અમારા વાચકો તરફથી
ટોરેટ સિન્ડ્રોમ હું તમારા લેખ “ટોરેટ સિન્ડ્રોમ સાથે જીવવાનો પડકાર” માટે તમારો આભાર વ્યક્ત કરવા માગું છું. (અવેક! ડિસેમ્બર ૨૨, ૧૯૯૫) મારાં લક્ષણો મારી તરુણ વયના અંતમાં અદૃશ્ય થઈ ગયાં. પરંતુ બધા માટે એ શક્ય હોતું નથી. એ લેખ એવા લોકો માટે તથા તેઓનાં કુટુંબો માટે મૂલ્યવાન મદદ હશે.
વાય. એલ., ફ્રાંસ
હું એક છોકરાને ઓળખું છું જેને ટોરેટ સિન્ડ્રોમ છે, અને અત્યાર સુધી મેં તેને ટાળ્યો છે કેમ કે હું તેની સોબતથી શરમિંદી હતી. મને ક્યારેય સમજાયું ન હતું કે એ વિષે તેને મારા કરતાં વધારે શરમ લાગતી હોય શકે!
પી. એમ., ઈટાલી
હું પાંચ વર્ષની હતી ત્યારથી મને એ બીમારી હતી, અને એણે મને ખુબ જ ઉદાસ બનાવી હતી. મને સ્નાયુ અને સ્વરતંત્રમાં તાણ આવે છે. એ તાણ શા માટે આવતી એ મારા માબાપ કે હું સમજી શકતાં નહિ; તેઓને ચિંતા થતી હતી કે કદાચ તેઓએ જે રીતે મને ઊછેરી હતી એમાં કંઈક વાંધો હતો. મેં સમજવામાં મદદ કરવા યહોવાહને પ્રાર્થના કરી, અને તેમણે એ લેખ મારફતે મને જવાબ આપ્યો છે. મેં યહોવાહના સાક્ષીઓ મધ્યેના એવી જ બીમારીવાળા બીજાઓના અનુભવો વાંચ્યા ત્યારે મને ખુબ જ ઉત્તેજન મળ્યું.
વાય. કે., જાપાન
મારી આ સ્થિતિ સાથે હું લગભગ મારું આખું જીવન જીવી છું, પરંતુ ૧૯૮૩થી માંડીને મને જાણવા મળ્યું કે એ શું હતું. હું એક બાળકી હતી ત્યારે, બીજાઓ વારંવાર મારી હાંસી ઉડાવતા. પરંતુ રાજ્યગૃહ ખાતેના ભાઈઓ અને બહેનો હંમેશા ઘણા જ પ્રેમાળ હતા અને તેઓએ એ બીમારીને મારા એક ભાગ તરીકે સ્વીકારી હતી. પછીથી, હું એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમમાં પડી. તે મારી મુશ્કેલી વિષે પૂરેપૂરો સજાગ હતો. મારા પપ્પાને લાગ્યું કે અમારું લગ્ન ટકશે નહિ તેમ છતાં, મને કહેતા આનંદ થાય છે કે ૩૦ વર્ષ પછી પણ અમે સુખેથી વિવાહિત છીએ. મારા પતિ મારી સાથે હંમેશા સોનાની જેમ વ્યવહાર કરે છે અને મારી મુશ્કેલી તેમને કદી નડી નથી કે એણે તેમને શરમિંદા કર્યા નથી.
એફ. એચ., કેનેડા
જોખમમાં આવેલો ગ્રહ હું “જોખમમાં આવેલો આપણો ગ્રહ—શું એને બચાવી શકાય?” શૃંખલા વિષે લખી રહી છું. (ફેબ્રુઆરી ૮, ૧૯૯૬) કંઈક ઉત્તેજનકારક વાંચી શકવું સારું લાગે છે. શૃંખલામાંનો ત્રીજો લેખ આપણને પારાદેશ માટેની આશા આપે છે, જ્યાં આપણને ઈકોસીસ્ટમ કે ઓઝોનના સ્તરમાંના કાંણા વિષે ચિંતા કરવાની નહિ હોય! હું મારા કુટુંબ અને મારા મિત્રો સાથે એ પારાદેશમાં રહેવાની આશા રાખું છું.
એ. કે., યુનાઈટેડ સ્ટેટ્સ
અમને પાન ૮ અને ૯ પરનું માહિતીપ્રદ બોક્ષ ગમ્યું જે વનવિનાશ, પાણીની તંગી, અને ભય હેઠળના પ્રાણીઓના જૂથપ્રકારો જેવા કોયડાની ચર્ચા કરતું હતું. લેખે અમને ગંભીર પરિસ્થિતિ સમજાવી જેમાં અત્યારે આપણો ગ્રહ રહેલો છે. અમને એ જાણીને રાહત મળી કે એ ગંભીર કોયડાનો એકમાત્ર ઉકેલ આપણા ઉત્પન્નકર્તા પાસે રહેલો છે.
ઓ. પી. અને એફ. જે. ઓ., સ્પેન
જેસિકાનો અહેવાલ મેં જાન્યુઆરી ૮, ૧૯૯૬નો અવેક!નો અંક વાંચવાનો હમણાં પૂરો જ કર્યો. એ મારા માટે ખરેખર ઉત્તેજનવર્ધક હતો! હું એક ગુણવાન યુવતીને ઘણી જ આનંદી અને વિશ્વાસુ રીતે યહોવાહની સેવા કરતી જોઉં છું ત્યારે, એનાથી મને ગર્વની લાગણી થાય છે. જેસિકાની વાર્તા મને દરેક તકે સાક્ષી આપવાની જરૂર યાદ દેવડાવે છે.
એ. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
વંઠી ગયેલો મિત્ર હું “યુવાન લોકો પૂછે છે . . . મિત્ર મુશ્કેલીમાં આવી પડે તો મારે શું કરવું જોઈએ?” લેખ વિષે લખી રહી છું. (અવેક! જાન્યુઆરી ૨૨, ૧૯૯૬) મારી એક ખાસ સખીને એક વર્ષ પહેલાં બહિષ્કૃત કરવામાં આવી. હું હેરાનપરેશાન થઈ ગઈ. મને લાગ્યું કે જાણે મેં તેને પૂરતી મદદ કરી ન હતી, મેં તેની સાથે પૂરતો સમય વિતાવ્યો ન હતો, અને હું એક ઘણી સારી સખી ન હતી. મેં વાંચ્યું કે તેણે સત્ય છોડ્યું એ મારો વાંક ન હતો ત્યારે, મને લાગ્યું કે જાણે કે મારા ખભા પરથી એક મોટો બોજો લઈ લેવામાં આવ્યો હતો!
એલ. ટી., યુનાઈટેડ સ્ટેટ્સ
મારા કિસ્સામાં મારાથી નિકટની એક વ્યક્તિ જેણે “શંકાસ્પદ જીવનઢબ અનુસરવા”નું શરૂ કર્યું હતું તે મારી એકની એક સખી જ નહિ પરંતુ મારી અદ્વિતીય અને સૌમ્ય માતા પણ હતી. છેવટે હું તેની સ્થિતિ સંબંધી વાત કરવા મંડળના વડીલોની પાસે ગઈ, અને તેને બહિષ્કૃત કરવામાં આવી. વડીલોને કહેવા બદલ મેં મારી જાતને દોષ આપ્યો. હવે હું લેખમાં આપેલા સૂચનોનો અમલ કરીને દોષની ભૂલ ભરેલી લાગણીઓનો સામનો કરવા માંગુ છું.
આઈ. વાય., જાપાન