યુવાન લોકો પૂછે છે . . .
હું પક્ષપાતનો સામનો કઈ રીતે કરી શકું?
“મારી બહેન મારા કરતાં બે વર્ષ નાની
છે અને તે સર્વ ધ્યાન મેળવે છે. . . .
એ બાબત સારી લાગતી નથી.”—વીણા.a
તમારા ભાઈ કે બહેન તમારાથી વધારે ધ્યાન મેળવતા હોય તો, તમે ઉપેક્ષાની એટલી જ વધારે લાગણી અનુભવી શકો. અને તમારા ભાઈ અથવા બહેન કોઈ બાબતમાં હોશિયાર હોય, કે ગંભીર રીતે બીમાર હોય, અથવા તમારા માબાપને મનગમતા ગુણો ધરાવતા હોય તો, તમારે થોડું પણ ધ્યાન મેળવવા માટે કરગરવું પડશે! તમે એના વિષે જેટલું વધારે વિચારશો, એટલું જ તમે વધારે દુઃખ અને ગુસ્સો અનુભવશો.b
જોકે, બાઇબલ સાવચેત કરે છે: “ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો, ને છાના રહો.” (ગીતશાસ્ત્ર ૪:૪.) બેચેન અથવા ગુસ્સે થવાથી તમે વધારે પડતું બોલી શકો જે તમને પછીથી દુઃખ લગાડશે. યાદ કરો કે કેવી રીતે કાઈન, પોતાના ભાઈ હાબેલ જે દેવ સાથે સારો સંબંધ ધરાવતો હતો એ કારણે તેના પ્રત્યે ઉશ્કેરાયેલો બન્યો. દેવે તેને ચેતવણી આપી: “પાપ તારે દ્વારે સંતાઇ રહે છે; અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.” (ઉત્પત્તિ ૪:૩-૧૬) કાઈન પોતાની લાગણીઓ પર કાબૂ રાખવામાં નિષ્ફળ ગયો, અને વિનાશક પરિણામ આવ્યું!
સાચું, તમે કાઈન જેવા મનુષ્યઘાતક બનવાના નથી. તેમ છતાં, પક્ષપાત બેડોળ લાગણીઓ અને ભાવના ઊભી કરી શકે. એ કારણે ભય તમારા બારણે સંતાઈ રહ્યા હોય શકે! એમાનાં અમુક કયા છે? અને તમે આ પરિસ્થિતિને કઈ રીતે કાબૂમાં રાખી શકો?
તમારી જીભ અંકુશમાં રાખો!
બીના ૧૩ વર્ષની હતી ત્યારે, તેને લાગ્યું કે તેનાં માબાપ તેના ભાઈનો પક્ષપાત કરે છે અને પોતાની સાથે અજુગતી રીતે વર્તે છે. તે યાદ કરે છે: “મારી મમ્મી અને હું એકબીજાને બૂમબરાડા પાડતા હતા, પરંતુ એમા કંઈ મળ્યું નહિ. તેનું કહેવાનું હું નહોતી સાંભળતી, અને મારું એ નહોતી સાંભળતી, અને એથી કંઈ સુધારો થતો ન હતો.” કદાચ તમે એ પણ અનુભવ્યું હશે કે બૂમબરાડા પાડવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. એફેસી ૪:૩૧ કહે છે: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.”
પોતાની વાત જણાવવા માટે તમારે ચીસાચીસ કરી મૂકવાની જરૂર નથી. શાંતિથી કામ લેવું હંમેશા વધારે સારું છે. નીતિવચન ૨૫:૧૫ કહે છે: “લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.” તમારાં માબાપ પક્ષપાતના દોષીત લાગે તો, તેઓના પર બૂમબરાડા પાડીને દોષારોપણ લગાવશો નહિ. યોગ્ય સમયની રાહ જુઓ, અને પછી તેમની સાથે શાંત અને માનપૂર્ણ રીતે વાત કરો.—સરખાવો નીતિવચન ૧૫:૨૩.
