ત્સેત્સે માખી
આફ્રિકાનો શાપ?
સજાગ બનો!ના નાઇજીરિયાના ખબરપત્રી તરફથી
અમે તાજેતરમાં જ વેસ્ટ આફ્રિકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેવા ગયા હતા. અમારી ચોમેર ઉષ્ણ કટિબંધના જંગલો હતા. એક બપોરે મારી પત્ની ઓરડામાં પ્રવેશી અને જોરથી ચીસ પાડી: “અહીં અશ્વમાખી (horsefly) છે!”
માખી ઓરડામાંથી નીકળીને બાથરૂમમાં ધસી ગઈ. મેં જંતુનાશક દવાનો પંપ લીધો અને દરવાજો બંધ કરીને તેની પાછળ પડ્યો. માખી ક્યાંય દેખાતી ન હતી. અચાનક જ તે મારા ચહેરા પર ઊડી. તે મારા પર હુમલો કરી રહી છે! મેં મારા હાથ વીંઝ્યા, અને એને નીચે પાડી દેવા નિષ્ફળપણે પ્રયત્ન કર્યો. તે બારી તરફ ઊડી. જાળીએ તેને છટકવા ન દીધી. માખી જાળી પર બેઠી.
મેં માખીનું નિશાન લીધું અને જોરથી જંતુનાશક દવા છાંટી. સામાન્યપણે દવાનો એક સીધો છંટકાવ કોઈ પણ જંતુને તરત જ મારી નાખે. પરંતુ આ માખીને નહિ. તે ત્યાંથી ઊડી અને તેણે બાથરૂમમાં અવાજ કરી ઉડવાનું ચાલુ રાખ્યું.
આ માખી તો મજબૂત છે! મને ખાતરી હતી કે જંતુનાશક દવાની અસર થશે અને થોડા જ વખતમાં માખી ભોંયતળિયા પર પટકાશે. પરંતુ એ નીચે પડી નહિ. એ ફરી વાર બેઠી કે તરત જ, મેં બીજી વખત છંટકાવ કર્યો. તે ફરીથી ઊડી.
આ કેવા પ્રકારની સવિશેષ માખી છે? વધુ બે સીધેસીધા છંટકાવે છેવટે તેને મારી નાખી.
મેં મારા ચશ્માં પહેર્યા અને એને કાળજીપૂર્વક તપાસી. તે સામાન્ય માખી કરતાં મોટી હતી, તેમ છતાં, અશ્વમાખી જેટલી મોટી નહિ. તેની પાંખો પીઠ પર ઉપરાછાપરી હતી, એ તેને સામાન્ય માખી કરતાં વધુ સુવ્યવસ્થિત દેખાવ આપતી હતી. એક સોય જેવી લાંબી સૂંઢ તેના મુખના ભાગમાંથી ઉપસતી હતી.
મેં મારી પત્નીને બોલાવી કહ્યું: “એ અશ્વમાખી નથી. એ તો ત્સેત્સે માખી છે.”
માખીનો તેના ૧૧ કરોડ ૭૦ લાખ ચોરસ કિલોમીટરના આફ્રિકી વિસ્તારમાંથી નાશ કરવાના પ્રયત્નની મુશ્કેલીનો અણસાર અચાનક થયેલા ભેટાએ મારા પર પાડ્યો, અર્થાત્ એક એવો વિસ્તાર જે યુનાઈટેડ સ્ટેટ્સથી વધુ મોટો હોય. શા માટે લોકો તેનો સંહાર કરવા માંગે છે? તેની વિરુદ્ધ ત્રણ આરોપ મૂકવામાં આવ્યા છે. પહેલો આરોપ:
તેનો ખોરાક લોહી છે
ત્સેત્સે માખીના ૨૨ ભિન્ન જૂથપ્રકારો છે. સર્વ આફ્રિકાના સહરા પાસેના વિસ્તારમાં વસે છે. સર્વ, નર અને માદા બન્ને, તંદુરસ્ત લોહી ઠાંસી ઠાંસીને પીએ છે, તથા એક ડંખમાં જ પોતાના વજન કરતાં ત્રણ ગણું લોહી ચૂસે છે.
