અમારા વાચકો તરફથી
લાસરિયાપણું “લાસરિયાપણું—સમય ચોરી લેનાર” લેખ (એપ્રિલ ૮, ૧૯૯૫) વ્યવહારુ અને રમૂજી રીતે લખવામાં આવ્યો છે. મેં એ વાંચ્યો તેમ, હું પોતાના પર હસવા લાગ્યો, કેમ કે મને આત્મિક બાબતો વિષે લાસરિયાપણાની ભયંકર ટેવ છે.
એફ. બી. એચ., બ્રાઝિલ
હું મારા મોટા ભાગના જીવનમાં બહુ જ લાસરિયાપણું ધરાવું છું, તેથી એ સમયસરની માહિતી હતી. એ બહુ સારી રીતે લખવામાં આવી છે, અને મેં મારા સમયની વધુ સારી ગોઠવણ કરવા માટે એ માહિતીનો ઉપયોગ કરવાની યોજના કરી છે. ઘણી વાર હું જુદા જુદા લેખો માટે આભારનો પત્ર લખવા માગતી હતી, પરંતુ હું કદી પણ એમ કરવા પામી નહિ. હવે છેવટે મેં એ સિદ્ધ કર્યું છે!
એમ. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
હું સામયિકના પાના ઉથલાવી રહી હતી ત્યારે, એ લેખ પર મારી નજર પડી. મેં પ્રસ્તાવના વાંચી પછી વિચાર્યું કે બાકીનો લેખ પછીથી વાંચીશ. પરંતુ શરૂઆતના શબ્દોએ કહ્યું: “થોભો! આ લેખ નીચે મૂકી ન દો!” હવે મને સમજાય છે કે મેં લાસરિયાપણાને મારો સમય ચોરી લેવા દીધો છે.
એ. ઈ., ઈટાલી
હું એક દરજી છું, અને લાસરિયાપણું મારો જીવનમાર્ગ બની ગયું હતું. મેં યાદી બનાવવાની, યોગ્ય સમયે બીજાઓને કામ સોંપવાની, અને ખલેલને પહોંચી વળવા માટે યોજના કરવાની અવગણના કરી. પરંતુ હવે હું તમારા સૂચનોનો ઉપયોગ કરતા શીખ્યો છું, અને હું બદલાઓનો આનંદ માણી રહ્યો છું.
એસ. એન., નાઈજીરિયા
છેલ્લા દિવસો એક પૂરેપૂરા સમયની સુવાર્તિકા તરીકે, હું આપણાં સામયિકો માટે તમારો આભાર માનવા માગું છું. હું મે ૮, ૧૯૯૫ના અંકમાં “શું આ છેલ્લા દિવસો છે?” લેખોની શૃંખલા વાંચી રહી હતી તેમ, મેં વિચાર્યું કે, ‘આ લેખો કેટલા સ્પષ્ટ, સીધેસીધા, અને સારા ચિત્રોવાળા છે!’ પાનાની ગોઠવણ, ઉત્કૃષ્ટ ફોટોગ્રાફી, તથા મથાળાએ સાચે જ મુદ્દાઓ સમજાવ્યા અને લેખો વાંચવા તથા ગ્રહણ કરવા સહેલા બનાવ્યા. આપણા પડોશીઓને એવી માહિતી રજૂ કરવી આનંદની બાબત છે!
જે. બી., યુનાઈટેડ સ્ટેટ્સ
દાદર મેં તમારો લેખ “દાદર—દુઃખાવાનો સામનો કરવો” વાંચ્યો. (મે ૮, ૧૯૯૫) ત્રણ દિવસ પછી મારી ચામડી પર ફોલ્લીઓ થઈ જે તમારા લેખમાંના દાદરના વર્ણનને મળતી આવતી હતી. મેં ડોક્ટર પાસે જઈને કહ્યું કે મને લાગે છે કે મને દાદર થઈ હોય શકે. નિશ્ચે જ, તેમણે મને કહ્યું કે હું “વર્ગમાં સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીની છું”—મારું નિદાન ખરું હતું! રોગ એના શરૂઆતના તબક્કામાં જ પારખવામાં આવ્યો હોવાથી, તેમણે કહ્યું કે દાદરના બીજા દર્દીઓએ સહન કરવી પડતી પીડામાંથી હું બચી જઈશ. તમારા લેખ માટે આભાર!
