વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 નવેમ્બર પાન ૧૬-૨૧
  • આપણા પ્રમુખ યાજક ઈસુ આપણને સમજે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણા પ્રમુખ યાજક ઈસુ આપણને સમજે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરના વહાલા દીકરા પૃથ્વી પર આવ્યા
  • ઈસુ લોકોનાં સુખ-દુઃખના સાથી બન્યા
  • આપણા પ્રમુખ યાજકના પગલે ચાલીએ
  • આપણા પ્રમુખ યાજક તમને મદદ કરી શકે છે
  • ઈસુના બલિદાનથી શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • ઈસુના પૃથ્વી પરના છેલ્લા ૪૦ દિવસમાંથી શીખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 નવેમ્બર પાન ૧૬-૨૧

અભ્યાસ લેખ ૪૬

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

આપણા પ્રમુખ યાજક ઈસુ આપણને સમજે છે

“આપણા પ્રમુખ યાજક એવા નથી, જે આપણી નબળાઈઓ સમજી ન શકે.”—હિબ્રૂ. ૪:૧૫.

આપણે શું શીખીશું?

ઈસુ કેમ સૌથી સારા પ્રમુખ યાજક છે અને તે આજે આપણને કઈ અલગ અલગ રીતોએ મદદ કરે છે?

૧-૨. (ક) યહોવાએ પોતાના દીકરાને કેમ પૃથ્વી પર મોકલ્યા? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? (હિબ્રૂઓ ૫:૭-૯)

આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં યહોવા ઈશ્વરે પોતાના વહાલા દીકરાને પૃથ્વી પર મોકલ્યા. શા માટે? એનું એક કારણ હતું કે માણસજાતને પાપ અને મરણના બંધનમાંથી છોડાવવું અને શેતાને ઊભી કરેલી મુશ્કેલીઓને દૂર કરવી. (યોહા. ૩:૧૬; ૧ યોહા. ૩:૮) યહોવા જાણતા હતા કે પૃથ્વી પરના જીવનથી ઈસુને એવા પ્રમુખ યાજક બનવા મદદ મળશે, જે લોકોની લાગણી સમજી શકે. ઈસવીસન ૨૯માં ઈસુએ બાપ્તિસ્મા લીધું એ પછી તે પ્રમુખ યાજક બન્યા.a

૨ આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે પૃથ્વી પર એક સામાન્ય માણસ તરીકે જીવવાથી ઈસુને કઈ રીતે કરુણા બતાવનાર પ્રમુખ યાજક બનવા મદદ મળી. એ વિશે સમજવું આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. કેમ કે એનાથી યહોવાને પ્રાર્થના કરવી અને તેમની નજીક જવું સહેલું થઈ જશે, પછી ભલેને પોતાની નબળાઈઓ અને ભૂલોને લીધે આપણે દુઃખી હોઈએ.—હિબ્રૂઓ ૫:૭-૯ વાંચો.

ઈશ્વરના વહાલા દીકરા પૃથ્વી પર આવ્યા

૩-૪. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમના જીવનમાં કેવા મોટા મોટા ફેરફારો થયા?

૩ આપણામાંથી ઘણાએ જીવનમાં મોટા મોટા ફેરફારો કરવા પડ્યા છે. જેમ કે, આપણું ગમતું ઘર, કુટુંબ અને મિત્રો છોડીને બીજે જવું પડ્યું હોય. એવા ફેરફારો કરવા સહેલું નથી હોતું. પણ ઈસુએ જેટલા ફેરફારો કર્યા છે, એટલા તો આપણામાંથી કોઈએ નથી કર્યા. સ્વર્ગમાં જે દૂતને સૌથી પહેલા બનાવવામાં આવ્યા, એ ઈસુ હતા અને બાકીના બધા દૂતો કરતાં તેમનું સ્થાન સૌથી ઊંચું હતું. યહોવા તેમને ખૂબ પ્રેમ કરતા હતા. પોતાના પિતાનો ‘જમણો હાથ’ બનીને, એટલે કે તેમની સાથે કામ કરીને ઈસુને ઘણી ખુશી થતી હતી. (ગીત. ૧૬:૧૧; નીતિ. ૮:૩૦) તોપણ, ફિલિપીઓ ૨:૭માં લખ્યું છે તેમ પૃથ્વી પર પાપી માણસો સાથે રહેવા, સ્વર્ગમાં તેમની પાસે જે કંઈ હતું એનો તેમણે “ત્યાગ કર્યો.”

