અભ્યાસ લેખ ૪૫
ગીત ૨૮ એક નવું ગીત
બીજાઓની સંભાળ રાખતી વખતે કઈ રીતે ખુશ રહી શકો?
“જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હસતાં હસતાં લણશે.”—ગીત. ૧૨૬:૫.
આપણે શું શીખીશું?
વૃદ્ધ કે બીમાર સ્નેહીજનની સંભાળ રાખતાં ભાઈ-બહેનો કઈ રીતે પડકારોનો સામનો કરી શકે અને ખુશ રહી શકે?
૧-૨. જેઓ બીજાની સંભાળ રાખે છે તેઓ વિશે યહોવાને કેવું લાગે છે? (નીતિવચનો ૧૯:૧૭) (ચિત્રો પણ જુઓ.)
કોરિયાના જીન-યોલભાઈ કહે છે: “મારા લગ્નને બત્રીસેક વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં પાંચ વર્ષથી હું મારી પત્નીની સંભાળ રાખું છું. તેને એક ગંભીર બીમારી છે, જેના લીધે તે હલનચલન કરી શકતી નથી. હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું. મને તેની સંભાળ રાખવી ગમે છે. મારી પત્ની રોજ રાતે એક ખાસ પ્રકારના પલંગ પર સૂઈ જાય છે અને હું તેની બાજુમાં સૂઈ જાઉં છું. અમે આખી રાત એકબીજાનો હાથ પકડી રાખીએ છીએ.”
૨ શું તમે પણ તમારાં મમ્મી, પપ્પા, જીવનસાથી, બાળક કે દોસ્તની સંભાળ રાખી રહ્યા છો? જો એમ હોય તો તમે એ લહાવાની ખૂબ કદર કરતા હશો, કેમ કે તમે તમારા સ્નેહીજનને ખૂબ પ્રેમ કરો છો. તેમની સંભાળ રાખીને તમે યહોવા માટેનો પ્રેમ પણ બતાવો છો. (૧ તિમો. ૫:૪, ૮; યાકૂ. ૧:૨૭) પણ હંમેશાં કોઈની સંભાળ રાખવી સહેલું નથી હોતું. અમુક વાર તમે એવા પડકારોનો સામનો કરો, જેના વિશે બીજાઓને ખબર ન હોય. કોઈ વાર તમને લાગે કે તમારી મુશ્કેલીઓ કોઈ સમજતું નથી. કદાચ તમે બધા સામે હસતો ચહેરો રાખતા હો, પણ એકલામાં તમારાં આંસુ સુકાતા ન હોય. (ગીત. ૬:૬) ભલે બીજાઓ તમારી તકલીફો જાણતા ન હોય, પણ યહોવા તો જાણે છે. (નિર્ગમન ૩:૭ સરખાવો.) તમારાં આંસુ યહોવા માટે ખૂબ કીમતી છે. બીજાની સંભાળ રાખવા તમે જે જતું કરો છો એ યહોવાના ધ્યાન બહાર જતું નથી. યહોવા એ બધાની નોંધ લે છે અને એ માટે તે તમને ખૂબ પ્રેમ કરે છે. (ગીત. ૫૬:૮; ૧૨૬:૫) જ્યારે તમે તમારા સ્નેહીજનની સંભાળ રાખો છો, ત્યારે જાણે યહોવાને ઉછીનું આપો છો. એ માટે તે તમને ઇનામ આપવાનું વચન આપે છે.—નીતિવચનો ૧૯:૧૭ વાંચો.
ઘણાં ભાઈ-બહેનો પોતાના બીમાર કે વૃદ્ધ સ્નેહીજનની સંભાળ રાખવા સખત મહેનત કરી રહ્યાં છે (ફકરો ૨ જુઓ)
૩. તેરાહની સંભાળ રાખવી ઇબ્રાહિમ અને સારાહ માટે કેમ અઘરું રહ્યું હશે?
