વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 નવેમ્બર પાન ૮-૯
  • શું મારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું મારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • વિચારો કે તમે સલામતીથી વાહન ચલાવી શકો છો કે નહિ
  • બાઇબલની મદદ લો
  • વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?
    સજાગ બનો!—૨૦૦૨
  • કાર ઍક્સિડન્ટ કઈ રીતે ટાળી શકાય?
    સજાગ બનો!—૨૦૧૨
  • અપંગ
    સજાગ બનો!—૧૯૯૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 નવેમ્બર પાન ૮-૯
મોટી ઉંમરના એક ભાઈ બારી પાસે બેઠા છે અને બહાર પોતાની ગાડીને જોઈ રહ્યા છે. તે હાથમાં ગાડીની ચાવી પકડીને કંઈક વિચારી રહ્યા છે.

શું મારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ?

ધારો કે તમે વર્ષોથી ગાડી ચલાવી રહ્યા છો. તમે પોતાની ગાડીમાં ચાહો ત્યાં જઈ શકો છો અને પોતાનાં કામ જાતે કરી શકો છો, એની તમને ખુશી છે. પણ હવે તમારી ઉંમરના લીધે તમારા કુટુંબના સભ્યો અને દોસ્તોને તમારી સલામતીની ચિંતા થાય છે. તેઓને લાગે છે કે હવે તમારે ગાડી ચલાવવાનું બંધ કરવું જોઈએ. પણ તમને નથી સમજાતું કે તેઓ એટલી બધી ચિંતા કેમ કરે છે.

શું તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે? જો એવું હોય, તો તમારે વાહન ચલાવવું જોઈએ કે નહિ એ નક્કી કરવા શાનાથી મદદ મળી શકે?

અમુક દેશોમાં એક ઉંમર પછી લાઇસન્સ રિન્યૂ કરાવા માટે નિયમો હોય છે. લાઇસન્સ રિન્યૂ કરાવવા ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ લેવું પડે છે. જે ભાઈ-બહેનો એવા દેશોમાં રહે છે તેઓ સરકારના એ નિયમો પાળે છે. (રોમ. ૧૩:૧) પણ તમે જે જગ્યાએ રહેતા હો, ત્યાં એવા કોઈ નિયમો ન હોય તો શું? તમે સલામતીથી વાહન ચલાવી શકો છો કે નહિ એ નક્કી કરવાની બીજી ઘણી રીતો છે.

વિચારો કે તમે સલામતીથી વાહન ચલાવી શકો છો કે નહિ

અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑન એજિંગ નામની વેબસાઇટ પર જણાવ્યું છે કે મોટી ઉંમરના લોકોએ પોતાને આવા સવાલો પૂછવા જોઈએ:

  • શું મને રસ્તા પર લાગેલા સાઇન બોર્ડ જોવામાં અથવા રાત્રે જોવામાં તકલીફ પડે છે?

  • શું બધા અરીસામાં અને ચારે બાજુ જોવામાં મને તકલીફ પડે છે?

  • જરૂર પડ્યે શું તરત પગલાં ભરવામાં, જેમ કે ઍક્સિલેટર પરથી ફટાફટ પગ હટાવીને બ્રેક મારવામાં તકલીફ પડે છે?

  • શું હું એટલી ધીરે ગાડી ચલાવું છું કે રસ્તા પર બીજા ડ્રાઇવરો કંટાળી જાય છે?

  • શું હાલમાં અમુક વાર એવું બન્યું છે કે ગાડી ઠોકાતાં ઠોકાતાં બચી હોય અથવા કશેક અથડાવાને લીધે ગાડી પર ગાબડાં પડી ગયાં હોય?

  • હું જે રીતે ગાડી ચલાવું છું એના લીધે શું પોલીસે મને રોક્યો છે?

  • શું ગાડી ચલાવતી વખતે મને ઝોકાં આવવાં લાગે છે?

  • શું હું એવી કોઈ દવા લઉં છું જેના લીધે ગાડી ચલાવવું અઘરું બની જાય છે?