૪ શરૂ શરૂમાં પૃથ્વી પર ઈસુનું જીવન કેવું હતું એનો પણ વિચાર કરો. તેમનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો હતો. તેમના જન્મ પછી તેમનાં માબાપે જે બલિદાન ચઢાવ્યું હતું, એનાથી ખ્યાલ આવે છે કે તેઓ ગરીબ હતાં. (લેવી. ૧૨:૮; લૂક ૨:૨૪) જ્યારે દુષ્ટ રાજા હેરોદને ઈસુના જન્મ વિશે ખબર પડી, ત્યારે તેણે ઈસુને મારી નાખવાની કોશિશ કરી. ઈસુનો જીવ બચાવવા તેમનાં માબાપે થોડા સમય માટે ઇજિપ્તમાં આશરો લીધો. (માથ. ૨:૧૩, ૧૫) સાચે જ, ઈસુના સ્વર્ગમાંના અને પૃથ્વી પરના જીવન વચ્ચે આભ-જમીનનો ફરક હતો!

૫. ઈસુએ પૃથ્વી પર શું જોયું અને એનાથી તેમને સારા પ્રમુખ યાજક બનવા કઈ રીતે મદદ મળી? (ચિત્ર પણ જુઓ.)

૫ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે જોયું કે તેમની આસપાસના લોકોનું જીવન કેટલું અઘરું હતું. પૃથ્વી પર તેમણે પોતાના પિતા યૂસફની સાથે સાથે બીજાં સ્નેહીજનોને મરણમાં ગુમાવવાનું દુઃખ અનુભવ્યું. ઈસુ પોતાના સેવાકાર્ય દરમિયાન એવા ઘણા લોકોને મળ્યા જેઓને રક્તપિત્ત થયો હતો, લકવો થયો હતો, જેઓ જોઈ શકતા ન હતા અને જેઓએ પોતાનાં બાળકોને મરણમાં ગુમાવ્યાં હતાં. તેઓને જોઈને ઈસુના દિલમાં કરુણા ઊભરાઈ આવી. (માથ. ૯:૨, ૬; ૧૫:૩૦; ૨૦:૩૪; માર્ક ૧:૪૦, ૪૧; લૂક ૭:૧૩) એ સાચું છે કે ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે તેમણે લોકોની તકલીફો જોઈ હતી. પણ હવે પૃથ્વી પર માણસ તરીકે આવ્યા પછી, તે વધારે સારી રીતે સમજી શક્યા કે લોકો તકલીફમાં હોય ત્યારે તેઓને કેવું લાગે છે. (યશા. ૫૩:૪) એટલું જ નહિ, પૃથ્વી પરના જીવનથી ઈસુને લોકોની લાગણીઓ, નિરાશા અને પીડા સમજવા મદદ મળી. સામાન્ય માણસોની જેમ તેમણે પણ થાક, ચિંતા અને દુઃખનો અનુભવ કર્યો.

ઈસુ લોકોના ટોળાથી ઘેરાયેલા છે. તેઓ ઈસુને પોતાની બીમારીઓ અને તકલીફોમાંથી સાજા કરવા કાલાવાલા કરે છે. ઈસુ કરુણા બતાવે છે અને તે એક ઘરડા માણસનો હાથ પકડે છે.

