મગજ પર હુમલો!
ઔદ્યોગિકરણ પામેલા પશ્ચિમી દેશોમાં મરણ અને કાયમી અપંગતાનું એક મુખ્ય કારણ મગજ પરનો હુમલો છે. “સ્ટ્રોક” શબ્દનો અર્થ જ અચાનક બનાવ દર્શાવે છે, જે રીતે “મગજ પર હુમલો” થાય છે. એક પળે તમને એકદમ જ સારું હોય, અને બીજી જ પળે, તમને એક મોટી વિજળીના ઝાટકા જેવું લાગી શકે–મગજનો મોટો હુમલો અચાનક જ તમારું જીવન બદલી નાખી શકે. એ નિર્દયપણે તમને અપંગ અને ખોડખાંપણવાળા કરી નાખે છે, તમને મૂંગા બનાવી દઈ શકે, તમારી લાગણીઓને પાયમાલ કરી નાખી શકે, તમારી જ્ઞાનપ્રાપ્તિની ક્ષમતાને અને તમારાં વ્યક્તિત્વને બદલી નાખી શકે, અને તમને અને તમારા કુટુંબને સામાન્ય જીવન પાછું મેળવવું અત્યંત અઘરું બનાવી દઈ શકે.
ઈલેન મોર્ગનનો વિચાર કરો.a બુધવારે, ઈલેન એક તંદુરસ્ત, ૬૪ વર્ષિય કાર્યરત વ્યક્તિ હતી. ગુરુવારે, તેમના પતિ સાથે ખરીદી કરતી વખતે, ઈલેને અચાનક જ પોતાની બોલવાની ક્ષમતા ગુમાવી દીધી, અને તેમનું મોઢું વિકૃત થઈ ગયું. તેમનું શરીર નબળું પડી ગયું, અને જાણે કે દારૂ પીધેલી સ્થિતિમાં હોય એમ તે લથડી પડ્યા. ઈલેનને મોટો સ્ટ્રોક આવી રહ્યો હતો!
a બીમાર વ્યક્તિઓ અને તેઓનાં કુટુંબોને ધ્યાનમાં રાખી અમુક નામો બદલવામાં આવ્યાં છે.
સ્ટ્રોકના પરિણામે, ઈલેનને એટલી અપંગતા આવી ગઈ કે તે સાદી બાબત પણ જાતે ન કરી શકતી, જેમ કે જાતે નાહવું કે તૈયાર થવું. લખી, ગૂંથી, કે સીવી ન શકવાને કારણે તે બેહદ રડતા અને સખત થાક લાગતો. આ બધુ થયું હોવા છતાં, ઈલેનની વિચારશક્તિને હાનિ પહોંચી ન હતી; છતાં, જ્યારે તેમને લાગતું કે કદાચ બીજાઓ પોતાને એક બોથડ વ્યક્તિ તરીકે જોતા હશે ત્યારે તેમને શરમ આવતી હતી. પછીથી, ઈલેન જણાવે છે: “આ અચાનક ફેરફારનો હુમલો વ્યક્તિને લાગણીમય અને માનસિક રીતે જે અસર પહોંચાડે છે તે વિષે બહું થોડા જ સમજી શકે છે. મને એવું લાગતું હતું કે જાણે કે મારા જીવનનો અંત આવી ગયો હતો.”
સ્ટ્રોક થવાનું કારણ શું છે? શું સ્ટ્રોક દરેકને સરખી જ અસર કરે છે? એમાંથી બચી ગયેલાઓ કઈ રીતે આ બીમારીનો સામનો કરે છે? સ્ટ્રોકમાંથી બચી ગયેલાઓનાં કુટુંબીજનો કઈ રીતે એને પહોંચી વળે છે? ટેકો આપવા આપણે બધા શું કરી શકીએ? સજાગ બનો! આ સવાલોને તપાસે છે અને તમને સ્ટ્રોકનો ભોગ બનેલાઓ અને તેમનાં કુટુંબીજનો, જે તેઓનાં વિગ્રહમાં સહભાગી થાય છે, તેઓના સંપર્કમાં લાવે છે.