ભાવિમાં ખરેખર શું રહેલું છે
વૈજ્ઞાનિક નવલકથાના ઘણા ઉત્સાહીઓ જિજ્ઞાસુ મન, માનવ સમાજમાં ફેરફારની ઇચ્છા, અને ભાવિમાં ઘણો રસ ધરાવે છે. બાઇબલ ભાવિ વિષે ઘણું કહે છે, પરંતુ માણસના ભાગ્ય વિષેની બાઇબલની દૃષ્ટિ વૈજ્ઞાનિક નવલકથાના લેખકોની અટકળો સાથે કંઈ પણ સરખાપણું ધરાવતી નથી.
ભાવિ કેવું હશે એ વિષે વૈજ્ઞાનિક નવલકથા ઘણા ભિન્ન વૃત્તાંતો રજૂ કરે છે. પરંતુ શું તમે એમાંના એક પર આધાર રાખી તમારું જીવન જોખમમાં મૂકશો? તમે શાને આધારે પસંદગી કરશો? એ બધા જ દૃશ્યલેખો, અથવા બનાવોના યોજિત માર્ગો, કંઈ સાચા ન હોય શકે. હકીકતમાં, એ સર્વ અનુમાન—નવલકથા—નો સમાવેશ કરે છે, તેથી શું તમે ભરોસાસહિત કહી શકો કે એમાંના કેટલાક સત્ય છે? બહુ જ શક્ય છે કે એમાંનો એક પણ સત્ય નથી.
નિષ્ફળ જઈ રહી છે
હમણાં પણ વૈજ્ઞાનિક નવલકથાના ઘણા દૃશ્યલેખો નિષ્ફળ જઈ રહ્યા છે. કઈ રીતે? એ રીતે કે વિજ્ઞાન અહીં પૃથ્વી પર વધારે સારી સંસ્કૃતિ તરફ કઈ રીતે દોરી જઈ શકે એ દર્શાવતી વૈજ્ઞાનિક નવલકથાઓ પરિપૂર્ણ થઈ નથી. સુધરેલી સંસ્કૃતિને બદલે, આજની વાસ્તવિકતા તદ્દન ભિન્ન જ છે. જર્મન લેખક કાર્લ માઇકલ આર્મર નોંધે છે: “ભાવિએ આપણને અભિભૂત (overwhelm) કર્યા છે.” તે “અણુ વિનાશની ગોળાવ્યાપી ધમકી, પર્યાવરણીય હોનારતો, ભૂખમરો, ગરીબી, ઉર્જા કટોકટી, [અને] સરકારના ટેકાવાળા આતંકવાદ” તરફ નિર્દેશ કરે છે.
બીજા શબ્દોમાં, વૈજ્ઞાનિક નવલકથામાં વર્ણવવામાં આવેલું પૃથ્વી અને માનવ કુટુંબ માટેનું ભાવિ એની પરિપૂર્ણતા તરફ આગળ વધી રહ્યું નથી. એથી ભિન્ન, પૃથ્વી પરની પરિસ્થિતિ વણસે છે તેમ, માનવ સ્થિતિ વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. સર્વ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રગતિ છતાં, આખા જગતમાં માનવ સમાજ વધુ ને વધુ ગુનો, હિંસા, ગરીબી, કોમી ધિક્કાર, અને કૌટુંબિક ભંગાણ અનુભવે છે.