ઈસુના દિલમાં લોકો માટે ખૂબ કરુણા હતી અને જેઓ તકલીફમાં હતા તેઓ માટે ખૂબ ચિંતા હતી (ફકરો ૫ જુઓ)


ઈસુ લોકોનાં સુખ-દુઃખના સાથી બન્યા

૬. ઈસુએ લોકોને જે રીતે કરુણા બતાવી, એ વિશે યશાયાની ભવિષ્યવાણીથી શું શીખવા મળે છે? (યશાયા ૪૨:૩)

૬ પોતાના સેવાકાર્ય દરમિયાન ઈસુએ એવા લોકોને ખૂબ કરુણા બતાવી, જેઓ સાથે ખરાબ રીતે વર્તવામાં આવતું હતું. આમ, ઈસુએ પ્રબોધક યશાયાએ કરેલી ભવિષ્યવાણી પૂરી કરી. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં અમુક વાર સમૃદ્ધ અને બળવાન લોકોને લીલાછમ બગીચા અથવા ઊંચાં મજબૂત ઝાડ સાથે સરખાવ્યા છે. (ગીત. ૯૨:૧૨; યશા. ૬૧:૩; યર્મિ. ૩૧:૧૨) પણ નિરાધાર અને લાચાર લોકોને છૂંદાયેલા બરુ અને મંદ મંદ સળગતી દિવેટ સાથે સરખાવ્યા છે. (યશાયા ૪૨:૩ વાંચો; માથ. ૧૨:૨૦) એ સરખામણીથી પ્રબોધક યશાયાએ ભવિષ્યવાણી કરી કે જે લોકોને નીચા ગણવામાં આવતા હતા, તેઓને ઈસુ કઈ રીતે પ્રેમ અને કરુણા બતાવશે.

૭-૮. ઈસુએ કઈ રીતે યશાયાની ભવિષ્યવાણી પૂરી કરી?

૭ માથ્થીએ બતાવ્યું કે યશાયાની ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ. યશાયાએ લખ્યું હતું: “તે છૂંદાયેલા બરુને ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.” વિચાર કરો કે ઈસુના ચમત્કારોથી કોને કોને ફાયદો થયો. કચડાયેલા મનના લોકોને, જેઓને લાગતું હતું કે તેઓ છૂંદાયેલા બરુ જેવા હતા. તેમ જ, આશા વગરના લોકોને, જેઓ મંદ મંદ સળગતી દિવેટ જેવા હતા, એટલે કે જલદી જ હોલવાઈ જવાની તૈયારીમાં હતા. દાખલા તરીકે, ઈસુ એક એવા માણસને મળ્યા જેને રક્તપિત્ત થયો હતો. શું એ માણસ પાસે સાજા થવાની અથવા કુટુંબીજનો અને મિત્રો સાથે હળવા-મળવાની કોઈ આશા હતી? ના! (લૂક ૫:૧૨, ૧૩) બીજા એક સમયે ઈસુ એવા માણસને મળ્યા જે સાંભળી શકતો ન હતો અને જેને બોલવામાં તકલીફ પડતી હતી. વિચારો કે તેની આસપાસ લોકો એકબીજા સાથે વાતો કરતા હશે, પણ તેને કંઈ સમજાતું નહિ હોય ત્યારે તેને કેવું લાગતું હશે. (માર્ક ૭:૩૨, ૩૩) પણ લોકોની તકલીફો બસ આટલેથી જ અટકતી ન હતી.

૮ ઈસુના સમયમાં ઘણા યહૂદીઓ માનતા હતા કે જેઓ બીમાર અથવા અપંગ છે, તેઓ પોતાનાં કે માબાપનાં પાપને લીધે સજા ભોગવી રહ્યા છે. (યોહા. ૯:૨) એ ખોટી માન્યતાને લીધે લોકો તેઓ સાથે ખરાબ રીતે વર્તતા, તેઓને ધિક્કારતા. પણ યશાયાએ ભવિષ્યવાણી કરી હતી તેમ ઈસુએ તેઓને સાજા કર્યા. તેઓને એ જોવા મદદ કરી કે ઈશ્વરને તેઓની ખૂબ ચિંતા છે. એનાથી આપણને કઈ ખાતરી મળે છે?