તેઓ વિવિધ પ્રકારનાં ચરતાં પ્રાણીમાંથી ઉજાણી માણે છે—આફ્રિકી તળપદાં અને એ ન હોય એવાં બન્ને પ્રકારનાં પ્રાણીઓ. તેઓ લોકોને પણ કરડે છે. ડંખ ઊંડો, લોહી ચૂસતો જખમ, તીક્ષ્ણ અને પીડાકારક હોય છે. તે એ જ સમયે ખંજવાળ લાવે છે અને દુ:ખે છે. એનાથી સોજો ચઢે છે.
ત્સેત્સે માખીઓ પોતાનું કામ કરવામાં કુશળ હોય છે. તે તમારા માથાની આસપાસ બણબણતી ફરીને સમય બગાડતી નથી. તેઓ કોઈક તરફ બંદૂકની ગોળીની જેમ ઊડી શકે અને કોઈક રીતે થોભીને ચહેરા પર એટલી હળવેથી બેસે છે કે ખબર પણ ન પડે. તેઓ ચોર જેવી હોય શકે; તમને કેટલીક વાર તો તે જતી રહે ત્યાં સુધી ખબર પણ નહિ પડે કે તેણે તમારું કેટલુંક લોહી ચોર્યું છે—પછી તમારે એટલું જ જોવાનું રહ્યું કે કેટલું નુકસાન થયું છે.
સામાન્ય રીતે તેઓ ખુલ્લા શરીર પર જાય છે. (એમ લાગે છે કે તેને મારી ડોકનો પાછલો ભાગ ગમે છે!) જોકે, કેટલીક વાર, તેઓ નસમાંથી લોહી ચૂસે એના પહેલા પાટલૂનની કે શર્ટની બાંય પર સરકવાનો નિર્ણય કરે છે. અથવા જો તેઓ નિર્ણય કરે તો, તેઓ કપડાંની આરપાર ડંખ મારે છે—એ ગેંડાની સખત ચામડીને પણ વીંધી શકતા જંતુ માટે કોયડો નથી.
લોકો ત્સેત્સે માખી પર ફક્ત ચપળ હોવાનો જ નહિ પરંતુ લુચ્ચી હોવાનો પણ આરોપ મૂકે છે. એકવાર મેં એક માખીને જંતુનાશક દવાથી મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે, તે ઊડીને મારા ઓરડામાં ગઈ અને તરવાના પોષાકમાં સંતાઈ ગઈ. બે દિવસ પછી મેં એ પોષાક પહેર્યો ત્યારે, તે મને બે વાર કરડી! બીજા પ્રસંગે એક ત્સેત્સે માખી મારી પત્નીના પર્સમાં સંતાઈ ગઈ. તે પર્સ ઓફિસમાં લઈ ગઈ, અને તેણે હાથ અંદર નાખ્યો ત્યારે, માખી તેના હાથ પર કરડી. પછી એણે ઓરડા ફરતે ઊડીને ઓફિસ કર્મચારીઓ મધ્યે ધમાચકડી મચાવી. દરેક જણે એને મારવાનો પ્રયાસ કરવા પોતાનું કામ બંધ કર્યું.
તેથી ત્સેત્સે માખી વિરુદ્ધનો પ્રથમ આરોપ એ છે કે તે એક પીડાકારક ડંખ મારીને લોહી ચૂસવાવાળી માખી છે. બીજો આરોપ:
તે પશુઓને મારી નાખે છે
ત્સેત્સે માખીની કેટલીક જાતો સુક્ષ્મ પરોપજીવી જંતુ (parasites)થી થતો રોગ વહન કરે છે, જે જંતુને ટ્રીપાનોસોમ્સ (trypanosomes) કહે છે. ત્સેત્સે માખી રોગિષ્ઠ પ્રાણીનું લોહી ચૂસે છે ત્યારે, તે પરોપજીવી જંતુવાળું લોહી ગળે છે. પરોપજીવી જંતુ માખીની અંદર વિકસે છે અને વધે છે. માખી બીજા પ્રાણીને કરડે છે ત્યારે, પરોપજીવી જંતુ માખીમાંથી પસાર થઈને પ્રાણીની રક્તવાહિનીઓમાં જાય છે.