કેટલાક વૈજ્ઞાનિક પ્રયત્નોએ માણસની મુશ્કેલીઓમાં ઘણો વધારો કર્યો છે. ફક્ત થોડાક ઉદાહરણોનો વિચાર કરો: હવા, પાણી, અને ખોરાકનું રાસાયણિક પ્રદૂષણ; ભારતમાં ભોપાલ ખાતે હોનારત, જ્યાં એક ઔદ્યોગિક કારખાનાના અકસ્માતે ઝેરી ગેસ છોડ્યો, જેને લીધે ૨,૦૦૦ લોકો માર્યા ગયા અને ૨,૦૦,૦૦૦ને હાનિ પહોંચી; ચર્નોબીલ, યુક્રેઈન ખાતે ન્યૂક્લીયર ઉર્જા પ્લાંટ પીગળ્યો, જેને પરિણામે ઘણાં મરણ નિપજ્યાં અને બહોળા વિસ્તારમાં કેન્સર તથા આરોગ્યના બીજા કોયડા વધ્યા.
બાહ્ય અવકાશમાં વસાહત?
ભાવિ વિષેની મોટી સંખ્યાની વૈજ્ઞાનિક નવલકથાઓ જીવનના દુઃખો અને પૃથ્વી પર માનવ યોજનાઓની નિષ્ફળતામાંથી હજુ બીજી એક રીતે છુટકારો રજૂ કરે છે. એ ઉત્સાહી વ્યક્તિને કાલ્પનિક દૃષ્યલેખોમાં બાહ્ય અવકાશમાં લઈ જાય છે. આંતરતારામંડળની સફર માટેના અવકાશયાનોનો ઉપયોગ કરી માનવીઓ બીજા ગ્રહો અને વિશ્વના બીજા ભાગોમાં વસાહતો સ્થાપતા હોય એવા વિષયો સામાન્ય હોય છે. એવી બાબતો ઘણાને ન્યૂ યોર્કના એક વર્તમાનપત્રના તંત્રીને એક વ્યક્તિએ લખ્યું હતું એવું માનવા પ્રેરે છે: “માણસજાતનું ભાવિ અવકાશ અન્વેષણમાં રહેલું છે.”
તોપણ પસાર થતા દરેક વર્ષની સાથે, માનવીઓ દ્વારા લાંબા ગાળાનું અવકાશ ઉડ્ડયન વધુ ને વધુ અસંભવિત થતું જાય છે. તેથી જ બીજા તારામંડળની તો વાત જ બાજુએ રહી પરંતુ માનવીઓને ચંદ્ર પર કે નજીકના બીજા કોઈ ગ્રહ પર વસાહત સ્થાપવાની કોઈ ગંભીર સફળ યોજના નથી. ફક્ત એટલું જ થઈ શકે કે પૃથ્વીની નજીકમાં શટલ અવકાશયાનો અને અવકાશના સંશોધન માટે સાધનો મોકલી શકાય. તેથી, માનવ પ્રયત્નો દ્વારા બાહ્ય અવકાશમાં—બીજા ગ્રહો કે તારામંડળમાં—વસાહત સ્થાપવી એ નજીકના ભાવિનો વાસ્તવિક વિકલ્પ નથી. અને વિવિધ રાષ્ટ્રોના હાલના અવકાશ કાર્યક્રમો એટલા બધા ખર્ચાળ છે કે એને ઘટાડવામાં કે પડતા મૂકવામાં આવી રહ્યા છે.
વાસ્તવિકતા એ છે કે માણસજાતનું ભાવિ, તમારું ભાવિ, માનવીઓ દ્વારા પ્રોત્સાહિત કોઈ અવકાશ સાહસમાં રહેલું નથી. તમારું ભાવિ અહીં પૃથ્વી પર રહેલું છે. અને માનવીઓ એ ભાવિ નક્કી કરશે નહિ. શા માટે આપણે આટલા ચોક્કસ હોય શકીએ?
કેમ કે પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહ દેવ, ભાવિ નક્કી કરશે. અને વૈજ્ઞાનિક નવલકથાનો કોઈ પણ દૃશ્યલેખ બાઇબલમાં આપવામાં આવેલા વચનોની બરાબરી કરી શકે નહિ. દેવે જેનો માણસજાત સાથે સંચાર કર્યો છે એવા દેવના પ્રેરિત શબ્દમાં, તે માનવીઓ માટે ભાવિ કેવું હશે એ આપણને કહે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭; ૨ પીતર ૧:૨૦, ૨૧) એ શું કહે છે?
