“શાંત બેસો અને ધ્યાન આપો!” બેધ્યાન અતિસક્રિયતા રોગ સાથે જીવવું
“હંમેશા, મારા પતિ જિમે મને કહ્યું કે કાલને વધારે પડતું લાડ લડાવવામાં આવે છે, અને બીજું કે અમે—ખરેખર તો હું—તેને પાઠ ભણાવીએ તો તે સીધો થઈ જાય. નિષ્ણાત તબીબ તો, અમને કહી રહ્યા હતા કે મારો કંઈ વાંક નથી, અમારો પણ નહિ, કાલના શિક્ષકોનો પણ નહિઃ અમારા નાના છોકરાને ખરેખર કંઈક તકલીફ છે.”
કાલને બેધ્યાન અતિસક્રિયતા રોગ (એટેન્શન્ ડિફિશિટ્ હાઈપરએક્ટીવીટી ડિસૉર્ડર, એડીએચડી) થયો છે, જેમાં બેધ્યાનપણું, આવેશી વર્તણૂક, અને વધારે પડતી સક્રિયતા હોય છે. આ રોગ શાળામાં ભણતા બધા બાળકોમાંથી અંદાજે ૩થી ૫ ટકાને અસર કરે છે. “તેઓનાં મન ટીવી સેટ જેવાં છે જેનું ચેનલ પસંદ કરવાનું સાધન ખોટું હોય,” એમ શીખી રહેલી નિષ્ણાત પ્રિસિલ એલ. વેઈલ કહે છે. “એકમાંથી બીજો વિચાર આવી જાય છે, જેમાં કોઈ ઢંગધડો નહિ કે કોઈ વાત વ્યવસ્થિત નહિ.”
ચાલો આપણે એડીએચડીના ત્રણ મુખ્ય લક્ષણો વિચારીએ.
બેધ્યાનપણું: એડીએચડીવાળું બાળક બિનમહત્ત્વની વિગત અવગણી એક મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. આમ, તે લાગતાવળગતા ન હોય એવા દેખાવો, અવાજો, અને ગંધથી સહેલાઈથી અલગ ચીલે ચઢી જાય છે.a તે ધ્યાન આપે છે, પરંતુ તેની ચોતરફ કોઈ બાબત પર તેનું ધ્યાન ચોંટેલું હોતું નથી. તે નક્કી કરી શકતું નથી કઈ બાબત ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જેવી છે.
આવેશી વર્તણૂકઃ એડીએચડીવાળું બાળક પરિણામોની દરકાર કર્યા વિના, વિચાર્યા પહેલાં વર્તે છે. તેનામાં આયોજન અને તાગશક્તિ નબળી હોય છે, અને વખતોવખત તેના હાવભાવ ભયંકર હોય છે. “તે ફળિયામાં દોડી જાય છે, પડી જવાય એવી જગ્યાએ પહોંચી જાય છે, ઝાડ પર ચઢી જાય છે,” ડૉ. પોલ વેન્ડર લખે છે. “પરિણામે તે બિનજરૂરી કાપા, ઉઝરડા, છોલાય જવું, અને તબીબને ત્યાં ધક્કા ખમે છે.”
અતિસક્રિયતાઃ અતિસક્રિય બાળકો સતત બેચેન હોય છે. તેઓ શાંત બેસી શકતા નથી. “મોટી વયના હોય તોપણ,” ડૉ. ગોર્ડન સર્ફોટીન પોતાના પુસ્તક ધ હિડન હેન્ડીકેપમાં લખે છે, “કાળજીથી અવલોકવામાં આવે તો પગ, પગની પાટલી, હાથ, પંજો, હોઠ કે જીભને સંડોવતું સતત હલનચલન ચાલુ જ જોવા મળશે.”
તોપણ, કેટલાંક બેધ્યાન અને આવેશી બાળકો અતિસક્રિય હોતાં નથી. તેઓની બીમારી કેટલીક વાર ફક્ત બેધ્યાનપણાનો રોગ (એટેન્શન્ ડિફિશિટ્ ડિસૉર્ડર) અથવા એડીડી કહેવાય છે. ડૉ. રોનાલ્ડ ગોલ્ડબર્ગ સમજણ આપે છે કે એડીડી “કોઈ પણ જાતની અતિસક્રિયતા વિના થઈ શકે છે. અથવા એની સાથે અતિસક્રિયતાનું કોઈ પણ પ્રમાણ—જરાય ધ્યાન પર ન ચઢે એવું, કદાચ ચીડ ચઢાવનારું, કે પછી ચલાવી ન લેવાય એવું—હોય શકે છે.”
એડીએચડી શાનાથી થાય છે?
વર્ષોથી, ધ્યાન સમસ્યાઓ માટે ખરાબ ઉછેરથી માંડી ફ્લયુરોસન્ટ પ્રકાશ સુધીની દરેક બાબતને દોષ આપવામાં આવ્યો છે. હવે એવું વિચારવામાં આવે છે કે એડીએચડી મગજની અમુક કાર્યવાહીમાં થતી ખલેલ સાથે સંકળાયેલું છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થે ૧૯૯૦માં એડીએચડી લક્ષણવાળા ૨૫ માણસોની તપાસ કરી અને માલૂમ પડ્યું કે તેઓમાં હલનચલન અને ધ્યાનનું નિયંત્રણ કરતા મગજના ખાસ વિસ્તારમાં ગ્લુકોઝ પરિવર્તન પ્રક્રિયા વધારે ધીમી હતી. આશરે એડીએચડીના ૪૦ ટકા કિસ્સાઓમાં, વ્યક્તિનું અનુવંશીય ઘડતર ભૂમિકા ભજવતું જણાય છે. હાયપરએક્ટીવ ચાઈલ્ડ પુસ્તક અનુસાર, એડીએચડી સાથે સંકળાયેલા હોય શકે એવા અન્ય ઘટકો, સગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા દારૂ કે કેફી દ્રવ્યનો કરેલો ઉપયોગ, સીસાનું ઝેર, અને, છૂટાછવાયા કિસ્સામાં, ભોજન છે.