એ ટ્રીપાનોસોમિઆસિસ (trypanosomiasis) નામનો રોગ છે. પ્રાણીઓમાં થતા રૂપને નગાના (nagana) કહેવામાં આવે છે. આફ્રિકાના ઘણા તળપદી પ્રાણીઓની રક્તવાહિનીમાં નગાના પરોપજીવી જંતુઓ ઊછરે છે, ખાસ કરીને હરણ, ભેંસ, જંગલી ભૂંડ, મૃગ, સાબર, અને સૂવર. પરોપજીવી જંતુઓ એ પ્રાણીઓને મારી નાખતા નથી.
પરંતુ પરોપજીવી જંતુઓ આફ્રિકાના તળપદી ન હોય એવા પાળેલા પશુઓને નુકસાન કરે છે—જેમ કે ઊંટ, કૂતરાં, ગધેડાં, બકરાં, ઘોડા, ખચ્ચર, બળદ, ડુક્કર, અને ઘેટાં. નેશનલ જીઓગ્રાફિક સામયિક અનુસાર, નગાના દર વર્ષે ૩૦ લાખ ઢોરઢાંકને મારી નાખે છે.
ઢોરઢાંકના ભરવાડો, જેમ કે ઈસ્ટ આફ્રિકાના મસાઈ, શીખ્યા છે કે કઈ રીતે એવા વિસ્તારો ટાળવા જ્યાં ત્સેત્સે માખીઓ પુષ્કળ પ્રમાણ હોય, પરંતુ દુકાળ અને ઘાસચારાનો અભાવ કેટલીક વાર એમ કરવું અશક્ય બનાવે છે. તાજેતરના દુકાળ દરમ્યાન, ચાર કુટુંબો જેઓએ પોતાનાં ૬૦૦ ઢોર ભેગા રાખ્યા હતા, તેઓ માખીઓને કારણે દિવસનું એક ઢોર ગુમાવતા હતા. તેઓ મધ્યેના એક કુટુંબ વડીલ લેસાલોને કહ્યું: “અમે મસાઈ બહાદુર લોકો છીએ. અમે સિંહને વીંધીએ છીએ અને હુમલો કરતી ભેંસનો સામનો કરીએ છીએ. અમે કાળા મામ્બા [આફ્રિકી ઝેરી સાપ]ને મારીએ છીએ અને ગુસ્સે થયેલા હાથીની સામે જઈએ છીએ. પરંતુ ઓરકીમ્બાઈ [ત્સેત્સે માખી] સામે? અમે નિ:સહાય છીએ.”
નગાનાથી સાજા થવાના ડ્રગ્સ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ કેટલીક સરકારો ફક્ત પશુરોગ ચિકિત્સકની દેખરેખ હેઠળ જ એનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. એમ કરવા સારું કારણ છે, કેમ કે ડ્રગ્સનું અનિયંત્રિત પ્રમાણ માત્ર પ્રાણી માટે જ નાશકારક નથી પરંતુ રોગનો પ્રતિકાર કરતા પરોપજીવીઓ પેદા કરે છે. જંગલમાં ભરવાડો માટે પોતાનાં મરી રહેલાં પ્રાણીઓને સારવાર આપવા પશુરોગ ચિકિત્સાની સુવિધા સમયસર શોધવી મુશ્કેલ હોય શકે.