માનવ કુટુંબનું ભાવિ
દેવનો શબ્દ ઈસુ ખ્રિસ્તના હાથમાં એક નવી સરકાર દ્વારા માનવ સમાજને પૂરેપૂરો નવો કરવાનો ઉત્પન્નકર્તાનો હેતુ સ્પષ્ટપણે રજૂ કરે છે. બાઇબલમાં એ આકાશી સરકારને દેવનું રાજ્ય કહેવામાં આવ્યું છે.—માત્થી ૬:૯, ૧૦.
એ રાજ્ય વિષે દાનીયેલ ૨:૪૪માંની પ્રેરિત ભવિષ્યવાણી જાહેર કરે છે: “[આજે અસ્તિત્વ ધરાવતા] રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે [હાલના] આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”
દેવના શક્તિશાળી સક્રિય બળની પ્રેરણા હેઠળ, પ્રેષિત પીતરે પણ દેવના રાજ્ય હેઠળ પૃથ્વી પરના ભાવિ જીવન વિષે લખ્યું. તેણે કહ્યું: “તો પણ આપણે [દેવના] વચન પ્રમાણે નવાં આકાશ [દેવનું આકાશી રાજ્ય] તથા નવી પૃથ્વી [એ રાજ્ય હેઠળ નવો માનવ સમાજ] જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.”—૨ પીતર ૩:૧૩.
દેવના આકાશી રાજ્યના શાસન હેઠળ પૃથ્વી પર જીવવાનો લહાવો મેળવનારાઓ માટે જીવન કેવું હશે? ઉત્પન્નકર્તાનું વચન છે: “[દેવ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું, કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે, કે તું લખ; કેમકે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫.
ઉત્પન્નકર્તા જેનું વચન આપે છે એ પ્રકારનું ભાવિ અદ્ભુત છે. એ વૈજ્ઞાનિક નવલકથાના લેખકો કે વૈજ્ઞાનિકોના કોઈ પણ નવલકથામય દૃશ્યલેખોથી તદ્દન ભિન્ન છે, એવા દૃશ્યલેખો જે ઘણી વાર વિચિત્ર, પરીકથામય વ્યક્તિઓ અને પાર્શ્વભૂમિકાથી ચિહ્નિત હોય છે. સાચા ખ્રિસ્તીઓ ભાવિ વિષેના દેવના ચોક્કસ વચનોમાં વિશ્વાસ મૂકે છે. ખરેખર, તેઓ એથી પણ વધુ કરે છે. તેઓ એને લીધે પોતાનું જીવન જોખમમાં મૂકવા તૈયાર છે.
શા માટે તેઓ આટલા ભરોસાસહિત એમ કરી શકે છે? કારણ કે તેઓ દેવના શબ્દમાંથી જાણે છે કે “આશા શરમાવતી નથી,” કેમ કે “દેવથી જૂઠું બોલી શકાતું નથી.” હકીકતમાં, ‘દેવ કદી જૂઠું બોલી શકતા નથી.’ (રૂમી ૫:૫; તીતસ ૧:૨; હેબ્રી ૬:૧૮) દેવના સેવક યહોશુઆએ ઘણા સમય અગાઉ કહ્યું તેમ: “જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.”—યહોશુઆ ૨૩:૧૪.