૩ બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા આપ્યા છે, જેઓએ કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિની સંભાળ રાખી હતી. ઇબ્રાહિમ અને સારાહનો દાખલો લઈએ. જ્યારે તેઓએ ઉર છોડ્યું, ત્યારે તેઓના પિતા તેરાહ લગભગ ૨૦૦ વર્ષના હતા. તે પણ ઇબ્રાહિમ અને સારાહ સાથે ગયા. હારાન પહોંચવા તેઓએ આશરે ૯૬૦ કિલોમીટર મુસાફરી કરી. (ઉત. ૧૧:૩૧, ૩૨) ઇબ્રાહિમ અને સારાહ તેરાહને ખૂબ પ્રેમ કરતા હતાં. પણ કલ્પના કરો કે તેઓ માટે તેરાહની સંભાળ રાખવી કેટલું મુશ્કેલ થયું હશે, ખાસ કરીને મુસાફરી કરતી વખતે. તેઓએ કદાચ ઊંટો કે ગધેડાં પર મુસાફરી કરી હશે. વૃદ્ધ તેરાહ માટે એ મુસાફરી જરાય સહેલી નહિ હોય. સમજી શકાય કે એવામાં ઇબ્રાહિમ અને સારાહ અમુક વાર તેરાહની સંભાળ રાખતાં રાખતાં થાકીને લોથપોથ થઈ જતાં હશે. એવા અઘરા સંજોગોમાં પણ યહોવાએ તેઓને જરૂરી તાકાત પૂરી પાડી. એવી જ રીતે, યહોવા તમને પણ તાકાત અને મદદ પૂરી પાડશે.—ગીત. ૫૫:૨૨.
૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ જો તમે ખુશ રહેશો તો બીજાઓની સંભાળ રાખવી સહેલું બની જશે. (નીતિ. ૧૫:૧૩) ભલે જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોય તોપણ તમે ખુશ રહી શકો છો. (યાકૂ. ૧:૨, ૩) એવું કઈ રીતે કરી શકો? એક રીત છે, પ્રાર્થનામાં યહોવા પર આધાર રાખો તેમજ વિનંતી કરો કે તે તમને ખુશ રહેવાનાં કારણો જોવા મદદ કરે. ખુશ રહેવા તમે બીજું ઘણું કરી શકો છો. આ લેખમાં આપણે એવાં અમુક સૂચનો પર ધ્યાન આપીશું. આપણે એ પણ જોઈશું કે બીજાઓ તમને કઈ રીતે મદદ કરી શકે. પણ ચાલો સૌથી પહેલા એ જોઈએ કે બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોએ ખુશ રહેવું કેમ જરૂરી છે અને કેવા પડકારોને લીધે તેઓ માટે ખુશ રહેવું અઘરું બની શકે.
બીજાઓની સંભાળ રાખતી વખતે ખુશ રહેવું કેમ અઘરું બની શકે?
૫. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોએ ખુશ રહેવું કેમ જરૂરી છે?
૫ જો સંભાળ રાખનારાઓની ખુશી છીનવાઈ જશે, તો તેઓ સહેલાઈથી થાકી જશે. (નીતિ. ૨૪:૧૦) અને જો તેઓ થાકી જશે, તો ચાહે એટલી સારી રીતે મદદ નહિ કરી શકે. પણ કેવા પડકારોને લીધે તેઓની ખુશી છીનવાઈ શકે છે?
૬. બીજાઓની સંભાળ રાખતાં અમુક ભાઈ-બહેનો કેમ થાકીને લોથપોથ થઈ જાય છે?