૯. હિબ્રૂઓ ૪:૧૫, ૧૬થી કઈ રીતે જોવા મળે છે કે સ્વર્ગમાંના આપણા પ્રમુખ યાજક પાપી માણસોની લાગણીઓ સમજે છે?

૯ હિબ્રૂઓ ૪:૧૫, ૧૬ વાંચો. આપણે ખાતરી રાખી શકીએ છીએ કે ઈસુ હંમેશાં આપણી લાગણી સમજશે અને કરુણા બતાવશે. એનો શું અર્થ થાય? ‘સમજી શકે’ માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, બીજાની લાગણી અને દુઃખોને મહેસૂસ કરવાં, એને પૂરી રીતે સમજવાં. બાઇબલમાં આપેલા ઈસુના ચમત્કારોથી આપણે જોઈ શકીએ છીએ કે લોકોની તકલીફોની ઈસુ પર કેટલી ઊંડી અસર થઈ. ઈસુએ બસ ફરજને લીધે તેઓને સાજા કર્યા ન હતા. તે ખરેખર લોકોની ચિંતા કરતા હતા અને તેઓને મદદ કરવા માંગતા હતા. દાખલા તરીકે, રક્તપિત્ત થયેલા માણસને સાજો કરવા તેને અડવાની જરૂર ન હતી. તોપણ તે તેને અડ્યા. કદાચ વર્ષો પછી એ માણસે બીજા માણસનો સ્પર્શ અનુભવ્યો હશે! હવે બીજા એક કિસ્સા પર ધ્યાન આપો. જે માણસ સાંભળી શકતો ન હતો તેને સાજો કરતાં પહેલાં ઈસુએ તેના સંજોગો વિશે વિચાર્યું. તેમણે તેને લોકોના શોરબકોરથી દૂર લઈ જઈને સાજો કર્યો. શું તમને એ સ્ત્રીનો દાખલો યાદ છે, જેને પોતાનાં ખરાબ કામોનો પસ્તાવો થયો હતો અને પોતાનાં આંસુથી ઈસુના પગ ધોયા હતા? એક ફરોશી તેની સાથે ખરાબ રીતે વર્ત્યો. પણ ઈસુએ એ સ્ત્રીની તરફદારી કરી અને એ ફરોશીને કડક શબ્દોમાં સુધાર્યો. (માથ. ૮:૩; માર્ક ૭:૩૩; લૂક ૭:૪૪) જેઓ બીમાર હતા અથવા જેઓએ મોટાં પાપ કર્યાં હતાં એવા લોકોથી ઈસુએ મોં ફેરવી ન લીધું. તેમણે તો તેઓનો આવકાર કર્યો અને તેઓને પ્રેમ બતાવ્યો. આપણે પૂરી ખાતરી રાખી શકીએ છીએ કે આજે ઈસુ આપણી સાથે પણ એ જ રીતે વર્તે છે.

આપણા પ્રમુખ યાજકના પગલે ચાલીએ

૧૦. જેઓ જોઈ શકતા નથી અને સાંભળી શકતા નથી, તેઓ યહોવા વિશે શીખી શકે એ માટે કઈ ગોઠવણ કરવામાં આવી છે? (ચિત્રો પણ જુઓ.)