તમે તમારાં માબાપની ખામીઓ પ્રગટ કરો અથવા તેમને “અજુગતા” કહીને તેમની નિંદા કરો તો, તમે તેઓને ગુમાવશો અથવા તેઓ પોતાનો પક્ષ ખેંચવા લાગશે. એને બદલે તેઓના વ્યવહારથી તમારા પર કેવી અસર પડી છે તે જણાવો. (‘તમે મારી અવગણના કરો છો ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે.’) બની શકે છે કે તેઓ તમારી લાગણીઓને વધુ ગંભીરતાથી જોશે. વધુમાં, “સાંભળવામાં ચપળ” બનો. (યાકૂબ ૧:૧૯.) શક્ય છે કે તમારાં માબાપ પાસે તમારા ભાઈ કે બહેન પ્રત્યે વધારે ધ્યાન આપવાને યોગ્ય કારણો હોય. કદાચ તેને કોઈ સમસ્યાઓ હોય કે જેનાથી તમે અજાણ હોવ.
પરંતુ તમે ગુસ્સે થઈને મિજાજ ગુમાવી અને અવિચારીપણે બોલી બેસો છો ત્યારે શું? નીતિવચન ૨૫:૨૮ “જેનું મન કબજામાં નથી” તેની સરખામણી એવા નગર સાથે કરે છે જે “કોટ વગરના” છે; શક્યપણે તે પોતાના જ અપૂર્ણ આવેગો હેઠળ તાબે થાય. બીજી તર્ફે, તમારી લાગણીઓને અંકુશમાં રાખવાની ક્ષમતા વાસ્તવિક સામર્થ્યનું ચિહ્ન છે! (નીતિવચન ૧૬:૩૨) તો પછી, શા માટે તમારી લાગણીઓ વ્યક્ત કરતા પહેલાં તમે શાંત ન થઈ જાવ ત્યાં સુધી, કદાચ બીજા દિવસ સુધી પણ થોભવું? વાતાવરણથી દૂર જવું પણ મદદરૂપ થશે, કદાચ ફરવા માટે જવું અથવા કસરત કરવી. (નીતિવચન ૧૭:૧૪) પોતાની જીભને અંકુશમાં રાખીને, તમે દુઃખ પહોંચાડનાર કે મૂર્ખતાભરેલી વાત કહેવાથી બચી શકો છો.—નીતિવચન ૧૦:૧૯; ૧૩:૩; ૧૭:૨૭.
તરકટી અનાજ્ઞાંકિતતા
અનાજ્ઞાંકિતતાનો ફાંદો નિવારવો પણ જરૂરી છે. સોળ વર્ષની મીનાએ નોંધ લીધી કે તેનો નાનો ભાઈ કૌટુંબિક બાઇબલ અભ્યાસનો ભંગ કરતો ત્યારે તેને ક્યારેય સજા મળતી નહોતી. એને પક્ષપાત સમજીને નાસીપાસ થઈ તેણે “હડતાલ” કરી દીધી, અભ્યાસમાં ભાગ લેવાની ના પાડી દીધી. શું તમે અજુગતું અનુભવીને ચૂપકીદી સાધી છે અથવા ‘અસહયોગ ઝુંબેશ’ ચલાવી છે?
એમ હોય તો, સમજો કે આવી તરકટી યુક્તિઓ બાઇબલની આજ્ઞાથી વિપરીત છે કે પોતાનાં માબાપનું સન્માન કરવું અને તેમની આજ્ઞા માનવી. (એફેસી ૬:૧, ૨) ઉપરાંત, અનાજ્ઞાંકિતતા તમારાં માબાપ સાથેનો તમારો સંબંધ ધીમે ધીમે બગાડશે. એ સૌથી સારું થશે કે પોતાની સમસ્યાઓ વિષે પોતાનાં માબાપને વાત કરવી. નીતિવચન ૨૪:૨૬ બતાવે છે કે “જે સત્ય ઉત્તર આપે છે” તે બીજાઓનો આદરભાવ મેળવે છે. મીનાએ પોતાની માતા સાથે બાબત વિષે વાત કરી ત્યારે, તેઓ અરસપરસ સમજવા લાગ્યા અને બાબતો સુધરવા લાગી.