૬ થાકીને લોથપોથ થઈ જવું. લિઆબહેન કહે છે: “ભલે દિવસ સારો જાય, પણ બીજાઓની સંભાળ રાખવામાં સાચે જ મનથી થાકી જવાય છે. દિવસના અંતે મને ઘણી વાર એવું લાગે છે કે મારામાં જરાય તાકાત નથી. અમુક વાર તો એક મૅસેજનો જવાબ આપવાનીયે તાકાત નથી હોતી.” બીજાની સંભાળ રાખનાર અમુક ભાઈ-બહેનોને પૂરતો આરામ કરવા અથવા હળવાશની પળો માણવા સમય નથી મળતો, જેની તેઓને ખૂબ જ જરૂર હોય છે. ઇનીસબહેન કહે છે: “હું રાતે બરાબર ઊંઘી નથી શકતી. રોજ રાતે મારાં સાસુની સંભાળ રાખવા દર બે બે કલાકે ઊઠી જાઉં છું. વર્ષોથી હું અને મારા પતિ ક્યાંય જઈ નથી શક્યાં.” બીજાં અમુક ભાઈ-બહેનોએ આખો વખત પોતાના સ્નેહીજનની સાથે રહેવું પડે છે. એટલે તેઓ દોસ્તો સાથે સમય વિતાવી નથી શકતાં અને ભક્તિમાં ચાહે એટલું કરી નથી શકતાં. એના લીધે તેઓને કદાચ લાગી શકે કે તેઓ એકલાં પડી ગયાં છે અને બંધાઈ ગયાં છે.
૭. બીજાઓની સંભાળ રાખતાં અમુક ભાઈ-બહેનોને કેમ દોષ કે દુઃખની લાગણી થાય છે?
૭ દોષ કે દુઃખની લાગણી થવી. જેસિકાબહેન કહે છે: “મને ઘણી વાર થાય છે કે પપ્પાને મદદ કરવા મારે હજુ વધારે કરવું જોઈએ. આરામ કરવા હું થોડો સમય લઉં તોપણ મને ખરાબ લાગે છે. મને લાગે છે કે હું સ્વાર્થી છું.” બીજાની સંભાળ રાખતાં અમુક ભાઈ-બહેનોને દોષની લાગણી થાય છે, કેમ કે અમુક વાર તેઓ પોતાના સંજોગોથી કંટાળી જાય છે. અમુક ભાઈ-બહેનોને ચિંતા થાય છે કે તેઓ પોતાના સ્નેહીજન માટે જોઈએ એટલું નથી કરતા. કેટલાકનું અંતઃકરણ ડંખે છે, કેમ કે તેઓએ કદાચ ચિડાઈને પોતાના સ્નેહીજનને એવું કંઈક કહી દીધું છે જે ન કહેવું જોઈએ. (યાકૂ. ૩:૨) બીજાં અમુક ભાઈ-બહેનો એ જોઈને દુઃખી થઈ જાય છે કે એક સમયની તંદુરસ્ત વ્યક્તિ હવે કેટલી કમજોર થઈ ગઈ છે. બાર્બરાબહેન કહે છે: “હું જેને પ્રેમ કરું છું તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. એ જોઈને મારું દિલ ચિરાઈ જાય છે.”
૮. કદર વ્યક્ત કરતા થોડા શબ્દોની કેવી અસર થાય છે? એક દાખલો આપો.
૮ કોઈ કદર કરતું નથી એવી લાગણી થવી. અમુકને કેમ એવું લાગે છે? કેમ કે તેઓ જે સખત મહેનત કરે છે અને જતું કરે છે, એ માટે ઘણા લોકો આભાર માનવાનું કે વખાણ કરવાનું ચૂકી જાય છે. કદર વ્યક્ત કરતા થોડા શબ્દોની પણ ઊંડી અસર થાય છે. (૧ થેસ્સા. ૫:૧૮) મેલીસાબહેન કહે છે: “અમુક વાર હું એટલી થાકી જાઉં છું અથવા નિરાશ થઈ જાઉં છું કે રડી પડું છું. પણ હું જેઓની સંભાળ રાખું છું તેઓ જ્યારે મને કહે છે, ‘તું જે કંઈ કરે છે, એ બધા માટે તારો આભાર,’ ત્યારે મારી ખુશીનો પાર રહેતો નથી. એ શબ્દોથી મને બીજા દિવસે તેઓની સંભાળ રાખવાની ઇચ્છા અને તાકાત મળે છે.” અમાડુભાઈ જણાવે છે કે જ્યારે કોઈ તેમનો આભાર માને છે ત્યારે તેમને કેવું લાગે છે. તે અને તેમના પત્ની તેઓની ભાણીની સંભાળ રાખે છે. તેને એક મોટી બીમારી છે. ભાઈ કહે છે: “અમારી ભાણી કદાચ હમણાં પૂરી રીતે સમજી શકતી નથી કે તેની સંભાળ રાખવા અમે કેટલું બધું જતું કરીએ છીએ. પણ જ્યારે તે અમારો આભાર માને છે અથવા કહે છે ‘હું તમને બહુ પ્રેમ કરું છું,’ ત્યારે અમે બહુ ખુશ થઈ જઈએ છીએ.”