૧૦ આપણે ઈસુને પગલે ચાલવા માંગીએ છીએ. એટલે બીજાઓને પ્રેમ બતાવવા, તેઓનાં સુખ-દુઃખના સાથી બનવા અને તેઓની લાગણીઓ સમજવા પોતાનાથી બનતું બધું કરીએ છીએ. (૧ પિત. ૨:૨૧; ૩:૮) ખરું કે જેઓ જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી, તેઓને આપણે સાજા કરી શકતા નથી. પણ તેઓને યહોવા વિશે શીખવા અને તેમના દોસ્ત બનવા ચોક્કસ મદદ કરી શકીએ છીએ. દાખલા તરીકે, હવે ૧૦૦થી વધારે સાઇન લેંગ્વેજમાં સાહિત્ય પ્રાપ્ય છે. એટલું જ નહિ, જેઓ સારી રીતે જોઈ શકતા નથી અથવા જરા પણ જોઈ શકતા નથી તેઓ માટે ૬૦થી વધારે બ્રેઇલ લિપિમાં સાહિત્ય પ્રાપ્ય છે. તેમ જ, ૧૦૦થી વધારે ભાષામાં ઑડિયો ડિસ્ક્રિપ્શન સાથે વીડિયો બહાર પાડવામાં આવે છે, એટલે કે જેમાં સાથે સાથે જણાવવામાં આવે છે કે દૃશ્યમાં શું થઈ રહ્યું છે. જેઓ સાંભળી શકતા નથી અને જોઈ શકતા નથી, તેઓને આ બધી ગોઠવણોથી યહોવા અને તેમના દીકરાની નજીક જવા મદદ મળે છે.

ચિત્રો: ૧. સાઇન લેંગ્વેજ મંડળની એક સભામાં ભાઈ-બહેનો ગીત માટે સાઇન કરે છે. ૨. એક અંધ બહેન બ્રેઇલમાં બાઇબલ વાંચે છે.

બાઇબલ આધારિત સાહિત્ય ૧,૦૦૦થી પણ વધારે ભાષામાં પ્રાપ્ય છે

ડાબે: ૧૦૦થી વધારે સાઇન લેંગ્વેજમાં સાહિત્ય

જમણે: ૬૦થી વધારે બ્રેઇલ લિપિમાં સાહિત્ય

(ફકરો ૧૦ જુઓ)


૧૧. આજે કઈ રીતે દેખાઈ આવે છે કે યહોવાના સંગઠનને દરેક લોકો માટે ચિંતા છે? (પ્રેરિતોનાં કાર્યો ૨:૫-૭, ૩૩) (ચિત્રો પણ જુઓ.)

૧૧ દરેક પ્રકારના લોકો યહોવાની નજીક આવે એ માટે યહોવાનું સંગઠન ખૂબ મહેનત કરે છે. તમને યાદ હશે કે ઈસુને મરણમાંથી ઉઠાડ્યા પછી ૫૦મા દિવસે શું થયું હતું. તેમણે પોતાના શિષ્યો પર પવિત્ર શક્તિ રેડી, જેથી તહેવાર ઊજવવા ભેગા થયેલા લોકો “પોતાની ભાષામાં” ખુશખબર સાંભળી શકે. (પ્રેરિતોનાં કાર્યો ૨:૫-૭, ૩૩ વાંચો.) ઈસુના માર્ગદર્શનથી આજે યહોવાનું સંગઠન ૧,૦૦૦થી વધારે ભાષામાં બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડે છે. એમાંની અમુક ભાષા તો થોડા લોકો જ બોલે છે. દાખલા તરીકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં બહુ થોડા લોકો અમેરીઇન્ડિયન ભાષાઓ બોલે છે. તોપણ એવી ૧૬૦થી વધારે ભાષાઓમાં સાહિત્ય બહાર પાડવામાં આવે છે, જેથી બને એટલા લોકો ખુશખબર સાંભળી શકે. રોમાની ભાષાઓ બોલતા મોટા ભાગના લોકો પૂર્વ અને દક્ષિણ-પૂર્વ યુરોપમાં રહે છે. તેઓ સતત ભેદભાવ અને જુલમનો સામનો કરે છે. તોપણ ૨૦ કરતાં વધારે રોમાની ભાષાઓમાં આપણાં સાહિત્ય બહાર પાડવામાં આવે છે. એ ભાષાઓ બોલતા હજારો લોકો આજે સત્ય શીખી રહ્યા છે.

