FPG/The Image Bank via Getty Images
જુઓ, શું બની રહ્યું છે!
નેતાઓની પૃથ્વીના વિનાશ વિશે ચેતવણી—બાઇબલ શું કહે છે?
સોમવાર, ૧૦ ઑક્ટોબર, ૨૦૨૨ની સવારે રશિયાએ યુક્રેઇનના અમુક શહેરો પર મિસાઇલથી હુમલો કર્યો. એના બે દિવસ પહેલાં ક્રિમીયા અને રશિયાને જોડતા એક મહત્ત્વના પુલ પર વિસ્ફોટ થયો હતો. એનો બદલો લેવા રશિયાએ યુક્રેઇન પર હુમલો કર્યો હતો. એ ઘટનાઓના થોડા સમય પહેલાં અમુક નેતાઓએ ચેતવણી આપી હતી કે જલદી જ પૃથ્વીના વિનાશ એટલે કે આર્માગેદનની શરૂઆત થશે.
“[યુ.એસ. પ્રેસિડેન્ટ જ્હોન એફ.] કેનેડીના સમયના ક્યુબન મિસાઇલ વિવાદ પછી દુનિયા આજે ફરી એકવાર આર્માગેદનની અણી પર છે. . . . જો અણુશસ્ત્રોનો આજ રીતે ઉપયોગ થતો રહ્યો, તો આર્માગેદન ચોક્કસ આવશે.”—યુ.એસ. પ્રેસિડેન્ટ જો બાયડન, ૬ ઑક્ટોબર, ૨૦૨૨.
“હું માનું છું કે બહુ જલદી જ આપણે આર્માગેદનનો સામનો કરવો પડશે. આખી દુનિયા પર જોખમ તોળાય રહ્યું છે.”—યુક્રેઇનના પ્રેસિડેન્ટ વોલોદીમીર ઝેલેન્સ્કી, અણુશસ્ત્રોનો ઉપયોગ કરવાનું શું પરિણામ આવશે, એ સવાલના જવાબમાં આ શબ્દો કહ્યા, બીબીસી ન્યૂઝ, ૮ ઑક્ટોબર, ૨૦૨૨.
શું અણુશસ્ત્રોનો ઉપયોગ પૃથ્વીના વિનાશ તરફ લઈ જશે? ચાલો, એ વિશે બાઇબલમાંથી જોઈએ.
શું અણુશસ્ત્રોથી પૃથ્વીનો વિનાશ (આર્માગેદન) થશે?
ના. “આર્માગેદન” શબ્દ બાઇબલમાં પ્રકટીકરણ ૧૬:૧૬માં જ જોવા મળે છે. આર્માગેદનનું યુદ્ધ રાષ્ટ્રો વચ્ચે નહિ, પણ ઈશ્વર અને “આખી પૃથ્વીના રાજાઓ” વચ્ચે થશે. (પ્રકટીકરણ ૧૬:૧૪) ઈશ્વર આર્માગેદનના યુદ્ધમાં માણસોની સરકારોનો હંમેશ માટે નાશ કરી દેશે.—દાનિયેલ ૨:૪૪.
આર્માગેદનના યુદ્ધની પૃથ્વી પર કેવી અસર થશે? એ વિશે વધારે જાણવા આ લેખ વાંચો: આર્માગેદનનું યુદ્ધ શું છે?
શું અણુશસ્ત્રોથી પૃથ્વી અને એની પર રહેનારાઓનો નાશ થશે?
ના. કદાચ શાસકો ભાવિમાં અણુશસ્ત્રોનો ઉપયોગ કરે, પણ ઈશ્વર પૃથ્વીનો નાશ થવા દેશે નહિ. બાઇબલમાં લખ્યું છે:
“પૃથ્વી કાયમ ટકી રહે છે.”—સભાશિક્ષક ૧:૪.
“સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
બાઇબલની ભવિષ્યવાણીઓ અને હાલમાં થતા બનાવોથી જોવા મળે છે કે જલદી જ પૃથ્વી પર મોટા મોટા ફેરફાર થશે. (માથ્થી ૨૪:૩-૭; ૨ તિમોથી ૩:૧-૫) ભવિષ્ય વિશે બાઇબલમાં શું જણાવવામાં આવ્યું છે એ વિશે તમે મફત શીખી શકો.