  • શું મારાં કુટુંબીજનો કે દોસ્તોએ કહ્યું છે કે હું ગાડી ચલાવું છું ત્યારે તેઓને ચિંતા થાય છે?

જો એક કે બે સવાલોના જવાબ ‘હા’ હોય, તો કદાચ સારું રહેશે કે તમે અમુક ફેરફારો કરો. દાખલા તરીકે, તમે કદાચ પહેલાં જેટલી ગાડી ન ચલાવવાનું નક્કી કરો, ખાસ કરીને રાત્રે. સમયે સમયે ધ્યાન આપો કે તમે કેવી રીતે ગાડી ચલાવો છો. એ વિશે કોઈ દોસ્ત કે કુટુંબીજનને પણ પૂછી શકો. જો તમારા દેશમાં એવા કોઈ કોર્સ હોય જે ડ્રાઇવરોને સલામતીથી વાહન ચલાવતા શીખવે, તો એવો કોર્સ પણ કરી શકો. પણ જો બેથી વધારે સવાલોના જવાબ ‘હા’ હોય, તો સારું રહેશે કે તમે વાહન ચલાવવાનું બંધ કરી દો.a

બાઇબલની મદદ લો

તમે કદાચ પોતે પારખી ન શકો કે હવે તમે પહેલાં જેટલું સારી રીતે ડ્રાઇવિંગ કરી શકતા નથી. વધુમાં, તમારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ કે નહિ એ વિશે વિચારવું અથવા વાત કરવી તમને ખૂબ અઘરું લાગી શકે. પણ બાઇબલના સિદ્ધાંતો તમને સારો નિર્ણય લેવા મદદ કરી શકે છે. ચાલો બે સિદ્ધાંતો પર ધ્યાન આપીએ.

પોતાની મર્યાદા પારખો. (નીતિ. ૧૧:૨) વૃદ્ધ થતા જઈએ છીએ તેમ, આપણે બરાબર સાંભળી કે જોઈ શકતા નથી. આપણા સ્નાયુઓ નબળા પડી જાય છે અને એટલી સ્ફૂર્તિ રહેતી નથી. દાખલા તરીકે, મોટા ભાગના લોકો એક ઉંમર પછી અમુક પ્રકારની રમતો રમવાનું બંધ કરી દે છે. કેમ કે તેઓને ખબર છે કે જો તેઓ રમવાનું ચાલુ રાખશે તો તેઓને જ વાગશે. એ સિદ્ધાંત વાહન ચલાવવાની બાબતમાં પણ લાગુ પડે છે. જે વ્યક્તિ પોતાની મર્યાદા જાણે છે, તે એક ઉંમર પછી વાહન ચલાવવાનું બંધ કરી દેશે, કેમ કે તેને ખબર છે કે એમ કરવું હવે સલામત નથી. (નીતિ. ૨૨:૩) જ્યારે બીજાઓ તેની સલામતી વિશે ચિંતા વ્યક્ત કરે, ત્યારે તે તેઓની વાત સાંભળશે અને એના પર ધ્યાન આપશે.—૨ શમુએલ ૨૧:૧૫-૧૭ સરખાવો.

લોહીના દોષથી બચો. (પુન. ૨૨:૮) જો એક વ્યક્તિ ધ્યાનથી વાહન ન ચલાવે, તો બીજાઓને ઈજા થઈ શકે છે અથવા તેઓનો જીવ પણ જઈ શકે છે. જે વ્યક્તિ સારી રીતે વાહન ચલાવી શકતી નથી છતાં ચલાવે છે, તે પોતાનો અને બીજાઓનો જીવ જોખમમાં મૂકે છે. જો તેનાથી અકસ્માત થઈ જાય અને કોઈનો જીવ જાય, તો તેના માથે લોહીનો દોષ આવી શકે છે.