કઈ રીતે ખુશ રહી શકો?
૯. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનો કઈ રીતે મર્યાદા બતાવી શકે?
૯ પોતાની મર્યાદા પારખો. (નીતિ. ૧૧:૨) દરેકનાં સમય-શક્તિની એક હદ હોય છે. એટલે તમારે નક્કી કરવું પડશે કે તમે શું કરશો અને શું નહિ કરો. અમુક વાર તમારે ના પણ પાડવી પડશે અને એવું કરવામાં કંઈ ખોટું નથી. તમે બસ પોતાની હદ પારખો છો અને મર્યાદામાં રહો છો. જો બીજાઓ મદદ કરવા આગળ આવે તો ખુશી ખુશી તેઓની મદદ સ્વીકારો. જયભાઈ કહે છે: “આપણે બધું એકસાથે નથી કરી શકતા, એટલે પોતાની હદ પારખવાથી અને એ હદમાં રહેવાથી આપણે પોતાનો આનંદ જાળવી શકીશું.”
૧૦. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોએ ઊંડી સમજણ કેળવવી કેમ મહત્ત્વનું છે? (નીતિવચનો ૧૯:૧૧)
૧૦ ઊંડી સમજણ કેળવો અને કારણો સમજવાની કોશિશ કરો. (નીતિવચનો ૧૯:૧૧ વાંચો.) એમ કરશો તો તમારું સ્નેહીજન તમને ખરું-ખોટું સંભળાવી જાય ત્યારે શાંત રહી શકશો. એટલું જ નહિ, એ સમજવાની કોશિશ કરશો કે તમારું સ્નેહીજન કેમ આ રીતે વર્તે છે. અમુક બીમારીઓને લીધે એક વ્યક્તિ એવું કંઈક કરી બેસે છે, જે તેણે પહેલાં કદી કર્યું ન હોય. (સભા. ૭:૭) દાખલા તરીકે, જે વ્યક્તિ અગાઉ પ્રેમથી વાત કરતી હતી અને પ્રેમથી વર્તતી હતી, તે અચાનક ઝઘડો કરવા લાગે. કદાચ એવું બને કે તે કચકચ કરવા લાગે અથવા ગુસ્સે થઈ જાય. જો તમે એવી કોઈ વ્યક્તિને મદદ કરતા હો જેને ગંભીર બીમારી થઈ છે, તો સારું રહેશે કે તમે એ બીમારી વિશે સંશોધન કરો. એનાથી તમને ચોક્કસ મદદ મળશે. તમને ખ્યાલ આવશે કે એ વ્યક્તિ જાણીજોઈને નહિ, પણ તેની બીમારીને લીધે આ રીતે વર્તે છે.—નીતિ. ૧૪:૨૯.