કે. બી., યુનાઈટેડ સ્ટેટ્સ
માત્ર્યોશ્કા તમારા લેખ “માત્ર્યોશ્કા—કેવી સરસ ઢીંગલી!” માટે તમારો આભાર. (મે ૮, ૧૯૯૫) મેં એ વાંચ્યો ત્યારે, એ જે રીતે લખવામાં આવ્યો હતો એનાથી હું પ્રભાવિત થઈ. ચિત્રો સુંદર છે! હું નાની હતી ત્યારથી માંડીને, એ ઢીંગલીથી મુગ્ધ બની છું, પરંતુ હું એની શરૂઆત વિષે કંઈ જાણતી ન હતી. હવે મારે કોઈ મને એ ખરીદી આપે માટે કોઈકને સમજાવવા પડશે!
એમ. ટી., ઈટાલી
ગર્ભપાત “યુવાન લોકો પૂછે છે . . . ગર્ભપાત—શું એ જવાબ છે?” લેખે મારું ધ્યાન ખેંચ્યું. (અવેક! માર્ચ ૮, ૧૯૯૫) ચોવીસ વર્ષ અગાઉ, હું ૧૫ વર્ષની હતી ત્યારે, હું ગર્ભવતી થઈ, અને મેં એ લેખમાં ઉલ્લેખવામાં આવેલી છોકરીઓ જેવી લાગણીઓનું પૂર અનુભવ્યું. બાળકના પિતાએ મને ગર્ભપાત કરાવવાનું ઉત્તેજન આપ્યું, પરંતુ મેં બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો. મારો પાદરી ઇચ્છતો હતો કે હું બાળક દત્તક આપું. મેં કેથલિક ચર્ચમાં ફરી કદી પગ મૂક્યો નહિ! જોકે, મારા માબાપે ટેકો આપ્યો. મેં મારા બાળકને નક્કર આત્મિક ઉછેર આપવાનું વિચારવા માંડ્યું. યહોવાહના સાક્ષીઓ અમારે ઘરે આવ્યાં ત્યારે, મેં બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને થોડા જ વખતમાં બાપ્તિસ્મા પામી. આજે હું સુખેથી પરણેલી છું. અને મારો દીકરો? તે યહોવાહના સાક્ષીઓના વડામથકે સેવા આપી રહ્યો છે. હું પ્રથમ વિકલ્પ—ગર્ભપાત—વિષે વિચારીને ધ્રૂજી ઊઠું છું. એ જવાબ નથી!
જી. જે., યુનાઈટેડ સ્ટેટ્સ
ગુમ થયેલાં બાળકો “ગુમ થયેલાં બાળકો—એ દુર્ઘટનાનો ક્યારે અંત આવશે?” (અવેક! ફેબ્રુઆરી ૮, ૧૯૯૫) લેખોની શૃંખલા વાંચવાનું મેં પૂરું કર્યું ત્યાં સુધીમાં તો, મારા ચહેરા પર આંસુ વહી રહ્યાં હતાં. એ લેખોમાં વર્ણવવામાં આવેલા કેટલાક અનુભવો મને થયેલા અનુભવો જેવા હતા. મને સહનશક્તિ આપવા માટે હું યહોવાહનો આભાર માનું છું. તેમના શબ્દમાંથી મને એવા પારાદેશની આશા મળી છે જેમાં લોકો એવી દુષ્ટ બાબતો ફરીથી સહન કરશે નહિ.
ટી. ઓ., બ્રાઝિલ
જાપાની કેદી “મારા પિતાને ‘અણુ બોમ્બના ધડાકે કેદ બહાર કરવામાં’ આવ્યા” લેખ વાંચવાનું મને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. (ઓક્ટોબર ૮, ૧૯૯૪) તાજેતરમાં મેં એક ખ્રિસ્તી તરીકે બાપ્તિસ્મા લીધું, અને ઘણી વાર મને નવાઈ લાગી છે કે કસોટી હેઠળ હું મારી પ્રમાણિકતા જાળવીશ કે નહિ. મેં બ્રધર કાત્સુઓ મિઉરાના ખડક જેવા વિશ્વાસ વિષે વાંચ્યું તેમ, મારી અંદર મજબૂત લાગણીઓ ઊભરાઈ. એણે મને મારા પોતાના વિશ્વાસમાંની ખામી સમજવામાં મદદ કરી—અર્થાત્ મારે યહોવાહ દેવને મારા ભરોસાના ઉદ્ભવ બનાવવાની જરૂર છે.