જો તમારે વાહન ન ચલાવવાનો નિર્ણય લેવો પડે, તો એવું ન વિચારશો કે લોકો આગળ તમારું માન ઘટી જશે. યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે તમે તમારી મર્યાદા પારખો છો, નમ્ર બનો છો અને બીજાઓની સલામતીનું ધ્યાન રાખો છો, ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે. તે તમને નિભાવી રાખવાનું અને દિલાસો આપવાનું વચન આપે છે. (યશા. ૪૬:૪) તે કદી તમારો સાથ નહિ છોડે. એટલે યહોવા પાસે મદદ માંગો જેથી તમે બાઇબલના સિદ્ધાંતો અને સમજશક્તિનો ઉપયોગ કરીને સારો નિર્ણય લઈ શકો.

બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?

ઘણી વાર જોવા મળ્યું છે કે વાહન ચલાવવા વિશે મોટી ઉંમરના લોકો સાથે તેઓનાં કુટુંબીજનો વાત કરે તો સારું રહે છે. બની શકે કે તમે કોઈ મોટી ઉંમરની વ્યક્તિના દોસ્ત હો અને તમને સાંભળવા મળે કે તમારા દોસ્તનું વાહન ચલાવવું હવે સલામત નથી. જો એમ હોય તો બીજાઓની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી ન નાખો. જો તમે ચાહો તો એ વૃદ્ધ ભાઈ કે બહેન સાથે ગાડીમાં બેસીને જોઈ શકો. જરૂર પડે તો તેમના ડ્રાઇવિંગ વિશે તેમની સાથે વાત કરો. પણ એમ કરો ત્યારે પોતાને તેમની જગ્યાએ મૂકીને જુઓ. તેમની સાથે પ્રેમથી, પણ સાફ સાફ વાત કરો. એ વાતની ચિંતા ન કરો કે તેમની ઉંમર કેટલી છે, પણ એ વાત પર ધ્યાન આપો કે તે કઈ રીતે ગાડી ચલાવે છે. આવું કહેવાનું ટાળો: “તમે ગાડી ચલાવો છો ત્યારે બધાનો જીવ અધ્ધર થઈ જાય છે.” એના બદલે તમે આવું કંઈક કહી શકો: “તમે ગાડી ચલાવો છો ત્યારે મને તમારી સલામતીની ચિંતા થાય છે.” તેમને યાદ અપાવો કે મર્યાદા બતાવવા વિશે અને લોહીના દોષ વિશે બાઇબલમાં કયા સિદ્ધાંતો આપ્યા છે. તેમ જ, ખાતરી અપાવો કે તે બાઇબલની આજ્ઞા પાળશે એવો તમને પૂરો ભરોસો છે.

આપણે બધાએ વિચારવું જોઈએ કે એક વ્યક્તિએ વાહન ચલાવવાનું છોડવું પડે છે ત્યારે તેમને કેવું લાગે છે. તેમને લાગી શકે કે તેમની આઝાદી છીનવાઈ ગઈ છે. તમે કઈ રીતે તેમને મદદ કરી શકો? પ્રેમ બતાવવાની અને મદદ કરવાની દરેક તક ઝડપી લો. (નીતિ. ૧૭:૧૭) મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને કદાચ લાગી શકે કે જો તેઓ મદદ માંગશે તો બીજાઓનું કામ વધી જશે. એટલે તેઓ સામેથી મદદ માંગે એની રાહ ન જુઓ, પહેલ કરો. તમે કદાચ એક શેડ્યુલ બનાવી શકો કે તેઓનાં અલગ અલગ કામો માટે તેઓને ક્યારે લઈ જશો. જેમ કે, પ્રચારમાં, સભામાં, ખરીદી કરવા અને ડૉક્ટર પાસે. ખાતરી અપાવો કે તમે ફરજને લીધે નહિ, પણ ખુશી ખુશી તેઓને મદદ કરવા માંગો છો અને તેઓ સાથે સમય વિતાવવા માંગો છો.—રોમ. ૧:૧૧, ૧૨.

a વધારે માહિતી માટે સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૨માં આપેલો આ લેખ જુઓ: “વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો