સ્ટ્રોક
એનું કારણ
“ મગજ શરીરનું સૌથી નાજુક અંગ છે,” એમ યુનિવર્સિટી ઑફ વૅસ્ટર્ન ઓન્ટારીઓ, લંડન, કેનેડાના ન્યુરોલોજીસ્ટ ડૉ. વલ્ડીમીર હાશીન્સ્કી જણાવે છે. શરીરના વજનના ફક્ત ૨ ટકા વજન ધરાવતું, આ મગજ દસ અબજ કરતાં વધુ જ્ઞાનતંતુઓ ધરાવે છે, જે આપણા દરેક વિચારો, હલનચલન, અને લાગણીઓ પેદા કરવામાં સતતપણે કાર્યરત છે. મગજ સતતપણે પ્રાણવાયુ અને ગ્લુકોઝ પર શક્તિ માટે આધાર રાખે છે, જે તેને ધમનીની અટપટી વ્યવસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે.
છતાં, મગજના કોઈ ભાગને થોડીક સેકન્ડ માટે પણ પ્રાણવાયુની અછત પડે તો, તે જ્ઞાનતંતુઓના નાજુક કાર્યને નુકસાન પહોંચાડે છે. આ થોડીક મિનિટો કરતાં વધારે ચાલે તો, મગજ પર હુમલો થાય છે, જ્યારે તેના કાર્યસહિત મગજના તંતુઓ મરણ પામે છે. આ સ્થિતિને ઇસ્કેમીયા કહેવામાં આવે છે, જે મુખ્યત્વે આર્ટરી બંધ થઈ જવાથી પરિણમે છે. મગજના તંતુઓ પર વધારાની હાનિ પરિણમે છે જ્યારે પ્રાણવાયુની ખામીને કારણે બીજા પ્રાણઘાતક પ્રવાહીનું વહેણ શરૂ થાય છે. અને પરિણામ સ્ટ્રોક (પક્ષઘાત) છે. રક્ત વાહિનીઓ ફાટવાથી મગજ લોહીથી તરબોળ થઈ જાય અને એના સંબંધિત માર્ગોનો સંપર્ક તૂટી જાય ત્યારે પણ સ્ટ્રોક થઈ શકે. એથી સ્નાયુઓમાં થતાં રાસાયણિક અને વિદ્યુતીય વહેણમાં અટકાવ થાય છે અને તેથી મગજના તંતુઓને હાનિ પહોંચે છે.
એની અસર
દરેક સ્ટ્રોક જુદો હોય છે, અને એ દરેકને જુદી જુદી રીતે અસર કરી શકે છે. જોકે સ્ટ્રોકની બધી જ શકય અસરો દરેકને સહન કરવી પડતી નથી. તેમ છતાં, તેની અસર થોડી કે પછી ગંભીર અને દુઃખદાયક હોય શકે. મગજના જે ભાગ પર સ્ટ્રોકનો હુમલો થયો હોય એ નક્કી કરે છે કે શરીરના કયા અવયવો જડ થયા છે.
સામાન્ય અસર ઉપર કે નીચલા ભાગના અવયવો નબળા પડી જવા કે પછી લકવો થઈ જવો એ છે. સામાન્યપણે, એ શરીરના એક બાજુના ભાગને, ખાસ કરીને મગજના જે ભાગ પર સ્ટ્રોકનો હુમલો થયો હોય એની વિરુદ્ધના ભાગને અસર કરે છે. તેથી, જમણી-બાજુના મગજના નુકસાનથી ડાબી-બાજુના અવયવોને, અને ડાબી-બાજુના મગજના નુકસાનથી જમણી-બાજુના અવયવોને લકવો થાય છે. અમુક દર્દીઓ તેઓનાં હાથ અને પગનો ફરીથી ઉપયોગ કરી શકે છે, પરંતુ ઘણી વખત તેઓના સ્નાયુઓ એટલા ધ્રુજે છે કે અંગ ગમે તે દિશામાં હલી ઉઠે છે. ઘણી વખત ભોગ બનેલાઓ નવશિખાઉ સ્કેટીંગ કરનાર, જે પોતાનું સમતોલન જાળવવાની કોશિશ કરી રહ્યા હોય તેના જેવા લાગે છે. ન્યૂયૉર્ક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના ડૉ. ડેવિડ લેવીન કહે છે: “તેઓ જાણતા નથી કે તેમનું અંગ હલનચલન કરી રહ્યું છે કે નહિ, કે તે ક્યાં છે.”
બચી ગયેલાઓમાંના ૧૫ ટકાથી વધુને ખેંચ આવે છે, જે બેકાબૂ હલનચલનમાં પરિણમે છે, અને સમયથી સમય બેભાન પણ બની જાય છે. વળી, દુઃખાવો અને સંવેદનાની લાગણીમાં ફેરફારો અનુભવવું સામાન્ય છે. સ્ટ્રોકમાંથી બચેલી એક વ્યક્તિ જેના હાથ અને પગમાં સતતપણે બહેર મારી ગયા હોય એવું અનુભવે છે, એ કહે છે: “અમુક રાત્રિએ મારા પગને કંઈક અડકે એટલે હું જાગી ઉઠું છું કારણ કે જાણે મને ઇલેક્ટ્રિક શૉક અપાતો હોય એવું લાગે છે.”
સ્ટ્રોકનો હુમલાનું પરિણામ ‘બેવડું દેખાવું’ અને ખોરાક ગળવાની મુશ્કેલી ઉભી કરી શકે. મોઢા અને ગળાની મધ્યેના સંવેદનાવાહકોને નુકસાન પહોંચ્યું હોય તો, સ્ટ્રોકના દરદીને વધુ મુશ્કેલી સહન કરવી પડી શકે, જેમ કે લાળ ઝરવી. પાંચ ઈન્દ્રિયોમાંથી કોઈને પણ અસર થઈ શકે, જેમાં દૃષ્ટિ, સાંભળવું, સૂંઘવું, ચાખવું, અને સ્પર્શવું, એમાં અસર પડી શકે.
વાતચીત કરવાની સમસ્યા
તમે કલ્પના કરો કે એક ઝાંખા અજવાળાવાળી શેરીમાં બે મોટા અજાણ્યા વ્યક્તિ દ્વારા તમારો પીછો થઈ રહ્યો છે. પાછળ નજર નાખતા, તમે તેઓને તમારી તરફ ધસી આવતા જોઈ શકો છો. તમે મદદ માટે ચીસ પાડવાની કોશિશ કરો છો, પરંતુ અવાજ બહાર આવતો નથી! આવી સ્થિતિમાં તમે જે હતાશા અનુભવશો તેની શું તમે કલ્પના કરી શકો છો? સ્ટ્રોકનો ભોગ બનેલાઓ આવું જ અનુભવે છે જ્યારે તેઓ પોતાની બોલવાની ક્ષમતા ગુમાવે છે.
વિચારો, લાગણીઓ, આશા, અને ભયો વિષે વાતચીત ન કરી શકવું—જાણે કે મિત્રો અને કુટુંબીજનોથી વિખૂટા પડી જવું—એ સ્ટ્રોકના સૌથી વધુ પાયમાલ કરનારાં પરિણામોમાંનું એક છે. સ્ટ્રોકમાંથી બચી ગયેલી એક વ્યક્તિ તેનું આમ વર્ણન કરે છે: “દરેક વખતે હું પોતાને વ્યક્ત કરવા ઇચ્છું છું ત્યારે મારા મોઢામાંથી કંઈ શબ્દ નીકળતા નથી. મને શાંત રહેવું પડે છે અને મૌખિક કે લેખિત કોઈ પણ આજ્ઞાઓ હું સમજી શકતો નથી. જે શબ્દો સંભળાતા હતા . . . તે જાણે કે મારી આસપાસનાં લોકો કોઈક પરદેશી ભાષા બોલતા હોય એમ લાગતું હતું. હું કંઇ સમજી શકતો ન હતો તેમ જ કોઈ ભાષાનો ઉપયોગ કરી શકતો ન હતો.”
જોકે, ચાર્લ્સ, તેને કહેવામાં આવતું તે સમજી શકતો હતો. પરંતુ પ્રત્યુત્તર આપતા, તે લખે છે: “મારે કહેવું હોય તે શબ્દો હું ગોઠવતો, પરંતુ તે ગોટાળાભર્યા અને ખોટા સ્વરૂપે રજૂ થતા હતા. ત્યારે મને એમ લાગતું કે હું મારા પોતામાં જ ગોંધાઇ ગયો છું.” સ્ટ્રોક: દર્દી માટે માર્ગદર્શિકા (અંગ્રેજી), પુસ્તકમાં આર્થર જોસેફ સમજાવે છે: “વાત કરતી વખતે એક સો કરતાં વધારે સ્નાયુઓ સાથે કામ કરે છે અને એમાંના દરેક સ્નાયુઓ આશરે સો કરતાં પણ વધારે મોટર યુનીટ્સ દ્વારા નિયંત્રિત થાય છે. . . . દરેક સેકન્ડની વાત કરવા માટે આશ્ચર્યચકિતપણે ૧,૪૦,૦૦૦ ન્યુરોમસ્કયુલર બનાવોની જરૂર પડે છે. તો શું એમાં કંઈ નવાઈ છે કે આ સ્નાયુઓને નિયંત્રિત કરતા મગજના ભાગને ઇજા થવાથી ગોટાળાભરી વાણી પરિણમે?”
સ્ટ્રોકને કારણે વાણીના ભાગોમાં ઘણી ગૂંચવણભરી ઘટનાઓ ઉભી થાય છે. દાખલા તરીકે, જે વ્યક્તિ બોલી શકતી નથી તે કદાચ ગીત ગાઈ શકે. બીજાઓ કદાચ આવેશમાં આવીને કંઇક બોલી શકે પરંતુ પોતાની ઇચ્છાથી નહિ. અથવા, બીજી તર્ફે, કેટલાક સતતપણે બોલ્યા જ કરે. બીજાઓ શબ્દો અથવા વાક્યો વારંવાર બોલ્યા કરે અથવા અયોગ્યપણે શબ્દો વાપરે, જેમ કે હા કહેવું હોય ત્યારે ના, અને ના કહેવું હોય ત્યારે હા. બીજાઓ પોતે વાપરવા ઇચ્છે છે એ શબ્દો જાણતા હોય શકે, પરંતુ મગજ તેઓના મોં, હોઠ, અને જીભને તે કહેવા માટે દોરતું નથી. અથવા તેઓ સ્નાયુની અશક્તિને કારણે અસ્પષ્ટ ઉચ્ચાર કરીને વાણી બોલશે. કેટલાક શબ્દો પર વધુ પડતા મોટા અવાજ સહિત ભાર આપશે.
સ્ટ્રોકની બીજી હાનિ લાગણીમય સૂર નિયંત્રિત કરતા મગજના ભાગનો બગાડ હોય શકે. એનું પરિણામ લાગણીવિહીન વાણી થઈ શકે. અથવા બીજાઓની લાગણીનો સૂર સમજવામાં તકલીફ થઈ શકે. આવા પ્રકારની વાતચીતની મુશ્કેલીના કારણે કૌટુંબિક સભ્યો વચ્ચે તીરાડ ઉભી થઈ શકે. જ્યોર્જ સમજાવે છે: “સ્ટ્રોક મોઢાના હાવભાવ અને વક્તવ્યોને અસર કરતું હોવાથી આખું વ્યક્તિત્વ અસર પામે છે, અને અમે પહેલાં એકબીજા સાથે હળીમળી શકતા તેમ હવે કરી શકતા નથી. મને એમ લાગે છે કે જાણે મારી પત્ની એક બીજી જ વ્યક્તિ છે, જેને મારે નવેસરથી ઓળખવાની જરૂર છે.”
લાગણીમય અને વ્યક્તિત્વમાં ફેરફારો
અનુચિતપણે મનોભાવના બદલાવી, એકદમ રડવું અથવા હસવું, હદ ઉપરાંત ગુસ્સે થવું, અજાણી શંકાની લાગણી ઉભી થવી, અને વધુ પડતું દુઃખદપણું અનુભવવું એ બધુ ગૂંચવાળાભરી લાગણી અને વ્યક્તિત્વમાં ફેરફારોનો એક ભાગ છે જે સ્ટ્રોકનો ભોગ બનીને બચેલાઓ અને તેમના કુટુંબીજનોને સહન કરવા પડે છે.
ગિલ્બર્ટ નામનો સ્ટ્રોકનો ભોગ બનેલ વ્યક્તિ જણાવે છે: “ઘણી વખત, હું લાગણીવશ થઈ જાઉં છું, નાની નાની બાબતમાં પણ હસવા લાગું છું કે પછી રડવા લાગું છું. કોઈક વખત, હું હસુ છું ત્યારે, કોઈક પૂછે કે, ‘શા માટે તમે હસી રહ્યા છો?’ અને હું ખરેખર તેઓને કાંઈ કહી શકતો નથી.” આ, અને સમતુલા જાળવવાની સમસ્યા સહિત સહેજ ખોડાપણાંનો અનુભવ કરતા, ગિલ્બર્ટ કહે છે: “હું જાણે કે કોઈ બીજાના શરીરમાં હોઉં એવું અનુભવું છું, જાણે કે હું કોઈક બીજી વ્યક્તિ છું, હું મારા સ્ટ્રોક પહેલાં હતો તેવી વ્યક્તિ નથી રહ્યો.”
મન અને તનના નુકસાનભર્યા ફેરફારો સહિત જીવવાથી, મોટા ભાગનાઓ લાગણીમય પરિવર્તન અનુભવે છે. હીરોયુકી, જે સ્ટ્રોકને કારણે વાણીમાં અડચણ અનુભવતો હતો અને અમુક માત્રામાં લકવાની અસર અનુભવતો હતો તે જણાવે છે: “સમય પસાર થતો ગયો પણ મારી તબિયતમાં સુધારો ન થયો. હું અગાઉની જેમ કામ નહિ કરી શકું એ જાણીને, હું નિરાશામાં ડૂબી ગયો. હું બીજી બાબતોને અને લોકોને દોષ દેવા લાગ્યો અને લાગતું હતું કે જાણે મારી લાગણીઓનો મોટો ઊભરો આવશે. હું પુરુષાતન દેખાડી શકતો ન હતો.”
ભય અને ચિંતા સ્ટ્રોકનો ભોગ બનેલ વ્યક્તિ માટે સામાન્ય છે. ઈલેન જણાવે છે: “હું દબાણ અનુભવું છું ત્યારે ભાવિમાં સ્ટ્રોક થાય એવા ડરને કારણે હું અસલામતી અનુભવું છે. હું પોતે નકારાત્મક બાબતો વિષે વિચારું તો ઘણી જ ભયભીત થઈ ઉઠું છું.” રોન પોતે જે ચિંતાઓનો સામનો કરે છે તે વિષે જણાવે છે: “ઘણી વખત સાચા નિષ્કર્ષ પર આવવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. એક સાથે બે કે ત્રણ કોયડાઓનો ઉકેલ લાવવો મારી માટે મૂંઝવણભર્યું છે. હું એટલું જલદીથી ભૂલી જાઉં છું કે થોડી મિનિટો પહેલાં કરેલો નિર્ણય પણ યાદ રાખી શકતો નથી. પરિણામે, હું ઘણી વાર શરમજનક ભૂલો કરી બેસું છું, અને તે મારી માટે તેમ જ બીજાઓ માટે અડચણરૂપ બની જાય છે. થોડાં વર્ષોમાં હું કેવો હોઈશ? શું હું સરખી રીતે વાત કરી શકીશ અથવા શું હું ગાડી ચલાવી શકીશ? હું મારી પત્ની માટે બોજરૂપ બની જઈશ?”
કુટુંબના સભ્યો પણ ભોગ બને છે
તો પછી, એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફક્ત સ્ટ્રોકનો ભોગ બનેલ વ્યક્તિ એકલા જ આ દુ:ખદ પરિણામો સહન કરતા નથી. તેઓનાં કુટુંબોનો પણ એમાં સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં એક વખતના હોશિયાર બોલનાર અને મહેનતુ વ્યક્તિ અચાનક જ તેઓની સમક્ષ, બીજાઓ પર આધારિત નાના બાળક જેવા બની બેસે એ જોવું ખરેખર આઘાતજનક છે. કૌટુંબિક સંબંધો અઘરા થઈ શકે જેમ તેઓને કદાચ સામી વ્યક્તિની જવાબદારી લેવી પડે.
ઘાતકી અસરોને હરુકો આ રીતે જણાવે છે: “મહત્ત્વની બાબતો વિશેની યાદગીરી મારા પતિએ ગુમાવી હતી. જે કંપની તે ચલાવતા હતા અમારે તે કાઢી નાખવી પડી અને અમારું ઘર અને મિલકત ગુમાવવી પડી. સૌથી દુઃખની બાબત એ છે કે મારા પતિ સાથે છૂટથી વાત કરવી શકય નથી અથવા સલાહ માટે તેમની તરફ ફરવું શકય નથી. રાત છે કે દિવસ તે બરાબર ન સમજી શકતા હોવાથી ઘણીવાર તે રાત માટેના પોતાના રક્ષણાત્મક ડાઇપર્સ કાઢી નાંખે છે. જોકે અમે જાણીએ છીએ કે એવો સમય આવશે જ્યારે તેમની હાલત બગડશે છતાં, એમની સ્થિતિ સ્વીકારવી અમારે માટે ઘણું અઘરું છે. અમારી સ્થિતિ હવે એકદમ ઊંધી થઈ ગઈ છે, કેમકે હવે મારી દીકરી અને હું મારા પતિની કાળજી રાખનારા બન્યા છીએ.”
“સ્ટ્રોકનો ભોગ બનેલાની કાળજી રાખવી, પછી ભલે તમે તેઓને ગમે તેટલાં ચાહતાં હો—ઘણીવાર હતાશ કરી નાખનારુ બની શકે.” એમ ઈલેન ફન્ટલ શીમ્બર્ગ, સ્ટ્રોકસ: કુટુંબોએ શું જાણવું જોઈએ (અંગ્રેજી)માં જણાવે છે. “દબાણો અને જવાબદારીઓ ઓછા થતાં નથી.” ઘણા કિસ્સાઓમાં કુટુંબનાં જે સભ્યો સારી કાળજી પૂરી પાડે છે, એ કાળજી રાખનારના સ્વાસ્થ્ય, લાગણી, અને આત્મિકતાને હાનિકારક પણ નીવડી શકે. મારિયા જણાવે છે તેની માતાના સ્ટ્રોકને કારણે તેના જીવન પર ઘણી અસર પડી: “હું તેમની મુલાકાત દરરોજ કરું છું, અને આત્મિક રીતે મજબૂત બનાવવા કોશિશ કરું છું, તેમની સાથે વાંચુ છું અને પ્રાર્થના કરું છું, અને પછી હેત કરું છું, વળગું છું અને ચુંબન કરું છું. જ્યારે હું ઘરે આવું છું ત્યારે લાગણીમયરીતે થાકી જાઉં છું—કેટલીક વખત એટલી હદ સુધી કે મને ઉલટી આવે છે.”
કેટલાક કાળજી રાખનારાઓ માટે સૌથી અઘરી બાબત વર્તનમાં આવેલો ફેરફાર છે. ન્યુરોસાયકોલોજીસ્ટ ડૉ. રોનાલ્ડ કેલ્વેનીઓ અવેક!ને જણાવે છે: “તમારો રોગ મગજના ઉપરના આવરણના કાર્યને અસર કરે—જે વ્યક્તિને વિચારવા પ્રેરે છે—ત્યારે આપણે વ્યક્તિનાં મૂળ વ્યક્તિત્વને હાથ ધરવું પડે છે, તેથી અમુક હદે એ માનસિક નુકસાન કુટુંબનું આખું વાતાવરણ તદ્ન બદલી નાખે છે.” યોશીકો જણાવે છે: “માંદગી પછી મારા પતિ સાવ જ બદલાઈ ગયા છે, નાની નાની બાબતમાં પણ ગુસ્સે થઈ જાય છે. તેવા સમયે હું સાચે જ હતાશ થઈ જાઉં છું.”