વૈજ્ઞાનિક નવલકથાનો ઘણો ભાગ આ જૂની દુષ્ટ વ્યવસ્થાની વિચારસરણી પ્રતિબિંબિત કરે છે. કઈ રીતે? વૈજ્ઞાનિક નવલકથા કહેવાતા જ્ઞાનપ્રકાશિતપણાના સમયગાળામાં શરૂ થઈ, જ્યારે ઘણી વ્યક્તિઓએ રૂઢિગત સત્તાનો નકાર કર્યો અને માન્યું કે માણસ પોતે પોતાનું ભાવિ ગોઠવી શકે છે. તેઓએ સમાજની ઘણી મુશ્કેલીઓ માટે યોગ્યપણે જ દુન્યવી ધર્મને દોષિત ઠરાવ્યો, પરંતુ પછી તેઓએ દેવના અસ્તિત્વ અને હેતુ વિષેનું સત્ય પણ ઠુકરાવ્યું. બાબતો જે રીતે બની રહી હતી એનાથી તેઓ નિરાશ થયા અને તેથી બીજી યુક્તિઓ શોધી.
જોકે, માનવ યુક્તિઓ ગમે તેટલી સારી રીતે વિચારવામાં આવી હોય છતાં, એના કાર્યક્ષેત્રમાં મર્યાદિત હોય છે. આપણા ઉત્પન્નકર્તા કહે છે: “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”—યશાયાહ ૫૫:૯.
સાચી વૈજ્ઞાનિક શોધ
દેવની નવી દુનિયામાં, જ્ઞાન માટેની માણસજાતની કુદરતી તરસ ખરી વૈજ્ઞાનિક તપાસ દ્વારા કંઈક અંશે છીપાવવામાં આવશે. દૃશ્યલેખો જોડી કાઢવાની જરૂર નહિ હોય, કેમ કે વાસ્તવિકતા આરોગ્યપ્રદ, સત્યપૂર્ણ રીતે મનને આકર્ષશે અને શિક્ષણ આપશે.
ત્યારે ઘણા લોકો પ્રખ્યાત વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનની લાગણી સમજશે, જ્યારે તેણે પોતાને “દરિયાકાંઠે રમતા એવા બાળક” સાથે સરખાવ્યો “[જેની] સમક્ષ સત્યનો આખો સમુદ્ર શોધ કર્યા વિના પડ્યો છે.” નિઃશંક, દેવની નવી દુનિયામાં, દેવ વિશ્વાસુ માનવીઓને એક પછી બીજી ઉત્તેજનાપૂર્ણ શોધ તરફ દોરશે.
હા, ત્યારે વૈજ્ઞાનિક સંશોધન પૂરેપૂરું સત્ય પર આધારિત હશે, કેમ કે યહોવાહ “સત્યના દેવ” છે. તે આપણને માણસના પાર્થિવ વાતાવરણમાંથી અને પ્રાણી જગતમાંથી પણ શીખવાનું આમંત્રણ આપે છે. (ગીતશાસ્ત્ર ૩૧:૫; અયૂબ ૧૨:૭-૯) સત્યના દેવ દ્વારા દોરવણી પામતા પ્રમાણિક વૈજ્ઞાનિક પ્રયત્નો નિશ્ચે દેવની નવી વ્યવસ્થાનું આશ્ચર્યકારક પાસુ હશે. ત્યારે સર્વ નવરચનાઓ, શોધખોળો અને માણસના જીવન તથા જીવનધોરણમાંના અદ્ભુત સુધારાનો યશ, કોઈ માણસને નહિ, પરંતુ વિશ્વના ઉત્પન્નકર્તા, યહોવાહ દેવને આપવામાં આવશે.
ઝડપથી આવી રહેલી એ નવી દુનિયામાં, સર્વ આજ્ઞાધીન માનવીઓ દેવની પ્રેમાળ કાળજી અને માર્ગદર્શન માટે તેમને મહિમા આપશે. તેઓ ઘણા આનંદથી તેમની સેવા કરશે અને પ્રકટીકરણ ૪:૧૧માં વર્ણવવામાં આવ્યું છે તે તેમને કહેશે: “ઓ અમારા પ્રભુ [“યહોવાહ,” NW] તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.” (g95 12/8)
માણસજાતનું ભાવિ
પૃથ્વી પર રહેલું છે