ત્સેત્સે માખી પરના પ્રથમ બે આરોપ નિર્વિવાદ સાબિત થયા છે—તેનો ખોરાક લોહી છે અને તે પ્રાણીઓને મારી નાખતો રોગ ફેલાવે છે. પરંતુ એથી કંઈક વધુ છે. ત્રીજો આરોપ:
તે લોકોને મારી નાખે છે
માનવો નગાના ટ્રીપાનોસોમ રોગથી પીડાતા નથી. પરંતુ ત્સેત્સે માખી એક માનવીથી બીજા માનવીમાં બીજા પ્રકારનો ટ્રીપાનોસોમ પહોંચાડે છે. ટ્રીપાનોસોમિઆસિસના આ બીજા રૂપને નિંદ્રા રોગ (sleeping sickness) કહેવામાં આવે છે. એવું ન વિચારો કે નિંદ્રા રોગવાળી વ્યક્તિ ફક્ત પુષ્કળ ઊંઘે છે. એ રોગ કંઈ આનંદી ઊંઘ નથી. તે અસ્વસ્થતા, થાક, અને ધીમા તાવથી શરૂ થાય છે. ત્યાર પછી સુસ્તી ચઢવી, ખુબ તાવ ચઢવો, સાંધા દુખવા, સોજો ચઢવો, અને યકૃત અને બરોળનું ફુલી જવું થાય છે. આખરી તબક્કાઓમાં, પરોપજીવી કેન્દ્રિય જ્ઞાનતંતુ વ્યવસ્થા (central nervous system)માં પ્રવેશે છે તેમ, દર્દી માનસિક અધોગતિ, આંચકી, અને બેહોશી, અને મરણ ભોગવે છે.
આ સદીના શરૂઆતના ભાગમાં, નિંદ્રા રોગના ઘટસ્ફોટે આફ્રિકી ખંડને ઉજ્જડ કરી નાખ્યો હતો. વર્ષ ૧૯૦૨ અને ૧૯૦૫ની મધ્યે, રોગે લેક વિક્ટોરિયા પાસે લગભગ ૩૦,૦૦૦ લોકોને મારી નાખ્યા હતા. ત્યાર પછીના દાયકાઓમાં, રોગ કેમરૂન, ઘાના, અને નાઇજીરિયામાં ફેલાયો. ઘણા ગામોમાં ત્રીજા ભાગના લોકોને ચેપ લાગ્યો હતો, જેથી ઘણી નદીઓની ખીણોમાંથી બહોળા પ્રમાણમાં લોકોને ખસેડવામાં આવ્યા. મોબાઈલ ટૂકડીઓએ લાખો લોકોને સારવાર આપી. એ રોગચાળો ૧૯૩૦ના દાયકાના અંત સુધીમાં મંદ તથા બંધ થયો ન હતો.
આજે એ રોગ દર વર્ષે લગભગ ૨૫,૦૦૦ લોકોને વ્યથિત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, સહરા નજીકના ૩૬ દેશોમાં પાંચ કરોડથી વધુ લોકોને એ રોગનું જોખમ છે. જોકે, નિંદ્રા રોગની સારવાર કરવામાં ન આવે તો, એ ઘાતક છે ત્યારે, એની સારવાર માટે ડ્રગ્સ પ્રાપ્ય છે. તાજેતરમાં એ રોગની સારવાર કરવા ઈફ્લોરનિથાઈન (eflornithine) નામનું એક નવું ડ્રગ વિકસાવવામાં આવ્યું છે—૪૦ વર્ષોમાં પ્રથમ વાર એવું ડ્રગ.
માનવીઓએ ત્સેત્સે માખી તથા એ ફેલાવે છે એ રોગ વિરુદ્ધ ઘણા વખતથી યુદ્ધ આદર્યું છે. વિન્સ્ટન ચર્ચિલે ત્સેત્સે માખીના નિકંદન માટેની એક ચળવળ વિષે ૧૯૦૭માં લખ્યું: “પોતાની આસપાસ એક સરસ જાળી નિષ્ઠુરપણે સીવવામાં આવી છે.” ભૂતકાળનું અવલોકન કરતાં, એ દેખીતું છે કે ચર્ચિલની “સરસ જાળી”માં મોટાં કાણાં હતાં. ફાઉન્ડેશન્સ ઓફ પેરેસાઈટોલોજી પુસ્તક જણાવે છે: “અત્યાર સુધીમાં, ત્સેત્સે ધ્વંશના ૮૦ વર્ષોની ત્સેત્સેના વિતરણ પર ઓછી અસર થઈ છે.”