૧૧. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોએ કયાં મહત્ત્વનાં કામો માટે દરરોજ સમય કાઢવો જોઈએ? (ગીતશાસ્ત્ર ૧૩૨:૪, ૫)
૧૧ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા સમય કાઢો. અમુક વાર “જે વધારે મહત્ત્વનું છે” એ કરવા તમારે બીજાં અમુક કામો બાજુ પર મૂકી દેવાં પડશે. (ફિલિ. ૧:૧૦) એક વધારે મહત્ત્વનું કામ છે, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવો. દાઉદ રાજાએ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી. (ગીતશાસ્ત્ર ૧૩૨:૪, ૫ વાંચો.) એવી જ રીતે, તમે ઘણા વ્યસ્ત હો તોપણ દરરોજ બાઇબલ વાંચવા અને પ્રાર્થના કરવા સમય કાઢવાની જરૂર છે. અલીશાબહેન કહે છે: “જ્યારે હું યહોવાને પ્રાર્થના કરું છું, ગીતશાસ્ત્રના અધ્યાયો વાંચું છું અને દિલાસો આપતા એ શબ્દો પર મનન કરું છું, ત્યારે મન શાંત રહે છે અને હું ખુશ રહું છું. પ્રાર્થના કરવાથી મને સૌથી વધારે મદદ મળી છે. મન શાંત રાખવા હું દિવસમાં કેટલીયે વાર યહોવાને પ્રાર્થના કરું છું.”
૧૨. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોએ કેમ પોતાની તંદુરસ્તી જાળવવા સમય કાઢવો જોઈએ?
૧૨ શરીર તંદુરસ્ત રાખવા સમય કાઢો. તમે બીજાની સંભાળ રાખો છો એટલે કદાચ તમને તાજાં શાકભાજી અને ફળો ખરીદવાનું તેમજ પૌષ્ટિક ખોરાક બનાવવાનો વધારે સમય મળતો નહિ હોય. પણ જો તમે પૌષ્ટિક ખોરાક ખાશો અને નિયમિત કસરત કરશો, તો જ તમારું શરીર અને મન તંદુરસ્ત રહેશે. એટલે ભલે તમારી પાસે વધારે સમય ન હોય, પણ જરૂરી છે કે તમે પૌષ્ટિક ખોરાક ખાઓ અને નિયમિત કસરત કરો. (એફે. ૫:૧૫, ૧૬) વધુમાં, પૂરતી ઊંઘ લો. (સભા. ૪:૬) મગજનો અભ્યાસ કરતા વિદ્વાનો સમજાવે છે કે ઊંઘીએ છીએ ત્યારે આપણા મગજમાંથી નુકસાન કરતા તત્વો દૂર થાય છે. સ્વાસ્થ્યને લગતા એક લેખમાં જણાવ્યું છે કે પૂરતી ઊંઘ લેવાથી ચિંતા ઓછી થાય છે અને મુશ્કેલ સંજોગોમાં શાંત રહેવા મદદ મળે છે. મનગમતી બાબતો કરવા માટે સમય કાઢવો પણ જરૂરી છે. (સભા. ૮:૧૫) બીજાની સંભાળ રાખતાં એક બહેન જણાવે છે કે તે ખુશ રહેવા શું કરે છે. તે કહે છે: “જ્યારે હવામાન સારું હોય અને તાપ નીકળે, ત્યારે હું બહાર જાઉં છું. મહિનામાં એક દિવસ હું અને મારી બહેનપણી એવું કંઈક કરીએ છીએ, જે અમને બંનેને ગમતું હોય.”
૧૩. મજાક-મસ્તી કરવી કેમ સારું છે? (નીતિવચનો ૧૭:૨૨)
૧૩ મજાક-મસ્તી કરો. (નીતિવચનો ૧૭:૨૨ વાંચો; સભા. ૩:૧, ૪) હસવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે. જ્યારે તમે બીજાઓની સંભાળ રાખતા હો, ત્યારે કદાચ એવું કંઈક બને જેનાથી માહોલ તંગ થઈ જાય. પણ એવામાં જો તમે હળવી મજાક કરશો, તો માહોલ હળવો થઈ જશે અને તમે નિરાશ નહિ થઈ જાઓ. વધુમાં, જે વ્યક્તિની સંભાળ રાખો છો, તેમની સાથે મજાક-મસ્તી કરવાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ પણ વધશે.