ચિત્રો: ૧. એક અમેરીઇન્ડિયન બહેને હાથમાં પોતાની ભાષાનું બાઇબલ પકડ્યું છે અને તે બહુ ખુશ છે. ૨. એક રોમાની બહેન અને તેમની દીકરી આપણા કાર્યક્રમનો આનંદ માણી રહી છે.

ડાબે: ૧૬૦થી વધારે અમેરીઇન્ડિયન ભાષામાં સાહિત્ય

જમણે: ૨૦થી વધારે રોમાની ભાષામાં સાહિત્ય

(ફકરો ૧૧ જુઓ)


૧૨. યહોવાનું સંગઠન આજે લોકો માટે બીજું શું કરે છે?

૧૨ યહોવાનું સંગઠન ખુશખબર ફેલાવવાની સાથે સાથે કુદરતી આફતોનો ભોગ બનેલાં લોકોને મદદ પણ પૂરી પાડે છે. વહાલાં ભાઈ-બહેનોને મદદ કરવા હજારો સ્વયંસેવકો ખુશી ખુશી આગળ આવે છે. વધુમાં, યહોવાનું સંગઠન સાદાં પણ વ્યવસ્થિત પ્રાર્થનાઘરોની ગોઠવણ કરે છે, જેથી લોકો યહોવા વિશે શીખી શકે અને તેમનો પ્રેમ અનુભવી શકે.

આપણા પ્રમુખ યાજક તમને મદદ કરી શકે છે

૧૩. કઈ અલગ અલગ રીતોએ ઈસુ આપણને મદદ કરે છે?

૧૩ ઈસુ ઉત્તમ ઘેટાંપાળક છે. તે ધ્યાન રાખે છે કે યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત રહે એ માટે આપણી પાસે જરૂરી બધું જ હોય. (યોહા. ૧૦:૧૪; એફે. ૪:૭) અમુક વાર મુશ્કેલીઓને લીધે લાગી શકે કે આપણે છૂંદાયેલા બરુ કે મંદ મંદ સળગતી દિવેટ જેવા છીએ. કદાચ ગંભીર બીમારીને લીધે, પોતાની ભૂલોને લીધે કે પછી મંડળમાં કોઈની સાથે અણબનાવ થયો હોય ત્યારે વધારે હતાશ થઈ જઈએ. હાલની મુશ્કેલીઓને લીધે કદાચ દુઃખમાં ડૂબી જઈએ અને ભાવિની આશા નજર સામે રાખવી અઘરું બની જાય. પણ એક વાત ક્યારેય ન ભૂલીએ: ઈસુ જુએ છે કે આપણા પર શું વીતી રહ્યું છે અને તે આપણી ઊંડી લાગણીઓ સારી રીતે સમજે છે. એટલે તે દિલથી આપણને મદદ કરવા ચાહે છે. દાખલા તરીકે, નિરાશ થઈ જઈએ ત્યારે તે પવિત્ર શક્તિની મદદથી આપણી હિંમત વધારી શકે છે. (યોહા. ૧૬:૭; તિત. ૩:૬) એટલું જ નહિ, મંડળના વડીલો કે ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને તે આપણને ઉત્તેજન આપી શકે છે અને મદદ કરી શકે છે.—એફે. ૪:૮.

૧૪. આપણે નિરાશ હોઈએ ત્યારે શું કરી શકીએ?

૧૪ જો તમે નિરાશ થઈ ગયા હો, તો યાદ કરો કે ઈસુ આપણા પ્રમુખ યાજક છે અને વિચારો કે તે તમારા માટે શું કરી શકે છે. આપણે જાણીએ છીએ કે યહોવાએ ઈસુને આપણા માટે પોતાનો જીવ આપવા મોકલ્યા હતા. એટલું જ નહિ, પાપી માણસોની તકલીફોને તે સારી રીતે સમજી શકે એ માટે પણ તેમને પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા. ભૂલો અથવા નબળાઈઓને લીધે આપણે નિરાશ થઈ જઈએ ત્યારે, ઈસુ આપણને રાજીખુશીથી મદદ કરવા તૈયાર છે. “મદદની જરૂર હોય ત્યારે” તે આપણને કદી એકલા મૂકી નહિ દે.—હિબ્રૂ. ૪:૧૫, ૧૬.

