અમારા વાચકો તરફથી
જાતીય પજવણી “યુવાન લોકો પૂછે છે . . . જાતીય પજવણી—હું પોતાને કઈ રીતે બચાવી શકું?” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૫) લેખ માટે તમારો આભાર. હું ૧૭ વર્ષની છું, અને શાળામાં હું એક બિનખ્રિસ્તી છોકરાને મળી. મેં તેના પર ભરોસો મૂક્યો, પરંતુ પછીથી તેણે અને તેના મિત્રોએ મને બીભત્સ સૂચનો અને ધમકીઓથી હેરાન કરી. મારે એ પરિસ્થિતિથી મુક્ત થવા એ શાળા છોડવી પડી. એ લેખમાંથી હું ઘણું જ શીખી. વિરુદ્ધ જાતિ સાથેના વ્યવહારની બાબતે શું કરવું એ હવે હું જાણું છું.
ટી. જી., પોર્ટુગલ
એક સાથી કાર્યકરે મને જાતીયપણે હેરાન કરી અને ધમકી આપી. હું બાળક તરીકે અત્યાચાર પામી હોવાથી, ઘણી વાર મને પોતાનો બચાવ કરવો અઘરું લાગે છે. છતાં, મને એમ ન કરવા મેં તેને વારંવાર કહ્યું. છેવટે મેં અમારા શેઠને જણાવ્યું, અને પછી તેણે મને હેરાન કરવાનું બંધ કર્યું. હું એ લેખની ખરેખર કદર કરું છું. એ કોયડો કઈ રીતે હાથ ધરવો એ સ્ત્રીઓએ જાણવાની જરૂર છે.
વી. એ., યુનાઈટેડ સ્ટેટ્સ
વ્યભિચાર “બાઇબલનું દૃષ્ટિબિંદુ: વ્યભિચાર—માફ કરવું કે નહિ?” (ઓગસ્ટ ૮, ૧૯૯૫) લેખ માટે તમારો ઘણો આભાર. વર્ષોના દુર્વ્યવહાર પછી, મેં અગાઉના મારા પતિ પાસેથી શાસ્ત્રીય છૂટાછેડા લીધા. તથાપિ, એમ કરવા માટે કેટલાક લોકોએ મારામાં દોષિતપણાની લાગણી પેદા કરી, અને મારે ઘણા વર્ષો સુધી એ લાગણી સામે લડવું પડ્યું. મેં એમ પણ વિચાર્યું કે યહોવાહે મને તરછોડી દીધી હતી. તેમ છતાં, એ લેખે મારી ઘણી લાગણીઓ વ્યક્ત કરી, અને એણે મને ઘણું જ ઉત્તેજન આપ્યું છે.
એ. કે., ચેક રીપબ્લિક
જાપાનનો ધરતીકંપ “જાપાનની અણધારી આફત—લોકોએ કઈ રીતે સામનો કર્યો” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૫) લેખ વાંચીને હું રડી. એ ધરતીકંપમાં મેં મારી સૌથી માનીતી ખ્રિસ્તી બહેન ગુમાવી. તે બહુ જ ઉત્સાહી હતી. હું જાણું છું કે તેનું પુનરુત્થાન થશે અને હું ફરીથી તેને જોઈ શકીશ. અમે મંડળ અને સંસ્થા તરફથી જે સર્વ આત્મિક અને ભૌતિક સહાય મેળવી એ માટે હું ઘણી જ આભારી છું. જોકે, એ દિવસે જે બન્યું એનો હું વિચાર કરું છું ત્યારે હું હજુ પણ રડું છું.
ટી. એમ., જાપાન
સાક્ષીઓને પક્ષે સંગઠિત અને ઝડપી પગલાંને લીધે મને અતિશય આશ્ચર્ય થયું. મેં કોરિયામાંના મંડળના ભાઈઓ તરફથી કાળજીભર્યો સંદેશો વાંચ્યો ત્યારે, મેં બસ રડ્યા જ કર્યું. હું આવા ઉષ્માભર્યા સંગઠનનો ભાગ છું એ જાણવાથી હું બહુ જ ખુશ છું.
એમ. કે., જાપાન
ગેંડો ઓછા મહત્ત્વની માહિતીને આનંદદાયી બનાવવાની તમારી ક્ષમતા માટે હું મારી કદર અને પ્રશંસા વ્યક્ત કરવા માગું છું—અરે મઝા ખાતર કદી ન વાંચનાર મારા જેવી વ્યક્તિ માટે પણ. મેં હમણાં જ “પેલા કીમતી શિંગડાં હેઠળનું પ્રાણી” વાંચવાનું પૂરું કર્યું. (ઓગસ્ટ ૮, ૧૯૯૫) સામાન્ય રીતે હું ફરજ સમજીને એવા લેખો વાંચવાનું શરૂ કરું છું. જોકે, વાંચ્યા બાદ, મને હંમેશા નવાઈ લાગે છે કે એ વાંચવા કેટલા આનંદદાયક હોય છે!
જે. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
સેલેસ્ટ જોન્સની કથા હું ૧૭ વર્ષથી તમારા સામયિકો વાંચું છું. “દેવની કાળજીથી મને કઈ રીતે લાભ થયો” (જુલાઈ ૮, ૧૯૯૫) લેખમાં સેલેસ્ટ જોન્સનો અનુભવ વાંચ્યા પછી, તમને મારી કદર વ્યક્ત કરવા લખવું જ પડ્યું.
એમ. એમ., કોલંબિયા
સેલેસ્ટ જોન્સ ઓક્ટોબર ૨૭, ૧૯૯૫ના રોજ મરણ પામી. તેના મરણ પહેલાં તેને જગત ફરતેના વાંચકો તરફથી ઘણા પત્રો મળ્યા જે તેના અનુભવના સહભાગી થવા માટે તેનો આભાર માનતા હતા.—તંત્રી.