કે. ટી., જાપાન
આનુવંશિકતા અમે શાળામાં આનુવંશિક સંજ્ઞા વિષે ચર્ચા કરી રહ્યાં હતાં. તેથી મેં “માનવ આનુવંશિકતા—કઈ બાબત તમને ‘તમે’ બનાવે છે” (અવેક! માર્ચ ૨૨, ૧૯૯૫) વિષય પરનું સામયિક મારી નોંધપોથીમાં મૂકવાની તક ઝડપી. વિજ્ઞાનનાં અમારાં શિક્ષિકાએ મારી સાથે એ લેખની ચર્ચા કરી. તેમણે મને કહ્યું કે તે એક જીવવિજ્ઞાનશાસ્ત્રી છે અને તેમણે વર્ષો સુધી ડીએનએનો અભ્યાસ કર્યો છે છતાં, તે એ લેખમાંની માહિતીની ઊંડાઈથી પ્રભાવિત થયાં.
પી. એન., ઈટાલી
એ લેખે બતાવ્યું કે કઈ રીતે એક જટિલ વિષય ગ્રહણ કરી શકાય એવા શબ્દોમાં સમજાવી શકાય. એણે મને જીવવિજ્ઞાનના વર્ગમાં હું અભ્યાસ કરી રહ્યો છું એ માહિતી વધારે સારી રીતે સમજવા શક્તિમાન કર્યો. તેમ છતાં, હું એ લેખમાંના સંદર્ભોનો ઉપયોગ કરી શક્યો નહિ, કેમ કે તમે લેખક તથા પ્રકાશક વગેરેની સંદર્ભ માહિતી આપતા નથી.
એમ. જી., જર્મની
ઘણી વાર ટેકનિકલ અને વૈજ્ઞાનિક સામયિકોમાં કરવામાં આવે છે તેમ, જગ્યાની મર્યાદાને લીધે, અમે સામાન્ય રીતે દુન્યવી સંદર્ભોની યાદી પ્રકાશિત કરતા નથી. “સજાગ બનો!” ફક્ત નિષ્ણાત વ્યક્તિઓ માટે જ નહિ, પરંતુ આમજનતા માટે લખવામાં આવતું હોવાથી, અમને લાગે છે કે ગ્રંથસૂચિ જેવી માહિતી પ્રમાણમાં થોડા જ વાચકોને રસપ્રદ લાગશે.—તંત્રી.
સજાતીય કુકર્મ હું એક સેવકાઈ ચાકર અને પાયોનિયર, અર્થાત્ પૂરેપૂરા સમયના સુવાર્તિક, તરીકે સેવા આપું છું. સજાતીય કુકર્મ પરના “યુવાન લોકો પૂછે છે . . . ”માંના લેખો મારે માટે લખવામાં આવ્યા હોય એમ લાગ્યું! (ફેબ્રુઆરી ૮, માર્ચ ૮, અને એપ્રિલ ૮, ૧૯૯૫) મારી તરુણ વયની શરૂઆતમાં અને મધ્યમાં, મેં સજાતીય કુકર્મ અજમાવી જોયું. મેં એ બંધ કર્યું છે, પરંતુ ત્યારથી માંડીને મને એ લાગણીઓ સામે લડવું અઘરું લાગ્યું છે. જોકે, એ લેખોને લીધે છેવટે હું મારી લાગણીઓ સમજતો થયો છું, અને લડત ચાલુ રાખવા માટે મને મદદ મળી છે!
નામ ગુહ્ય, ડેન્માર્ક
બાળપણથી, મેં જાતીય અત્યાચાર સહન કર્યો. મને કદી પણ પ્રેમ કે મમતા બતાવવામાં આવ્યા ન હતા. મેં સજાતીય કુકર્મ આચર્યું, પરંતુ સજાતીય કુકર્મવાળું વલણ લાવે છે એ શરમ, દુઃખ, નિરાશા અને હતાશા વિષે યુવાનો ફક્ત જાણે જ તો, તેઓ એનાથી દૂર નાસી જશે. ઘણાં એ વિષય વિષે વાત કરવાનું નિવારે છે, પરંતુ તમે એ સ્પષ્ટ રીતે હાથ ધર્યો. એવો વિષય પ્રકાશિત કરવા માટે હું મારા પૂરા હૃદયથી તમારો આભાર માનું છું.
નામ ગુહ્ય, બ્રાઝિલ