૧૪. પાકા દોસ્ત સાથે વાત કરવાથી તમને કઈ રીતે મદદ મળી શકે?
૧૪ તમારા પાકા દોસ્ત સાથે વાત કરો. તમે કદાચ ખુશ રહેવા પોતાનાથી બનતું બધું કરતા હશો. તોપણ અમુક વાર તમે નિરાશ થઈ જતા હશો. એવા સમયે સારું રહેશે કે તમે તમારા પાકા દોસ્ત સાથે વાત કરો. એવો દોસ્ત, જે તમારા વિશે કોઈ ધારણા બાંધી ન લે અથવા તમારી વાતનું વતેસર ન કરે. (નીતિ. ૧૭:૧૭) જ્યારે તે તમારી વાત ધ્યાનથી સાંભળશે અને ઉત્તેજન આપશે ત્યારે તમને સારું લાગશે. બની શકે કે તમારી ખુશી પાછી મેળવવા તમને એ સમયે એની જ જરૂર હોય.—નીતિ. ૧૨:૨૫.
૧૫. નવી દુનિયા વિશે વાત કરવાથી કઈ રીતે ખુશ રહેવા મદદ મળી શકે?
૧૫ નવી દુનિયામાં તમે સાથે મળીને શું કરશો એની કલ્પના કરો. યાદ રાખો, બીજાઓની સંભાળ રાખવાનું કામ બસ થોડા સમય માટે જ છે. યહોવાએ માણસોને એ કામ કરવા માટે બનાવ્યા ન હતા. (૨ કોરીં. ૪:૧૬-૧૮) ‘ખરું જીવન’ તો હજી આવવાનું બાકી છે. (૧ તિમો. ૬:૧૯) તમે અને તમારા સ્નેહીજન સાથે મળીને નવી દુનિયામાં શું કરશો એ વિશે વાત કરો. એમ કરવાથી તમને બંનેને તાજગી અને ખુશી મળશે. (યશા. ૩૩:૨૪; ૬૫:૨૧) હેધરબહેન કહે છે: “હું જેઓને મદદ કરું છું, તેઓ સાથે ઘણી વાર નવી દુનિયા વિશે વાત કરું છું. હું કહું છું કે આપણે સાથે મળીને સીવણકામ કરીશું, દોડીશું અને સાઇકલ ચલાવીશું. જે સગાં-વહાલાંને મરણમાંથી ઉઠાડવામાં આવ્યાં હશે, તેઓ માટે બ્રેડ અને સ્વાદિષ્ટ ખોરાક બનાવીશું. અમે સાથે મળીને આ જોરદાર આશા માટે યહોવાનો આભાર માનીએ છીએ.”
બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?
૧૬. આપણે કઈ રીતે બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોને મદદ કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૬ બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોને મદદ કરો, જેથી તેઓને પોતાના માટે થોડો સમય મળે. એ માટે મંડળનાં ભાઈ-બહેનો એ બીમાર કે વૃદ્ધ ભાઈ-બહેન સાથે સમય વિતાવી શકે. આમ તેમની સંભાળ રાખનારને થોડો આરામ મળી રહેશે અને તે પોતાનાં અમુક કામો પતાવી શકશે. (ગલા. ૬:૨) મંડળનાં અમુક ભાઈ-બહેનો શેડ્યુલ બનાવે છે, જેથી ખબર પડે કે દર અઠવાડિયે કોણ મદદ કરશે. નતાલિયાબહેન પોતાના પતિની સંભાળ રાખે છે, જેમને લકવો થઈ ગયો છે. તે કહે છે: “મંડળના એક ભાઈ અઠવાડિયામાં એક કે બે વખત મારા પતિ સાથે સમય વિતાવવા આવે છે. તેઓ સાથે મળીને પ્રચાર કરે છે, વાતો કરે છે અને ફિલ્મો પણ જુએ છે. એ સમય મારા પતિ માટે બહુ ખાસ હોય છે. મને પણ આરામ કરવાનો અથવા અમુક મનગમતી બાબતો કરવાનો સમય મળી જાય છે, જેમ કે હું બહાર ચાલવા જઈ શકું છું.” અમુક કિસ્સાઓમાં મંડળનાં ભાઈ-બહેનો એ બીમાર કે વૃદ્ધ ભાઈ-બહેન સાથે રાત રોકાઈ શકે, જેથી તેમની સંભાળ રાખનારને સારી ઊંઘ મળે.