ઘણી વખત, વ્યક્તિત્વના ફેરફારો કુટુંબ બહારનાઓ નોંધી ન પણ શકે. તેથી, કેટલાક કાળજી રાખનારાઓ એકલવાયાપણું અનુભવે છે અને પોતાનો બોજો એકલે હાથે ઉપાડે છે. મીડોરી સમજાવે છે: “સ્ટ્રોકે મારા પતિને માનસિક અને લાગણીમય રીતે અપંગ બનાવી દીધા છે. તેમને ઉત્તેજનની ઘણી જ જરૂર છે. છતાં, તે કોઈની સાથે એ વિષે વાત જ કરતા નથી અને પોતાની જાતે જ સહન કરે છે. તેથી હવે એ મારા પર છે કે હું તેમને લાગણીમય રીતે મદદ કરું. મારા પતિના દરરોજ બદલાતા સ્વભાવને કારણે મને અઘરું લાગે છે અને ઘણી વાર ભય પણ લાગે છે.
સ્ટ્રોક તેઓનાં જીવનમાં જે ફેરફાર લાવે છે તેથી તેમાંથી બચનારા અને તેઓનાં કુટુંબીજનો કઈ રીતે સહન કરે છે? આપણાંમાંના દરેક કઈ રીતે આ પાંગળી કરી નાખનારી અસરો સહન કરી રહેલાઓને ટેકો આપી શકીએ? આપણો બીજો લેખ સમજાવશે.
ચેતવણીરૂપ ચિહ્નો
• અચાનક નબળાઈ કે અંગ જડ થઈ જાય, અથવા ખાસ કરીને શરીરની એક બાજુના અંગોમાં, મોં, હાથ, અથવા પગમાં લકવાનો અનુભવ કરવો
• અચાનક ઝાંખુ અથવા ધૂંધળું દેખાવું, ખાસ કરીને એક આંખમાં; ‘બેવડું જોવું’
• બોલવામાં અથવા સહેલાં વાક્ય સમજાવવામાં મુશ્કેલી
• ચક્કર આવવા અથવા સમતોલન ગુમાવી દેવું, ખાસ કરીને બીજા ચિહ્નો સાથે ભેગાં
ઓછાં સામાન્ય ચિહ્નો
• અચાનક, અવર્ણનીય, અને સખત માથાનો દુઃખાવો, મોટે ભાગે જેને “કદી થયો હોય તેનાથી ભયંકર” દુઃખાવા તરીકે વર્ણવવામાં આવેલ.
• અચાનક ઉલટી થવી અને તાવ આવવો—ઝડપનાં પ્રમાણમાં વાયરલ માંદગીઓથી ભિન્ન (ઘણાં દિવસોને બદલે ફક્ત થોડી મિનિટો કે કલાકો)
• સભાનાવસ્થા ટૂંક સમય માટે ગુમાવવી અથવા સભાનતામાં ઘટાડો (બેભાન થવું, ગૂંચવણમાં પડી જવું, કંપારી છુટવી, કોમા)
ચિહ્નોની અવગણના ન કરો
ડૉ. ડેવિડ લેવીન અરજ કરે છે કે આ ચિહ્નો જણાય ત્યારે, દરદીએ “શક્ય તેટલાં જલદી દવાખાનાના તાત્કાલિક સારવાર વિભાગમાં પહોંચી જવું જોઈએ. પુરાવાઓ છે કે સ્ટ્રોકના પહેલાં થોડાં કલાકોમાં જ સારવાર કરવામાં આવે તો, કદાચ મોટું નુકસાન રોકી શકાય.”
ઘણી વખત આ ચિહ્નો બહુ થોડાં સમય માટે દેખાય અને પછી અદૃશ્ય થઈ જાય. આ બનાવ ‘ટીઆઇએ’ તરીકે જાણીતો છે, અથવા ટ્રાન્સીયન્ટ ઇસ્કેમીક એટૅક. તેની અવગણના ન કરો, કદાચ એ ગંભીર સ્ટ્રોક હોય શકે. ડૉક્ટર એના મૂળને અટકાવી શકે અને ભાવિમાં સ્ટ્રોકની શક્યતાને ઘટાડી શકે.
નૅશનલ સ્ટ્રોક એસોશીએશન, ઇગલવુડ, કોલોરાડો, યુ.એસ.એ દ્વારા પૂરી પાડેલી દોરવણીમાંથી સંકલિત.