બચાવના બે બોલ
અમેરિકી કવિ ઓડગન નેશે લખ્યું: “દેવે તેમના ડહાપણથી માખી બનાવી, અને પછી આપણને કહેવાનું ભૂલી ગયા કે કેમ બનાવી.” એ સાચું છે કે યહોવાહ દેવ સર્વ બાબતોના ઉત્પન્નકર્તા છે એ જ સમયે, એ સાચું નથી કે તે ભુલકણા છે. ઘણી બાબતો તે આપણને શોધવા દે છે. તો પછી ત્સેત્સે માખી વિષે શું? આ દેખીતી ખલનાયિકાના બચાવમાં કહેવા જેવું કંઈ છે?
કદાચ અત્યાર સુધીનો સૌથી મજબૂત બચાવ એ છે કે ઢોરઢાંકનો નાશ કરવાની તેની ભૂમિકાએ આફ્રિકાના તળપદી વન્યજીવનને રક્ષણ આપવા કાર્ય કર્યું છે. આફ્રિકાના ઘણા વિસ્તારો પશ્ચિમી યુનાઈટેડ સ્ટેટ્સની હરિયાળી જેવા જ છે—પ્રદેશ પોતે સ્થાનિક પાળતું પ્રાણીઓને પોષવા માટે સક્ષમ છે. પરંતુ ત્સેત્સે માખીનો આભાર કે, ટ્રીપાનોસોમ્સથી પાલતું પ્રાણીઓ મરી ગયાં પણ જેનાથી ચરતા તળપદી પ્રાણીઓ મરતાં નથી.
ઘણા માને છે કે ત્સેત્સે માખી ન હોત તો, આફ્રિકાનું ભવ્ય વન્યજીવન ઘણા વખત પહેલા ઢોરઢાંકનાં ધણથી બદલાઈ ચૂક્યું હોત. “હું ત્સેત્સેનો અભિવર્ધક છું,” વિલી ફાન નીકર્કએ કહ્યું, જે બોટ્સ્વાનાના વન્યજીવન વિસ્તારનો એક માર્ગદર્શક છે. “ત્સેત્સેનો નાશ કરો તો ઢોરઢાંક આક્રમણ કરશે, અને ઢોરઢાંક આફ્રિકાને ઉજ્જડ કરનારા છે, અર્થાત્ ખંડને એક મોટી પડતર જમીન બનાવે છે.” તેણે ઉમેર્યું: “માખી હોવી જ જોઈએ.”
અલબત્ત, કંઈ દરેક જણ એની સાથે સહમત થતું નથી. એક માણસ જે પોતાનાં બાળકો કે ઢોરઢાંકને ટ્રીપાનોસોમિઆસિસથી પીડાતાં જુએ છે, એને ખાતરી કરાવવા એ દલીલ શક્તિશાળી નથી. જેઓ દલીલ કરે છે કે આફ્રિકાના પોષણ માટે તેને ઢોરઢાંકની જરૂર છે તેઓને પણ એ ખાતરી કરાવતી નથી.
તથાપિ, નિ:શંકપણે ત્સેત્સે માખી સૃષ્ટિમાં જે ભૂમિકા ભજવે છે એ વિષે હજુ પણ ઘણું વધારે શીખવાનું છે. જોકે, તેની પર મૂકવામાં આવેલા આરોપ મજબૂત લાગે છતાં, કદાચ નિર્ણય કરવા માટે ઘણું જ વહેલું છે.
માખીઓ વિષે કહેતાં, એક માખી ઓરડામાં ઊડી આવી છે. તે ત્સેત્સે માખી નથી એની હું ખાતરી કરી લઉં ત્યાં સુધી મારે જવું પડશે. (g96 5/22)