અલગતાનો ભય
પક્ષપાતનો સામનો કરવાની બીજી એક અયોગ્ય રીત છે પોતાના કુટુંબથી દૂર થવું અથવા ધ્યાન માટે અવિશ્વાસીઓ તરફ જોવું. કમલ સાથે એવું જ બન્યું: “હું પોતે મારા કુટુંબથી અલગ થઈ અને શાળામાં દુન્યવી મિત્રો બનાવીને તેમના તરફ ફરી. મેં છોકરાઓને પણ મારા મિત્ર બનાવ્યા, અને મારાં માબાપ એ જાણતા નહોતા. પછી હું ખૂબ જ ઉદાસીન થઈ ગઈ અને મારું અંતઃકરણ દોષિત થવા લાગ્યું, કારણ કે હું જાણતી હતી કે હું ખોટું કરી રહી હતી. હું એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગતી હતી, પરંતુ મને મારાં માબાપને કહેવાનો કોઈ રસ્તો સૂઝતો નહોતો.”
પોતાને પોતાના કુટુંબ અને સાથી વિશ્વાસીઓથી દૂર કરવા ભયજનક છે—ખાસ કરીને એ સમયે જ્યારે તમે બેચેન હોવ અને સ્પષ્ટ રીતે વિચારી શકતા ન હોવ. નીતિવચન ૧૮:૧ ચેતવણી આપે છે: “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” એ સમયે તમને તમારાં માબાપ સાથે વાત કરવી અઘરું લાગતું હોય તો, નીતિવચન ૧૭:૧૭માં વર્ણવવામાં આવ્યું છે એવો જ એક ખ્રિસ્તી મિત્ર શોધો: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” સામાન્ય રીતે એવો ‘સાચો મિત્ર’ મંડળના પરિપક્વ સભ્યોની વચમાં મળી જાય છે.
કમલને પોતાની જરૂરતના સમયમાં ‘સાચો મિત્ર’ મળી ગયો: “સરકીટ નિરીક્ષકે [પ્રવાસી સેવક] અમારા મંડળની મુલાકાત લીધી ત્યારે, મારાં માબાપે મને તેમની સાથે કામ કરવા ઉત્તેજન આપ્યું. તે અને તેમના પત્નિ ખૂબ જ સમજદાર હતા, અને તેઓએ મારામાં સાચો રસ બતાવ્યો. હું તેમની સાથે ખુલ્લી રીતે વાત કરી શકી. મને એવું ન લાગ્યું કે તેઓ મને ઠપકો આપશે. તેઓ સમજ્યા કે એક ખ્રિસ્તી તરીકે ઊછર્યા એનો એ અર્થ નથી કે તમે સંપૂર્ણ છો.” કમલને તેમના ઉત્તેજન અને પરિપક્વ સલાહની જ જરૂર હતી.—નીતિવચન ૧૩:૨૦.
ઈર્ષાનો ભય
નીતિવચન ૨૭:૪ ચેતવણી આપે છે: “ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?” ભાઈ કે બહેનની ઈર્ષા અને અદેખાઈને કારણે અમુક યુવાનો અવિચારી પગલાં ભરવા ઉશ્કેરાયા છે. એક સ્ત્રીએ સ્વીકાર્યું: “હું નાની હતી ત્યારે, મારા વાળ પાતળા, વાંકોળિયા અને ભૂરા હતા અને મારી બહેનના સુંદર સોનેરી વાળ તેની કેડ સુધી લટકતા હતા. મારા પિતા તેના વાળના હંમેશા વખાણ કરતા. તે તેને પોતાની ‘રપુનઝલ પરી’ કહેતા હતા, જેમકે એક જર્મન દંતકથામાં છોકરીના સુંદર વાળ હતા તેવી. એક રાતે તે ઊંઘી રહી હતી ત્યારે, મેં મારી માતાની કાતર લીધી, ધીરેથી ચાલીને તેની પથારી સુધી ગઈ અને મેં તેના બની શકે એટલા વાળ કાપી નાખ્યા.—અદેખાઈ રહિત ભાઈબહેનો (અંગ્રેજી), અડેલ ફેબર અને ઈલેઈન મેઝલીશ દ્વારા.
તો પછી, એ આશ્ચર્યની વાત નથી કે બાઇબલમાં અદેખાઈને “દેહનાં” દુષ્ટ “કામ” તરીકે ગણવામાં આવી છે. (ગલાતી ૫:૧૯-૨૧; રૂમી ૧:૨૮-૩૨) છતાં પણ, આપણ સર્વમાં “ઈર્ષાનું વલણ” છે. (યાકૂબ ૪:૫ NW.) એથી તમારા મનમાં પોતાના ભાઈ કે બહેનને તકલીફમાં નાખવા, તેમને ખરાબ દેખાડવા, કે અન્ય કોઈ રીતે તેમને ઠેકાણે લાવવાના તરકટ આવે તો, ઈર્ષા તમારા “દ્વારે સંતાઈ રહે છે,” તમારા પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા કોશિશ કરે છે!
તમને ખબર પડે કે તમારી અંદર એવી નુકશાનકારક લાગણીઓ ઘર કરી રહી છે તો તમારે શું કરવું જોઈએ? પ્રથમ, દેવને તેમના આત્મા માટે પ્રાર્થના કરવાનો પ્રયાસ કરો. ગલાતી ૫:૧૬ કહે છે: “આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.” (સરખાવો તીતસ ૩:૩-૫.) પોતાના ભાઈ કે બહેન પ્રત્યે પોતાની સાચી લાગણી પર વિચાર કરવો પણ મદદ કરી શકે છે. શું તમે વાસ્તવમાં એવું કહી શકો છો કે તમે તેમના પ્રત્યે કંઈક પ્રેમ અનુભવ નથી કરતા—પોતાની ખીજ હોવા છતાં? વારુ, શાસ્ત્રવચનો આપણને જણાવે છે કે “પ્રીતિ અદેખાઈ કરતી નથી.” (૧ કોરીંથી ૧૩:૪) એથી નકારાત્મક, અદેખાઈ-ઉશ્કેરતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું તરછોડો. તેને અથવા તેણીને તમારાં માબાપ તરફથી ખાસ ધ્યાન મળી રહ્યું હોય તો, તેમની સાથે આનંદ કરવાનો પ્રયાસ કરો.—સરખાવો રૂમી ૧૨:૧૫.
પોતાનાં માબાપ સાથે વાતચીત કરવી પણ આ સંબંધી મદદરૂપ થઈ શકે છે. તેઓને તમારા પ્રત્યે વધારે ધ્યાન બતાવવાની જરૂર વિષે ખાતરી થઈ જાય તો, એનાથી તમને તમારા ભાઈબહેનો પ્રત્યે અદેખાઈની લાગણીઓને દૂર કરવામાં મોટી મદદ મળશે. પરંતુ ઘરમાં બાબતો સુધરતી ના હોય અને પક્ષપાત ચાલુ રહે તો શું? ગુસ્સે થશો નહિ, બૂમબરાડા પાડશો નહિ, અથવા પોતાનાં માબાપ વિરુદ્ધ બળવો પોકારશો નહિ. મદદપૂર્ણ, આજ્ઞાંકિત વલણ જાળવી રાખવા પ્રયાસ કરો. જરૂર હોય તો, ખ્રિસ્તી મંડળમાં પરિપક્વ લોકોનો ટેકો શોધો. સર્વ ઉપરાંત, યહોવાહ દેવની નિકટ આવો. ગીતકર્તાના શબ્દો યાદ રાખો: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૦.
[Footnotes]
a અમુક નામો બદલવામાં આવ્યાં છે.
b સજાગ બનો!ના નવેમ્બર ૮, ૧૯૯૭ના અંકમાં “શા માટે મારા ભાઈ પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવે છે?” લેખ જુઓ.
[Caption on page ૨૪]
તમારી અવગણના સમજાવવાથી એનો હલ કરી શકો