એડીએચડીવાળા નવયુવાનો અને પુખ્તવયનાઓ
તાજેતરનાં વર્ષોમાં તબીબોને માલૂમ પડ્યું છે કે એડીએચડી કંઈ ફક્ત બાળપણની સ્થિતિ જ નથી. “નમૂના તરીકે,” ડૉ. લેરી સિલ્વર કહે છે, “માબાપ બાળકને સારવાર માટે લાવે છે અને કહે છે, ‘હું નાનો હતો ત્યારે હું પણ એવો જ હતો.’ પછી તેઓ કબૂલ કરશે કે તેઓને લાઈનમાં ઊભા રહેવામાં, સભાઓમાં બેસી રહેવામાં, કામ પતાવવામાં, હજુ એ જ સમસ્યાઓ છે.” હવે માનવામાં આવે છે કે એડીએચડીવાળાં બધાં બાળકોમાંથી આશરે અર્ધાં ઓછામાં ઓછાં પોતાનાં કેટલાક લક્ષણો નવયુવાનીમાં અને પુખ્તવયમાં લઈ જાય છે.
નવયુવાની દરમિયાન, એડીએચડીવાળાઓ જોખમી વર્તણૂકમાંથી કર્તવ્ય ઉપેક્ષામાં ફેરફાર કરી શકે. “મને ચિંતા રહ્યા કરતી હતી કે તે કૉલેજમાં જઈ શકશે નહિ,” એક એડીએચડીવાળા નવયુવાનની માતા કહે છે. “હવે હું ફક્ત એ જ પ્રાર્થના કરું છું કે તે જેલમાં ન જાય.” આ ભય યોગ્ય હોય શકે એ એક અભ્યાસ બતાવે છે જેમાં અતિસક્રિયતાવાળા ૧૦૩ જુવાનોને એ રોગ ન હોય એવા ૧૦૦ બાળકો સાથે સરખાવવામાં આવ્યાં. “તેઓની વીસીની શરૂઆતથી,” ન્યૂઝવીક જણાવે છે, “સરખામણીમાં અતિસક્રિયતાવાળા વૃંદનાં બાળકો ધરપકડની બમણી શક્યતા, ભયંકર ગુનાની શિક્ષાની પાંચગણી શક્યતા અને જેલ ભોગવ્યાની નવગણી શક્યતા ધરાવે છે.”
એક પુખ્તવયની વ્યક્તિ માટે, એડીએચડી ખાસ સમસ્યાઓ ખડી કરે છે. ડૉ. એડના કોપલેન્ડ કહે છે: “અતિસક્રિયતાવાળું બાળક મોટું થઈને એવી વ્યક્તિ બને છે જે વારેઘડીએ નોકરી બદલે છે, જેની વારંવાર ઝાટકણી કાઢવામાં આવે, આખો દિવસ નકામો સમય વીતાવે છે અને બેચેન રહે છે.” કારણની સમજ નથી પડતી ત્યારે, આવાં લક્ષણો લગ્નમાં તણાવ પેદા કરે છે. “સાદી વાતચીતોમાં પણ,” એડીએચડીવાળા માણસની પત્ની કહે છે, “તે હું કહું તે પૂરું સાંભળશે પણ નહિ. એ એના જેવું છે જાણે તે હંમેશા ક્યાંક ખોવાયેલા રહે છે.”
અલબત્ત, આ લક્ષણો ઘણા લોકોમાં સામાન્ય હોય છે—ઓછામાં ઓછા અમુક માત્રામાં તો ખરાં જ. “આ લક્ષણો હંમેશા દેખાતાં હોય તો, તમારે તપાસ કરાવડાવવી જોઈએ,” ડૉ. જ્યોર્જ ડોરી કહે છે. દાખલા તરીકે, તે નોંધે છે કે કોઈ માણસ ફક્ત નોકરી ગુમાવ્યાથી કે બાળકના જન્મને કારણે ભૂલકણો બને તો, એ કંઈ રોગ નથી.
વધુમાં, કોઈને સાચે જ એડીએચડી હોય તો, લક્ષણો વ્યાપક હોય છે—અર્થાત, એ વ્યક્તિના લગભગ દરેક પાસાને અસર કરે છે. આવો કિસ્સો ૩૮-વર્ષના ગેરીનો હતો, જે બુદ્ધિશાળી, શક્તિશાળી માણસ હતો જે ફંટાયા વિના એક પણ કામ પૂરું કરી શકતો જણાતો ન હતો. તેણે ૧૨૦ જેટલી નોકરીઓ કરી. “મેં હકીકત સ્વીકારી લીધી છે કે હું જરાય સફળ ન થઈ શકું,” તેણે કહ્યું. પરંતુ ગેરી, અને ઘણાં બાળકો, નવયુવાનો, અને પુખ્તવયનાઓને એડીએચડીનો સામનો કરવામાં મદદ કરવામાં આવી છે. કઈ રીતે?
[Footnotes]
a સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે અસર પામેલા હોવાથી, આપણે રોગીને નરજાતિ તરીકે ઉલ્લેખીશું.