૧૫. એક ભાઈને યહોવાના મંડળમાં પાછા આવવા શાનાથી મદદ મળી?

૧૫ જેઓ યહોવાના ટોળાથી દૂર થઈ ગયા છે, તેઓને શોધવા અને મદદ કરવા ઈસુ પોતાના લોકોને માર્ગદર્શન આપે છે. (માથ. ૧૮:૧૨, ૧૩) સ્તેફાનોભાઈનાb અનુભવ પર ધ્યાન આપો. તેમને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ૧૨ વર્ષ પછી તેમણે સભામાં જવાનું નક્કી કર્યું. પોતાનો અનુભવ જણાવતા તે કહે છે: “એ મારા માટે સહેલું ન હતું. પણ હું મારાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવા માંગતો હતો. જે વડીલો મને મળ્યા તેઓએ પ્રેમથી મારો આવકાર કર્યો. મેં યહોવાને છોડી દીધા હતા એ યાદ કરીને હું અમુક વાર ખૂબ દુઃખી થઈ જતો અને ફરીથી બધું છોડી દેવાનું વિચારતો. પણ ભાઈઓ મને યાદ અપાવતા કે હું ભક્તિમાં લાગુ રહું એવું યહોવા અને ઈસુ ચાહે છે. જ્યારે મને મંડળમાં પાછો લેવામાં આવ્યો, ત્યારે આખા મંડળે મારો અને મારા કુટુંબનો પ્રેમથી આવકાર કર્યો. પછીથી મારી પત્નીએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. આજે હું મારા કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરું છું.” આપણા પ્રેમાળ પ્રમુખ યાજકને એ જોઈને કેટલી ખુશી થતી હશે કે પસ્તાવો કરનાર પાછા આવી શકે એ માટે આખું મંડળ મહેનત કરી રહ્યું છે!

૧૬. તમે કેમ આપણા પ્રમુખ યાજક ઈસુ માટે આભારી છો?

૧૬ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ઘણા લોકોને યોગ્ય સમયે મદદ પૂરી પાડી હતી. આજે આપણે પણ ખાતરી રાખી શકીએ છીએ કે જરૂર હોય ત્યારે તે આપણને ચોક્કસ મદદ કરશે. એટલું જ નહિ, તે નવી દુનિયામાં આપણને પાપ વગરનું જીવન મેળવવા મદદ કરશે. યહોવા આપણને એટલો બધો પ્રેમ કરે છે કે તેમણે પોતાના દીકરાને પ્રમુખ યાજક તરીકે નીમ્યા છે, જે આપણી લાગણીઓ સારી રીતે સમજે છે. એ માટે આપણે યહોવાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે!

તમે શું કહેશો?

  • પૃથ્વી પરના જીવનથી ઈસુને આપણા પ્રમુખ યાજક બનવા કઈ રીતે મદદ મળી?

  • ઈસુએ કઈ રીતે યશાયા ૪૨:૩ની ભવિષ્યવાણી પૂરી કરી?

  • આપણા પ્રમુખ યાજક કઈ રીતે આપણને મદદ કરે છે?

ગીત ૫ ઈસુને પગલે ચાલું

a ઈસુએ કઈ રીતે મંદિરમાં સેવા આપતા પ્રમુખ યાજકની જગ્યા લીધી, એ વિશે વધારે જાણવા ઑક્ટોબર ૨૦૨૩, ચોકીબુરજ પાન ૨૬, ફકરા ૭-૯ પર આપેલો આ લેખ જુઓ: “યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ—એક અનમોલ લહાવો.”

b નામ બદલ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો