિકાની એક કહેવતમાં મોટી ઉંમરના લોકોને પુસ્તકોથી ભરેલી લાઇબ્રેરી સાથે સરખાવ્યા છે, જેમાં જ્ઞાન અને સમજણનો ભંડાર હોય છે. વૃદ્ધ ભાઈ-બહેનો, તમે પણ “જીવતી-જાગતી લાઇબ્રેરી” જેવાં છો. પણ જરા વિચારો, જો એ પુસ્તકો કબાટમાં પડ્યાં રહેશે તો શું એનાથી કોઈને શીખવા મળશે? એટલે યુવાનોને તમારા જીવનના અનુભવો અને શીખેલી વાતો જણાવવા પહેલ કરો. તેઓને સવાલો પૂછો અને પછી તેઓની વાત સાંભળો. તેઓને શીખવો કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું કેમ તેઓના ભલા માટે છે અને એમ કરવાથી કઈ રીતે સાચી ખુશી મળે છે. તમારા એ યુવાન દોસ્તોને દિલાસો અને ઉત્તેજન આપશો તો તમને સાચે જ ખુશી મળશે.—ગીત. ૭૧:૧૮.
(ફકરો ૧૧ જુઓ)
૧૨. યશાયા ૪૬:૪ પ્રમાણે યહોવા વૃદ્ધ ભાઈ-બહેનોને કયું વચન આપે છે? (ચિત્રો પણ જુઓ.)
૧૨ તાકાત માટે યહોવાને પ્રાર્થના કરો. અમુક વાર તમને લાગે કે તમે બહુ થાકી ગયા છો અથવા કમજોર થઈ ગયા છો. એના લીધે કદાચ તમે નિરાશ થઈ જાઓ. પણ યાદ રાખો કે યહોવા સૌથી શક્તિશાળી છે. બાઇબલમાં જણાવ્યું છે કે “તે કદી થાકતા નથી કે કમજોર થતા નથી.” (યશા. ૪૦:૨૮) એટલે તે તમને જોઈતી તાકાત આપી શકે છે. (યશા. ૪૦:૨૯-૩૧) અરે, તે તમને મદદ કરવાનું વચન પણ આપે છે. (યશાયા ૪૬:૪ વાંચો.) તે પોતાનાં વચનોથી ક્યારેય ફરી જતા નથી. (યહો. ૨૩:૧૪; યશા. ૫૫:૧૦, ૧૧) જ્યારે તમે પ્રાર્થના કરશો, ત્યારે યહોવા તમને જરૂરી મદદ આપશે. આમ તમે અનુભવ કરી શકશો કે યહોવા તમને કેટલો બધો પ્રેમ કરે છે અને એનાથી તમને અનેરી ખુશી મળશે.
(ફકરો ૧૨ જુઓ)
૧૩. બીજો કોરીંથીઓ ૪:૧૬-૧૮ પ્રમાણે આપણે શું યાદ રાખવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૧૩ યાદ રાખો કે હાલની મુશ્કેલીઓ બસ થોડા સમય માટે જ છે. જ્યારે આપણને ખબર હોય છે કે મુશ્કેલીઓ લાંબો સમય નહિ ટકે, ત્યારે એનો સામનો કરવો સહેલું થઈ જાય છે. બાઇબલમાંથી ખાતરી મળે છે કે ઘડપણ અને બીમારીઓ જલદી જ દૂર થઈ જશે. (અયૂ. ૩૩:૨૫; યશા. ૩૩:૨૪) વૃદ્ધ ભાઈ-બહેનો, એવું નથી કે તમારા સોનેરી દિવસો વીતી ગયા છે. તમારા સોનેરી દિવસો તો હજી આવવાના બાકી છે. એ વાત યાદ રાખવાથી તમે ખુશ રહી શકશો. (૨ કોરીંથીઓ ૪:૧૬-૧૮ વાંચો.) પણ બીજાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે?
(ફકરો ૧૩ જુઓ)
બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?
૧૪. વૃદ્ધ ભાઈ-બહેનોને મળવા જવું અને તેઓને ફોન કરવો કેમ મહત્ત્વનું છે?
૧૪ નિયમિત રીતે વૃદ્ધ ભાઈ-બહેનોને મળવા જાઓ અને તેઓને ફોન કરો. (હિબ્રૂ. ૧૩:૧૬) વૃદ્ધ ભાઈ-બહેનોને એકલું એકલું લાગી શકે છે. કૅમીભાઈને એવું જ લાગે છે. તે કહે છે: “મારે સવારથી સાંજ સુધી ઘરમાં જ રહેવું પડે છે. હું બહુ કંટાળી જઉં છું. અમુક વાર તો મને લાગે છે કે હું પિંજરામાં પુરાયેલા એક ઘરડા સિંહ જેવો છું. હું હેરાન-પરેશાન થઈ જઉં છું અને અકળાઈ જઉં છું.” આપણે મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને મળવા જઈએ છીએ ત્યારે, તેઓને ખાતરી અપાવીએ છીએ કે તેઓ આપણને ખૂબ વહાલાં છે. આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક એવું બન્યું હશે કે આપણે મંડળના કોઈ વૃદ્ધ ભાઈ કે બહેનને ફોન કરવાનું કે મળવા જવાનું વિચાર્યું હોય, પણ એવું ન કરી શક્યા હોઈએ. આપણા બધા પાસે ઘણાં કામ હોય છે. પણ બાઇબલમાં લખ્યું છે કે “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.” વધારે મહત્ત્વની બાબતોમાં વૃદ્ધ ભાઈ-બહેનોને મળવા જવાનું પણ આવી જાય છે. (ફિલિ. ૧:૧૦) એમ કરવા તમને શાનાથી મદદ મળી શકે? તમે કદાચ કેલેન્ડરમાં લખી શકો કે કયા દિવસે અને સમયે તમે મંડળનાં વૃદ્ધ ભાઈ-બહેનોને મૅસેજ કે ફોન કરશો. તેઓને મળવા જવાનો દિવસ નક્કી કરો. એવું ન વિચારશો કે સમય મળશે ત્યારે જઈ આવશો.
૧૫. યુવાનો અને વૃદ્ધ ભાઈ-બહેનો સાથે મળીને શું કરી શકે?
૧૫ યુવાનો, તમને કદાચ થતું હશે કે વૃદ્ધ ભાઈ-બહેનો સાથે શેના વિશે વાત કરી શકાય અથવા તેઓ સાથે મળીને શું કરી શકાય. પણ વધારે વિચારવાને બદલે, બસ તેઓના સારા દોસ્ત બનો. (નીતિ. ૧૭:૧૭) મંડળની સભાઓ પહેલાં કે પછી તેઓ સાથે વાત કરો. તમે કદાચ તેઓની મનગમતી કલમ પૂછી શકો અથવા તેઓના બાળપણનો કોઈ મજેદાર કિસ્સો જણાવવાનું કહી શકો. તમે તેઓને JW બ્રૉડકાસ્ટિંગનો કાર્યક્રમ જોવા બોલાવી શકો. બીજી અનેક રીતે તમે વૃદ્ધ ભાઈ-બહેનોને મદદ કરી શકો છો. દાખલા તરીકે, તેઓનો ફોન કે ટેબ્લેટ બરાબર કામ કરે છે કે નહિ એ જોઈ આપી શકો. અથવા એમાં નવાં સાહિત્ય ડાઉનલોડ કરી આપી શકો. કેરોલબહેન કહે છે: “તમને જે કરવાની મજા આવતી હોય, એ વૃદ્ધ ભાઈ-બહેનો સાથે મળીને કરો. ભલે હવે મારી ઉંમર થઈ ગઈ છે, પણ જીવનની મજા માણવાનું કોને ન ગમે! મને ખરીદી કરવા જવું, બહાર જમવા જવું અને સૃષ્ટિ નિહાળવી ગમે છે.” માયરાબહેન કહે છે: “મારાં એક બહેનપણી ૯૦ વર્ષનાં છે. અમારી વચ્ચે ૫૭ વર્ષનો ફરક છે. પણ જ્યારે અમે સાથે મળીને ખડખડાટ હસીએ છીએ અને ફિલ્મો જોઈએ છીએ, ત્યારે ઘણી વાર એ ફરક હું ભૂલી જઉં છું. અમારા જીવનમાં તકલીફો આવે ત્યારે અમે એકબીજાની સલાહ પણ લઈએ છીએ.”
૧૬. વૃદ્ધ ભાઈ-બહેનોએ ડૉક્ટર પાસે જવાનું થાય ત્યારે તેઓ સાથે જવું કેમ સારું રહેશે?
૧૬ જ્યારે વૃદ્ધ ભાઈ-બહેનોએ ડૉક્ટર પાસે જવાનું થાય, ત્યારે તેઓની સાથે જાઓ. તમે તેઓને ડૉક્ટર પાસે લઈ જાઓ ત્યારે, કદાચ ત્યાં રોકાઈ શકો અને તેઓની મદદ કરી શકો. જેમ કે, તમે ધ્યાન આપી શકો કે ડૉક્ટર અથવા નર્સ તેઓ સાથે સારી રીતે વર્તે અને તેઓને જોઈતી મદદ કરે. (યશા. ૧:૧૭) વધુમાં ડૉક્ટર જે કહે એ તમે નોંધી શકો. રૂથબહેન વૃદ્ધ છે. તે કહે છે: “ઘણી વાર હું એકલી જઉં ત્યારે ડૉક્ટર મને ગણકારતા જ નથી. તે કહે છે, ‘તમે કંઈ બીમાર નથી. આ તો તમારા મનનો વહેમ છે.’ પણ જ્યારે કોઈ ભાઈ કે બહેન મારી સાથે આવે છે, ત્યારે ડૉક્ટર મારી સાથે સારી રીતે વર્તે છે. હું મારાં ભાઈ-બહેનોનો ખૂબ આભાર માનું છું કે તેઓ મારા માટે સમય કાઢે છે.”
૧૭. તમે વૃદ્ધ ભાઈ-બહેનો સાથે કઈ અલગ અલગ રીતે પ્રચાર કરી શકો?
૧૭ તેઓ સાથે પ્રચાર કરો. અમુક વૃદ્ધ ભાઈ-બહેનોમાં કદાચ એટલી તાકાત ન હોય કે તેઓ ઘર ઘરના પ્રચારમાં જઈ શકે. એવામાં તમે તેઓને પૂછી શકો, ‘શું તમારે મારી સાથે ટ્રોલી દ્વારા પ્રચાર કરવા આવવું છે?’ અથવા ‘શું તમારે મારી સાથે બાઇબલ અભ્યાસમાં આવવું છે?’ તમે બીજું શું કરી શકો? ટ્રોલી દ્વારા પ્રચાર કરતી વખતે તમે જોડે ખુરશી રાખી શકો, જેથી તેઓ ત્યાં બાજુમાં બેસી શકે. તમે તમારા વિદ્યાર્થીને બાઇબલ અભ્યાસ માટે તેઓના ઘરે લઈ જઈ શકો. વડીલો કદાચ મોટી ઉંમરનાં ભાઈ-બહેનોના ઘરે પ્રચારની સભા રાખી શકે, જેથી તેઓ સહેલાઈથી પ્રચારમાં ભાગ લઈ શકે. તમે ઉંમરવાળાં ભાઈ-બહેનોને પ્રેમ અને માન બતાવવા બનતું બધું કરો છો ત્યારે, યહોવાનું દિલ ખુશ થાય છે.—નીતિ. ૩:૨૭; રોમ. ૧૨:૧૦.
૧૮. હવે પછીના અભ્યાસ લેખમાં શું શીખીશું?
૧૮ આ લેખમાં આપણે શીખ્યા કે યહોવા વૃદ્ધ ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરે છે અને તેઓને અનમોલ ગણે છે. મંડળનાં ભાઈ-બહેનોને પણ તેઓ વિશે એવું જ લાગે છે. ઘડપણ સાચે જ અઘરું હોય છે, પણ યહોવાની મદદથી તમે ખુશ રહી શકો છો. (ગીત. ૩૭:૨૫) એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે તમારા સોનેરી દિવસો વીતી ગયા નથી, એ તો હજી આવવાના બાકી છે. પણ અમુક ભાઈ-બહેનો બીજા જ એક પડકારનો સામનો કરે છે. તેઓ કુટુંબના કોઈ વૃદ્ધ સભ્યની, બાળકની કે મિત્રની સંભાળ રાખે છે, જેઓ બીમાર છે. તેઓ કઈ રીતે ખુશ રહી શકે? એ સવાલનો જવાબ હવે પછીના અભ્યાસ લેખમાં જોઈશું.
ગીત ૫૧ યહોવા અમારો આધાર
a jw.org અને JW લાઇબ્રેરી પર આ વીડિયો જુઓ: વૃદ્ધજનો—તમારી ભૂમિકા મહત્ત્વની છે.