તમે કઈ રીતે બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોને મદદ કરી શકો? (ફકરો ૧૬ જુઓ)a
૧૭. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોને સભાઓમાં કઈ રીતે મદદ કરી શકીએ?
૧૭ બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોને સભાઓમાં મદદ કરો. એવાં ભાઈ-બહેનો મંડળની સભાઓમાં, સરકીટ સંમેલનોમાં અને મહાસંમેલનોમાં પૂરું ધ્યાન આપી શકતાં નથી. કેમ કે તેઓ પોતાના સ્નેહીજનની સંભાળ રાખતાં હોય છે. મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે? તેઓ એ સ્નેહીજન સાથે સભામાં આખો વખત અથવા થોડો વખત બેસી શકે. જો તે પોતાના ઘરની બહાર નીકળી શકતા ન હોય, તો મંડળનાં ભાઈ-બહેનો તેમના ઘરે જઈ શકે અને તેમની સાથે સભામાં ઓનલાઇન જોડાઈ શકે. આમ તેમની સંભાળ રાખનાર ભાઈ કે બહેનને પ્રાર્થનાઘરમાં જઈને સભાનો આનંદ માણવાની તક મળશે.
૧૮. બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનો માટે આપણે બીજું શું કરી શકીએ?
૧૮ બીજાઓની સંભાળ રાખતાં ભાઈ-બહેનોનાં વખાણ કરીએ અને તેઓ માટે પ્રાર્થના કરીએ. વડીલોએ તેઓને ઉત્તેજન આપવા નિયમિત રીતે મળતા રહેવું જોઈએ. (નીતિ. ૨૭:૨૩) ભલે આપણા સંજોગો ગમે એવા હોય, આપણે દિલ ખોલીને તેઓના વખાણ કરવા જોઈએ. ફક્ત એક-બે વખત નહિ, નિયમિત રીતે એવું કરવું જોઈએ. યહોવા તેઓને તાકાત આપતા રહે અને ખુશ રહેવા મદદ કરતા રહે એ માટે પ્રાર્થના પણ કરી શકીએ.—૨ કોરીં. ૧:૧૧.
૧૯. આપણે શાની આતુરતાથી રાહ જોઈએ છીએ?
૧૯ બહુ જલદી યહોવા આપણા બધાની આંખોમાંથી દુઃખનાં આંસુ લૂછી નાખશે. બીમારીઓ અને મરણ ઇતિહાસ બની જશે. (પ્રકટી. ૨૧:૩, ૪) બાઇબલમાં લખ્યું છે: “લંગડો હરણની જેમ કૂદશે.” (યશા. ૩૫:૫, ૬) ઘડપણની માઠી અસરો અને સ્નેહીજનને પીડાતા જોવાનું દુઃખ નહિ રહે. અરે, “અગાઉના બનાવોની યાદ પણ નહિ આવે.” (યશા. ૬૫:૧૭) યહોવા એ જોરદાર વચનો પૂરાં કરે ત્યાં સુધી આપણે ખાતરી રાખી શકીએ કે તે આપણો સાથ કદી નહિ છોડે. જો તાકાત માટે તેમના પર ભરોસો રાખીશું, તો તે આપણને “ધીરજ અને આનંદથી બધું સહન” કરવા મદદ કરશે.—કોલો. ૧:૧૧.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
a ચિત્રની સમજ: બે યુવાન બહેનો એક વૃદ્ધ બહેનને મળવા જાય છે, જેથી તેમની સંભાળ રાખનાર બહેનને બહાર ચાલવા જવાનો સમય મળે.